માનવીનું મન ભવિષ્યમાં બનનારી ઘટનાઓને વર્તમાનમાં 'પૂર્વાભાસ' રૂપે સ્પષ્ટ બતાવી દે છે

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
માનવીનું મન ભવિષ્યમાં બનનારી ઘટનાઓને વર્તમાનમાં 'પૂર્વાભાસ' રૂપે સ્પષ્ટ બતાવી દે છે 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- ભવિષ્યમાં થનારી ઘટનાઓ માનવીના વર્તમાનમાં પણ એક પ્રકારના તરંગો પેદા કરે છે જેમને 'સાઇકોટ્રોનિક વેવ ફન્ક્શન' કહી શકાય છે. આ તરંગોની સ્ફુરણાઓને માનવીના મસ્તિષ્કના 'ન્યૂરોન્સ' પકડી લે છે. તેના આધારે માનવીને ભવિષ્યની ઘટનાઓનો પૂર્વાભાસ થઇ જાય છે.

બ્રિટિશ સૈદ્ધાંતિક (થિયરિટિકલ) ભૌતિક વિજ્ઞાાની, સેન્ટર ફોર ક્વૉન્ટમ ઇન્ફર્મેશન એન્ડ ફાઉન્ડેશન્સના સભ્ય અને પેરિમીટર ઇન્સ્ટિટયુટ ફોર થિયરિટિકલ ફીઝિક્સના લબ્ધ પ્રતિષ્ઠિત સંશોધક એડ્રિયન કેન્ટ (Adrian kent) યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના ક્વૉન્ટમ ફીજિક્સના પ્રોફેસર છે. તેમને 'સાપેક્ષ ક્વૉન્ટમ ક્રિપ્ટોગ્રાફી'ના આવિષ્કારક રૂપે ઓળખવામાં આવે છે. પ્રોફેસર એડ્રિયન કેન્ટ 'કેમ્બ્રિજ સેન્ટર ફોર દ સ્ટડી ઓફ એક્ઝિસ્ટેંશિયલ રિસ્ક'ના સલાહકાર પેનલના સભ્ય છે. તેમણે વૈશ્વિક આપત્તિઓના જોખમ આકલનના ગણિત પર ચર્ચા કરી છે. તેમણે ફર્મીના વિરોધાભાસ (Fermi's paradox)નું સમાધાન પ્રસ્તાવિત કર્યું છે જેમાં પરિકલ્પના કરવામાં આવી છે કે વિભિન્ન બુદ્ધિમાન પરગ્રહવાસી, અલૌકિક (extra-terrestrial) સભ્યતાઓ અસ્તિત્વમાં હતી, એકબીજા સાથે વાતચીત પણ કરતી હતી, સંસાધનો માટે પ્રતિસ્પર્ધા પણ કરતી હતી અને પોતાના અસ્તિત્વને જાહેર ન થવા દેવા માટે પ્રયત્નો કરતી હતી.

પ્રોફેસર એડ્રિયન કેન્ટેચૈતસિક શક્તિથી ભવિષ્યકથન સંબંધી પોતાનું પ્રતિપાદન કરતાં કહ્યું હતું કે ભવિષ્યમાં થનારી ઘટનાઓ માનવીના વર્તમાનમાં પણ એક પ્રકારના તરંગો પેદા કરે છે જેમને 'સાઇકોટ્રોનિક વેવ ફન્ક્શન' કહી શકાય છે. આ તરંગોની સ્ફુરણાઓને માનવીના મસ્તિષ્કના 'ન્યૂરોન્સ' પકડી લે છે. તેના આધારે માનવીને ભવિષ્યની ઘટનાઓનો પૂર્વાભાસ થઇ જાય છે. મસ્તિષ્કના આલ્ફા તરંગો અને સાઇકોટ્રોનિક વેવ્ઝની ફ્રિકવન્સી એક જ હોવાથી તે જાણકારી ખૂબ સહેલાઈથી થઇ જાય છે. તે માટે મસ્તિષ્કને સચેતન સ્તર પર જાગૃત રાખવાની જરૂર પડે છે. જેથી સંભવિત ઘટનાક્રમોની કાર્યવાહીને સમજી શકાય.

બ્રિટિશ એરોનોટિકલ એન્જિનિયર અને તત્ત્વચિંતક જ્હોન વિલિયમ ડન (John William dunne)ને પૂર્વાભાસી સ્વપ્નો આવતા હતા. તેમણે પ્રિકોગ્નિટિક ડ્રીમ્સ અને હિપ્નારોગિક સ્ટેટસ વિશે પોતાના પર અને અન્ય પર પ્રયોગો કરી એવું જણાવ્યું કે આ સ્થિતિમાં આવેલું સ્વપ્ન કેવળ ભૂતકાળ કે વર્તમાનકાળની જ નહીં, પણ ભવિષ્યકાળમાં બનનારી ઘટનાઓને જોઇ લઇને તેના દ્રશ્યો બતાવે છે. 'એન એક્ષ્પેરિમેન્ટ વિથ ટાઇમ (An experiment with Time) નામના તેમના પુસ્તકમાં તેમણે સમય અને ચેતનાનો નવો સિદ્ધાંત 'સિરિયાલિઝમ (Serialism) દર્શાવી તેને આલ્બર્ટ આઇન્સ્ટાઇનના રિલેટિવિટીના અને ક્વૉન્ટમ ફિઝિક્સના સિદ્ધાંત સાથે સુસંગત કરી પૂર્વાભાસી સ્વપ્નો સાથે સાંકળવાનો પ્રસંશનીય પ્રયાસ કર્યો છે. પૂર્વાભાસ કેવળ નિદ્રા સ્વપ્ન કે દિવા સ્વપ્નમાં જ થાય એવું જરૂરી નથી. કેટલીકવાર તે જાગૃત અવસ્થામાં પણ થઇ જાય છે.

ઇંગ્લેન્ડના ચેશાયર (Cheshire)માં બનેલી એક ઘટના આનો બોલતો પુરાવો છે. ચેશાયર શહેરમાં રહેતી જિના બ્લૂચમ્પ એક ઓફિસમાં સેક્રેટરીનું કામ કરતી હતી. એક દિવસ તે તેની માતા સાથે વિક્ટોરિયા સ્ટેશન પર બેઠી હતી અને ટ્રેન આવવાની રાહ જોઈ રહી હતી. તેને તેની સાથે ટ્રેન દ્વારા મેસ્ટન સિટી જવું હતું. ત્યાંથી તેઓ હવાઈ માર્ગે પ્લેનમાં કારેટા બ્રેવા જવાના હતા. ટ્રેન આવવાને થોડી વાર હતી એટલે મા-દીકરી વાતો કરીને સમય પસાર કરી રહ્યાં હતા. એકાએક જિનાની ચેતનાની સ્થિતિમાં પરિવર્તન આવી ગયું. તેને પૂર્વાભાસ થવા માંડયો. તેના મનની આંખો આગળ વિમાન દુર્ઘટનાનું દ્રશ્ય દેખાવા લાગ્યું. તેની અંદરથી અવાજ આવ્યો - 'તમે આજે વિમાનમાં મુસાફરી કરવાના છો તે ના કરશો. આ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થશે અને પડી જશે.' આ પૂર્વાભાસ (Premonition) અને અંતર્જ્ઞાાન (intuition)ના અનુભવે જિનાએ તેની માતાને કહ્યું - આજે આપણે પ્લેનમાં મુસાફરી નહીં કરીએ. મને જોરદાર પૂર્વાભાસ થયો છે કે આ પ્લેન મોટી દુર્ઘટનાનો ભોગ બનવાનું છે.' તેની માતાએ તેનો વિરોધ કરતાં કહ્યું - એવું ના થઇ શકે. આપણું અગત્યનું કામ અટવાઈ જાય. આજે આપણે કોઇપણ સંજોગોમાં જવું જ પડે. એટલામાં ટ્રેન સ્ટેશન પર આવી રહી છે તેવી જાહેરાત થઇ. માતાએ જિનાને કહ્યું - 'ચાલ, ઊભી થા. ટ્રેન આવી રહી છે.' પણ તેણે માતાની વાત માની નહીં. તે ઊભી ના થઇ અને કહેવા લાગી - ના મા, આપણે આ મુસાફરી નથી કરવી. એટલામાં ટ્રેન આવીને પ્લેટફોર્મ પર ઊભી રહી તોય જિના ઊભા ના થઇ તે ના જ થઇ. માતાએ ગુસ્સે ભરાઈને તેને કહ્યું - 'હું તો જવાની જ છું.' તે ટ્રેન તરફ ચાલવા લાગી. જિનાએ તેનો હાથ પકડી તેને ફરી રોકવાનોૌ પ્રયત્ન કર્યો. પણ તેણે જિનાનો હાથ ઝટકા સાથે છોડાવી દીધો અને ટ્રેનમાં જઇને બેસી ગઈ. તેને એમ થતું હતું કે જિના છેલ્લે ટ્રેનમાં બેસી જશે અને જિનાને એમ થતું હતું કે, તેની માતા છેલ્લે ટ્રેનમાંથી ઊતરી જશે પણ બેમાંથી એકેય ના બન્યું. ટ્રેન ઉપડી અને જિના ઘેર પાછી ફરી. પોતાની વાત માતાએ માની નહીં અને બ્રેવા જવાનું કેન્સલ કર્યું નહી તેનાથી જિનાનું મન ઉદાસ થઇ ગયું હતું. થોડા કલાકો પછી જિના પર એક અરજન્ટ ટેલિગ્રામ આવ્યો તેમાં જણાવવામાં આવ્યું હતું કે તેની માતા મિસિસ બ્યૂચમ્પ જે પ્લેનમાં બ્રેવા જઇ રહી હતી તે પરપિગ્નાન, ફ્રાન્સ (Perpignan, France) પાસે તૂટી પડયું હતું અને તેમાં તેની માતાનું મૃત્યુ થયું હતું. જિના તેના પૂર્વાભાસને કારણે બચી ગઈ હતી.

એડવર્ડ પિયરસન નામની વ્યક્તિએ ૪ ડિસેમ્બર ૧૯૭૮ના રોજ સ્કોટલેન્ડના મેજિસ્ટ્રેટને કહ્યું હતું. મને ઘણીવાર ભવિષ્યમાં બનનાર બનાવો અને મોટી દુર્ઘટનાઓનો પૂર્વાભાસ થઇ જાય છે જે મોટેભાગે સાચો પડે છે. આ રીતે ગઇકાલે મને એવો પૂર્વાભાસ થયો કે ગ્લાસગો (Glasgow) શહેરમાં નજીકના ભવિષ્યમાં ભૂકંપ આવવાનો છે. એમાં મોટી સંખ્યામાં લોકોના જાન-માલને નુકસાન થાય એમ છે. આને લગતી સૂચના આપવા હું લંડનના મિનિસ્ટરને મળવા જઈ રહ્યો છું. કે જેથી આ કુદરતી હોનારત વખતે જેટલી શક્ય હોય તેટલી બચાવ કામગિરી થઇ શકે. મેજિસ્ટ્રેટ અને અન્ય વ્યક્તિઓને એડવર્ડ પિયરસનની વાત પર વિશ્વાસ ના બેઠો કેમ કે બ્રિટનના આ દ્વીપ સમૂહમાં ભાગ્યે જ ભૂકંપ આવે છે. એડવર્ડ પિયરસનનની ભૂકંપ સંબંધી પૂર્વ સૂચના તરફ કોઇએ ધ્યાન ન આપ્યું. બરાબર ત્રણ અઠવાડિયા બાદ ખરેખર સ્કોટલેન્ડમાં ભૂકંપ આવ્યો અને ગ્લસગોના અનેક લોકોના જાન-માલને નુકસાન થયું હતું. ‘The Unexplained Mysteries of Mind, Space and Time'માં આ ચૈતસિક પૂર્વાભાસને લગતી ભવિષ્યવાણીની ઘટનાનું નિરૂપણ થયેલું છે. અમેરિકાના ઓહાયો (Ohio)ના સિનસિનાટીમાં રહેતા ડેવિડ બૂથ નામના એક ઓફિસ મેનેજરને ૧૯૭૯ના મે મહિનામાં દસ દિવસ સુધી સતત એવો પૂર્વાભાસ થતો રહ્યો હતો કે અમેરિકન એરલાઈન્સનું એક વિમાન આકાશમાં તૂટી પડયું છે અને તે સળગતા વિમાનના ભંગારમાં અનેક મૃતદેહો દટાયેલા પડયાં છે. તેણે ૨૨ મે ૧૯૭૯ના રોજ ફેડરલ એવિએશન ઓથોરિટી અને સિનસિનાટી એરપોર્ટના કાર્યાલયને આ અંગે જાણકારી પણ આપી હતી પણ કોઇએ તેની વાત માની નહોતી. ૪ દિવસ બાદ ૨૬ મે ૧૯૭૯ના રોજ શિકાગોના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર અમેરિકન એરલાઈન્સનું DC૧૦ જેટ વિમાન તૂટી પડતાં તેના બધા ૨૭૫ જેટલા મુસાફરો મૃત્યુ પામ્યા હતા.


Google NewsGoogle News