ચૈતસિક બર્ટ રીસની ક્લેરવોયન્સ શક્તિ પર વિજ્ઞાાની થોમસ આલ્વા એડિસને કરેલા પ્રયોગો

Updated: Aug 6th, 2024


Google NewsGoogle News
ચૈતસિક બર્ટ રીસની ક્લેરવોયન્સ શક્તિ પર વિજ્ઞાાની થોમસ આલ્વા એડિસને કરેલા પ્રયોગો 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- તે આંખો મીંચીને અંતરાવલોકન કરતા ત્યારે તેમને માનસપટ પર દૂરની વસ્તુઓ દ્રશ્યમાન થતી. ધીમે ધીમે તેમની અનેકવિધ ચૈતસિક શક્તિઓ વિકસવા લાગી હતી

અ મેરિકન-પોલિશ મિડિયમ, મેન્ટાલિસ્ટ અને ક્લેરવોયન્ટ બર્ટ રીસ અસાધારણ ચૈતસિક શક્તિ ધરાવતા હતા. તેમનો જન્મ પ્રુશિયાના પોસેેનમાં ૧૮૫૧ના રોજ થયો હતો અને જર્મનીમાં ૧૯૨૬માં તેમનું મરણ થયું હતું. બર્ટ રીસ (Bert Reese) અધ્યાત્મવાદી હતા અને ઈન્દ્રિયાતીત જ્ઞાાનશક્તિ ધરાવતા હતા. અતીન્દ્રિય દૂરદ્રષ્ટા બર્ટ રીસની માઈન્ડ રિડિંગ અને રિમોટ વ્યૂઈંગની શક્તિથી તત્કાલીન વિજ્ઞાાનીઓ પણ પ્રભાવિત થયા હતા. તેમને કેટલાક લોકો એક્ષ-રે જેવી દ્રષ્ટિ ધરાવનાર પણ કહેતા. અંગ્રેજ તત્વજ્ઞાાની, કવિ, નવલકથાકાર અને ગૂઢવાદી એલિસ્ટર ક્રાઉલી (Aleister crowley) ના તે મિત્ર હતા.

બર્ટ રીસને બ્લેક સિગાર પીવાનો શોખ હતો. સિગારના ધુમાડાના ગોટાઓથી ઘેરાયેલા રહી તેમાં તેમને ડૂબેલા રહેવાનું ગમતું હતું. તે આંખો મીંચીને અંતરાવલોકન કરતા ત્યારે તેમને તેમના માનસપટ પર દૂરની વસ્તુઓ દ્રશ્યમાન થતી. ધીમે ધીમે તેમની અનેકવિધ ચૈતસિક શક્તિઓ વિકસવા લાગી હતી. પહેલા વિશ્વયુદ્ધ પછી તે અમેરિકા આવ્યા તે પૂર્વે યુરોપના નામાંકિત વિજ્ઞાાનીઓ આગળ તેમણે તેમની ચૈતસિક શક્તિના પ્રયોગો કરી બતાવ્યા હતા જેમાં તે નિરપવાદ સફળ રહ્યા હતા.

અમેરિકા આવ્યા બાદ તેમણે તેમની ચૈતસિક શક્તિનું નિદર્શન કરવાના પ્રયોગો ચાલુ જ રાખ્યા. અહીં તેમણે વુડરો વિલ્સન, ચાર્લ્સ એમ. સ્ક્વાવેબ (Charles M. Schwab), વોરન હોર્ડિંગ અને થોમસ ાલ્વા એડિસન જેવા અત્યંત નામાંકિત, મહાન વ્યક્તિઓને પણ તેમની શક્તિથી અભિભૂત કર્યા હતા. ૧૯૧૫માં બર્ટ રીસને મેજિસ્ટ્રેટ બાર્લોએ ભ્રામક ભવિષ્યવેત્તામાં રૂપમાં દોષી બતાવી સજા સંભળાવી દીધી હતી. તેમણે પોતાની સજાની વિરૂદ્ધ અપીલ કરી અને પોતાની શક્તિનું પરીક્ષણ કરવા વિનંતી કરી હતી. ન્યૂયોર્કમાં અદાલતની સુનવણી વખતે જજ રોસાલ્સ્કી (Rosalsky) એ તેમની શક્તિનું પરીક્ષણ કરવા પોતાની આજુબાજુમાં કોઈ ન હોય તેવા વખતે એક કાગળ પર ત્રણ પ્રશ્નો લખી તે કાગળ વાળી તેને બરબીડિયામાં મૂકી, સિલ કરી પૂછયું - આ કાગળમાં શું લખ્યું છે તે જો તમે બરાબર બતાવી દેશો તો તમામ શક્તિ સાચી છે તેમ જાહેર કરી તમારા પરનો આરોપ દૂર કરી તમને મુક્ત કરી દેવાશે. બર્ટ રીસેને કાગળમાં જજ રોસાલ્સ્કીએ કયા ત્રણ પ્રશ્નો લખ્યા છે તે અક્ષરશ: કહી બતાવ્યા હતા. તે સાથે આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ એટર્નીએ તેના બેન્ક એકાઉન્ટની વિગતો પૂછી તો બર્ટ રીસે તે પણ એકદમ ચોક્કસ વિગતો સાથે કેવળ એની મનની શક્તિથી જણાવી દીધી હતી. તે બિલકુલ સાચી હતી. આવી પરીક્ષાઓમાંથી પસાર થયા બાદ તેની ક્લેરવોયન્સ શક્તિને સ્વીકારીને જજ રોસાલ્સ્કીએ તેમને આરોપ મુક્ત કરી છોડી દીધા હતા.

અમેરિકન એનિમેટર જેમણે હન્ના એન્ડ બાર્બરાની ટીમના ભાગરૂપે ટોમ એન્ડ જેરી, ફિલંટસ્ટોન્સ, સ્કૂબી-ડૂ જેવા લોકપ્રિય કાર્ટૂન ચરિત્રોનું નિર્માણ કર્યું હતું તે વિલિયમ હન્ના (William Hanna) પણ બર્ટ રીસના પ્રશંસક હતા. 

તેમણે રીસની ચૈતસિક શક્તિઓને અનેકવાર નિહાળી તેને નવાજી હતી. અમેરિકાના મહાન વિજ્ઞાાની અને સંશોધક થોમસ આલ્વા એડિસન (Thomas Alva Edison) જેમણે લાઈટ બલ્બ, ફોનોગ્રાફ અને મોશન પિકચર કેમેરા જેવી શોધોમાં યોગદાન આપ્યું, ટેલીગ્રાફ અને ટેલીફોનમાં સુધારા કર્યા, પોતાની ૮૪ વર્ષની ઉંમરમાં ૧૦૯૩ પેટન્ટ પ્રાપ્ત કરી તે પણ બર્ટ રીસના પ્રશંસક અને સમર્થક બન્યા હતા. શરૂઆતમાં એડિસન માઈન્ડ રીડિંગ જેવી ચૈતસિક શક્તિમાં વિશ્વાસ ધરાવતા નહોતા પણ રીસની શક્તિઓનું સ્વયં પરીક્ષણ કર્યા પછી તેમાં માનવા લાગ્યા હતા. ન્યૂ જર્સી ખાતે આવેલી તેમની લેબોરેટરીમાં બર્ટ રીસ પર પ્રયોગો કર્યા હતા. એક પ્રયોગ દરમિયાન ચૈતસિક બર્ટ રીસે એડિસનને તેમના સહાયકોને એકઠા થવા કહ્યું. પછી તેમને કહ્યું કે આમાંથી કોઈપણ એક વ્યક્તિને તે યાદ્રચ્છિક રીતે (randomly) પસંદ કરે. એડિસને એક વ્યક્તિ પસંદ કરી. તેને સૂચના આપવામાં આવી તારે બાજુના રૂમમાં જઈ એક કોરા કાગળ પર તારી માતાનું નામ, તેના જન્મની વિગતો અને જીવનની ઘટનાઓ સાથે વ્યક્તિત્વની ખાસિયતો ટૂંકમાં લખવાની છે. તેણે તે પ્રમાણે કર્યું. આ તરફ બર્ટ રીસે થોડીવાર ધ્યાન કેન્દ્રિત કર્યું અને એડિસનને બીજા કોરા કાગળ પર પોતે જે બોલે છે તે લખી લેવા જણાવ્યું. તેમણે બોલવા બોલવા માંડયું અને એડિસને લખવા માંડયું. તે લેખન પૂરું થયું તે પચી પેલી વ્યક્તિને બાજુના રૂમમાંથી બોલાવવામાં આવી. તેણે પોતે લખેલો કાગળ એડિસનને આપ્યો. એડિસને બન્ને કાગળનું લખાણ સરખાવ્યું તો તે એકસરખું હતું. તેમાં એક શબ્દ પણ વધારે કે ઓછો નહોતો ! તે પછી જે બાબત પ્રયોગમાં સામેલ નહોતી તે જણાવી બર્ટ રીસે બધાને વિસ્મયમાં મૂકી દીધા. રીસે તે સહાયક વિજ્ઞાાનીને કહ્યું તારા કોટના જમણા ખિસ્સામાં એક કાગળનું પડીકું છે. તેમાં એક સિક્કો છે. એ કોઈ નાણાંનો સિક્કો નથી, સારા ભાગ્ય માટે રખાતો 'ગુડ લક કોઈન' છે. તેના પર સેનું ચિત્ર અંકિત થયેલું છે તે પણ કહી દીધું. પેલા વિજ્ઞાાનીએ તે ખિસ્સામાંથી કાઢી સૌને બતાવ્યો તો રીસે કહ્યું હતું તે પ્રમાણે જ જોવા મળ્યું. 

બીજા એક પ્રયોગ દરમિયાન એડિસને પોતે જ પ્રયોગપાત્ર બનવાનું નક્કી કર્યું. તે બર્ટ રીસ જે પ્રયોગશાળામાં હતા તેનાથી થોડે દૂર આવેલા એક ઓળખીતાના ઘરમાં જઈને બેઠા. ત્યાંથી એક કાગળ લઈને તેમાં શું લખવું તે વિચારવા લાગ્યા. એ દિવસો દરમિયાન તે 'માસ ટ્રાન્સપોર્ટેશન' માટે ઈલેકટ્રિક ઓટોમોબાઈલ્સમાં વજનમાં હળવી છતાં શક્તિશાળી બેટરી કેવી રીતે બનાવવી તેની સમસ્યામાં વ્યસ્ત હતા. એટલે તેમણે તે કાગળમાં લખ્યું - Is there anything better than nickle hydroxide for an alkaline storage battery ? (આલ્કલાઈન સ્ટોરેજ બેટરી માટે નિકલ હાઈડ્રોક્સાઈડથી વધારે સારું બીજું કંઈ છે ?) પછી તે કાગળની ગડી વાળી તેને ઘડિયાળની પાછળ મૂકી દીધો જેથી તે સચવાઈ રહે. એટલું કર્યા પછી તે લેબેરેટરીવાળા મકાન ઓરેન્જ (Orange) માં પાછા આવ્યા જ્યાં બર્ટ રીસ અને તેમના સહાયક વિજ્ઞાાનીઓ તેમની રાહ જોતા હતા. થોમસ આલ્વા એડિસને જેવો લેબોરેટરીમાં પગ મૂક્યો તે સાથે બર્ટ રીસ બોલી ઉઠયા  - No Mr. Edison, there is nothing better than nickle hydroxide for an alkaline storage battery (ના, શ્રીમાન એડિસન, આલ્કલાઈન સ્ટોરેજ બેટરી માટે નિકલ હાઈડ્રોક્સાઈડથી વધારે સારું બીજું કંઈ નથી. વિશ્વ વિખ્યાત સંશોધક વિજ્ઞાાની થોમસ આલ્વા એડિસને બર્ટ રીસની બિલેટ રીડિંગ (billet reading),  માઈન્ડ રીડિંગ, ક્લેરવોયન્સ જેવી ઐતસિક શક્તિઓનું પરીક્ષણ કર્યું અને તેમાં તે પૂરેપૂરા સફળ થયા એટલે તેમણે પણ આવી શક્તિ અસ્તિત્વ ધરાવે છે તે સ્વીકારી લીધું હતું.


Google NewsGoogle News