Get The App

વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન સાબિત કરે છે કે સ્વપ્ન તથા જાગૃત અવસ્થાના અનુભવો પૂર્ણ સત્ય નથી

Updated: Sep 13th, 2022


Google NewsGoogle News
વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન સાબિત કરે છે કે સ્વપ્ન તથા જાગૃત અવસ્થાના અનુભવો પૂર્ણ સત્ય નથી 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- એક સમયે રહે અને બીજા સમયે ના રહે તે સત્ય નથી હોતું. ત્રણેય કાળ અને બધી અવસ્થામાં અબાધિત, સ્થિર, એક સમાન રહે તેનું જ નામ સત્ય.

વિ શ્વ વિખ્યાત જર્મન ભૌતિક વિજ્ઞાની વર્નર હાઈઝેનબર્ગને ૧૯૩૨માં ક્વૉન્ટમ મિકેનિક્સ ક્ષેત્રે સંશોધન કરવા બદલ નોબલ પ્રાઇઝ એનાયત કરાયું હતું. હાઈઝેનબર્ગ તેમના અનિશ્ચિતતાનો સિદ્ધાંત  (Principle of Uncertainty) માટે ખ્યાતિ પામેલા છે. તે દર્શાવે છે કે ઇલેક્ટ્રોનની ગતિવિધિ અને સ્થિતિ જાણવી સાવ અસંભવિત છે. તે ક્યારે કણ રૂપે કે તરંગ રૂપે દેખાશે તે સાવ જ અનિશ્ચિત છે. તે સતત એનું રૂપ અને સ્થાન બદલતો રહે છે.

ભૌતિક વિજ્ઞાની કેનીથ ફોર્ડે 'ધ વર્લ્ડ ઑફ એલિમેન્ટરી પાર્ટિકલ્સ' નામના તેમના પુસ્તકમાં હાઈઝેનબર્ગે રજૂ કરેલા અનિશ્ચિતતાના સિદ્ધાંત અનુસાર પ્રોટોનના નૃત્યથી પરિણમતા સ્વરૂપ પરિવર્તનનું, તેના પળે પળે પ્રગટ થતા અવનવા અનેકાનેક રૂપોનું ભૌમિતિક આલેખન કર્યું છે. મૂળભૂત પ્રોટોન પોતાને ન્યૂટ્રોન, પાયોન વગેરે જુદા જુદા રૂપે બદલતો રહીને અંતે પાછોપ્રોટોન બની જાય છે. કેનીથ ફોર્ડે ભૌતિક પ્રયોગોને આધારે દર્શાવ્યું છે કે પ્રોટોન અને તેમાંથી ઉદ્ભવેલા આભાસી સુક્ષ્મકણો (Virtual particles) એક પ્રકારની માયાવી લીલા ખેલી રહ્યા છે. આપણે જે પદાર્થગત ભૌતિક વાસ્તવિક્તા કે હકીકત દેખાય છે તે ખરેખર તો વર્ચ્યુઅલ પાર્ટિકલ્સની માયાવી રમતની ભ્રમણાઓ છે. ૧૯૬૫નું ભૌતિક વિજ્ઞાનનું નોબલ પ્રાઇઝ પ્રાપ્ત કરનાર અમેરિકન થિયોરિટિકલ ફિઝિસિસ્ટ રિચાર્ડ ફીનમેન (Richard Feynman)  દ્વારા ક્વૉન્ટમ ઇલેક્ટ્રોડાયનેમિક પર સંશોધનો કરાયા છે. તેમણે પણ પ્રસ્થાપિત કર્યું છે કે પ્રકાશકણો ફોટોનની સાચી સ્થિતિ અને આભાસી સ્થિતિ વચ્ચેનો તફાવત માત્ર આપણા માનસિક પરિપેક્ષ્ય કે દ્રષ્ટિકોણ પર આધાર રાખે છે. ક્વૉન્ટમ ફિઝિક્સ કહે છે કે દ્રષ્ટા દ્રશ્યને બદલી નાંખે છે   (The observor alters the observed).  દ્રષ્ટાનું મન એ જે જુએ છે, જે પ્રત્યક્ષીકરણ કહે છે તેને પરિવર્તિત, રૂપાંતરિત કરી દેતું હોવાને કારણે એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જે છે તેને આપણે ખરેખર જોઈ શકીએ છીએ ? આપણે જેને જોઇએ છીએ સાચેસાચ તે છે ખરું ? જે છે તેને આપણે તે જેવું છે તેવું જ જોઇએ છે ?

આ જગતનું વાસ્તવિક રૂપ કેવું છે તે જાણવું એકદમ અશક્ય જ છે. શ્રીમદ્ ભગવદ ગીતાના પંદરમા અધ્યાય 'પુરુષોત્તમ યોગ'માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - 'ન રૂપમસ્યેહ તથોપલભ્યતે - આ જગતનું અહીં કોઈ ચોક્કસ (નિશ્ચિત) રૂપ જોવામાં આવતું નથી. એટલે જ વેદ-ઊપનિષદોમાં એને મિથ્યા માયામય, રજ્જુસર્પભ્રાંતિવત્, મૃગમરીચિકા જેવું અને સ્વપ્નવત્ કહેવાયું છે - વેદાન્ત અને ક્વૉન્ટમ ભૌતિક વિજ્ઞાન એકસરખી વાત કરે છે કે જે આપણને દેખાય છે તે એક રીતે સાચું છે અને એક રીતે ખોટું પણ છે.'

માનો કે આપણે થિયેટરમાં કોઈ રમતને લગતી ડોક્યુમેટરી જોઈ રહ્યા છીએ. આપણે જે જોઈ રહ્યા છીએ એ સાચું છે કે ખોટું ? એક રીતે એ સાચા દ્રશ્યો છે કેમ કે તે રમત રમાી તેનું અસલ ફિલ્માંકન છે. એ જ ખેલાડીઓ, રમતનું મેદાન, રમતના સાધનો આપમે જોઇએ છીએ. પણ બીજી રીતે જોઇએ તો તે ખોટું પણ કહેવાય કેમ કે આપણી આંખો સામે સાચા ખેલાડીઓ કે રમતનું મેદાન ક્યાં હોય છે ? ત્યાં તો માત્ર એક સફેદ પડદો હોય છે જેના પર પ્રોજેક્ટરમાં રાખેલી ફિલ્મની પટ્ટી પર પડતા પ્રકાશને કારણે પ્રક્ષિપ્ત થતા દ્રશ્યોની હારમાળા હોય છે. વાસ્તવમાં આંખો સામે નથી હોતું છતાં તે છે એવી ભ્રાન્ત અનુભૂતિ કરી આપણે ઉત્તેજિત થઇ હર્ષ કે શોક અનુભવતા હોઇએ છીએ. આપણે સ્વપ્ન જોતા હોઈએ ત્યારે પણ આવું બને છે. સ્વપ્નની અવસ્થા ચાલતી હોય ત્યારે તેમાં જે બનતું હોય તેનાથી આપણે ચિંતા, ડર, સુખ, દુઃખ વગેરેનો અનુભવ કરતા હોઇએ છીએ. એ વખતે એ બધું સાચું જ લાગતું હોય છે પણ જ્યારે જાગૃત અવસ્થા આવે અને સ્વપ્ન બંધ થઇ જાય ત્યારે એ બધું જ અદ્રશ્ય થઇ જાય છે. તેમાં દેખાતી બધી વસ્તુઓ અને અનુભૂતિઓ પણ દૂર થઇ જાય છે. એક કવિએ આ બાબત સરસ પંક્તિઓથી સમજાવી છે - 'ઘા સપનામાં, પણ પીડા સાચી. જાગતાં બન્ને ખોટા ઠરે.'

જનક રાજાના સ્વપ્ન પ્રસંગ પરથી પણ આ વાત સરસ રીતે સમજાય એમ છે. જનક રાજાને એક રાત્રે સ્વપ્ન આવ્યું. તેમાં પડોશી રાજાએ એમનાા પર ચડાઈ કરી. એમની વચ્ચે યુદ્ધ થયું એમાં જનક હારી ગયા. વિજય પામેલા રાજાએ તેમનો દેશ નિકાલ કર્યો તેમને તરત જ એ પ્રદેશ છોડી દેવા આજ્ઞા કરી. એ સાથે એવો આદેશ પણ કર્યો કે તેમણે એ પ્રદેશની હદમાં અન્ન કે જળ ગ્રહણ કરવાના નથી. એમની સાથે ઢંઢેરો પીટાવનારા માણસો પણ મોકલ્યા કે કોઇએ જનકને અન્ન કે જળ આપવાનું નથી નહીંતર તેને દેહાંત દંડ કરાશે. જનક રાજા ભૂખ્યા તરસ્યા સતત ચાલતા રહ્યા જેથી વહેલી તકે તેમના રાજ્યની હદની બહાર નીકળી જાય અને તેમની ભૂખ-તરસ મિટાવી શકે ત્રણ દિવસ બાદ તે તેમના રાજ્યની સીમાની બહાર નીકળી ગયા.

પછી પહેલામાં પહેલું જે ગામ આવ્યું તેમાં જઇને કોરાક પાણીની શોધ કરવા લાગ્યા. ત્યાં એક અન્નક્ષેત્ર ચાલતું હતું જેમાં મફત ભોજન અપાતું હતું ત્યાં જઇને ભિક્ષુકની જેમ ભોજન માંગવા લાગ્યા ત્યાંની વ્યક્તિએ કહ્યું કે ભોજન ખલાસ થઇ ગયું છે. પણ નીચે થોડી બળેલી ખિચડી ચોંટેલી છે તે આપું. જનકે તે માંગી એક પડિયામાં ભરીને તે ખાવા જતાં હતાં ત્યાં એક સમડીએ આવીને તેના પર ઝપટ મારી તેનાથી એ પડિયો નીચે પડી ગયો અને ખિચડી વેરાઈ ગઈ. આ ઘટનાથી જનક ચીસ પાડી ઉઠયા એન તેમનું સ્વપ્ન તૂટી ગયું. જાગીને જુએ છે તો તે તેમનાપલંગ પર સૂતેલા છે, એમની આજુબાજ મિષ્ટાનના થાળ ભરેલા પડયા છે, મીઠાં પીણાં અને શીતળ જળના પાત્રો પણ છે. તેમણેરાણી અને મંત્રીઓને પોતાના સ્વપ્નની વાત કરી. પછી તે બધાને પૂછતા 'મેં સ્વપ્નમાં જોયું તે સત્ય કે અત્યારે જે જોઉં છું તે સત્ય ?' કોઈ એનો સંતોષકારક જવાબ આપી શક્તા નહોતા. છેવટે કુલગુરુ વસિષ્ઠ મુનિને બોલાવ્યા અને આ અંગે પૂછ્યું.

વસિષ્ઠ મુનિએ તેમને સમજાવ્યું - 'રાજન્ ! ન આ સત્ય કે ન તે સત્ય. મને કહો તમે સ્વપ્નમાં ભિક્ષુક રૂપે ખીચડી માંગી રહ્યા હતા ત્યારે આ રાજમહેલ, રાણીઓ, ભોજનપાત્રો ત્યાં હતા ? તેમણે કહ્યું - ના, તે બધું નહોતું. મુનિએ પૂછ્યું - મહારાજ, તમે જાગ્યા અને તમને રાજાના આ રૂપમાં જોયા ત્યારે સ્વપ્નવાળી ભૂખ, તરસ, પીડા, બળેલી ખિચડી અહીં હતી ? જનક રાજાએ કહ્યું - ના, એ કંઇ જ નહોતું.' એટલે વસિષ્ઠ મુનિએ સમજાવ્યું - 'રાજન્ ! જે એક સમયે રહે અને બીજા સમયે ના રહે તે સત્ય નથી હોતું. યસ્તુ ત્રિકાલ દેશાવસ્થાબાધિતં સ્તાય્ત તત્ સત્યમ્ જે ત્રણેય કાળ અને બધી અવસ્થામાં અબાધિત, સ્થિર, એક સમાન રહે તેનું જ નામ સત્ય. જ્યારે તમે જાગ્યા ત્યારે સ્વપ્નવાળું બધું અદ્રશ્ય થઇ ગયું, એટલે એ સત્ય નથી. જ્યારે તમે સ્વપ્નમાં હતા ત્યારે આ બધું તમારી પાસે નહોતું. એટલે એ સત્ય નથી.'

મહારાજ જનકે પૂછ્યું - 'તો પછી મુનિવર, સાચું શું છે ? વસિષ્ઠ મુનિએ સ્પષ્ટ કરતાં કહ્યું - 'રાજન્ ! ભિક્ષુક રૂપે તમે ખીચડી માંગી રહ્યા હતા તે ભૂખ-તરસવાળી અવસ્થા તમને યાદ છે, નિદ્રામાંથી જાગ્યા બાદ તમે મહેલમાં હતા, કોઈ બંધન નહોતું, ભૂખ તરસ પણ નહોતા તે પણ યાદ છે. સ્વપ્ન અને જાગૃત અવસ્થામાં જે ઘટનાઓને જોનારો છે તે સત્ય છે. 

અવસ્થાઓ બદલાય છે પણ એના સાક્ષી, પ્રેક્ષક, અનુભોક્તા એવા તમે એના એ જ છો. આ બધો અનુભવ કરાવનાર તમારો અંતરાત્મા બધા સમય અને સ્થિતિમાં વિદ્યમાન રહે જ છે. એટલે બધાનો સાક્ષી એવો આત્મા જ સત્ય છે. જેમ નિદ્રા વખતનું સ્વપ્ન સાચું નથી તેમ તથાકથિત જાગૃત અવસ્થા વખતના માયા-મોહગ્રસ્ત ભ્રામક અનુભવ પણ સાચા નથી.'' યોગવાસિષ્ઠ રામાયણના 'ઉપશમ પ્રકરણ'ના નવથી બાર સર્ગમાં મહારાજ જનકને પ્રાપ્ત થયેલ વૈરાગ્ય અને આત્મજ્ઞાનું સુંદર નિરૂપણ થયેલું છે.


Google NewsGoogle News