વ્યક્તિના મરણ પછી પણ તેની આત્મ-ચેતના વિચાર પ્રક્રિયા અને અનુભૂતિ કરી શકે છે!

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
વ્યક્તિના મરણ પછી પણ તેની આત્મ-ચેતના વિચાર પ્રક્રિયા અને અનુભૂતિ કરી શકે છે! 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- 'હું અહીં પાછી કેવી રીતે આવી ગઈ? મને પેલી દુનિયામાં જતી રહેવા દો. તે અગોચર દુનિયા કેટલી સુંદર અને શાંતિદાયક છે! ત્યાંના લોકો પણ બહુ સારા છે.'

ક વિવર રવીન્દ્રનાથ ટાગોરે લખ્યું છે - ‘Let life be beatuful like summer flowers and death like autumn leaves -  જીવનને વસંતના પુષ્પો જેવું સુંદર બનવા દો અને મરણને પાનખર (શરદ)ના પર્ણો જેવું સુંદર બનવા દો.' સામાન્યરીતે માનવી એમ માને છે કે, મરણ એટલે જીવનની સમાપ્તિ, અસ્તિત્વનો અંત. પણ ખરેખરએવું નથી બનતું. જીવન-મરણની યાત્રા અવિરત સતત ચાલતી જ રહે છે. 'પુનરપિ જનનં પુનરપિ મરણં પુનરપિ જનની જઠરે શયનં...ફરી પાછો જન્મ, ફરી પાછું મરણ, ફરી પાછું માતાના ઉદરમાં ગર્ભરૂપે શયન ચાલુ જ રહે છે. મરણ બાદ માનવ રૂપે જન્મ ના થાય તો કોઇ બીજા રૂપે બીજા લોક-પરલોકમાં જવાનું થતું હોય છે. શરીરનો નાશ થવા છતાં આત્મા, ચેતના કે સૂક્ષ્મ શરીરનો નાશ થતો નથી એટલે ચોર્યાશી લાખના રૂપાંતરણો અટક્યા વિના ચાલતા રહે છે. ક્યારેક મુક્તિ મળે છે ત્યારે પણ તેને અનુભૂતિ શૂન્ય દશા કલ્પવામાં આવી નથી. મોક્ષ કે મુક્તિમાં પરમ આનંદ (Supreme Bliss)નો અનુભવ થવાની વાત દર્શાવવામાં આવી છે.'યસ્ય બ્રહ્મણિ રમતે ચિત્તં મંદતિ નંદતિ નંદત્યેવ- જેનું ચિત્ત બ્રહ્મમાં રમણ કરે છે તેના જીવનમાં આનંદ, આનંદ અને આનંદ જ વ્યાપેલો રહે છે.' એ રીતે 'અજ્ઞાાનરૂપી અંત:કરણની ગાંઠો છૂટી જાય એને મોક્ષ કહેવાય છે' એવું તત્ત્વજ્ઞાાન આપણા શાસ્ત્રોએ આપ્યું છે.

ન્યૂયોર્ક યુનિવર્સિટી લેન્ગોન મેડિકલ સેન્ટરના કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન  (Cardiopulmonary Resuscitation) રિસર્ચ સંસ્થાનના અને યુનાઇટેડ કિંગ્ડમમાં યુનિવર્સિટી ઓફ સધમ્પટન ખાતે હ્યુમન કોન્સિયસનેસ (માનવ ચેતના) પ્રોજેક્ટના ડાયરેક્ટર, બ્રિટિશ એસોસિયેટ પ્રોફેસર ઓફ મેડિસિન તરીકે કાર્યરત સેમ પર્નિયા (Sam Pernia) કહે છે - 'હૃદયરોગના દરદીઓનો અબ્યાસ કરતા શરીર વિજ્ઞાાનીઓએ એ જોયું છે કે મગજનું મૃત્યુ થઇ ગયા બાદ પણ મનનું કાર્ય ચાલતું રહે છે. વ્યક્તિનું હૃદય બંધ પડી જાય અને તેની શ્વસન ક્રિયા પણ અટકી જાય તે પછી પણ તેની ચેતના કે તેનો આત્મા વિચાર કરી શકે છે અને ભાવના અનુભવ કરી શકે છે.' ઇંગ્લેન્ડ સધમ્પટન જનરલ હોસ્પિટલમાં રહેતા મૃત્યુના મુખમાંથી પાછા આવ્યા હોય તેવા દર્દીઓનો તેમણે અભ્યાસ કર્યો છે. આવી સ્થિતિને પારિભાષિક શબ્દોમાંk Near Death Experience (નિયર-ડેથ-એક્ષ્પિરિયન્સ) કહેવામાં આવે છે. તેમણે તેમના સહ-સંશોધકો સાથે અત્યાર સુધીમાં ૩૫૦૦ દરદીઓનો અબ્યાસ કર્યો છે. તે કહે છે - 'જેમના મગજનું કાર્ય સદંતર બંધ થઇ ગયું હોય એવા દરદીઓમાં પણ વિચાર શક્તિ, વિચારક્રિયા, કારણ મીમાંસા પ્રક્રિયા, સ્મરણ પ્રક્રિયા વગેરેનું અસ્તિત્વ જોવા મળ્યું છે.

મેડિકલ પરિભાષામાં જેને 'ક્લિનિકલ ડેથ' કહેવામાં આવે છે એ સ્થિતિ આવ્યા પછી પણ અનેક કિસ્સાઓમાં એવા મૃત જાહેર થયેલા લોકોમાં પુનર્જીવન (Resuscitation)  આવ્યું છે. ડો સેમ પર્નિયાએ એકવાર હૃદયરોગના ૬૩ દરદીઓના એક જૂથ પર પ્રયોગ કર્યો. આ દરદીઓ ભારે કાર્ડિયાક એરેસ્ટ આવ્યા બાદ ડૉક્ટરો દ્વારા મરણ પામેલા જાહેર થયા બાદ ફરી જીવતા થયા હતા. તેમને આ ગાળામાં  કેવો અનુભવ થયો તે પૂછવામાં આવ્યું હતું. એમાંથી ૫૬ દરદીઓને બેભાન થયા પછી શું થયું તે યાદ રહ્યું નહોતું. પણ ૭ દરદીઓને બધું જ યાદ રહી ગયું હતું. તેમણે જણાવ્યં કે, મૃત્યુ પછી પહેલાં તેમને અંધારી ટનલમાંથી જતા હોય એવું લાગ્યું હતું. પછી ખૂબ પ્રકાશ અને ઉજ્જવળતા દેખાવા લાગી હતી. શરીર એકદમ હળવું, ફૂલ જેવું હળવું, ભારરહિત થઇ ગયું હોય એમ લાગતું હતું. બધી જ જ્ઞાાનેન્દ્રિયો સૂક્ષ્મતર અનુભવ કરવા સક્ષમ બની ગઈ હતી. તે બીજી કોઇ દુનિયામાં પહોંચી ગયા છે એવું લાગ્યું હતું. તેમને અકલ્પ્ય અનેરી શાંતિ અને આંતરિક પ્રસન્નતાની અનુભૂતિ થતી હતી. તે પરલોક જેવા સ્થાનમાં તેમને તેમના મરણ પામેલા સગા-સંબંધીઓને મળવાનો પણ અનુભવ થયો હતો.

બ્રિટિશ ભૌતિક વિજ્ઞાાની અને પરામનોવિજ્ઞાાની સર વિલિયમ ફ્લેચર બેરેટ (William Fletcher Barrett) થકી 'સોસાયટી ફોર સાઇકિકલ રિસર્ચ'ની રચના કરાઈ હતી. તેમણે જ 'અમેરિકન સોસાયટી ફોર સાઇકિક રિસર્ચની રચના કરી હતી. તેમણે પણ મરણાસન્ન સ્થિતિ પર ઘણું સંશોધન કર્યું હતું. 'વિઝ્યુઅલ હેલ્યુસિનેશન્સ એન્ડ ફેન્ટાઝમ્સ ઓફ દ લિવિંગ એન્ડ ડેડ',  ડેથ બેડ વિઝન્સ, ધ ફિઝિકલ ફિનોમેના ઓફ સ્પિચ્ચ્યિુઅલિઝમ, મેસ્મેરિઝમ, હિપ્નોટિઝમ એન્ડ સજેશન' જેવા એમના પ્રસિદ્ધ પુસ્તકોમાં તેમણે તેમના આ વિષય પરના વિસ્તૃત અભ્યાસ અને તારણો અનેક ઉદાહરણો સાથે રજૂ કર્યા ચે.

તેમના એક પુસ્તકમાં તેમણે એક કિસ્સો વર્ણવ્યો છે. પશ્ચિમ જર્મીનીમાં આવેલ બોન (Bonn) શહેરની એક સ્ત્રીને પ્રસૂતિ પીડા શરૂ થઇ. તે વખતે બીજી શારીરિક તકલીફો પણ ઉદ્ભવી. બીજા તબીબોએ તે માટે ઉપચારો શરૂ કર્યા, પણ તેની સ્થિતિમાં કોઇ સુધારો ના આવ્યો. તે જીવન-મરણ વચ્ચે ઝોલાં કાવા લાગી. સ્થિતિ એકદમ વણસી ગઈ. ડોક્ટરોને એવું સ્પષ્ટ જણાયું કે તેનું મરણ થઇ ગયું છે. ભારે રોકકળ થવા લાગી. ડોક્ટરોએ તેનો દેહ સફેદ ચાદરથી ઢાંકી દીધો. પણ થોડી મિનિટો બાદ તેનું શરીર હાલવા લાગ્યું. તેના શરીરમાં ફરી ચેતનાનો સંચાર થઇ જતાં તે બોલવા લાગી - 'હું અહીં પાછી કેવી રીતે આવી ગઈ ? મને પેલી દુનિયામાં જતી રહેવા દો. તે અગોચર દુનિયા કેટલી સુંદર અને શાંતિદાયક છે ! ત્યાંના લોકો પણ બહુ સારા છે.' થોડી પળો શાંતિ પથરાઈ ગઈ. વળી પાછી તે બોલવા લાગી - 'પિતાજી, તમે મને દેખાઈ રહ્યા છો. હું તમને મળવા, તમારી સાથે જ ત્યાં રહેવા આવી રહી છું. પણ આ લોકો મને ત્યાં આવવા દેતા નથી. અરે ! ડેડી, તમારી સાથે બહેન જેની પણ દેખાઈ રહી છે. તે ત્યાં કેવી રીતે આવી ? તે તો અહીં આ દુનિયામાં છે.' તે બોલતી બંધ થઇ ગઇ. થોડીવાર પછી તે વધારે ભાનમાં આવી. પલંગ પાસે ઊબેલી તેની માતાને તે કહેવા લાગી - 'મા, હમણાં મેં પરલોક જોયો ત્યાં વર્ષો પહેલાં મરણ પામેલા ડેડીને જોયા. પણ વિસ્મય ઉપજાવે તેવી વાત એ છે કે મેં પિતાજીની પાસે નાની બહેન જેનીને પણ જોઈ. એ તો હેમ્બર્ગમાં અભ્યાસ કરે છે. તો મને ત્યાં કેમ દેખાઈ ? મને વિચિત્ર ચિત્તભ્રમ થઇ ગયો. તેની માતાએ તેના માથા પર હાથ ફેરવતાં કહ્યું - 'ના બેટા, એ તારી ભ્રમણા નહોતી. એ યથાર્થ દર્શન હતું. જેનીનું ગયા અઠવાડિયે જ રોડ એક્સિડન્ટમાં મરણ થઇ ગયું. તને તેની સાથે બહુ લગાવ અને પ્રીતિ છે એટલે તારી આટલી બધી નાદુરસ્ત તબિયતમાં તું તે આઘાત જીરવી નહીં શકે એમ વિચારી અમે તને જેનીના મરણના સમાચાર આપ્ય નહોતા. પ્રસૂતિ પછી તારી તબિયત સુધરે ત્યારે તને આ માઠા સમાચાર આપવાનું અમે નક્કી કર્યું હતું. આમ, મરણ પછી પણ જેનીની બહેનને અનુભૂતિ થઇ ગઇ.


Google NewsGoogle News