પ્રાણઊર્જા આધારિત 'જનરેટર'થી અનેક ચૈતસિક શક્તિ પ્રગટ કરી શકાય છે!
- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- સાઈકોટ્રોનિક સંશોધન ક્ષેત્રમાં પ્રાણઊર્જા અને જૈવ વિદ્યુતીય ઊર્જાના અનેક અજ્ઞાત રહસ્યો ઉદ્ધાટિત થયા છે.
તૈ ત્તિરીય ઉપનિષદ કહે છે - 'પ્રાણાદ્ધિ ખલ્વિમાનિ ભૂતાનિ જાયન્તે, પ્રાણેન જાતાનિ જીવન્તિ ! પ્રાણથી જ બધા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને જન્મ્યા પછી પ્રાણથી જ જીવતા રહે છે.' પ્રાણશક્તિનો પરિચય આપતાં કૌષીતકિ ઉપનિષદ પણ કહે છે- યાવત્ હિ અસ્મિન્ શરીરે પ્રાણો વસતિ તાવત્ આયુ:। જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ રહે છે ત્યાં સુધી આયુષ્ય ટકી રહે છે. પ્રાણ છે ત્યાં સુધી જીવન છે. પ્રાણ શબ્દ પ્ર અને અન્ પરથી બન્યો છે. એનો અર્થ જીવન શક્તિ કે ચેતના શક્તિ એવો થાય. જે પ્રાણને ધારણ કરે, પ્રાણથી યુક્ત હોય, પ્રાણવાન હોય તેને 'પ્રાણી' કહેવાય. પ્રાણ આત્માનો ગુણ છે. તે પરબ્રહ્મથી પ્રગટ થયેલો તેનો અંશ છે. તે બ્રહ્મ સાથે સદા-સંપૃક્ત (નિત્ય જોડાયેલો) છે.
પ્રાણ શક્તિ બ્રહ્મની તેજસ્વી ઊર્જા છે. સૃષ્ટિમાં જે ચૈતન્ય દૃશ્યમાન થાય છે એનો મૂળ સ્રોત પ્રાણ છે. અનંત સૃષ્ટિ પ્રવાહમાં બધે પ્રાણ તત્ત્વ જ વ્યાપેલું છે. આખા બ્રહ્માંણ્ડમાં બધે જ પ્રાણ ઊર્જાનો મહાસાગર હિલોળા લઈ રહ્યો છે. પ્રાણ શક્તિથી જ બધું ઉત્પન્ન થાય છે, ટકી રહે છે અને અંતે એમાં લય પામે છે. અથર્વવેદમાં એનો મહિમા ગાતાં કહેવાયું છે.
'પ્રાણાય નમો યસ્ય સર્વમિંદે વશે । યો ભૂત: સર્વસ્યેશ્વરો યસ્મિન્ સર્વ પ્રતિષ્ઠિતમ્ ।। એ પ્રાણને નમસ્કાર છે જેના વશમાં આખું જગત છે. જે સ્વયંભૂ છે, બધાનો ઇશ્વર છે અને જેનામાં બધું પ્રતિષ્ઠિત થયેલું (રહેલું) છે.' પ્રાણ ચેતન અને જડ જગતની સર્વોપરિ શક્તિ છે. એ આદિ અને અનંત છે.
કેનોપનિષદમાં એક સુંદર પ્રસંગનું નિરૂપણ થયેલું છે. એકવાર પર બ્રહ્મ પરમાત્માએ ઇન્દ્ર, વાયુ, અગ્નિ વગેરે તમામ દેવોને આહ્વાન કરીને આમંત્રિત કર્યા. પછી તેમને તેમની શક્તિ વિશે પૂછ્યું. દરેકે પોતાની શક્તિનું વર્ણન કર્યું. પછી પરમાત્માએ તેમની સામે એક તણખલું મૂકીને કહ્યું- શું તમે આ તણખલાંને ઉચકી શકો ? એને હવામાં ઉડાડી શકો ? એને બાળી શકો ? ઇન્દ્રએ હસીને કહ્યું- આ તણખલું ? અરે હું તો પર્વતને પણ ઉચકી શકું છું. વાયુએ કહ્યું- તણખલાને ઉડાડવું એમાં શું મોટી વાત છે ? હું તો ચક્રવાત બનીને મોટા પ્રાણીઓને પણ ઉડાડીને લઈ જઉં છું. એ રીતે અગ્નિએ પણ કહ્યું- તણખલાને તો શું ? મોટા જંગલોને પણ દાવાગ્નિ બનીને બાળી નાખું છું. તેમણે તે માટે પ્રયત્નો કર્યા પણ તે તણખલાને ઉચકી શક્યા નહીં, હવામાં ઉડાડી શકયા નહીં અને બાળી પણ શક્યા નહીં. પછી પરમાત્માએ તે કરી બતાવ્યું.
દેવોએ તેમને પૂછ્યું - 'આમ તો અમે અપાર શક્તિ ધરાવીએ છીએ તો આટલું સામાન્ય કામ અમે કેમ ન કરી શક્યા ?' ત્યારે પરમાત્માએ કહ્યું - તમે એ માટે પ્રયત્ન કર્યો ત્યારે મેં તમારી પ્રાણશક્તિ એકદમ ન્યૂનતમ કરી નાંખી હતી શક્તિનું કેન્દ્ર શરીર નહીં, પ્રાણશક્તિથી સ્પંદિત આત્મચેતના છે. શરીર તો જડ અને નિષ્ક્રિય છે. આત્મચેતનાનો સંબંધ થયા પછી જ તે ચેતનવંતુ અને સક્રિય થાય છે પ્રાણ શક્તિ જ મન અને આત્માની શક્તિનુ મૂળ છે.
સોવિયેટ રશિયાના સંશોધક વિજ્ઞાની ડો.એલેકઝાન્ડર ડુબ્રોવે જૈવ-ગુરુત્વાકર્ષણ (Biogravity) પર શોધ કરી છે. અને તેને આધારે તે દર્શાવે છે કે જીવિત પ્રાણીઓમાં ગુરુત્વાકર્ષણ તરંગો ઉત્પન્ન કરવાની અને એમને અલગ ઓળખવાની ક્ષમતા હોય છે. મનુષ્યની શારીરિક કોશિકાઓ આ તરંગોને સતત વિકસિત કરતી રહે છે. આ જ તરંગો દૂર દર્શન, દૂર શ્રવણ, દૂરાનુભૂતિ, દૂરભાષ, પૂર્વાભાસ જેવી અતીન્દ્રિય શક્તિને સંભવિત બનાવે છે. કોશિકાઓ વિભાજનના સમયે કોશિકાઓમાંથી ફોટોન કણોની ઉર્જા યુક્ત વિકિરણ પ્રક્રિયા કરે છે. દસ ઘાત છ થી દસ ઘાત સાત સાઈકલ્સ પ્રતિ સેકન્ડની ઉચ્ચ ફ્રિક્રવન્સી વાળા અલ્ટ્રાસોનિક તરંગો પણ નીકળે છે.
સાઈકોટ્રોનિક સંશોધન ક્ષેત્રમાં પ્રાણ ઊર્જા અને જૈવ વિદ્યુતીય ઊર્જાના અનેક અજ્ઞાત રહસ્યો ઉદ્ધાટિત થયા છે. ચેકોસ્લોવેકિયાના એન્જિનિયર અને સંશોધક વિજ્ઞાની રોબર્ટ પાવલિટા (Robert Pavlita)એ પ્રાણ ઊર્જાના અધ્યયન માટે 'સાઈકોટ્રોનિક જનરેટર ( Psychotronic Generator) નામના એક સાધનની શોધ કરી છે. એની વિશેષતા એ છે કે તે વ્યક્તિની જૈવ ઊર્જા (Bio-Energy)થી ચાલે છે અને એકવાર ચાર્જ કરી દીધા પછી એનાથી અનેક પ્રકારના પ્રયોગો અને પરીક્ષણો કરી શકાય છે. પાવલિટા એને સ્વયં પોતાની પ્રાણ ઉર્જાથી ચાર્જ કરી દેતા હતા. એક પ્રયોગ દરમિયાન તેમણે માટીવાળા ગંદા પાણીથી ભરેલા વાસણને 'સાઈકોટ્રોનિક જનરેટર'' પાસે રાખીને પોતાની ઇચ્છા અનુસાર પાણીમાં રહેલી ગંદકીને તરત દૂર કરી બતાવી હતી. બીજા પ્રયોગ દરમિયાન એ સાધનના ઉપયોગથી છોડની વૃદ્ધિના દરમાં વધારો કરી બતાવ્યો હતો. પોતાની પ્રાણ ઉર્જાથી ભરેલા એ સાધન દ્વારા પાવલિટોએ અનેક કાર્યો ઝડપથી કરી બતાવ્યા હતા.
ચેકોસ્લેવેકિયાના બીજા એક એન્જિનિયર જુલિયસ ક્રમેસ્કી ( Juliusckrmessky) એ રોબર્ટ પાવલિટાના પ્રયોગોને મળતા આવે એવા પ્રયોગો વિજ્ઞાનીઓ સમક્ષ કરી બતાવ્યા હતા. તેણે પોતાની પ્રાણ વિદ્યુતીય ઉર્જાના માધ્યમથી પાણીમાં તરતી વસ્તુઓની ગતિમાં વધારો કે ઘટાડો કરી બતાવ્યો હતો અને પોતાની ઇચ્છા પ્રમાણે તેને ગમે તે દિશામાં વાળી બતાવી હતી. ક્રમેસ્કીએ કાચના સિલિન્ડરમાં દોરાથી લટકાવેલી વસ્તુને દૂરથી જ હાથની પ્રાણ ઊર્જા પ્રવાહિત કરી અને મનથી આદેશ આપી એને જમણી કે ડાબી તરફ, આગળ કે પાછળ અથવા ગોળ ગોળ જેમ કહેવામાં આવે તેમ ફેરવી બતાવી હતી. બીજા એક પ્રયોગ દરમિયાન એક બોર્ડ પર લગાવવામાં આવેલી સ્વીચ પર આંખોને એકાગ્ર કરી મનોઊર્જાથી એને ઓન-ઓફ કરી એની સાથે જોડાયેલા ઇલેકિટ્રક બલ્બને ચાલુ બંધ કરી બતાવ્યો હતો. રશિયાની નિના કુલાગિના (Nina Kulagina)નામની મહિલા પણ પોતાની આંખો દ્વારા પ્રાણ ઉર્જા વહાવી કેવળ ચૈતસિક શક્તિથી સજીવ-નિર્જીવ બધાને ગતિમાન કરી બતાવતી હતી.
ઇલેક્ટ્રોએન્સે ફેલોગ્રામ, રોબોટિક્સ, સાઈબરનેટિક્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પાયોનિયર એવા અમેરિકન-બ્રિટિશ ન્યૂરોફિઝિયોલોજિસ્ટ વિલિયમ ગ્રે વોલ્ટર દર્શાવે છે કે મનુષ્ય પોતાની મસ્તિષ્ક છાલ/સપાટી ( Cerebral Cortex) ને ઇલેક્ટ્રોડસના માધ્યમથી ટી.વી.સેટ સાથે જોડીને પોતાની ઇચ્છા શક્તિના સહારે પોતાની કલ્પના સૃષ્ટિને ટી.વી.ના સ્ક્રિન પર જોઈ શકે છે. વિલિયમ વોલ્ટરે આ પ્રકારના અનેક પ્રયોગો પણ કરી બતાવ્યા હતા.