Get The App

ડેઝી નામની મહિલા મરણ પછી પ્રેત બનીને વહાલા કૂતરાને મળવા આવતી હતી !

Updated: Feb 15th, 2022

GS TEAM


Google News
Google News
ડેઝી નામની મહિલા મરણ પછી પ્રેત બનીને વહાલા કૂતરાને મળવા આવતી હતી ! 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- જીવનના છેલ્લા દિવસો દરમિયાન તે તેના વહાલા કૂતરાને ખૂબ જ યાદ કરતી હતી. તેના મરણની છેલ્લી પળો દરમિયાન તેનું મન તેના આ કૂતરામાં જ ચોંટેલું હતું

પ્રા ણીનો આત્મા એના શરીરને છોડીને જતો હોય છે તે પળ બહુ મહત્ત્વની હોય છે. એ સમયે એના મનમાં ઉદ્ભવતો ભાવ કે વિચાર એની મરણોત્તર ગતિ માટે અત્યંત નિર્ણાયક બનતો હોય છે. એટલે જ શ્રીમદ્ ભગવદ્ ગીતાના આટમા અધ્યાયના છઠ્ઠા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - 'યં યં વાડપિ સ્મરન્ભાવં ત્યજત્યન્તે ક્લેવરમ્ । તં તમૈવેતિ કૌન્તેય સદા ભદ્રાવ ભાવિતઃ ।। હે અર્જુન ! મનુષ્ય અંતકાળે જેને યાદ કરતો શરીર ને છોડે છે તેને જ પામે છે કેમ કે હંમેશાં તે વ્યક્તિ કે વસ્તુની ભાવનાવાળો તે હોય છે.' અંતકાળે માનવીના મનમાં જે ઇચ્છા કે વાસના રહી હોય તેની પૂર્તિ કરવા તે પ્રેત રૂપે આવતો હોય છે અને તે ઇચ્છા કે વાસના પૂરી થઇ ગયા બાદ તે સંતોષાઈ ગયા બાદ તેનું પ્રેતાત્મા રૂપે આવવાનું બંધ પણ થઇ જાય છે.

ભૂત-પ્રેત દેખાવાની અને તેમનો પરચો થવાની અનેક ઘટનાઓ બનતી રહે છે. ભૂત-પ્રેત માત્ર માણસોને જ દેખાય છે તેવું નથી. તે અન્ય પ્રાણીઓને પણ દેખાતા હોય છે. આ પ્રાણીઓમાં કૂતરાને તો ખાસ એનામાં નિહિત ઇન્દ્રિયાતીતા શક્તિને કારણે ભૂત-પ્રેત વિશેષ દેખાતા હોય છે. તેમની છઠ્ઠી ઇન્દ્રિય પ્રેતાત્માના પ્રભાવને બહુ જલદી જાણી લેતી હોય છે.

બ્રિટનની ચૈતસિક, માધ્યમ અને લેખિકા કેટી કાઉટસ પર એલિઝાબેથ નામની યુવતીનો પપત્ર આવ્યો. તેમાં તેણે તેની એક તકલીફની વાત કરી અને તેના નિરાકરણનો ઉપાય પૂછ્યો. તેણે જણાવ્યું કે તેના ઘરમાં કોઈ પ્રેતાત્મા ભટકતો હોય તેવું લાગે છે. તેનો કૂતરો થોડા વખતથી વિચિત્ર રીતે વર્તવા લાગ્યો છે. તેના હોલમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવા છતાં તે જાણે ત્યાં કોઈ બેઠેલું હોય તેમ તેને જોઇને ભસવા લાગે છે. ત્યાં કોઈ દેખાતું ન હોવા છતાં તે હવામાં કૂદકા મારે છે જાણે તેની સાથે રમત રમતું હોય એવો વ્યવહાર કરે છે. એના કાન ઊંચા કરી કંઇક સાંભળવાનો પ્રયત્ન કરતો હોય તેમ તે ઊભો રહે છે. હું તમને મારા ઘરના અને મારા કૂતરાના ફોટાઓ મોકલાવું છું. તમારી ચૈતસિક શક્તિથી તમે મને જણાવી શકશો કે આ ઘરમાં કોઈ પ્રેતાત્માની હાજરી તો નથી ને ?

ચૈતસિક અને માધ્યમ કેટી કાઉટસે એલિઝાબેથે મોકલાવેલા તેના ઘરના અને કૂતરાના ફોટાઓ એક પછી એક તેના હાથમાં પકડી રાખ્યાં અને તેની ક્લેરવોયન્સ શક્તિથી એલિઝાબેથના ઘરમાં શું ચાલી રહ્યું છે તે જોવાનો પ્રયત્ન કર્યો. તેની ઇન્દ્રિયાતીત જ્ઞાાન શક્તિથી તેને ત્યાંની હકીકત સ્પષ્ટ દેખાવા લાગી. તેણે જોયું કે પ્રેત એલિઝાબેથના કૂતરામાં હતું. એ કૂતરો એલિઝાબેથ પાસે હમણાંથી જ આવ્યોહતો. એની પહેલાની માલકિન એક વૃદ્ધ મહિલા હતી જેનું નામ ડેઝી હતું. એને આંખે દેખાવાનું બહુ જ ઓછું થઇ ગયું હતું. એટલે તેણે એ કૂતરો એલિઝાબેથને આપી દીધો હતો.

એ પછી એના જીવનના છેલ્લા દિવસો દરમિયાન તે તેના વહાલા કૂતરાને ખૂબ જ યાદ કરતી હતી. તેના મરણની છેલ્લી પળો દરમિયાન તેનું મન તેના આ કૂતરામાં જ ચોંટેલું હતું. ડેઝીનું તાજેતરમાં જ મરણ થઇ ગયું હતું તે પછી તેનો પ્રેતાત્મા તેના આ વહાલસોયા કૂતરા પાસે ભટકવા લાગ્યો હતો. એટલે જ તે કૂતરો વિચિત્ર રીતે વર્તતો હતો. તે ડેઝીના પ્રેતાત્માને જોઈ શક્તો હતો. ડેઝી એને રમાડવાનો પ્રયત્ન કરતી એટલે તે હવામાં કૂદકા મારતો હતો. ડેઝી એની સાથે વાતચીત પણ કરતી એટલે તેનો અવાજ સાંભળવા તે બન્ને કાન ઊંચા કરી ઊભો રહી જતો. ડેઝી દેખાતી બંધ થઇ જતી એટલે તેની સાથે જવા તે ધમપછાડા કરતો હતો.

ક્લેરવોયન્સની શક્તિથી આ બધી હકીકત જાણ્યાપછી કૈટીએ એલિઝાબેથને ફોન કર્યો અને તેને કહ્યું - 'તારા ઘરનું ભૂત પકડાઈ ગયું છે. વાસ્તવમાં ભૂત મારા ઘરમાં નથી. એટલે કે તારું ઘર ભૂતિયું (haunted) નથી પણ આ ભૂતનો સંબંધ તારા કૂતરા સાથે છે. મેં મારી ચૈતસિક શક્તિથી તારા કૂતરા વિશે ઘણી બધી વિગતો જાણી લીધી છે. હું જ તને તે વિશે જણાવું છું. તે વિગતો સાચી છે કે નહીં તે મને જણાવજે. મેં જોયું કે આ કૂતરો તારી પાસે લાંબા સમયથી નથી. એની પૂર્વ માલકિન એક વૃદ્ધ, એકાકી, આંખે ઓછું દેખતી હોય એવી મહિલા હતી.' એલિઝાબેથે તેની વાતને અનુમોદન આપતાં કહ્યું - 'હા, તમારી વાત સાચી છે. આ કૂતરો મારી પાસે હમણા થોડા સમય પહેલાં જ આવ્યો.' મારી મિત્રની પડોસમાં આ વૃદ્ધ સ્ત્રી રહેતી હતી. તેને તેના આ કૂતરા સાથે ખૂબ લગાવ હતો. તે તેના નિકટતમ સગા-સંબંધી અને મિત્ર જેવો હતો. વૃદ્ધાવસ્થામાં કોઈ રોગને કારણે તેની દ્રષ્ટિ ઝાંખી થવા માંડી. તે તેની સાર સંભાળ રાખી શકે તેમ નહોતી એટલે તેણે મારી મિત્રને આ વિશે જણાવ્યું. તેના થકી મને આ કૂતરો મળ્યો.

કેટીએ એલિઝાબેથને પૂછ્યું - 'તે ઘરડી સ્ત્રીનું નામ ડેઝી હતું ને ?' એલિઝાબેથે ભારે વિસ્મય સાથે જણાવ્યું - 'હા, એનું નામ ડેઝી જ છે. તમને એના નામની પણ ખબર પડી એ નવાઈ લાગે એવું છે.' તમે આ કૂતરાની પહેલાની માલકિન ડેઝી વિશે જે કહ્યું તે બધું જ સાચું છે. પણ સિવાય એક બાબત. કેટીએ સામેથી આશ્ચર્ય સાથે કહ્યું - 'હોય જ નહીં. કઇ બાબત ખોટી છે ?' એલિઝાબેથે કહ્યું - 'તમે એવું ના બોલ્યા કે તેનું નામ ડેઝી હતું. એનું નામ તો ડેઝી જ છે. પણ તે મૃત્યુ પામેલ નથી. તે હજુ જીવે છે. હા, તે બીમાર તો છે જ.' આ સાંભળી કેટીએ એ એનો પ્રત્યુત્તર આપતા કહ્યું 'મને તો જે દેખાયું અને જણાયું તે મેં કહ્યું. મને તો પાકી ખાતરી છે કે તે અત્યારે જીવિત નથી.

તમને એનો કૂતરો આપ્યા પછી તે વધારે બીમાર પડયા હતા અને એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતાં. ત્યાં જ તેમનું મૃત્યુ થઇ ગયું હતું. તમે તપાસ કરજો તો આ હકીકતની પણ જાણ થશે. છતાં એ વાત ખોટી હોય તો પણ મને જણાવજો.' થોડીવાર બાદ એલિઝાબેથનો ફોન આવ્યો - કેટી, તમારી વાત એકદમ સાચી નીકળી. મારી મિત્રએ મને જણાવ્યું કે હમણાં તાજેતરમાં જ ડેઝીનું મરણ થઇ ગયું હતું. તે પછી કેટીએ એ કૂતરાની આસપાસ ભટકતા ડેઝીના પ્રેતાત્માના પ્રભાવમાંથી કેવી રીતે બચવું તેનોઉપાય પણ જણાવ્યો અને તે પ્રમાણે કરતાં તે પ્રેતબાધા મુક્ત થઇ ગઈ. મોટાભાગના કિસ્સાઓમાં તો પાલતુ પશુઓનો આત્મા એના માલિક પાસે પ્રેમ અને સુખ પ્રાપ્ત કરવા પ્રેતરૂપે આવતો હોય છે જ્યારે આ કિસ્સામાં પાલતું પશુના માલિકનો આત્મા તેણે પાળેલા પશુને પ્રેમ અને સુખ આપવા પ્રેતરૂપે આવ્યો છે !

Tags :