Get The App

મનની ઈન્દ્રિયાતીત જ્ઞાન શક્તિથી વિશ્વની કોઈ પણ માહિતી ગ્રહણ કરી શકાય છે

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
મનની ઈન્દ્રિયાતીત જ્ઞાન શક્તિથી વિશ્વની કોઈ પણ માહિતી ગ્રહણ કરી શકાય છે 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- સંશોધકો કહે છે કે એક વ્યક્તિ અત્યારે શું બોલી રહ્યો છે અને બીજી પળે શું બોલશે એનું ઈન્દ્રિયાતીત જ્ઞાન ફ્રેન્કને થઈ જાય છે 

તે જોબિંદુ ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે - 'યત્કિંયેદં પ્રાણિ જંગમં ચ પરિત્ર ચ યચ્ચ સ્થાવરં સર્વં તત્પ્રજ્ઞાનેનત્રં પ્રજ્ઞાને પ્રતિષ્ઠા, પ્રજ્ઞાનં બ્રહ્મ । આ જગતમાં જે કંઈ સજીવ, નિર્જીવ, સ્થાવર-જંગમ વગેરે દેખાય છે તે, બુધ્ધિરૂપ પ્રજ્ઞા બ્રહ્મ ચેતના જ જગતને નિર્મિત કરે છે અને તેમાં જ બધું પ્રતિષ્ઠા પામેલું છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય તેનાથી જ થાય છે.' 'યદ્ તં સ્થૂલં સૂક્ષ્મં ચ તત્ત્સર્વ મન: સ્પન્દિત માત્રમ્ - જે કંઈ સ્થૂળ કે સૂક્ષ્મ છે તે બધું મનના સ્પંદન માત્રથી પ્રકટ થયેલું છે.' યોગવસિષ્ઠ રામાયણમાં વસિષ્ઠ મુનિ ભગવાન રામને કહે છે - 'મનમાં બધા પ્રકારની શક્તિઓ છે. મન એની અંદર જેવી ભાવના કરે છે પળભરમાં તે તેવું થઈ જાય છે. સમય અને સ્થળનો વિસ્તાર તથા ક્રમ પણ મનને જ અધીન છે. મન એક કલ્પને એક ક્ષણ જેટલો અને એક ક્ષણને કલ્પ જેટલી 

બનાવી દે છે.'

આપણા આધ્યાત્મિક ગ્રંથોમાં મનને ચેતનાનું જ એક રૂપ કહેવામાં આવ્યું છે. ઈશ્વરનો સર્વશક્તિમાન, સર્વવ્યાપી અને સર્વજ્ઞા (omnipotent, omnipresent, omniscient)  હોવાનો ગુણધર્મ એના અંશરૂપ જીવાત્માના મનમાં પણ છે. એટલે ભગવાન શ્રીકૃષ્ણ શ્રીમદ્ ગીતાના દસમા 'વિભૂતિ યોગ' અધ્યાયના બાવીસમા શ્લોકમાં કહે છે - 'ઈન્દ્રિયાણાં મનશ્વાસ્મિ ભૂતાનામપિ ચેતના - હું ઈન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓમાં ચેતના રૂપે રહેલો છું.' ઉપનિષદો કહે છે કે મનસ્ તત્ત્વ (મન) પર ચેતનાની શક્તિથી ઉદ્ભવેલું છે જે સર્વ સમર્થ, બધે વ્યાપ્ત અને બધું જાણી લેનાર છે.

બ્રિટિશ ભૌતિક વિજ્ઞાની અને ખગોળવિજ્ઞાની સર આર્થર એડિંગ્ટન કહે છે  - The universe is of the nature of a thought or a sensation in a universal Mind... The stuff of the world is mind-stuff. બ્રહ્માંડ વૈશ્વિક મનમાં ઉદ્ભવતા વિચાર કે સંવેદનાથી સર્જાય છે. જગત બંધારણના મૂળ ઘટકો મનના ઘટકો જ છે. એટલે આખું બ્રહ્માંડ મનસ્ શક્તિ (મન તત્વ)ના સૂક્ષ્મતમ કણોથી બનેલું છે. ખગોળ-ભૌતિકવિજ્ઞાની સર જેમ્સ હોપવુડ જીન્સ (James Hopwood Jeans) એમના 'ધ મીસ્ટિરિયસ યુનિવર્સ' પુસ્તકમાં લખે છે - ‘The universe looks more and more like a great thought rather than a great machine - જગત એક મોટા યંત્ર કરતાં એક મહાન વિચાર જેવું વધુ ને વધુ લાગે છે.' સર જેમ્સ જીન્સ એમાં કહે છે - 'મન હવે પદાર્થના ક્ષેત્રમાં એક આકસ્મિક ઘુસણખોરના રૂપમાં દેખાતું નથી. આપણે એનો પદાર્થના ક્ષેત્રના નિર્માતા અને શાસકના રૂપમાં સ્વીકાર કરવો જોઈએ.' 'બ્રહ્માંડને સર્વોત્તમ રૂપે આ રીતે ચિત્રિત કરી શકાય છે કે તે શુદ્ધ વિચારથી બનેલું છે, એ વિચાર જેને વ્યાપક શબ્દના અભાવમાં આપણે ગણિતીય વિચારક (mathematical thinker) ના રૂ૫માં વર્ણિત કરવો જોઈએ.' 'પોતાની રચનાના અંતર્નિહિત પ્રમાણથી બ્રહ્માંડનો મહાન રચયિતા (શિલ્પી/આર્કિટેક્ટ) હવે એક શુદ્ધ ગણિતજ્ઞા (Pure mathematician) ના રૂ૫માં પ્રકટ થવા લાગ્યો છે.'

ઘણા માણસો અસાધારણ માનસિક શક્તિ ધરાવતા હોય છે. એમાં ઈન્દ્રિયાતીત જ્ઞાન શક્તિ ધરાવનાર દુનિયાની કોઈ પણ માહિતી તત્કાળ પ્રાપ્ત કરી લેતા હોય છે. બ્રહ્માંડના એક ખૂણેથી બીજા ખૂણે મન તત્ક્ષણ ગતિ કરે છે જ્યાં પહોંચતા પ્રકાશને લાખો પ્રકાશ વર્ષ લાગે ત્યાં પણ મન એક પળ કરતાંય ઓછા સમયમાં પહોંચી જાય છે. ક્લેરવોયન્સ તરીકે ઓળખાતી અતીન્દ્રિય જ્ઞાન ધરાવવાની શક્તિના પ્રયોગોમાં પણ આ બાબત પુરવાર થાય છે. યુનાઈટેડ સ્ટેટસ ઑફ અમેરિકાના અબાલામાં રાજ્યની ઈટોવાહ કાઉન્ટીમાં આવેલા ગેડસડેન (Gadsden)  શહેર ૫ાસે રહેતા ફ્રેન્ક રેન્સ નામની વ્યક્તિમાં ઈશ્વરે એવી વિલક્ષણ શક્તિ આપી છે જે મનની સર્વવ્યાપકતા અને સર્વજ્ઞાતાને પુરવાર કરવા શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી શકે એમ છે.

એક અમેરિકન હોવાને કારણે તે અંગ્રેજી ભાષા તો સારી રીતે બોલે તે સ્વાભાવિક છે. તે સિવાય તે દુનિયાની બીજી કોઈ ભાષા શીખ્યો નહોતો પણ એની અદ્ભુત વિલક્ષણતા એ છે કે તે દુનિયાની કોઈપણ ભાષા બોલતા માણસનું તે જે બોલે તેનું એક સમાન ઉચ્ચારણ તત્કાળ કરવા લાગે છે. બોલનાર વ્યક્તિના મુખેથી જે કંઈ બોલાય ફ્રેન્ક રેન્સના મુખમાંથી એ જ સમયે એ જ બધું બોલાય. એ ગીત ગાવા લાગે તો ફ્રેન્ક પણ એ જ ગીત સમાનાંતર રીતે ગાવા લાગે છે. ભલે ને પૂર્વે તેને એ ગીત આવડતું ના હોય, જાણે કે એક ગ્રામોફોન કે રેકોર્ડર સાથે બે માઈક જોડયા હોય તો તે બન્નેમાંથી એકસાથે એક સરખો અવાજ આવે એવું એની બાબતમાં થાય છે. ફ્રેન્ક રેન્સ એની અતીન્દ્રિય જ્ઞાન શક્તિથી બોલવા લાગે. જે બોલે તે તત્કાળ જાણી લઈને પોતાના મુખેથી બોલવા લાગે. બન્ને વચ્ચે થોડું કે વધારે અંતર રાખવામાં આવ્યું હોય, બન્નેના મુખ એકબીજાથી વિરુદ્ધ દિશામાં રાખવામાં આવ્યા હોય કે વચ્ચે અપારદર્શક પડદો રાખવામાં આવ્યો હોય તો પણ ફ્રેન્ક બોલનારનું સમાંતર અનુકરણ કરી બતાવે છે. પ્રયોગો કર્યા પછી સંશોધકોને ખ્યાલમાં આવ્યું કે ફ્રેન્ક બોલનારનું પુનરુચ્ચાણ નથી કરતો પણ એનું સમાંતર સમ-ઉચ્ચારણ કરે છે.

એકવાર એક પ્રયોગ દરમિયાન વિખ્યાત હાસ્ય કલાકાર જેરી લ્યુવિસે ફ્રેન્કની ક્ષમતાનું પરીક્ષણ કર્યું. તેમાં લોલો બ્રિગિડા નામની મહિલાને આમંત્રિત કરી વે અનેક ભાષાઓ કડકડાટ બોલી શકતી હતી. પ્રયોગ દરમિયાન જોવામાં આવ્યું કે તે જે ભાષામાં બોલતી બરાબર એ જ સમયે એનાથી થોડે દૂર ઊભો રાખેલો ફ્રેન્ક એની સાથે સાથે એ જ બધું બોલતો. જાણે એક સરખી લખાયેલી સ્ક્રિપ્ટ બે જણા એક સાથે બોલતા હોય એવું લાગે. ફ્રેન્કની વિશેષ કસોટી કરવા લોલોબ્રીગિડાએ તે ભાષાના ના હોય તેવા અર્થહીન, ખોટા ખોટા શબ્દો ઉચ્ચાર્યા તો ફ્રેન્કે પણ તે પ્રમાણે જ ઉચ્ચાર્યા હતા. લોલોબ્રિગિડા જે બોલતી તે બધું રેકોર્ડ કરી લેવાતું અને ફ્રેન્ક જે બોલતો તે પણ રેકોર્ડ કરી લેવાતું. તે પછી બન્ને વક્તવ્યો સાંભળીને સરખાવવામાં આવ્યા તો તે અક્ષરે અક્ષર એકસરખા હતા. ટેલિવિઝનના એક કાર્યક્રમમાં વક્તવ્યને બદલે ગાયનનો પ્રયોગ કરાયો ત્યારે અન્ય અજાણી ભાષાના ગીતો ગાવામાં આવ્યા ત્યારે ફ્રેન્કે એ જ સ્વર, તાલ, લહેકામાં અક્ષરશ: સરખી રીતે સમાંતર ગાઈ બતાવ્યા હતા.

સંશોધકો કહે છે કે એક વ્યક્તિ અત્યારે શું બોલી રહ્યો છે અને બીજી પળે શું બોલશે એનું ઈન્દ્રિયાતીત જ્ઞાન ફ્રેન્કને થઈ જાય છે અને તે પણ તેને આધારે તે પ્રમાણે બોલવા લાગી જાય છે. બીજી ભાષાઓ ન આવડતી હોવા છતાં, સાવ અજાણ્યા શબ્દો તે બોલનારની સાથે તે જ સમયે તેનાથી દૂર હોવા છતાં કેવી રીતે બોલી જાય છે ? પરામનોવિજ્ઞાનીઓ એનું કારણ જણાવતા કહે છે કે ફ્રેન્ક રેન્સનું મન બોલનાર વ્યક્તિના મન સાથે જોડાઈ ઈન્દ્રિયાતીત જ્ઞાન શક્તિ, ટેલિપથીથી તેને જાણી લે છે અને તેનું સમાંતર ઉચ્ચારણ કરવા લાગી જાય છે.


Google NewsGoogle News