Get The App

સ્વપ્નમાં થયેલો પૂર્વાભાસ ભવિષ્યમાં સાચો સાબિત થાય છે!

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
સ્વપ્નમાં થયેલો પૂર્વાભાસ ભવિષ્યમાં સાચો સાબિત થાય છે! 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- ભવિષ્યમાં બનનારી ઘટના વર્તમાનમાં એક પ્રકારના સૂક્ષ્મ તરંગો ઉત્પન્ન કરે છે જેને સાઈકોટ્રોનિક વેવ ફન્ટ કહેવાય છે

મ હર્ષિ પતંજલિ યોગદર્શન, વિભૂતિ પાદ અધ્યાય-૩માં કહે છે - 'પરિણામત્રયસંયમાદ્ અથીત અનાગત જ્ઞાનમ્ - કોઈપણ પદાર્થના ત્રણે પરિણામમાં સંયમ એટલે કે ધારણા-ધ્યાન-સમાધિ કરવાથી ભૂતકાળ અને ભવિષ્યકાળનું જ્ઞાન થઈ જાય છે.' (શ્લોક - ૧૬) અમેરિકાની સરે યુનિવર્સિટી (University of surrey) ના ઓર્ગેનિક કેમેસ્ટ્રીના પ્રોફેસર, સ્કૂલ ઓફ કેમેસ્ટ્રી એન્ડ કેમિકલ એન્જિનિયરિંગના હેડ, મેડિસિનલ કેમેસ્ટ્રીના સંશોધક વિખ્યાત રસાયણ વિજ્ઞાની ડૉ. એડ્રિઅન ડોબ્બસ (Adrian ztuçcm) દ્વારા મન અને ચેતના વિશે નોંધપાત્ર રિસર્ચ કરાઈ છે. એમાં તેમણે ચેતનાની પરિવર્તિત દશા (Altered state of consciousness) માં સાઈકોટ્રોનિક (Psychotronic) અસરો વિશે વિસ્તૃત ગહન સંશોધન કર્યું છે. તે જણાવે છે કે ભવિષ્યમાં બનનારી ઘટના વર્તમાનમાં એક પ્રકારના સૂક્ષ્મ તરંગો ઉત્પન્ન કરે છે જેને સાઈકોટ્રોનિક વેવ ફન્ટ કહેવાય છે. તેને માનવીનું મસ્તિષ્ક ચેતનાની બદલાયેલી દશામાં ગ્રહણ કરી લે છે. મસ્તિષ્ક મોટેભાગે સ્વપ્ન અવસ્થામાં કે ધ્યાનની આલ્ફા તરંગો વહેતા હોય એવી દશામાં આ તરંગોને પકડી લે છે જેનાથી તે વ્યક્તિને અતીત - વીતી ગયેલા ભૂતકાળનું અને અનાગત - આવેલા ન હોય તેવા ભવિષ્યકાળનું જ્ઞાન થઈ જાય છે. આનો પારિભાષિક શબ્દ છે - Precognition fu premonition. આપણે તેને ભવિષ્યનું પૂર્વજ્ઞાન કહી શકીએ. કેટલીય વ્યક્તિઓને ભવિષ્યમાં બનનારી ઘટનાઓનો પૂર્વાભાસ અંત:સ્કૂરણાને આધારે ચેતન, અચેતન કે સ્વપ્નાવસ્થામાં થઈ જતો હોય છે. બધા સ્વપ્નો સાચા નથી હોતા એ રીતે બધા સ્વપ્નો ખોટા પણ નથી હોતા. સ્વપ્નમાં થયેલા પૂર્વાભાસ ભવિષ્યમાં હકીકત પુરવાર થાય એવી અનેક ઘટનાઓ બની છે.

ઈગ્લેન્ડના જ્હોન વિલિયમ્સ નામના એક નાગરિકને ૧૮૧૨ના મે મહિનાના પહેલાં અઠવાડિયામાં એવું સ્વપ્ન આવ્યું કે બ્રિટનના તત્કાલીન પ્રધાનમંત્રી સ્પેન્સર પર્સીવલની હત્યા થઈ રહી છે. તેણે જોયું કે પાર્લામેન્ટના જ એક ભાગમાં પર્સીવલે ચાલી રહ્યા છે. એક માણસ અચાનક તેમની સામે આવીને તેમના પર ગોળી છોડી તેમને વીંધી નાખે છે. તે વખતે પર્સીવલે સફેદ રંગનો પોશાક પહેર્યો હતો. જ્હોન વિલિયમ્સને એ હત્યારાનો ચહેરો પણ સ્પષ્ટ દેખાય છે. હત્યા કર્યા પછી તે નાસી જતો નથી પણ પહેલા જ્યા બેઠો હતો ત્યાં જ પાછો બેસી જાય છે. પ્રધાનમંત્રી લથડિયું ખાઈને પડી જાય છે અને ત્રુટક શબ્દોમાં કંઈક બોલે છે. પોતાના આ ભયાનક સ્વપ્નની વાત વિલિયમ્સે પાર્લામેન્ટનાં કેટલાક સભ્યોને કરી અને સુરક્ષા અધિકારીઓને પણ કરી. પણ કોઈએ તેના તરફ ધ્યાન આપ્યું નહીં.

થોડા દિવસ બાદ ૧૧ મે ૧૮૧૨ને સોમવારના રોજ સાંજે લગભગ પોણા પાંચ વાગે હકીકતમાં એ ઘટના બની. ૪૯ વર્ષની વયના સ્પેન્સર પર્સીવલ હાઉસ ઓફ કોમન્સની લોબીમાં ચેમ્બરમાં જવા માટે દાખલ થયા. ચિમની પાસે ચુપચાપ બેઠેલો એક માણસ ઊભો થઈ તેમની તરફ ચાલવા લાગ્યો. તેણે તેના ઓવરકોટમાંથી પિસ્તોલ કાઢી અને પર્સીવલ પર ગોળી મારી દીધી. ગોળી તેમની છાતીમાં જ વાગી. તે લથડિયું ખાઈ જમીન પર પડી ગયા અને બોલી ઉઠયા - મારી હત્યા કરવામાં આવી છે. હત્યારો હત્યા કર્યા પછી ભાગી ના ગયો. તે પાછો ચિમની પાસે જઈ ત્યાં જ બેસી ગયો. વિલિયમ સ્મિથ નામના સાંસદ તેમને ઊભા કરી જેમ તેમ કરી ટેકો આપી સ્પીકરના ચેમ્બરમાં લઈ ગયા અને ત્યાં સુવડાવી દીધા. જો કે સર્જન આવે તે પહેલાં તેમનું મરણ થઈ ગયું.

એ દરમિયાન હત્યારાને લોબીમાંથી પકડી લેવામાં આવ્યો હતો - તેનું નામ જ્હોન બેલિંગહેમ હતું. તેણે જણાવ્યું - સરકારે મારી ફરિયાદોના નિવારણ માટે પ્રયાસ ના કર્યો. તે માટે મનાઈ કરી દીધી. એટલે મેં હત્યા કરી દીધી. એને ફાંસીની સજા થઈ અને ૧૮ મેના રોજ ન્યૂ ગેટમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યો જ્હોન વિલિયમ્સે સ્વપ્નમાં જે જોયું હતું તે બિલકુલ સાચું પડયું. પર્સીવલની હત્યા થઈ તે વખતે તેમણે સફેદ પોશાક જ પહેરેલો હતો. તેમની છાતીમાં ગોળી મારીને જ પાર્લામેન્ટના એક ભાગમાં જ હત્યા કરી દેવાઈ હતી. જ્હોન વિલિયમ્સે સ્વપ્નમાં જોઈ હતી અને બધાને જણાવી હતી તે બધી જ બાબતો સાચી પુરવાર થઈ હતી.

ભારતના બીજા વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીના મરણ અંગે પણ બે વ્યક્તિઓને પ્રિકોગ્નિશન થઈ ગયું હતું. તે બન્નેને આ પૂર્વજ્ઞાન સ્વપ્નમાં જ થયું હતું. લાલબહાદુર શાસ્ત્રી તાશ્કંદ કરાર કરવા રશિયા આવ્યા ત્યારે ત્યાં ઉચ્ચતર માસ્ટર ડીગ્રીનો અભ્યાસ કરતી દોમ અસ્પોરાંતીર નામની વિદ્યાર્થિની ભારત અને લાલબહાદુર શાસ્ત્રીજી માટે ખૂબ આદર ધરાવતી હોવાથી એમને મળવા ઉત્કંઠા ધરાવતી હતી. એ દિવસો દરમિયાન તેણે લાલબહાદુર શાસ્ત્રીના આકસ્મિક મરણને લગતું ખરાબ સ્વપ્ન જોયું. તેણે સ્મશાનમાં રખાયેલો તેમનો મૃતદેહ પણ જોયો. તેણે શાસ્ત્રીજીની નિકટમાં રહેનારા ઉદયકુમારને આ સ્વપ્ન વિશે વાત કરી અને કહ્યું - 'જો હું તાજેતરમાં એમને જોઈ અને મળી નહીં શકું તો પછી જિંદગીમાં ક્યારેય એ શક્ય નહીં બને.' ઉદયકુમારે તેને ૯ જાન્યુઆરી ૧૯૬૬ના રોજ તાશ્કંદ પ્રાચ્ય ભાષા સંસ્થાનમાં ઉઠવાયેલ શાસ્ત્રીજીનું પ્રવચન સાંભળવા આવવાનું કહ્યું. તે દિવસે તે સમયે દોમ અસ્પોરાંતીર અચુકપણે ત્યાં પહોંચી ગઈ. તેણે તેમનું પ્રવચન સાંભળ્યું અને ઉદયકુમારની ગોઠવણથી તે થોડીવાર માટે તેમને મળી પણ ખરી. તેણે પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો. થોડી ચર્ચા વિચારણા પણ કરી. જો કે પોતાના સ્વપ્નની વાત તેમને મોઢા મોઢ કહી ના શકી.

એ જ દિવસે એટલે કે ૯ જાન્યુઆરીના રોજ રાત્રે ઉદયકુમારને પણ દોમ અસ્પોરાંતીર જેવું જ સ્વપ્ન આવ્યું. એમાં તેમણે જોયું કે તે તેમના મિત્ર સાથે લાલબહાદુર શાસ્ત્રીને વિદાય આપવા એરપોર્ટ જવાની તૈયારી કરી રહ્યા છે. ત્યાં દોમ તેમની પાસે આવીને કહે છે - 'શાસ્ત્રીજીનું તો મરણ થઈ ગયું છે હવે તમે એમને મળી નહીં શકો. હવે તો એમનો મૃતદેહ ભારત લઈ જવાશે.' ૧૦  જાન્યુઆરી ૧૯૬૬ના રોજ સવારે ઉદયકુમારે તેમની બાજુમાં જ રહેતી દોમ અસ્પોરાંતીરને કહ્યું - 'મને પણ કાલે રાત્રે સ્વપ્ન આવ્યું હતું એમાં તે જ મને જણાવ્યું કે લાલબહાદુર શાસ્ત્રીને હું હવે મળી નહીં શકું. તે તો મરણ પામ્યા છે.' કદાચ, તારા સ્વપ્નની વાતે મારા અચેતન મનમાં સૂચનો ઊભા કર્યા હશે અને તેનાથી એવું સ્વપ્ન આવ્યું હશે. હું કંઈ સ્વપ્નોની વાતને જરાય મહત્ત્વ આપતો નથી. ૧૧ જાન્યુઆરીના રોજ શાસ્ત્રીજી કાબુલ જવાના હતા. ઉદયકુમાર એમના મિત્ર સાથે શાસ્ત્રીજીને વિદાય આપવા એરપોર્ટ પર જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યાં ડૉક્ટર પાંડેએ આવીને તેમને સમાચાર આપ્યા - 'લાલબહાદુર શાસ્ત્રીજીનું હ્ય્દયરોગનો તીવ્ર હુમલો થવાથી અચાનક જ મોત થઈ ગયું છે. આમ, દોમ અસ્પોરાંતીર અને ઉદયકુમારને આવેલું પૂર્વાભાસ સ્વપ્ન બિલકુલ સાચું સાબિત થયું.


Google NewsGoogle News