Get The App

ઝેન બૌદ્ધ પરંપરાનું 'ઝઝેન ધ્યાન' અનેક પ્રકારના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ કરે છે!

Updated: Apr 16th, 2024


Google NewsGoogle News
ઝેન બૌદ્ધ પરંપરાનું 'ઝઝેન ધ્યાન' અનેક પ્રકારના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ કરે છે! 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- તમે જેવા અંદરની તરફ જોવા લાગો છો, એક અલગ જ દુનિયાના દ્વાર ખૂલી જાય છે. તમે અને તમારી દુનિયા બદલાઈ જાય છે. જૂનું છૂટી જાય છે, નવું પ્રકટ થાય છે

'ઝ ઝેન ધ્યાન' એ ઝેન પરંપરાનું એક ધ્યાન છે. ઝઝેન જાપાનિઝ શબ્દ છે જેનો અર્થ થાય છે બેઠેલી સ્થિતિમાં કરાતું ધ્યાન. પરંપરા પ્રમાણે ઝેનની ઉત્પત્તિ પ્રાચીન ભારતમાં થઈ. એક વાર ગૌતમ બુદ્ધે એક ફૂલ ઉપાડયું અને મહાકશ્યપે સ્મિત કર્યું. આ સ્મિત સાથે તેમણે દર્શાવ્યું કે તેમણે ધર્મના નિ:શબ્દ સારને સમજી લીધો છે. આ રીતે ધર્મ ઝેનના બીજા કુલ પિતા મહાશક્યપ સુધી પહોંચાડવામાં આવ્યો.

ઝેન શબ્દ મધ્ય ચીની શબ્દ ચાન (Chan) ના જાપાની ઉચ્ચારણ પરથી બન્યો છે, જે ચાન્ન (Channa) નું સંક્ષિપ્ત રૂપ છે. તે સંસ્કૃત શબ્દ 'ધ્યાન' નું લિપ્યંતરણ (બીજી લિપિમાં લખાયેલું રૂપ) છે. બૌદ્ધ ધર્મ ઈસ્વીસનની પહેલી શતાબ્દીમાં ભારતથી ચીન લઈ જવાયો હતો. પરંપરા અનુસાર ચાનને ધ્યાન શીખવનારા એક ભારતીય ભિક્ષુ બોધિધર્મ દ્વારા લગભગ ઈસ્વીસન ૫૦૦માં રજૂ કરાયો હતો. તે ઝેનના ૨૮મા ભારતીય કુલપતિ અને પ્રથમ ચીની કુલપતિ હતા. ઝેન પંદરેક સદી પહેલા ચીનમાં પ્રવર્તમાન મહાયાન બૌદ્ધ પંથની એક શાખા તરીકે પણ જોવાય છે.

ભારતીય પરંપરામાં ધ્યાન ચિંતનની જ એક પ્રક્રિયા છે પરંતુ ધ્યાનનું કાર્ય ચિત્તને એક લક્ષ્ય પર સ્થિર કરવાનું છે. સામાન્ય રીતે ઈશ્વર કે પરમાત્મામાં જ પોતાનો મનોનિયોગ એ રીતે કરવો કે કેવળ તેમાં જ નિમગ્ન થઈ જવાય અને ઈન્દ્રિયો બીજા કશા તરફ આકર્ષિત ન થાય તેનું નામ ધ્યાન, ધ્યાન કરવામાં આવતું નથી, પણ ધારણા કરતાં કરતાં ધ્યાન લાગી જાય છે. આમ, ધારણાની ઉચ્ચ અવસ્થા ધ્યાન છે. મહર્ષિ પતંજલિ યોગસૂત્ર (૩/૨) માં કહે છે - 'તંત્ર પ્રત્યદૈકતાનતા ધ્યાનમ્ એટલે કે' તે જગ્યાએ ધ્યેય વિષયક જ્ઞાાન કે વૃત્તિનું સતત એક જેવા બની રહેવું ધ્યાન છે. એનો અર્થ એ કે જેમાં ધારણા કરવામાં આવી તેમાં ચિત્તને એકાકાર કરી દેવું ધ્યાન છે. ધ્યાન શબ્દની વ્યુત્પત્તિ 'ધ્યૈયિત્તાયામ્' ધાતુ પરથી થઈ છે જેનો અર્થ 'ચિંતન કરવું' એવો થાય છે. મહર્ષિ ઘેરણ્ડ કહે છે - ધ્યાનાત્પ્રત્યક્ષમાત્મન : એટલે કે 'ધ્યાન તે છે જેનાથી આત્મ-સાક્ષાત્કાર થઈ જાય.' તત્વાર્થ સૂત્ર અનુસાર 'ઉત્તમસઘનસ્યેકાગ્રચિત્તા નિરોધો ધ્યાનગન્તમુહુર્વાતિ (૯/૨૭) એકાગ્ર ચિત્ત અને શરીર, વાણી તથા મનના નિરોધને ધ્યાન કહેવામાં આવે છે.' વેરવિખેર વૃત્તિઓ અને ડામાડોળ, અસ્થિર મનને એકાગ્રતા દ્વારા વિશેષ લક્ષ્ય તરફ નિયોજક કરવું તે ધ્યાન છે. ધ્યાન પોતાની અંત:ચેતનાને પરમાત્મ ચેતના સુધી પહોંચાડવાનો સહજ માર્ગ છે. તે એક આંતર ખોજ માટેની અંતર્યાત્રા છે.  It is the homeward journey to the habitual self. આ અધ્યાત્મિક આંતરિક યાત્રા અંત:કરણમાં રહેલા ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી આત્મસુખની અનુભૂતિ કરાવે છે. ભારતીય પરંપરા પ્રમાણે કરાતા ધ્યાનનું આ પરિણામ ઝેન બૌદ્ધ પરંપરા પ્રમાણે કરાતા ઝઝેન ધ્યાનથી પણ પ્રાપ્ત થાય છે કેમ કે ઝઝેનનું મૂળ પણ ભારતીય ધ્યાન જ છે.

વિશ્વ વિખ્યાત તત્વચિંતક, ગૂઢવાદી સિદ્ધગુરુ, અભૂતપૂર્વ વક્તા, ધ્યાન-યોગ પ્રવર્તક ઓશો કહે છે -' દરેક બાબત અનુભવ પર આધારિત છે. ઝેન એક અનુભવ છે. તે કોઈ તત્વજ્ઞાાન નથી. તે બહુ સરળ અને સહજ પ્રક્રિયા છે - માત્ર આંતર અવલોકન કરવાની બાબત છે સાક્ષીભાવથી પોતાની અંદર જોવાનું છે. તમે જેવા અંદરની તરફ જોવા લાગો છો, એક અલગ જ દુનિયાના દ્વાર ખૂલી જાય છે. તમે અને તમારી દુનિયા બદલાઈ જાય છે. જૂનું છૂટી જાય છે, નવું પ્રકટ થાય છે. આ નવું જૂનાનું સાતત્ય નથી હ ોતું. અભિનવ અનંત સંભાવનાઓ લાવે છે'. ઝેન ધ્યાન છે ચેતનાની વિશ્ચાંત અવસ્થા. સ્વયંમાં ઉપસ્થિત હોવાનો આનંદ. તેમાં તમારે તમારા શ્વાસની પ્રક્રિયાને નીરખવાની છે. તમારા વિચારોને માત્ર જોવાના છે. સારું-ખરાબ એવા કોઈ ન્યાય કરવાના નથી. જે છે તેને સહજપણે સ્વીકારી લેવાનું છે. બધું જ સાક્ષીભાવથી  જોતા રહીને પોતાની અંદર પ્રતિષ્ઠિત થઈ જવાનું છે.

ધ્યાનસૂત્રોમાં ઝેન ધ્યાનના પાંચ મુખ્ય પ્રકાર બતાવાયા છે. ૧.આનાપાનસ્મૃતિ જેમાં શ્વાસ લેવાની બાબતમાં સંચેતનતા રાખવાની છે. ૨. પ્રતિકુલમનસિકાર એમાં શરીરની અશુદ્ધિઓ પ્રત્યેક સચેતન રહેવાનું છે મૈત્રી ધ્યાન તે બધા પ્રત્યે પ્રેમ ભાવ અને કૃપા કરવાની ભાવના રાખવા પર છે. ૪. પ્રતીત્યસમુત્પાદમાં દર્શાવેલી બાર બાબતો પર ચિંતન ૫. બુદ્ધ ચિંતનમાં બુદ્ધના ઉપદેશને ધ્યાનમાં રાખી સદ્ભાવોનું ચિંતન કરવાનું હોય છે. એ રીતે બોમ્પૂ ઝેન ધ્યાન મનને શાંત કરી ઉત્તમ એકાગ્રતા લાવવા મદદરૂપ બને છે. ગેડો ઝેન ધ્યાન આત્માભિમુખ કરે છે અને આધ્યાત્મિક ગુણો વધારે છે. શોજો ઝેન ધ્યાન શારીરિક, માનસિક બીમારીઓથી બચાવી રાખવા મદદરૂપ બને છે. ડાઈજો ઝેન ધ્યાન જરૂરી ગુણો વધારે છે. દુનિયાના ભ્રમ વિમુખથી મુક્ત કરે છે. પોતાના સાચા, અસલ સ્વભાવની ઓળખ આપે છે - સેજોજો ઝેન ધ્યાન વ્યક્તિને તેના વાસ્તવિક સ્વરૂપ પ્રત્યે જાગૃત કરે છે અને આત્મ સુખની પ્રાપ્તિ કરાવે છે.

ઝઝેન (ઝાઝેન) ધ્યાન કરવાનથી મસ્તિષ્કને તનાવ ચિંતા, ઉદ્વેગ, વિષાદ જેવા નકારાત્મક ભાવોથી મુક્તિ મળે છે. તે વ્યક્તિની સંજ્ઞાાનાત્મક સતર્કતા અને એકાગ્રતા વધારે છે. આ ધ્યાન કરવાથી ડોપામાઈન, સેરોટોનિન, ઓક્સીટોસિન અને એન્ડોર્ફિન નામના હોરમોન્સનો શરીરમાં સારો સ્રાવ થાય છે. જે હર્ષ, હેત, ખુશી, સુખની અનુભૂતિ કરાવે છે. શરીરમાં આ હેપ્પી હોરમોન ઉત્પન્ન થવાથી પ્રસન્નતા, સંતોષ, સુખની સ્થિતિ ટકી રહે છે. આ ધ્યાન ભાવનાત્મક બુધ્ધિની વૃધ્ધિ કરે છે.

જર્નલ ઓફ ન્યૂરોરેસ્ટોરેટોલોજી(Journal of Neurorestoratology) ના ૫-૧૨-૨૦૨૧ના રોજ પ્રકાશિત થયેલા (વોલ્યુમ ૯, ઈસ્યૂ ૪) રિસર્ચ આર્ટિકલમાં ઝઝેન ધ્યાન પ્રયુક્તિનો અલ્પકાલીન ઉપયોગ કરીને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓમાં સંજ્ઞાાનાત્મક કાર્યક્ષમતા (Cognitive performance) માં કેટલો બધો વધારો થયો તેના પ્રયોગની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. લિનારિસ પેડ્રો, સિલ્વિયા રટ્ટી અને અલ્વારેઝ એડગાર્ડો નામના રિસર્ચ વિજ્ઞાાનીઓએ આ પ્રયોગ કર્યો હતો. આ રિસર્ચના આધારે તે કરનારા શરીર વિજ્ઞાાનીઓ કહે છે કે ઝઝેન (ઝાઝેન) ધ્યાનથી વિદ્યાર્થીઓની વર્તનલક્ષી સમસ્યાઓમાં સુધારો આવ્યો હતો. તેનાથી તેમની યાદશક્તિમાં વધારો થયો હતો, જ્ઞાાનવર્ધન થયું હતું. ઝેન (જજેન) ધ્યાનથી આંતરિક સોજા, પ્રદાહને લગતા (inflammatory)  રોગો, તનાવ, વિષાદ જેવી માનસિક સમસ્યાઓ દૂર થઈ હતી.

અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓમાં એન્ટિરિયર સિન્ગ્યુલેટ રિજિયનમાં 'વ્હાઈટ મેટર' પરિવર્તનો જોવા મળ્યા હતા. ઝઝેન ધ્યાનથી ફેગોસાઈટ (Phagocyte) ફંક્શન અને હોરમોનના લેવલમાં સુધારો થયો હતો. આમ, ઝઝેન પ્રકારના ઝેન ધ્યાન અને યોગથી શારીરિક, માનસિક અને આધ્યાત્મિક બધા પ્રકારના લાભ થાય છે.


Google NewsGoogle News