Get The App

દરેક વ્યક્તિની શારીરિક, માનસિક, આધ્યાત્મિક સ્થિતિ તેના સ્વાસ્થ્ય પર અસર કરે છે!

Updated: May 14th, 2024


Google NewsGoogle News
દરેક વ્યક્તિની શારીરિક, માનસિક, આધ્યાત્મિક સ્થિતિ તેના સ્વાસ્થ્ય પર અસર કરે છે! 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- સારવારમાં એકલા શરીરનો નહીં, પણ તેની સાથે મન અને આત્માનો પણ ઉપચાર થવો જોઇએ. વ્યક્તિએ આધ્યાત્મિક પ્રવૃત્તિમાં સતત સંલગ્ન રહેવું જોઇએ. 

સા ઈકોન્યૂરો ઇમ્યૂનોલોજીના પાયોનિયર, કેન્સર બાયોલોજિસ્ટ, માઇન્ડ-બોડી હેલ્થ સાયન્સિઝના ફાઉન્ડર અને ડાયરેક્ટર ડૉ. જોન ઝેડ બોરીસેન્કો (Joan Z. Borysenko)એકીકૃત ચિકિત્સા (Integrative Medicine) ના અગ્રગણ્ય શરીર-મનોવિજ્ઞાની બની રહ્યા છે. ઇન્ટીગ્રેટિવ ચિકિત્સા માત્ર બીમારી પર નહીં પણ સંપૂર્ણ બીમાર વ્યક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે બીમાર વ્યક્તિના લક્ષણો કે સ્થિતિના અંતર્નિહિત કારણોને સમજવાનો પ્રયાસ કરે છે. તે રોગગ્રસ્ત વ્યક્તિની પૂર્ણ ઇકાઈ, તેનું શરીર, મન અને આત્માને જોવાનું, સમજવાનું અને તેનો ઉપચાર કરવાનું કાર્ય કરે છે. આ ચિકિત્સા પદ્ધતિ માને છે કે વ્યક્તિની શારિરીક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક જરૂરિયાતો તેના સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે. આ જરૂરિયાતો એકબીજા પર નિર્ભર કરે છે અને વ્યક્તિને કેવળ રોગમુક્ત જ નહીં, બધી રીતે સારી બનાવે છે.

ડૉ. જોન બોરીસેન્કો જણાવે છે કે શ્રેષ્ઠ જીવન જીવવા માટે દરેક વ્યક્તિએ શરીર-મન-આત્માના ત્રણેય સ્તરોની પૂરેપૂરી સંભાળ રાખવી જોઇએ. તેમની સારવારને સમજાવવા તે SYNAPSE શબ્દનો ઉપયોગ કરે છે. S અક્ષર Science નું સૂચન કરે છે.   Y અક્ષર દ્વારા તે Personalised for the Individual  પ્રક્રિયા છે તેવું સમજાવે છે. N Nutrition નું ધ્યાન રાખવું તેવું સૂચવે છે. P Positive Psychology નો આમાં સમાવેશ થાય છે તેમ બનાવે છે. S Spirltuality પણ આમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે તેવું દર્શાવવા માટે છે. E Epegeneticsનું પણ આમાં ધ્યાન રાખવામાં આવે છે તેવું દર્શાવે છે. એપિજિનેટિક્સ (એપિજેનેટિક્સ) બાબતનું અધ્યયન છે કે વ્યક્તિના વ્યવહાર અને વાતાવરણમાં કેવો બદલાવ આવી શકે છે જે તેના જીન  (Gene) ની કામ કરવાની રીતને પ્રભાવિત કરતો હોય છે. કોશિકાઓ ડીએનએ (DNA) અનુક્રમને બદલ્યા વિના 'જીન' ગતિવિધિને કેવી રીતે નિયંત્રિત કરે છે તેનું તે અધ્યયન કરે છે. કોઈ જીવના વિશિષ્ટ જીન કે જીન સાથે જોડાયેલ પ્રોટીનના રાસાયણિક સંશોધનનું અધ્યયન એટલે એપિજિનેટિક્સ, આમ, ડૉ. જોન બોરીસેન્કોની ચિકિત્સા માઇન્ડફુલનેસથી માંડીને ન્યૂરોસાયન્સ, ન્યૂટ્રિશનથી માંડીને એપિજિનેટિક્સ અને મેડિટેશનથી માંડીને ચક્ર બેલેન્સ સુધીની વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક તમામ બાબતોને સમાવી લે છે. આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંભાળ ક્રાંતિમાં તેમની કામગીરી આધારભૂત માનવામાં આવે છે. અર્થપૂર્ણ જીવન અને આધ્યાત્મિક પ્રવૃત્તિ રોગોપચાર અને પૂર્ણ સ્વાસ્થ્ય સંપાદનમાં બહુ મોટી ભૂમિકા ભજવે છે એટલું જ નહીં, એ એનું અભિન્ન અંગ છે એવું ડૉ. બોરીસેન્કોએ સંશોધન કર્યું છે.

ડૉ. બોરીસેન્કોએ ૧૯૬૭માં બ્રાયન ગ્રોવર કોલેજથી સ્નાતક થયા પછી હાર્વર્ડ મેડિકલ સ્કૂલથી મેડિકલ સાયન્સમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી હતી. ત્યાં તેમણે કેન્સર કોશિકા જીવ વિજ્ઞાન (Cancer Cell Bilogy)માં પ્રશિક્ષણ મેળવી પોસ્ટ ડોક્ટરેટ પૂરું કર્યું હતું. પહેલાં એમની ફેકલ્ટી બોસ્ટનમાં ટફ્ટસ યુનિવર્સિટી ઓફ કોલેજ ઓફ મેડિસિનમાં હતી. પછી તેમના પિતાનું કેન્સરથી મરણ થયું ત્યારથી રોગ કરતાં રોગનો ભોગ બનેલી વ્યક્તિમાં વધારે રસ લેવા માંડયો હતો. એ વખતે બીજી પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ પૂરી કરવા હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં પાછા આવી વર્તનવાદી ચિકિત્સા (Behavioral Medicine) ના નવા ક્ષેત્રે પોસ્ટ ડોક્ટરલ સંશોધન કર્યું. ડૉ. હર્બર્ટ બેન્સનના હાથ નીચે કામ કરી રિલેક્સેશન રિસ્પોન્સની સમજ પ્રાપ્ત કરી એને ચિકિત્સામાં સ્થાન અપાવ્યું. તે પછી તેમણે સાઇકોન્યૂરોઇમ્યૂનોલોજીમાં તેમની ત્રીજી પોસ્ટ ડોક્ટરેટ ફેલોશિપ પૂરી કરી હતી. ૧૯૮૦ના દાયકામાં તેમણે હર્બર્ટ બેન્સન અને ડૉ. ઇવાન કુત્ઝ સાથે માઇન્ડ-બોડી ક્લિનિક શરૂ કર્યું. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ ખાતે મેડિસિનના પ્રાધ્યાપક બન્યા. તેમના તબીબી સારવારને લગતા અનુભવો અને સંશોધનો ૧૯૮૭માં ન્યૂયોર્ક ટાઈમ્સના બેસ્ટ સેલર પુસ્તક 'માઇન્ડિંગ ધ બોડી, મેન્ડિંગ ધ માઇન્ડ(Minding the Body, Mending the Mind) માં રજૂ કર્યો. એ પુસ્તકની ૪૦૦,૦૦ કોપીઓનું વેચાણ થયું. ૨૦મી એનિવર્સરી આવૃત્તિ રિવાઇઝ થઇને ૨૦૦૭માં બહાર પડી પોકેટકુલ ઓફ મિરેકલ્સ, યોર સોલ્સ કમ્પાસ, ઇનર પિસ, ફોર બિઝી પિપલ, સેવન પાથ્સ ટુ ગોડ, સેઇંગ યસ ટુ ચેન્જ, ગિલ્ટ ઇઝ ટિચર, લવ ઇઝ ધ લેસન, મેડિટેશન્સ ફોર કરેજ એન્ડ કમ્પેશન જેવા બીજા અનેક બેસ્ટ સેલર પુસ્તકો તેમણે લખ્યા છે.

ડૉ. જોન બોરીસેન્કોના જીવંત પ્રશિક્ષણ અને હોલિસ્ટિક સારવાર પદ્ધતિએ અનેક લોકોના જીવનમાં પરિવર્તન આણ્યું છે. તેમની ઇન્ટિગ્રેટિવ મેડિસન પદ્ધતિએ અનેક ગંભીર બીમારીઓથી પીડાતા દરદીઓના રોગોનું નિવારણ કરી સ્વાસ્થ્ય સંપાદનમાં સહાય કરી છે. તેમના હેલ્થ હિલિંગ અને સ્પિરિચ્યુઆલિટીના એકીકૃત(integrated) પ્રોગ્રામોએ સ્ટ્રેસ રિડકશન માટે અપાર સફળતા મેળવી છે. તેનાથી અનેક મનોદૈહિક રોગો પણ જડમૂળથી દૂર થાય છે.

ઇન્ટિગ્રેટિવ અને બિહેવિયરલ મેડિસિનના પુરસ્કર્તા કહે છે કે સારવારમાં એકલા શરીરનો નહીં, પણ તેની સાથે મન અને આત્માનો પણ ઉપચાર થવો જોઇએ. વ્યક્તિએ આધ્યાત્મિક પ્રવૃત્તિમાં સતત સંલગ્ન રહેવં  જોઇએ. તેણે તેના આત્માનું પોષણ થાય તે માટે સભાનતા રાખવી જોઇએ. આત્માનું પોષણ કરવું એટલે વધારે દયાળુ, પ્રેમાળ અને ડહાપણવાળા બનવું. તમારે તમારી આંતર-બાહ્ય પ્રકૃતિનો સાક્ષાત્કાર કરવો જોઇએ. પ્રકૃતિ અને પરમાત્મા સાથે સંયુક્ત (સારી રીતે જોડાયેલા) રહેવું. કુદરતનું સાંનિધ્ય પૂરા હોશથી માણવું જોઇએ. પ્રકૃતિ પૂરબહાર ખીલેલી હોય તેવા રમણીય સ્થળોએ સજગતાપૂર્વક ચાલવું, હરવું-ફરવું, રહેવું. બાહ્ય પ્રકૃતિ આંતરિક પ્રકૃતિ પર પણ પ્રભાવ પાડે છે.

તમે તમારી જાતને ઓળખો અને તમારી જાતને પામો તે પણ હોલિસ્ટિક હિલિંગની એક મૂળભૂત જરૂરિયાત છે. જોન બોરીસેન્કો કહે છે -   ‘Healing is the rediscovery of who we are and who we have always been  આપણે કોણ છીએ અને આપણે હંમેશાં કેવાં રહ્યા છીએ એનું પુન: સંશોધન એક પ્રકારનો ઉપચાર જ છે. આપણે આપણી જાતને હંમેશા કહેતા રહેવું 'સ્ચઅ ‘May I beat peace, May I awaken to the light of my own true nature. May I be healed and may I be the source of healing for others  હું શાંતિમાં સ્થિર રહીશ. હું મારાં સાચા સ્વભાવના પ્રકાશમાં જાગૃત રહીશ. હું સ્વસ્થ બનીશ અને હું બીજાને માટે પણ સ્વસ્થ થવાનો સ્ત્રોત બનીશ.' 'આત્માનો વિકાસ એ આપણું ધ્યેય છે. તેના વિકાસ અને વૃદ્ધિ માટે અનેક રસ્તા છે જેમ કે પ્રેમ, પ્રકૃતિ, દુ:ખ દર્દનું શમન, ક્ષમા અને સેવા, જ્યારે કોઇને પ્રેમ આપવામાં આવે છે અને કોઇનો પ્રેમ ગ્રહણ કરવામાં આવે છે ત્યારે આત્માનો વિકાસ સારો થાય છે. હું દરરોજ બીજાને પ્રેમ આપીને અને તેમનો પ્રેમ પામવા યોગ્ય બનીને મારા આત્માનું પોષણ કરું છું. અંતે, પ્રેમ અને ક્રિયાપદ છે, ક્રિયા સૂચવતો શબ્દ (Action Word) છે. નામ-સંજ્ઞા (Noun) નથી.' અષ્ટાવક્ર ગીતામાં આષ્ટાવક્ર મુનિ કહે છે - ક્ષમાર્જવ દયા તોષ સત્યં પીયૂષવત્ ભજ । ક્ષમા, કોમળતા, સરળતા, દયા, પ્રસન્નતા, પરિતોષ સત્ય અને પ્રેમ જેવા સદ્ભાવોને અમૃત જેવા સમજીને તેમનું સેવન કરવું.


Google NewsGoogle News