ચૈતસિક ચિત્રકાર પોલ્ગે પ્રેતાત્માઓની સહાયથી લોકોના મૃત સ્વજનોના હૂબહૂ પોટ્રેટ દોરતી હતી!

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
ચૈતસિક ચિત્રકાર પોલ્ગે પ્રેતાત્માઓની સહાયથી લોકોના મૃત સ્વજનોના હૂબહૂ પોટ્રેટ દોરતી હતી! 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- એક માધ્યમે તેના વિશે ભવિષ્યવાણી કરી હતી કે તે આગળ જતા એક ચૈતસિક ચિત્રકાર બનશે. હકીકતમાં તેવું જ થયું

કો રલ પોલ્ગે નામની ચૈતસિક ચિત્રકારે અનેક લોકોને મૃત્યુ પછીના અસ્તિત્વમાં માનતા કરી દીધા છે. તેનો જન્મ ૧૯૨૪માં લંડનમાં થયો હતો. તે એક અદ્ભુત માધ્યમ હતી અને નામાંકિત કલાકારોના પ્રેતાત્માઓ થકી ભૂતકાળ-વર્તમાનકાળ અને ભવિષ્યકાળના સાવ અજાણ્યા લોકોના હૂબહૂ રેખાચિત્રો (Portraits)દોરી કાઢતી હતી. જે પ્રેતાત્માઓ તેને ચૈતસિક રીતે પોટ્રેટ દોરવા મદદ કરતા તેમાં સૌથી આગળ પડતા હતા ફ્રેન્ચ પાસ્ટલ પોટ્રેટ આર્ટિસ્ટ મોરિસ ડી લા ટુર (Maurice de la Tour). કોરલ પોલ્ગેને ૧૯૭૮માં 'સ્પિરિચ્યુઆલિસ્ટ ઓફ ધ યર' એવોર્ડ પ્રાપ્ત થયો હતો. ૨૦૦૧માં તેનું મરણ થયું હતું.

ચૈતસિક માધ્યમ ચિત્રકાર કોરલ પોલ્ગે (Coral Polge) સેંકડો વર્ષો પૂર્વે મરણ પામેલા લોકોના તેમની આગવી વિલક્ષણતા મુજબના સચોટ માહિતી અભિવ્યક્ત કરતા ચિત્રો દોરી કાઢતી હતી. તેની ચૈતસિક શક્તિ ભૂતકાળની મૃત વ્યક્તિઓના ચિત્રો દોરવા પર સીમિત નહોતી, તે વર્તમાનમાં દૂર દૂર રહેતા કોઈપણ વ્યક્તિના સગા-સંબંધી કે ઓળખીતાના પણ ચિત્રો તત્કાળ દોરી આપતી. ભારે વિસ્મય ઉપજાવે એવી વાત તો એ હતી કે કોઈ સ્ત્રીને જન્મનાર બાળક અમુક ઉંમરે તેના બાળપણ કે યુવાનીમાં કેવો ચહેરો ધરાવતું હશે તે પણ સચોટ દોરી આપતી. તેણે આ રીતે જે સ્ત્રીઓને ભૂતકાળમાં આવા સ્કેચ કે પોટ્રેટ દોરી આપ્યા હતા તે પાછળથી એટલી ઉંમરે બિલકુલ મળતા આવતા હતા.

કોરલના માતા-પિતા આધ્યાત્મિક અભિરૂચિ ધરાવતા હતા અને સ્પિરિચ્યુઅલ હિલિંગની શક્તિ પણ ધરાવતા હતા. બાળપણમાં તેના માતા-પિતા એકવાર તેની સાથે હેરો સ્પિરિચ્યુઆલિસ્ટ ચર્ચની મુલાકાતે ગયા ત્યારે એક માધ્યમે તેના વિશે ભવિષ્યવાણી કરી હતી કે તે આગળ જતા એક ચૈતસિક ચિત્રકાર બનશે. હકીકતમાં તેવું જ થયું. કોરલને ચિત્રો દોરવામાં રસ તો હતો જ. તેણે હેરો આર્ટ સ્કૂલ ખાતે તેની તાલીમ પણ લીધી હતી. પણ તે તો ટેક્ષ્ટાઈલ ડિઝાઈનર બનવા માંગતી હતી. તેને પોટ્રેટ દોરતા આવડતા નહોતા અને તે માટે તેની કોઈ ઈચ્છા પણ નહોતી. તે ૨૩ વર્ષની વયે સ્પિરિચ્યુઆલિસ્ટ ચર્ચ સાથે જોડાઈ ત્યારે મૃતાત્મા જગત સાથે તેના સંપર્ક શરૂ થઈ ગયા હતા. ૧૯૫૦ પછી ઘટનાઓએ એવો પલટો ખાધો કે તે પોટ્રેટ દોરતી થઈ ગઈ અને ચૈતસિક શક્તિથી મૃતાત્માઓ સાથે સંપર્ક સાધી તેમના ચહેરાને તાદ્રશ જોતી હોય તેમ હૂબહૂ દોરવા લાગી. કોરલ તેની શક્તિનું સ્પષ્ટીકરણ કરતાં કહેતી 'ઓટોમેટિક રાઈટિંગ'માં બને છે તેમ મૃતાત્મા તેના હાથ પર કાબૂ ધરાવી અદ્રશ્ય રીતે તેની પાસે ચિત્રો દોરવતા નથી, પણ તેને એવી આંતરિક પ્રેરણા આપે છે જેનાથી સહજ રીતે તે ચિત્રો દોરાઈ જાય છે. તે કશો જ વિચાર કે કલ્પના સુદ્ધાં કરતી નથી. તેના થકી ચિત્રો આપમેળે દોરાઈ જાય તેમ પ્રગટ થઈ જાય છે. I just feel people coming...  

ઘણીવાર અજાણી વ્યક્તિઓના ચિત્રો દોરાતા તે કોના છે તે શોધવામાં મુશ્કેલી ઊભી થતી. એટલે પછી તેણે પોતાના ઓળખીતા, સગા-સંબંધી કે પ્રયોગ દરમિયાન સામે બેઠેલા લોકો સાથે સંકળાયેલા વ્યક્તિઓના ચિત્રો દારવા શરૂ કર્યા. આને લીધે તેની ચૈતસિક શક્તિની સચ્ચાઈ પુરવાર થઈ જતી. તેણે પબ્લિક પ્રોગ્રામો દરમિયાન જાહેર જનતા સમક્ષ આવા અસંખ્ય પ્રોગ્રામો કર્યા હતા. આવા એક જાહેર કાર્યક્રમ દરમિયાન એક સ્ત્રી પોતાનો પરિચય આપ્યા વગર કોરલ પાસે આવીને કહેવા લાગી - હું તારી પાસે એક ખાસ વ્યક્તિનું ચિત્ર દોરાવવા આવી છું. હું તે વ્યક્તિ કોણ છે તેનું નામ નહીં આપું. તું તારી ચૈતસિક શક્તિથી તે જાણી લે કે હું કોનું ચિત્ર દોરાવવા આવી છું અને તે સ્પષ્ટપણે દોરી બતાવ. તે સ્ત્રી સ્વીડનના અર્થશાસ્ત્રી, ડિપ્લોમેટ, સેકન્ડ સેક્રેટરી- જનરલ ઓફ યુનાઈટેડ સ્ટેટસ દાગ હેમરસોલ્ડ (Dag Hammarskjold) ની જીવનકથા લખતી હતી. દાગ હેમરસોલ્ડ ઈ.સ. ૧૯૬૧ના સપ્ટેમ્બરની અઢારમી તારીખે આફ્રિકાના ઝામ્બિયાના નડોલા નજીક એર ક્રેશમાં મરણ પામ્યા હતા. તે સ્ત્રી આ પૂર્વે અનેક માધ્યમોને મળી ચૂકી હતી. તેમાંના એક માધ્યમ થકી દાગ હેમરસોલ્ડે જણાવ્યું હતું કે તે ચૈતસિક ચિત્રકાર દ્વારા પોતાની વાત પ્રગટ કરશે આ વાતની કોરલને ખબર નહોતી. તેના મન સાથે વિખ્યાત મુત્સદ્દી દાગ હેમરસોલ્ડનો મૃતાત્મા જોડાયો તે સાથે કોરલ થકી તેમના જીવનના વિવિધ તબક્કાઓના ચિત્રો પ્રગટ થવા લાગ્યા. જેમાં એક ચિત્ર તો એમના બાલ્યકાળનું હતું જેમાં માત્ર ૨ વર્ષની ઉંમરના બાળક દાગ તેમની માતાના ઢીંચણ પર બેઠેલા હતા. તેમના લાંબા વાળ હતા અને તેમને ખાસ પ્રકારનો પોશાક પહેરાવેલો હતો. તે મહિલા પાસે દાગના પુષ્કળ ફોટાઓનું આલ્બમ હતું તેમાં એવો ફોટો હતો જ. આવા દુર્લભ પ્રકારના ફોટાનું ચિત્ર કોરલે દોરી કાઢ્યું તે જોઈ તે દાગની જીવનકથા લખનાર મહિલા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ હતી. દાગ હેમરસોલ્ડે કોરલના માધ્યમ થકી ચિત્રો પ્રગટ કરી પોતાના જીવનના અનેક સંસ્મરણો રજૂ કર્યા હતા.

એક જાહેર કાર્યક્રમમાં કોરલ પોલ્ગેએ એક મૂછોવાળા આધેડ વયની વ્યક્તિનો પોટ્રેટ દોર્યો. પછી તે મોટા સ્ક્રીન પર પ્રોજેક્ટ કર્યો અને સભાગૃહના લોકોએ કહ્યું - આ ચિત્ર ધ્યાનથી જુઓ. આ વૃદ્ધ વ્યક્તિ જેના સગા કે સંબંધી હોય તેણે ઊભા થઈને જણાવવું કે તેનો આમની સાથે શો સંબંધ છે. આ વ્યક્તિના જે સગા કે સંબંધી અહીં હોલમાં અત્યારે હાજર છે તેના નામ સાથે 'ગ્રીન' શબ્દ જોડાયેલો છે. આ કાર્યક્રમ નિહાળવા આવેલી સેલિસબરીની ફિલિસ ટીમ્સ એ પોટ્રેટ જોતાની સાથે તેમાં દોરાયેલ વ્યક્તિને ઓળખી ગઈ કે તે તેના દાદા હર્બર્ટ રાઈટ છે. તેણે ઊભા થઈને જાહેર કર્યું કે આ મારા દાદા હર્બટ રાઈટનું ચિત્ર છે. તે એમના ફોટાને હૂબહૂ મળતું આવે છે. પણ મારું નામ ફિલિસ ટીમ્સ છે. તેમાં ગ્રીન શબ્દ ક્યાંય સંકળાયેલો નથી. કોરલે દ્રઢતાપૂર્વક કહ્યું - 'મને તો તમારા દાદા હર્બર્ટ રાઈટના મુખેથી તમારા માટે આ શબ્દ બોલતો સંભળાયો છે. ફિલિસ ટીમ્સના મસ્તિષ્કમાં એક ઝબકારો થયો - તેને યાદ આવ્યું - તે બહુ નાની હતી ત્યારે તેના કુટુંબીજનો તેને 'ગ્રીન' કહીને સંબોધતા હતા. ખાસ કરીને તેના દાદા તો તેને તે હૂલામણા નામથી જ બોલાવતા. પોતાના દાદાનો આત્મા યાદ કરી રહ્યો છે તે જોઈ ફિલિસની આંખમાં આંસુ આવી ગયા. કોરલ પોલ્ગે કહેતા - 'મારા થકી કોનો આત્મા પ્રગટ થઈ કેવું પોટ્રેટ દોરાવશે તેની મને પણ ખબર હોતી નથી. બીજા જેટલા વિસ્મયથી તેને જુએ તેટલા વિસ્મયથી હું પણ તેને જોઉં છું કે તે ભૂતકાળ કે ભવિષ્યકાળની કઈ શાખામાંથી કઈ વ્યક્તિના સંબંધથી દોરાયો હશે !'


Google NewsGoogle News