સ્લિપિંગ પ્રોફેટ એડગર કેયસી ટ્રાન્સની સ્થિતિમાં રોગોમાં ચિકિત્સા પણ કરતો હતો
- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- દવા બની જ નહોતી તો બજારમાં મૂકાવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો. અદ્ભુત વાત એ છે કે કેયસીને તેના નામની ખબર કેવી રીતે પડી?
અ મેરિકાનો ખ્યાતનામ ભવિષ્યવેત્તા અને ક્લેરવોયન્ટ એડગર કેયસી (Edgar Cayce) વિશિષ્ટ પ્રકારનો ચૈતસિક હતો 'સ્લિપિંગ પ્રોફેટ' તરીકે ઓળખાતા એડગર કેયસીનો જન્મ ૧૮ માર્ચ ૧૮૭૭ના રોજ થયો હતો અને ૩ જાન્યુઆરી ૧૯૪૫ના રોજ મરણ થયું હતુ. તેને ઊંઘતો ભવિષ્યવેત્તા (Sleeping Prophet) કહેવામાં આવે એનું કારણ એ છે કે તે ગાઢ નિદ્રાની ટ્રાન્સ (trance) તરીકે ઓળખાતી સ્થિતિમાં ચેતનાની બદલાયેલી દશા ઉદ્ભવે ત્યારે વૈશ્વિક અચેતન મન સાથે જોડાઈ ત્રણેય કાળની અજ્ઞાત બાબતો જાણી સચોટ ભવિષ્યકથન કરતો હતો. વિસ્મય ઉપજાવે તેવી બાબત એ છે કે કેયસી ગાઢ નિદ્રામાંથી બહાર આવી સામાન્ય સ્થિતિમાં આવે ત્યારે ટ્રાન્સ વખતે તે શું બોલ્યો, તેણે કઈ ભવિષ્યવાણી કરી તેની તેને સહેજ પણ ખબર રહેતી નહોતી. તે ટ્રાન્સમાં જે કંઈ બોલતો તે બધું લખી લેવાતું હતુ. તે રીડિંગ્સ (Readings) અથવા નોંધો દ્વારા જુદા જુદા સ્થળે અને સમયે ભૂતકાળમાં બનેલી, વર્તમાનમાં બની રહેલી અને ભવિષ્યકાળમાં બનનારી અજ્ઞાત બાબતો આપણને જાણવા મળી છે. એડગર કેયસીના ૧૪,૩૦૬ જેટલા રીડિંગ્સ એસોસિયેશન દ્વારા સંશોધન અને જાણકારી માટે સાચવી રખાયા છે.
ઈ.સ.૧૯૦૫ના વર્ષ દરમિયાન એકવાર તે બીમાર પડયો અને ભારે મૂર્છામાં સરી પડયો. સતત ત્રણ દિવસ સુધી તે બેભાન રહ્યો. ડોક્ટરોએ તેને ભાનમાં લાવવા અથાગ પ્રયત્નો કર્યા પણ તેમાં સફળતા ન મળી. છેવટે થાકી-હારીને તેમણે દવાઓ અને ઈલાજો બંધ કર્યા. ત્યાંથી નીકળતી વખતે ઘરના લોકોને કહેવા લાગ્યા-હાલના સંજોગો પરથી એમ લાગે છે કે કેયસી હવે વધારે જીવી નહીં શકે. થોડા કલાકોમાં જ તેનું મરણ થઈ જશે એમ લાગે છે. કદાચ જીવી જાય તોય આગળની જિંદગી માનસિક અસ્થિરતા, ગાંડપણમાં વીતાવશે.'
એક ડૉક્ટરના મુખેથી આ વાક્યો બોલાયા પછી તરત એક અપ્રત્યાશિત ઘટના બની. કેયસીના મુખેથી મૂર્છિત અવસ્થામાંય શબ્દો નીકળવા લાગ્યા - હું એક ઝાડ પરથી પડી ગયો હતો. મારા માથામાં અને પીઠમાં બહુ ઈજાઓ થઈ છે. એને લીધે હું બેભાન છું. મારી બીમારીનો ઉપાય હું બતાવું છું. મને આ પ્રકારની ઔષધિ પીવડાવો. આ નામની જડી બુટ્ટી લાવી તેની આ રીતે ઔષધિ બનાવી મને તે તાત્કાલિક પીવડાવો તો હું ૧૨ કલાકમાં સાજો થઈ જઈશ! જો છ કલાકના સમયગાળામાં મને આ ઔષધિ નહીં અપાય તો પછી શરીરમાં ઉદ્ભવેલી ટોક્ષિક અસર મસ્તિષ્ક સુધી પહોંચી જશે. એ સંજોગોમાં મારા બચવાનો કોઈ ઉપાય નહીં રહે. જલદી કરો અને આ જડી બુટ્ટી મેળવી એની ઔષધિ બનાવી મને આપી દો. ગાઢ નિદ્રા કે મૂર્છાવસ્થા જેવી સ્થિતિમાં બોલાયેલા આ વાક્યોથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
ડૉક્ટરો તો એમના બધા ઈલાજ કરી ચૂક્યા હતા અને એમાં સફળતા મળી નહોતી તો પછી આ ઉપાય કરવામાં શો વાંધો છે ? એમ વિચારી ઘરના લોકોએ એ જડીબુટ્ટી શોધવા તરત જ પ્રયત્નો શરૂ કરી દીધા. કેયસીના સદ્ભાગ્યે તે જડીબુટ્ટી મળી ગઈ. તેણે જે ફોર્મ્યુલા સૂચવી હતી તે પ્રમાણે ઔષધિ બનાવી દેવામાં આવી. છ કલાક પહેલાં તે કેયસીને પીવડાવી પણ દેવામાં આવી. કેયસીની ભવિષ્યવાણી સાચી પડી. બરાબર ૧૨ કલાક પછી કેયસી ભાનમાં આવ્યો. તે થોડો સ્વસ્થ થયો પછી તેને જે બન્યું હતું તેની વાત કરવામાં આવી તો એને પોતાને વિસ્મય ઉપજ્યું કે એને જીવાડનાર ઔષધિની ફોર્મ્યુલા અને એની મૂળ જડીબુટ્ટીનું નામ એણે પોતે જ એની બેભાન અવસ્થામાં કહી હતી.
આ જાણ્યા પછી તેને અહેસાસ થયો કે તેની ભીતર કંઈ પરિવર્તન થયું છે. તેનામાં ચૈતસિક કે દેવી શક્તિ પ્રગટ થઈ છે જે ટ્રાન્સની સ્થિતિમાં તેના અચેતન મનને વિશ્વના કોઈ અજ્ઞાત સ્રોત સાથે જોડી દે છે જેનાથી તેને અતીન્દ્રિય જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. એ અવસ્થા દરમિયાન તેને ભૂત-વર્તમાન-ભવિષ્યની ઘટનાઓની ખબર પડી જાય છે અને મૂર્છાવસ્થા જેવી તે સ્થિતિમાં તે તેને રજૂ કરી દે છે.
ધનકુબેર રોથ્સચાઈલ્ડ (Rothschild) ની એક પત્નીને કોઈ બીમારી લાગુ પડી. એને સાજી કરવા નિષ્ણાત તબીબોએ ભારે પ્રયાસ કર્યા પણ કોઈ પરિણામના આવ્યું. છેવટે એડગર કેયસીની સલાહ લેવામાં આવી. તેણે ટ્રાન્સની સ્થિતિમાં એક દવાનું નામ આપ્યું જે લખી લેવામાં આવ્યું. રોથ્સચાઈલ્ડે તે દવા મંગાવી પણ આખા અમેરિકામાંથી ક્યાંયથી તે ના મળી. છેવટે દુનિયા ભરના અખબારોમાં એના વિશે જાહેરાત આપવામાં આવી. ત્રણેક અઠવાડિયા પછી સ્વીડનથી એક પત્ર આવ્યો જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે ૨૦ વર્ષ પહેલાં આ નામની દવા પેટન્ટ કરાવાઈ હતી પણ કોઈ કારણસર એ દવા બજારમાં મૂકાઈ નહોતી. એ પત્રમાં દવાની ફોર્મ્યુલા મોકલાઈ હતી જેના આધારે ઔષધિ બનાવનારા પાસે તે તૈયાર કરવામાં આવી હતી. તે પછી તે રોથ્સચાઈલ્ડની પત્નીને આપવામાં આવી હતી. ખરેખર તે ખાધા બાદ તે એની બીમારીમાંથી બિલકુલ મુક્ત થઈ ગઈ હતી.
આ ઘટનાથી બધા વિસ્મયમાં મુકાઈ ગયા હતા કેમ કે કેયસીએ જે નામ આપ્યું તે સ્વીડનમાં માત્ર સંશોધન રૂપે અસ્તિત્વ ધરાવતી હતી. તે દવા બની જ નહોતી તો બજારમાં મૂકાવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો. અદ્ભુત વાત એ છે કે કેયસીને તેના નામની ખબર કેવી રીતે પડી ? ટ્રાન્સની સ્થિતિમાં ઈન્દ્રિયાતીત જ્ઞાન પ્રગટ થવાથી જ તેની જાણકારી તેને થઈ હશે.
બીજા એક પ્રસંગે એડગર કેયસીએ ટ્રાન્સમાં એક દર્દી માટે દવાનું નામ સૂચવ્યું. એ દવા ક્યાંય મળી નહીં. એક વર્ષ પછી એ દવા મળી ત્યારે એ દર્દીએ એનું સેવન કરીને રોગમાંથી છૂટકારો પ્રાપ્ત કર્યો. એના વિશે તપાસ કરતાં ખબર પડી કે એક વર્ષ પહેલાં એ દવાની ફોર્મ્યુલા બની રહી હતી. જો કે એનું નામ તો એ વખતે નક્કી પણ નહોતું થયું. આશ્ચર્યની વાત એ છે કે કેયસીને એક વર્ષ પહેલાં કેવી રીતે ખબર પડી ઈ કે ભવિષ્યમાં આ નામની દવા બનવાની છે અને બજારમાં મૂકાવાની છે ? એની અતીન્દ્રિય શક્તિઓમાં ભવિષ્ય જ્ઞાનની શક્તિ પણ સમાવિષ્ટ હતી.
એડગર કેયસી રોગ નિદાન અને તેના નિવારણ માટે ટ્રાન્સમાં સૂચવાયેલ ઉપચારક ઔષધિની સફળતા અંગે ક્યારેય ખોટો પડયો નહોતો તેણે અમેરિકાના ૩૦,૦૦૦ જેટલા લોકોને આ રીતે ટ્રાન્સસૂચિત દવાઓથી રોગમુક્ત કર્યા હતા. 'ડૉક્ટર ઑફ મેડિસિન' ની ઉચ્ચ પદવી ધરાવતા ડો.વેસ્લી કેટચમ એડગર કેયસીને ચૈતસિક રોગ ચિકિત્સક (Psychic Diagnostician) તરીકે જ ઓળખે છે. કેયસીએ રોગ નિદાનની સાથે સ્વપ્ન, પ્રાચીન સંસ્કૃતિ એટલાંટિસ, રાજકીય-ભૌગોલિક ઘટનાઓ યુદ્ધો, મહામારીઓ, ધરતીકંપ જેવી અનેકવિધ બાબતો અંગે ભવિષ્યવાણીઓ કરી હતી. એડગર કેયસી કહેતા હતા કે તેમને ટ્રાન્સની સ્થિતિમાં અચેતન મન દ્વારા આકાશિક રેકોર્ડસમાંથી બધી માહિતી ઉપલબ્ધ થતી હતી.