Get The App

રહસ્યમય પીનિયલ ગ્લેન્ડ - તૃતીય નેત્ર ક્રિયાન્વિત થતાં અનેકવિધ ચૈતસિક શક્તિઓ પ્રકટ થાય છે!

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
રહસ્યમય પીનિયલ ગ્લેન્ડ - તૃતીય નેત્ર ક્રિયાન્વિત થતાં અનેકવિધ ચૈતસિક શક્તિઓ પ્રકટ થાય છે! 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- બન્ને ભ્રમરની વચ્ચે આવેલા કોશ સમૂહને યોગવિજ્ઞાનમાં આજ્ઞાચક્ર કહે છે. ઘણા માને છે કે પીનિયલ ગ્લેન્ડ એ જ આજ્ઞાચક્ર છે. આજ્ઞાચક્ર તૃતીય નેત્રથી દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરે છે. 

થો ડા સમય પૂર્વે શરીર વિજ્ઞાનીઓ પીનિયલ ગ્લેન્ડ, પિટયુટરી એક્સિસ અને હાઈપોથેલેમિક ટિશ્યુઓને વેસ્ટિજિયલ ઓર્ગન્સ  (vestigial organs)  નિરર્થક અંગો માનતી હતી પણ હવે તેમની માન્યતા ધરમૂળથી બદલાઈ ગઈ છે. હવે તેમને એ ઓર્ગન્સનું અસાધારણ મહત્વ સમજાયું છે. આમાં પીનિયલ ગ્રંથિનું પણ અદકેરું સ્થાન છે. અર્વાચીન સમયના કેટલાક વિજ્ઞાનીઓ માને છે કે ઘણા સમય પહેલાં મસ્તિષ્કની વચ્ચે બન્ને ભ્રમરની મધ્યમાં એક ત્રીજું નેત્ર અસ્તિત્વ ધરાવતું હતું જે પાછળથી આ પીનિયલ ગ્લેન્ડના રૂપમાં ફેરવાઈ ગયું ! આ ગ્રંથિ એ ત્રીજી આંખ  (Third Eye) નું જ એક બદલાયેલું રૂપ છે જે એની અંદર અગણિત રહસ્યોને છુપાવી રાખે છે.

પહેલાં પીનિયલ ગ્લેન્ડનો આકાર આંખ જેવો જ હતો. એમાં રૃંવાદાર એક લેન્સનું પ્રતિરૂપ હોય છે અને એમાં પારદર્શક દ્રવ્ય પણ હોય છે. એ ઉપરાંત પ્રકાશ સંવેદી કોશિકાઓ અને અન્ય વિકસિત રેટિના પણ જોવા મળે છે. પીનિયલ ગ્રંથિનો એક નાનકડો અંશ શારીરિક કાર્યવાહી માટે ઉપયોગી બને છે. શરીર વિજ્ઞાનીઓ કહે છે માનવીના શારીરિક વિકાસ અને અન્ય કેટલાક ક્રિયાકલાપો માટે એની બહુ મોટી ભૂમિકા હોય છે. જો એનું સંતુલન ખોરવાઈ જાય તો અનેક પ્રકારની શારીરિક-માનસિક સમસ્યાઓ પેદા થઈ શકે છે. પીનિયલ ગ્લેન્ડનું વજન માંડ એકાદ-બે મિલિગ્રામ જેટલું હોય છે. આ ગ્રંથિનો બીજો એક ભાગ તો મોટેભાગે પ્રસુપ્ત, ઉપયોગ થયા વિનાનો હોય છે જો એ જાગૃત થઈ જાય તો ઘણી બધી અલૌકિક શક્તિઓ પ્રગટ થઈ જાય છે. તેને ક્રિયાન્વિત કરવાથી અનેકવિધ ચૈતસિક શક્તિઓ ઉદ્ભવે છે.

બન્ને ભ્રમરની વચ્ચે આવેલા કોશ સમૂહને યોગવિજ્ઞાનમાં આજ્ઞાચક્ર કહેવામાં આવે છે. ઘણા એવું માને છે કે પીનિયલ ગ્લેન્ડ એ જ આજ્ઞાચક્ર છે. આજ્ઞાચક્ર તૃતીય નેત્રથી દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરે છે. તે રેડિયો કે ટેલિવિઝન સેટના અતિ સૂક્ષ્મ ક્રિસ્ટલ કે ચુંબક ઘટકથી પણ વધારે સૂક્ષ્મ અને શક્તિશાળી છે જે અદ્રશ્ય અને આશ્રાવ્ય ધ્વનિ તરંગોને તથા પ્રકાશ કિરણોને પોતાની તરફ આકૃષ્ટ કરે છે, એમને ગ્રહણ કરે છે અને ફરીથી જોઈ શકાય અને સાંભળી શકાય એવા કંપનો રૂપે પરિવર્તિત કરી દે છે. આ આજ્ઞાચક્ર ખૂલે એટલે દૂરદર્શન અને દૂરશ્રવણ જેવી અતીન્દ્રિય ક્ષમતા પ્રાપ્ત થાય છે. આજ્ઞાચક્રથી જ છઠ્ઠી ઈન્દ્રિય જાગૃત થાય છે. ઘણીવાર સ્વપ્નમાં ભવિષ્યદર્શન થઈ જાય છે એનું કારણ પણ આ આજ્ઞાચક્ર કે પીનિયલ ગ્લેન્ડ જ છે. સ્વપ્નાવસ્થામાં આંખો બંધ રહે છે, બીજી જ્ઞાનેન્દ્રિયો પણ વિશ્રામની સ્થિતિમાં હોય છે, કર્મેન્દ્રિયો પણ નિષ્ક્રિય હોય છે. આને લીધે બન્ને ભ્રમરની વચ્ચેની 'ઓપ્ટિક ચિયાસ્મ (ચિયાસ્મા) - optic chiasm (chiasma)ની આસપાસની કોશિકાઓ સક્રિય થાય છે અને સ્વપ્નની અનુભૂતિ કરાવે છે. સ્નાયુ વિજ્ઞાનીઓ કહે છે કે આજ્ઞાચક્રનું જ્યાં કેન્દ્ર છે ત્યાં રહેલી આ કોશિકાઓમાંથી નિરંતર ઈલેકટ્રોમેગ્નેટિક તરંગો નીકળે છે. એમની શક્તિ એક્ષ રે કે લેસર કિરણોથી પણ વધારે છે. તે સંકલ્પથી સંચાલિત અને નિયંત્રિત થાય છે.'

ભગવાન શિવજીએ ત્રીજું નેત્ર ખોલીને એમાંથી નીકળેલા પ્રચંડ શક્તિશાળી કિરણોથી કામદેવને બાળી નાંખ્યો હતો. એ રીતે દમયંતીએ શિકારીને ભસ્મીભૂત કરી દીધો હતો. આ પ્રાચીન કાળની પુરાણ કથાની કાલ્પનિક વાત માત્ર છે એવું નથી. ઈટાલીના નાના સરખા ફોર્મિયા (Formia) નગરમાં ૧૯૭૩માં જન્મેલો બેનેદેટ્ટો સુપિનો (Benedetto Supino) દસ વર્ષનો થયો ત્યારે કોઈ અજ્ઞાત કારણોથી તેનામાં આવી શક્તિ પ્રગટ થઈ હતી. તે એક ડેન્ટલ ક્લિનિકમાં બેઠો હતો અને તેના હાથમાં રહેલી કોમિક બુકને અનિમેષ નજરે નિહાળી રહ્યો હતો ત્યાં જ એકાએક તે પુસ્તક સળગવા લાગ્યું હતું. તે વખતે તેને તેનું કારણ સમજાયું નહોતું. થોડા દિવસ બાદ તે પથારીમાં સૂતો હતો અને તેના કપડાંને ધારીને જોઈ રહ્યો હતો ત્યાં એકાએક તેમાં આગ લાગી હતી અને તેનાથી તે દાઝી પણ ગયો હતો. પછી તેને ખ્યાલમાં આવ્યું હતું કે તેનામાં એક વિલક્ષણ શક્તિ પ્રગટ થઈ છે કે તે જેની સામે એકીટસે જુએ છે તેને આગ લાગી જાય છે. એટલે તે કોઈ વસ્તુ કે વ્યક્તિની સામે અનિમેષ નજરે સતત જોતો નહોતો.

ઈટાલિયન પેરાસાઈકોલોજિસ્ટ ડિમિટ્રિયસ ક્રોસ (Demetrius Croce) પાસે તેને લઈ ગયા ત્યારે તેમણે તેને અગ્નિ જ્વાળાને કેવી રીતે કાબૂમાં રાખવી અને તેને ઓલવી દેવી તેનું પ્રશિક્ષણ આપ્યું હતું એટલે તે વારંવાર એની આસપાસ પ્રગટતી આગથી બચી શક્યો હતો.

'ધ એસ્પન ઈન્સ્ટીટયૂટ ઈટાલિયા એવોર્ડ ફોર સાયન્ટિફિક રિસર્ચ એન્ડ કોલાબોરેશન બિટવીન ઈટાલી એન્ડ ધ યુનાઈટેડ સ્ટેટસ' પ્રાપ્ત કરનાર ઈટાલીના વિજ્ઞાની માર્સિયો બી. મેલિન્ડેઝ  (Marcio B. Melendez) દ્વારા બેનેદેટ્ટો સુપિનો પર ઘણા પ્રયોગો કરાયા હતા. સર્વપ્રથમ તેણે તેની એકાગ્ર દ્રષ્ટિથી કાગળ અને રૂને સળગાવી બતાવ્યા હતા. બીજા એક પ્રયોગ વખતે તેણે તેની એકાગ્ર દ્રષ્ટિથી કપડામાં પણ આગ લગાડી બતાવી હતી. જ્યારે તેણે એક વિજ્ઞાની સામે નજર કરી ત્યારે તેની ચામડી સૂર્યના પ્રખર તાપમાં ઊભા રહેવાથી બળવા લાગે એમ બળવા લાગી હતી. થોડી વધારે વાર તેણે તેના સામે નજર ટકાવી રાખી ત્યારે તે ગરમી સહન ન થતાં બૂમો પાડીને ત્યાંથી નાસી ગયો હતો. ડૉ. માર્સિયોએ તેના પર વૈજ્ઞાનિક સંશોધન કરી જણાવ્યું હતું કે ખરેખર તેની આંખોમાંથી વસ્તુને બાળી નાંખે તેવા દાહક ઊર્જા તરંગો નીકળે છે.

પ્રકાશમાં અગ્નિ સમાયેલો છે એ ઉપરાંત જબરદસ્ત ઊર્જા અને વિદ્યુત શક્તિ પણ તેમાં છે. શરીરની ભીતરની સ્થિતિનું ચિત્રાંકન કરવાની એક્સરેની કામગીરી એનાથી જ થાય છે. મેસર અને લેઝર કિરણો પણ તેનાથી જ બને છે. અમેરિકન ભૌતિક વિજ્ઞાની ચાર્લ્સ ટોવનિસને ૧૯૬૪માં નિકોલે બેઝોવ અને એલેકઝાન્ડર પ્રોખોરોવ સાથે સંયુક્ત પ્રકારનું ભૌતિક વિજ્ઞાનનું નોબલ પ્રાઈઝ મળ્યું હતું. તેમણે મેઝર કિરણો પર સંશોધન કર્યું હતું. તેના સંવર્ધિત રૂપે લેઝર કિરણો અસ્તિત્વમાં આવ્યા હતા. લેઝર કિરણો પ્રચંડ શક્તિ ધરાવે છે. અત્યારે અમેરિકામાં એવા મશીન બનાવવામાં આવ્યા છે જે એક જ લેઝર કિરણથી ૫૦ કરોડ વોટ જેટલી વિદ્યુત શક્તિ પેદા કરે છે. શિવ ગતિશીલ ઊર્જાનું સૂચન કરે છે. એમના ત્રીજા નેત્રમાંથી નીકળતા મોટા મોટા પર્વતોને પણ બાળી નાંખનાર કિરણો એ લેઝર કિરણોનું જ પ્રતીકાત્મક આલેખન છે.


Google NewsGoogle News