Get The App

ચૈતસિકોએ વિજ્ઞાનીઓ સમક્ષ અતીન્દ્રિય શક્તિના પ્રયોગો રજૂ કર્યા

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
ચૈતસિકોએ વિજ્ઞાનીઓ સમક્ષ અતીન્દ્રિય શક્તિના પ્રયોગો રજૂ કર્યા 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- વિજ્ઞાનીઓએ નિનાની સાઇકોકાઇનેસિસ શક્તિના પ્રયોગોની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ ઉતારી હતી, જે ફર્સ્ટ મોસ્કો ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં બતાવવામાં આવી હતી.

સ ર વિલિયમ ક્રુક્સ એક નામાંકિત બ્રિટિશ રસાયણવિજ્ઞાની અને ભૌતિકવિજ્ઞાની હતા. જેમણે સ્પેક્ટ્રોસ્કોપી પર મહત્વપૂર્ણ કામ કર્યું હતું. તેની મદદથી તેમણે ૧૮૬૧માં જાહેર કરાયેલાં તત્ત્વ થેલિયમની શોધ કરવાનું શ્રેય આપવામાં આવે છે. ૧૮૬૫મા પાર્થિવ હિલીયમના સ્પેક્ટ્રમનું વર્ણન કરનાર પણ તે જ સર્વ પ્રથમ હતા. ક્રૂક્સ ટયુબ અને ક્રૂક્સ રેડિયોમીટરના શોધક પણ તે જ હતા. તેમણે ૧૦૦% અલ્ટ્રાવાયોલેટ બ્લોકિંગ સનગ્લાસ લેન્સની પણ શોધ કરી હતી. રોયલ મેડલ, આલ્બર્ટ મેડલ, ઇબિયર ક્રેસન મેડલ જેવા પાંચેક પુરસ્કારો પણ તેમણે પ્રાપ્ત કર્યા હતાં.

સર વિલિયમ ક્રૂકસ (sir william crookes)  ને ૧૮૬૦ના દાયકાના અંતમાં આધ્યાત્મિકતામાં અભિરૂચિ ઉત્પન્ન થઇ હતી અને ૧૮૭૪ - ૭૫ની આસપાસ તે તેમાં સખત પ્રવૃત્ત રહેતા હતા. ક્રૂકસ સંભવત ઃ ૧૮૬૭માં તેમના નાના ભાઇ ફિલિપનું ૨૧ વર્ષની વયે મરણ થયું તેનાથી પ્રભાવિત થઇ ક્રોમવેલ ફિલટવુડ વર્લીના સંપર્કમાં આવ્યા હતા અને તેની પ્રેતાત્મા આહ્વાન બેઠક (seance) માં હાજરી આપતા હતા. જેથી તેમના મરણ પામેલા નાનાભાઇ ફિલિપનો સંપર્ક સાધી શકાય. તેમણે ૧૮૭૧થી ૧૮૭૪ દરમિયાન વિખ્યાત માધ્યમો કેટ ફોક્ષ, ફલોરેન્સ કૂક અને ડેનિયલ ડગ્લસ હોમ  પર પ્રયોગો કર્યા હતા અને જણાવ્યું હતું કે, આ મિડિયમો વાસ્તવિક રીતે પેરાનોર્મલ ઇફેક્ટ ઊભી કરી શકતા હતા અને પ્રેતાત્માઓ સાથે સંપર્ક પણ સાધી શકતા હતા.

સર વિલિયમ ક્રૂકસ સોસાયટી ફોર સાઇક્કિલ રીસર્ચમાં જોડાયા હતા અને ૧૮૯૦ના દશકમાં તેના પ્રેસિડેન્ટ બન્યા 

હતા. તે થિયોસોફિક સોસાયટી અને ઘોસ્ટ કલબના પણ સભ્ય બન્યા હતા. સર વિલિયમ ક્રૂકસે તેમના પુસ્તક 'રિસર્ચિઝ ઇન ધ ફિનોમિના ઓફ સ્પિરિચ્યુઆલિઝમ'મા અતીન્દ્રિય ક્ષમતાના અનેક પ્રયોગોની પણ ચર્ચા કરી છે. તેમાં તેમણે જણાવ્યું છે કે આ પ્રયોગો તેમણે પોતે નિહાળ્યા હતા અને તેમાં કોઇ હાથ ચાલાકી, છેતરપિંડી, દ્રષ્ટિભ્રમ કે જાદુગરો કહે છે તેવી યુક્તિ તો કરાતી નથી ને તેની પણ વૈજ્ઞાનિક ચકાસણી કરી હતી.

પહેલો પ્રયોગ કરાયો આમાં ચૈતસિકને માત્ર તેનો હાથ અડકાડીને કોઇ ભારે વસ્તુ ખસેડવાનું કહેવામાં આવ્યું હતું. તેણે તે સહેલાઇથી કરી બતાવ્યું હતું. બીજા પ્રયોગમાં તેને કહેવામાં આવ્યું હતું તે રીતે તેણે અદ્રશ્ય રીતે ધ્વનિ તરંગો પ્રક્ટ કરી બતાવ્યા હતા. આમાં ઘડિયાળની ટીક - ટીકથી માંડીને બોંબના વિસ્ફોટ સુધીના નાના-મોટા અવાજો ઉત્પન્ન કરી બતાવ્યા હતા. ત્રીજા પ્રયોગમાં ભારે વજનવાળી વસ્તુ હલકી લાગે તેવો અને હળવા વજનવાળી વસ્તુ ભારેખમ લાગે તેવો અનુભવ ક્રૂકસને તથા અન્ય પ્રેક્ષકોને કરાવવામાં આવ્યો હતો. ભારતીય યોગશાસ્ત્રમાં જેને ગરિમા, લઘિમા વગેરે સિદ્ધિઓ તરીકે ઓળખવામાં આવે છે તેવા ગુણધર્મો ધરાવતા જ આ પ્રયોગો હતા.

ચોથા પ્રયોગમાં અત્યંત ભારેખમ વસ્તુઓને હાથ અડકાડયા વિના માત્ર દ્રષ્ટિથી જ પ્રેક્ષકો કહે તે દિશામાં ખસેડી બતાવી હતી. તે પછી તે ચૈતસિકે સર વિલિયમ ક્રૂકસ જે ખુરશી પર બેઠા હતા એ ખુરશીને એમની સાથે જ આખા ઓરડામાં ફેરવી બતાવી હતી. ક્રૂકસે પોતાના પગ જમીન સાથે જોરથી દબાવી રાખ્યા હતા છતાંં તે ખુરશીને ખસતી અને ચારેબાજુ ફરતી અટકાવી શક્યા ન હોતા.

પાંચમો પ્રયોગ લેવિટેશનને લગતો હતો. ચૈતસિકે ઓરડામાં રહેલ ફર્નિચરને એમની જગ્યાએથી અધ્ધર કરી હવામાં ટીંગાળી રાખ્યું હતું. આમાં ભારેખમ વજનના મોટા ટેબલનો પણ સમાવેશ થઇ જાય છે. છઠ્ઠા પ્રયોગમાં ફર્નિચરને બદલે પ્રેક્ષકને જમીનથી અધ્ધર કરીને એને હવામાં સ્થિર કરી રાખ્યો હતો પછી તેને ધીમે ધીમે કરીને નીચે ઉતારી જમીન પર સ્થિર કરી દીધો હતો.

આવા અનેક પ્રયોગો સ્વયં નિહાળીને અને તેમાં સામેલ થઇને ક્રૂકસે તેની યથાર્થતા ચકાસી હતી. તે પછી તેમણે કહ્યું હતું - 'સ્થાનાંતરણ અને લેવિટેશન તથા એપાર્ટની શક્તિ પણ બહુ રહસ્યમય છે. આમાં એક વસ્તુ કે વ્યક્તિને તેની મૂળ જગ્યાએથી અદ્રશ્ય રીતે ખસેડી કે ઉઠાવીને બીજી જગ્યાએ લઇ જવામાં આવે છે. એમાં માત્ર લેવિટેશનની ક્ષમતા જ નહોતી, એપોર્ટનો પ્રયોગ પણ હતો. એક તાળાબંધ ઓરડામાંથી વસ્તુને  અદ્રશ્ય રીતે ઉઠાવીને બીજા ઓરડામાં લાવવાનો પ્રયોગ કરાયો હતો. એક વાર તે એપોર્ટની શક્તિ ધરાવતા માધ્યમ સાથે બેઠા હતા. તેમણે પોતાના તાળું વાસેલા ઓરડામાં મૂકેલી ઘંટડીને બધાની વચ્ચે લાવવાનું તે માધ્યમને આહ્વાન આપ્યું. તેણે  થોડીવાર એકાગ્રતાપૂર્વક ધ્યાન ધર્યું અને થોડીવારમાં જ બધાના કાનમાં ઘંટડી વાગતી હોવાનો મધુર અવાજ સંભળાના લાગ્યો. ઘંટડી એકદમ નજીકમાં જ વાગતી હતી પણ ક્યાંય દેખાતી નહોતી. બે-ચાર પળો વીતી હશે ત્યાં ક્રૂકસ જે ટેબલની ગોળ ફરતે ખુરશી પર બેઠા હતા. તેના પર એક ઘંટડી ધડામ કરતી પછડાઇ. ક્રૂકસે તેને હાથમાં લઇને જોયું તો એ એમની જ ઘંટડી હતી જે વર્ષોથી તેમણે તેમના ઓરડામાં રાખી હતી. ક્રૂકસે અને અન્ય લોકોએ ક્રૂકસના રૂમનું બારણું ખોલીને જોયું તો વર્ષોથી એમની ઘટડી જ્યાં રખાતી હતી ત્યાં તે નહોતી. રૂમમાં બીજે ક્યાંય નહોતી. કુશળ માધ્યમ એપાર્ટની ક્ષમતાથી આ રીતે સેંકડો કે હજારો માઇલ દૂરના સ્થળે તાળામાં બંધ રાખેલી વસ્તુને તત્કાળ પ્રકટ કરી શકે છે.

મનોપ્રભાવથી ભૌતિક વસ્તુઓને ગતિમાન કરવાની શક્તિને સાઇકો-કાઇનેસિસ (psycho-kinesis)  તરીકે ઓળખવામાં ઓ છે. આવી શક્તિ ધરાવનાર ચૈતસિક એના મનથી નિર્જીવ અને સજીવ બન્નેને ગતિશીલ કરી શકે છે. સોવિયેટ રશિયાની સુપર હ્યુમન માઇન્ડ પાવર ધરાવનારી મહિલા નિના કુલાગિના (૧૯૨૬-૧૯૯૦) આવી સાઇકોકાઇનેસિસ શક્તિ ધરાવતી હતી. તેની આ શક્તિનું પરીક્ષણ કરવા ૪૦થી વધુ વિજ્ઞાનીઓએ જુદા જુદા સમયે વિવિધ પ્રયોગો કર્યા હતા. ૧૯૭૦માં અમેરિકાના વિલિયમ મેકગેરીએ પણ પ્રયોગો કર્યા હતા. અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટીના સંશોધક જોસેફ પ્રાટ અને જુર્ગેન કીલ દ્વારા નિના કુલાગિના પર ૨૦૦ જેટલા પ્રયોગો કર્યા હતા અને તેની સ્પર્શાતીત ગતિની શક્તિને પ્રમાણિત કરી હતી. વિજ્ઞાનીઓએ લેનિનગ્રાડ લેબોરેટરીમાં ૧૦ માર્ચ ૧૯૭૦ના રોજ જે પ્રયોગો કર્યા તેમાં નિનાએ કોષો, ટિશ્યુઓ અને અવયવો જેવા સજીવ ઘટકો પર તેના મનનો પ્રભાવ પાડયો હતો. તેણે વિજ્ઞાનીઓના નિર્દેશ પ્રમાણે પ્રયોગ માટે પસંદ કરાયેલ દેડકાના હૃદયના ધબકારા ઘટાડી અને વધારી બતાવ્યા હતા અને અંતે બંધ પણ કરી બતાવ્યા હતા. વિજ્ઞાનીઓએ નિનાની સાઇકોકાઇનેસિસ શક્તિના પ્રયોગોની ૧૯૬૮માં એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ ઉતારી હતી. આ ફિલ્મ ફર્સ્ટ મોસ્કો ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં બતાવવામાં આવી હતી. કેવળ આંખો અને મનની શક્તિથી મજબૂત ધાતુઓમાંથી બનેલી વસ્તુઓને વાળી દેવાના અને તોડી નાંખવાના પ્રયોગો લંડનની બિર્કબેક યુનિવર્સિટીના ભૌતિક વિજ્ઞાની જહોન હાસ્ટેડે ખાસ પ્રકારે બનાવેલી લેબોરેટરીમાં કર્યા હતા. તેમાં પણ મનની શક્તિ પુરવાર થઇ હતી.


Google NewsGoogle News