બ્રાઝિલની અભિશાપિત સુવર્ણનગરી શોધવા જનારા બધા રહસ્યમય રીતે ગુમ થઈ ગયા

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
બ્રાઝિલની અભિશાપિત સુવર્ણનગરી શોધવા જનારા બધા રહસ્યમય રીતે ગુમ થઈ ગયા 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- આ નગરી પ્રેતનગરી બની ગઈ છે તે તમારી વાત સાચી છે. મને અહીં ડરામણા પ્રેતાત્માઓ ભટકતા જોવા મળે છે

બ્રા ઝિલની ભૂતપૂર્વ રાજધાની 'રિયો-ડિ-જેનેરો'ના પુરાતત્વ અભિલેખાગારમાં ઈ.સ. ૧૭૩૪નો એક દસ્તાવેજ મુકવામાં આવ્યો છે. જેનો ક્રમાંક નંબર ૫૧૨ છે. એનો તલસ્પર્શી અને ઊંડો અભ્યાસ કરવા અનેક ઈતિહાસકારો, પુરાતત્વશાસ્ત્રીઓ અને સાહસિક સંશોધકો આવતા રહ્યા છે અને એનું અર્થઘટન કરી એમેઝોનના જંગલમાં ખોવાયેલ, દટાયેલ એક સ્વર્ણ નગરીનો ધનભંડાર મેળવવા પ્રયાસ કરતા રહ્યા છે. આ દટાઈ ગયેલ શહેરને 'ધ લોસ્ટ સિટી ઓફ ઝેડ (The Lost city of Z)' ઓળખવામાં આવે છે. દસ્તાવેજ અનુસાર બોલિવિયા અને બ્રાઝિલની સીમા પાસે આ ધ્વસ્ત નગરી હોવાનું મનાય છે.

અઢારમી સદીના આરંભમાં એક સંશોધક ટુકડીને એ જગ્યાએ દટાયેલા અતિ મૂલ્યવાન ખજાનાના સંકેત મળ્યા હતા એટલે એ એને શોધવા નીકળી હતી. ત્યાંના ખંડેરોમાં અનેક જગ્યાએથી સોના, ચાંદીના રત્નજડિત આભૂષણો મળી આવ્યા હતા એનાથી એવું પ્રતીત થતું હતું કે જો વધારે ઊંડાણમાં ખોદકામ કરવામાં આવે તો મોટા ધનભંડાર મળી આવે. સંશોધક ટુકડી જરૂરી જાણકારી મેળવી લીધા પછી પોતાની જગ્યાએ પાછી ફરી અને વધારે લોકોને મોકલવા પોતાના સાથીદારોને સંદેશો મોકલ્યો. પેરાગ્વે (Paraguay) નદીના તટ પર વસેલા આદિવાસીઓના હાથેથી તેમણે એ સંદેશાપત્ર મોકલ્યો. તેમાં એ સુવર્ણનગરીનો નકશો, ત્યાં દટાયેલી સંપત્તિ, તે જગ્યાએ પહોંચવાનો રસ્તો વગેરે વિગતો સાંકેતિક ભાષામાં લખી તે જ છે આ ૫૧૨ નંબરનો દસ્તાવેજ.

પેલો સંદેશાપત્ર એ લોકો પાસે પહોંચી ગયો જેમને માટે એ લખાયેલો હતો. એ લોકો વધારે માણસોની ટુકડી લઈને ત્યાં પહોંચી ગયા પણ વિસ્મયકારક બાબત એ બની કે જેમણે એ સંદેશો મોકલ્યો હતો એ સંશોધક ટુકડી આખી ગાયબ થઈ ગઈ હતી. એમાંની એકપણ વ્યક્તિ તેમને મળી નહીં. તે ક્યાં અને કેવી રીતે અદ્રશ્ય થઈ ગયા ? તેમના બધાના મરણ થઈ ગયા હોય તોય તેમના મૃતદેહ તો મળવા જોઈએ ને ? પણ તેય ક્યાંયથી ન મળ્યા. સહાય માટે ગયેલી ટુકડી નિરાશ થઈને પાછી આવી.

વિશ્વ વિખ્યાત ભૂગોળવેત્તા, પુરાતત્વશાસ્ત્રી કર્નલ પર્સી હેરિસન ફોસેટ (Percy Harrison Fawcett) ૧૯૨૧માં એ શહેરની તપાસ કરવા નીકળ્યા હતા પણ તેમને તે મળ્યું નહોતું. તેમણે તે શોધવા ૭ વખત પ્રયત્નો કર્યા પણ તેમાં સફળ ન થયા. એપ્રિલ અને મે ૧૯૨૫ના ગાળા દરમિયાન તે તેમના પુત્ર જેક, જેકના મિત્ર રેલે રિમેલ અને સ્થાનિક માર્ગદર્શકો સાથે ફરી તેને શોધવાના કામમાં લાગેલા હતા. તે વખતે મે મહિનામાં તેમણે તેમની પત્નીને પત્ર પણ લખ્યો હતો - 'આ પત્ર હું બહુ મુશ્કેલીથી લખી રહ્યો છું. અમે ટોરિનેડ સુધી પહોંચી ગયા છીએ. અમે એવી જગ્યાએ છીએ જ્યાં ડગલે પગલે મોત છે. અમે જલદી અહીંથી નીકળી જઈશું. હવે સોનાનું શહેર અમારાથી દૂર નથી. પણ જો અમે પાછા ન ફરીએ તો કોઈને પણ અમારી શોધમાં ન મોકલશો, કેમકે અમે ઈચ્છતા નથી કે જે મુસીબતો અમે ભોગવી તે બીજું પણ કોઈ ભોગવે.'

પત્રમાં કર્નલ પર્સી ફોસેટે અંતે જે આશંકા વ્યક્ત કરી હતી તેવું જ થયું. છેલ્લે તે, તેમનો પુત્ર જેક, તેનો મિત્ર રિમેલ બ્રાઝિલના મેટો ગ્રોસો પ્રદેશમાં ૨૯ મે ૧૯૨૫ના રોજ જંગલમાં ટ્રેકિંગ કરતા જોવા મળ્યા હતા. તે પછી તે બધા પહેલાના સંશોધકોની જેમ ગાયબ થઈ ગયા હતા. ૨૦૧૬માં બનેલી હોલીવુડ ફિલ્મ ધ લોસ્ટ સિટી ઓફ ઝેડ (The Lost City of Z) પર્સી ફોસેટ પર જ આધારિત છે.

થોડા સમય પછી કમાન્ડર જ્યોર્જ ડયોટની અધ્યક્ષતામાં બીજી એક ટુકડી તેની શોધમાં રવાના થઈ. તે ફોસેટના અંતિમ સંદેશાવાળા સ્થાનથી આગળ વધીને એક આદિવાસી ગામમાં પહોંચી જ્યાં કલાપલિસ કબીલાના લોકો રહેતા હતા. તેમના વિશે છેલ્લે આટલી જ માહિતી મળી. તે પછી તે આખી ટુકડી જાણે ગાયબ થઈ ગઈ હોય તેમ તેના પણ કોઈ સગડ ના મળ્યા. આ અભિયાન ત્યાં અટકી ના ગયું. સાહસિક સ્વભાવના સંશોધકો માથે મોત ઝઝૂમતું હોય તોય તે શોધ પુરી કરવાનું બીડું ઝડપતાં હોય છે. ૧૯૪૭માં લંડનના એક પ્રોફેસર એરિક હેમણ્ડ એ સ્વર્ણનગરીને શોધવા નીકળી ગયા. તેમણે દસ્તાવેજોના અત્યંત બારિકાઈથી અભ્યાસ કર્યો, એના ગૂઢ પ્રતીકોનો તાળો બેસાડયો. એમેઝોનના દુર્ભેદ્ય જંગલોને ખૂંદતા ખૂંદતા તે પિસ્કોટો નામના એક ગામમાં આવ્યા. ત્યાં ખ્રિસ્તી ધર્મના પ્રસારમાં પ્રવૃત્ત જોનાથન વેલ્સ નામના પાદરીને મળ્યા. જોનાથન વેલ્સ ત્યાં બાર વર્ષથી રહેતા હતા.

પ્રોફેસર એરિક હેમણ્ડે પાદરી સમક્ષ પોતાના આગમનનું કારણ રજુ કર્યું અને તે લુપ્ત નગરીને શોધવા તેમનાથી કોઈ મદદ થઈ શકે તો તે માટે અરજ પણ કરી. જો કે પાદરી હેમણ્ડે તેમને આ હેતુથી આગળ ન વધવા ખુબ સમજાવ્યા. પણ અડગ મનવાળા એરિકે પોતાની શોધ પુરી કરવાનો અફર નિર્ણય જાહેર કરી દીધો. પાદરીએ એમ પણ કહ્યું કે આગળ એવા હિંસક અને આસુરી શક્તિના પ્રભાવમાં રહેતા આદિવાસીઓ રહે છે જે ભારે મુસીબતો ઊભી કરે છે. એ સ્વર્ણનગરી અભિશાપિત અને પ્રેતાત્માઓના વસવાટવાળી બની ગઈ છે. કોઈક રીતે તમે ત્યાં પહોંચી પણ જાવ પણ તે પ્રેતાત્માઓના પ્રભાવથી બચવું શક્ય નથી. પાદરીના ચેતવ્યા પછી પણ હેમણ્ડે ત્યાં જવાનો નિર્ધાર જણાવ્યો. તે ત્યાંથી નીકળ્યા ત્યારે પાદરી મહોદયે તેમના પાળેલા ૧૩ કબૂતરો તેમને આપ્યા અને કહ્યું કે એક એક કરીને તે સમયાંતરે એમના પગ પર કાગળ બાંધી એમાં સંદેશો આપતા રહે જેથી તેમની માહિતી તે શોધ કેન્દ્રને પહોંચાડતા રહેશે.

એરિક હેમણ્ડે તો બધા જ કબૂતરો થકી સમયાંતરે સંદેશા મોકલ્યા પણ એ બધામાંથી માત્ર છઠ્ઠું, અગિયારમું અને તેરમું કબૂતર જ તેના થકી મોકલાયેલો સંદેશાપત્ર લઈને પાછું આવ્યું. બાકીના ૧૦ કબૂતરો રહસ્યમય રીતે મરણ પામ્યા. તેરમા કબૂતરના સંદેશા પરથી એ વાત જાણવા મળી કે એરિક હેમણ્ડ એ ખંડેર થઈ ગયેલી સ્વર્ણનગરી સુધી પહોંચી ગયો છે. તેણે બારમા કબૂતરના સંદેશામાં ત્યાં પહોંચવાનો માર્ગ જણાવ્યો છે એટલે તેમને તેની ખબર પડી ગઈ હશે. આ નગરી પ્રેતનગરી બની ગઈ છે તે તમારી વાત સાચી છે. મને અહીં ડરામણા પ્રેતાત્માઓ ભટકતા જોવા મળે છે. છેલ્લે તેણે લખ્યું હતું - 'મને ચિત્ર વિચિત્ર અનુભવો થઈ રહ્યા છે. હું કોઈ વિચિત્ર, ગંભીર, મરણતોલ બીમારીનો ભોગ બની ગયો છું. મને સ્પષ્ટ લાગે છે કે હું મરણ પામવાની તૈયારીમાં છું.' આની પહેલા બારમા કબૂતર થકી અહીં પહોંચવાનો જે માર્ગ મેં બતાવ્યો છે તે માર્ગે કોઈ મદદ મોકલી શકાય તો મોકલજો. જો કે હું ત્યાં સુધી જીવતો હોઈશ કે કેમ તે પ્રશ્ન છે. પાદરી જોનાથન વેલ્સ વિચારવા લાગ્યા - 'બારમા કબૂતર થકી સંદેશો આવ્યો હોત તો ત્યાં જવાનો માર્ગ ખબર પડત અને કોઈ સહાય મોકલવાનું ગોઠવી શકાત. પણ બારમું કબૂતર એના સંદેશા સાથે રહસ્યમય રીતે ગાયબ થઈ ગયું એટલે હવે કંઈ થઈ શકે તેમ નથી.' એરિક હેમણ્ડ પછી તે પ્રેતાત્માના પ્રભાવવાળી અભિશાપિત સ્વર્ણનગરીને શોધવાનો કોઈએ પ્રયાસ કર્યો નથી.


Google NewsGoogle News