જીનિયસ બાળકોની અસાધારણ માનસિક ક્ષમતા એમના પૂર્વજન્મમાંથી ઉદ્ભવતી હોય છે?
- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- પ્રાચીન કાળના ગર્ભ સંસ્કાર જેવું અર્વાચીન કાળનું યૂજેનિક્સ માતા-પિતા પોતે ઇચ્છે તેવા ગુણધર્મ ધરાવતા પુત્ર કે પુત્રીને જન્મ આપી શકે તેનું જ્ઞાન આપે છે
અ સાધારણ માનસિક ક્ષમતા ધરાવતા લોકોમાં અમુક વિષયોની પ્રતિભા જન્મજાત હોય છે. બાળપણમાં તેનું બોલવા ચાલવાનું શરૂ થાય ત્યારે તેના વિશે જાણકારી થવા પામે છે. આવી અસાધારણ પ્રતિભા બાળપણથી જ જોવા મળી હોય એવા કેટલાક કિસ્સાઓ અત્યંત વિસ્મય ઉપજાવે તેવા છે. આવો એક અદ્ભુત દિલચસ્પ દાખલો બિહારના પટનામાં ૯ સપ્ટેમ્બર ૧૯૮૭ના રોજ જન્મેલા તથાગત અવતાર તુલસીનો છે. તે બાળપણથી જ અસાધારણ પ્રતિભા સંપન્ન જોવા મળ્યો હતો. તેણે ૯ વર્ષની ઉંમરે હાઇસ્કૂલનું શિક્ષણ પૂરું કરી લીધું, ૧૧ વર્ષની ઉંમરે બી.એસ.સી.ની ડીગ્રી અને ૧૨ વર્ષની ઉંમરે પટના યુનિવર્સિટીની પટના સાયન્સ કૉલેજથી એમ.એસ.સી.ની ડીગ્રી પ્રાપ્ત કરી લીધી હતી. તેણે ૨૧ વર્ષની ઉંમરે ઓગસ્ટ ૨૦૦૯માં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ, બેન્ગલોરથી પી.એચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી લીધી હતી.
૨૦૦૧માં તેને જર્મનીમાં નોબલ પ્રાઇઝ વિજેતા વિજ્ઞાનીઓના સંમેલનમાં ભાગ લેવા માટે ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી તરફથી મોકલવામાં આવ્યો હતો. તેણે તે બધાની સાથે ભૌતિક વિજ્ઞાનના એક સિદ્ધાંતોની ચર્ચા કરી ત્યારે તેની ઉંમર માત્ર ૧૩ વર્ષની હતી. તેણે ક્વૉન્ટમ ફિલ્ડ થિયરી પાર્ટિકલ ફિઝિક્સ, બિગ-બેન્ગ થિયરી અને સુપર કન્ડક્ટિવિટી જેવા વિષયો પર તેના નિષ્ણાતો જેવા વ્યાખ્યાન આપી તેમને અચરજમાં મૂકી દીધા હતા.
તે પછી તથાગત અવતાર તુલસીને 'ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ સાયન્સ'માં દાખલ કરાયો હતો. ત્યાં તેો પી.એચ.ડી. થિસિસ હતો - 'જનરલાઇઝેશન્સ ઑફ ધ ક્વૉન્ટમ સર્ચ અલ્ગોરીધમ'. તેણે ઇન્ડિયન અમેરિકન વિજ્ઞાની લવ ગ્રોવર (Lov Grover) સાથે એ ન્યૂ અલ્ગોરીધમ ફોર ફિકસ્ડ પોઇન્ટ ક્વૉન્ટમ સર્ચ' પરની રીસર્ચ મેન્યુસ્ક્રિટમાં સહલેખન પણ કર્યું. 'ટાઈમ' મેગેઝિને એકવાર તુલસીની સર્વાધિક પ્રતિભાશાળી એશિયન યુવાનોમાના એક તરીકે પ્રશંસા કરી છે. 'સાયન્સ' મેગેઝિને તેને સુપરટીન (Superteen) ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ 'ફિઝિક્સ પ્રોડિજી' ધ વિકે માસ્ટર માઇન્ડ અને આઉટલુકે 'વન ઑફ ધ સ્માર્ટેસ્ટ ઇન્ડિયન યન્ગસ્ટર્સ' તરીકે નવાજ્યો છે. તથાગત તુલસીએ ૨૦૦૭માં બેનેટનના શોધકેન્દ્ર ફેબ્રિકાના સ્ટોક એક્ષચેન્જ ઑફ વિઝન પ્રોજેક્ટમાં ભાગ લીધો હતો. તેને ૧૪ જૂન ૨૦૦૭ના રોજ મિલાનો, ઇટલીમાં અલ ગોર (Al Gore) ના સન્માનમાં આયોજિત ડિનર માટે લુસિયાનો બેનેટન દ્વારા નિમંત્રિત કરવામાં આવ્યો હતો. તથાગતની સ્ટોરી નેશનલ જિયોગ્રાફિક ચેનલ દ્વારા 'માય બ્રિલિયન્ટ બ્રેન' કાર્યક્રમમાં બતાવવામાં આવી હતી. ઇન્ડિયાઝ જીનિયસ (India’s Genius) નામનો એપિસોડ ૧૩ ડિસેમ્બર ૨૦૦૭ના રોજ પ્રસારિત કરાયો હતો જેના હોસ્ટ તરીકેને કામગીરી બોલીવુડ અભિનેત્રી કોંકણા સેન શર્માએ કરી હતી.
તથાગત અવતાર તુલસીના પિતા જે સુપ્રિમ કોર્ટના એડવોકેટ અને એસ્ટ્રો-જિનેટિક્સના પ્રેક્ટિશનર છે તેમણે જણાવ્યું હતું કે તેમનો પુત્ર તથાગત પ્રોગ્રામ્ડ ચાઈલ્ડ છે. સુપ્રજનન, નસ્લ સુધાર વિજ્ઞાન તરીકે ઓળખાતા અર્વાચીન યૂજેનિક્સ (Eugenics) ના ઉપયોગથી તેમણે અને તેમની પત્નીએ અતિ મેઘાવી મહા પ્રતિભાવાન પુત્રને જન્મ આપવાનું આયોજન કર્યું હતું. પ્રાચીન કાળના ગર્ભ સંસ્કાર જેવું અર્વાચીન કાળનું યૂજેનિક્સ માતા-પિતા પોતે ઇચ્છે તેવા ગુણધર્મ ધરાવતા પુત્ર કે પુત્રીને જન્મ આપી શકે તેનું જ્ઞાન આપે છે. પ્રો. તુલસી નારાયણ પ્રસાદે મિડિયા સમક્ષ એ જાહેર કર્યું હતું કે યૂજેનિક્સ અને એસ્ટ્રો-જિનેટિક્સના ઉપયોગથી તે તથાગત અવતારના જન્મ પહેલાં બે વાર પોતાની ઇચ્છા પ્રમાણે પુત્ર-પુરુષ જાતિનું સંતાન (male Child) ને જન્મ આપી ચૂક્યા હતા. પોતે જે થિયરીને અનુસરે છે તેને સાચી પુરવાર કરવા તેમણે ત્રીજીવાર જીનિયસ મેઇલ ચાઈલ્ડને જન્મ આપવાનું આયોજન કર્યું હતું જે પહેલાની જેમ સફળ રહ્યું હતું.
તિરુપતિની રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે સેવા આપનાર શ્રીનલ ચક્રવર્તીનો પુત્ર હર્ષ ચક્રવર્તી પણ બાળપણથી અસાધારણ ગાણિતિક ક્ષમતા અને સ્મરણ શક્તિ ધરાવતો હતો. તેને બાળ શતાવધાની કહેવામાં આવતો હતો. ૨૫, ૨૬, ૨૭ જૂન ૨૦૦૧ના રોજ હર્ષની શતાવધાન શક્તિ અંગે પ્રયોગો કરાયા હતા. કાર્યક્રમમાં ૧૦૦ પ્રશ્નકર્તાઓ એને પ્રશ્નો પૂછ્યા હતા. છ ભાગમાં પહેંચાયેલા એ કાર્યક્રમમાં ૩ દિવસ સુધી સવારે બે કલાક અને બપોરે બે કલાક તેને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેણે માત્ર સાંભળીને, તેને યાદ રાખીને તે બધાના સાચા જવાબો આપ્યા હતા. તે કાર્યક્રમને અંતે તેને 'સાંખ્ય જગત ચક્રવર્તી'ની પછી અપાઈ હતી. હર્ષ ચક્રવર્તી અનેક આકડાની સંખ્યાના ગુણાકાર, ભાગાકારના જવાબ તત્કાળ આપી શકે છે. ભૂતકાળની અને ભવિષ્યકાળની તારીખના વાર, તે દિવસની તિથિ, નક્ષત્ર વગેરે પંચાંગની વિગતો પણ તત્કાળ જણાવી દે છે. પાય એટલે કે બાવીસ સપ્તમાંશની ૩૦૦ આંકડા સુધીની દશાંશ કિંમત હર્ષ મોઢે કહી શકે છે. ૧થી ૨૦૦ અંકના ૨ થી ૬ સુધીના ઘાતાંક કહી શકે છે. એટલું જ નહીં એના વર્ગમૂળ એન ઘનમૂળ પણ મોઢે કહી શકે છે. હર્ષને ગણિતની શક્તિ માટે હરતું ફરતું કોમ્પ્યુટર કહેવામાં આવે છે. તેને બાલાવધાની, બાલ-મેઘાવી, દ્વિગુણિત અષ્ટાવધાની, સુપર કિડ, બાલ-ભાસ્કર, ગણિત કંઠીરવ, વન્ડર ચાઈલ્ડ જેવી અનેક પદવીઓથી સન્માનિત કરાયો હતો.
વિશેષજ્ઞાો હર્ષની ગાણિતિક ક્ષમતાથી વિસ્મિત છે. તે માને છે કે તેની આ શક્તિ તેના પૂર્વજન્મના ગણિત નૈપુણ્યથી આવી હોય એવું લાગે છે. ગણિતના કોઈપણ સવાલનો જવાબ એક પળમાં જ આપી શકાય એવી કોઈ ટેકનિક આજના વિજ્ઞાન પાસે નથી. કોમ્પ્યૂટર પણ આટલી ઝડપથી તમામ પ્રશ્નોના જવાબ આપી શક્તું નથી. હર્ષની આ ક્ષમતા વારસાગત પણ આવી નથી. તેના પિતાને સામાન્ય ગણિત પણ બરાબર આવડતું નથી. તેની માતા પણ બહુ ભણેલી નથી. તેની જોડિયા બહેન પણ સામાન્ય બુદ્ધિ અને સાધારણ ગણિતની ક્ષમતા ધરાવે છે. તે કશેથી સહેજે શિખ્યા વગર બાળપણના આરંભથી જ અસાધારણ, જીનિયસ જેવી ગણિતીય ક્ષમતા કેવી રીતે ધરાવતો હતો તેનો કોઈની પાસે ઉત્તર નથી. ક્યાં તો તે પૂર્વજન્મમાંથી આવી હશે એમ માનવું પડે અથવા કોઈ રહસ્યમય દૈવી શક્તિથી તે પ્રગટ થતી હોય તેમ માનવું પડે.