Get The App

યોગનિદ્રા કે હિપ્નોસિસ વખતે પ્રગટ થતી અચેતન મનની રહસ્યમય અગાધ શક્તિઓ

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
યોગનિદ્રા કે હિપ્નોસિસ વખતે પ્રગટ થતી અચેતન મનની રહસ્યમય અગાધ શક્તિઓ 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- યોગનિદ્રા એ વિશેષ પ્રકારની માનસિક અને આધ્યાત્મિક નિદ્રા છે. તે એવી નિદ્રા છે જેમાં જાગૃત અવસ્થામાં સૂવાનું છે

સંમોહન પર સંશોધન કરનારા બ્રિટિશ મનોવિજ્ઞાાની, ''સેલ્ફ હિપ્નોસિસ એન્ડ સાયન્ટિફિક સેલ્ફ સજેશન'' 'થિયરી એન્ડ પ્રેક્ટિસ ઓફ હિપ્નોસિસ' જેવા પુસ્તકોના લેખક વિલિયમ જે. ઔસબી  (William J. oucby)  ભારતીય યોગશાસ્ત્રના અભ્યાસી છે. તેમણે યોગનિદ્રા અને બિંદુ ધ્યાન યોગનો ગહન અભ્યાસ કરી તેના પર ઊંડુ સંશોધન કર્યું છે. વિલિયમ ઔસબીનો જન્મ લિવરપૂલ, ઈગ્લેન્ડમાં થયો હતો. તેમણે એક પત્રકાર તરીકે અને ઔદ્યોગિક મનોવિજ્ઞાાનીના રૂપે કામ કર્યું તે પછી તેમણે સંમોહન (હિપ્નોસિસ)નો અભ્યાસ કર્યો અને તે વિષયનું પ્રશિક્ષણ બ્રિટન, ઓસ્ટ્રેલિયામાં અને ન્યૂઝીલેન્ડમાં આપ્યું. થોડા વર્ષો આફ્રિકામાં વીતાવ્યા અને ત્યાંના પ્રેતાત્મા ચિકિત્સકો (Witch Doctors) ની પદ્ધતિઓનું અધ્યયન કર્યું. પછી ભારતમાં આવીને હઠયોગનું પ્રશિક્ષણ લીધું અને અગ્નિ પર ચાલનારા તથા ટ્રાન્સની સ્થિતિમાં ઉતરનારા યોગીઓનું પરીક્ષણ કરી તેના પર સંશોધન કર્યું. તે પછી લંડનમાં હિપ્નોસિસ અને સેલ્ફ હિપ્નોસિસના વિશેષજ્ઞા રૂપે કામ કર્યું. વિલિયમ ઔસબી કહે છે કે યોગનિદ્રા, મોહનિદ્રા અને બિંદુ ધ્યાન યોગ એ હિપ્નોસિસનો જ એક પ્રકાર છે. એનાથી એ તમામ લાભ મેળવી શકાય છે જે સંમોહનથી મેળવી શકાય છે. એ એક પ્રકારનો સેલ્ફ હિપ્નોટિક ટ્રાન્સ જ છે.

યોગનિદ્રા એ વિશેષ પ્રકારની માનસિક અને આધ્યાત્મિક નિદ્રા છે. તે એવી નિદ્રા છે જેમાં જાગૃત અવસ્થામાં સૂવાનું છે. તેને સ્વપ્ન અને જાગરણની વચ્ચેની સ્થિતિ માની શકાય. મનોવિજ્ઞાાનમાં આવી અવસ્થાને હિપ્નાગોગિક સ્ટેટ કહેવામાં આવે છે. રાજયોગમાં આને પ્રત્યાહાર કહેવાય છે જે વખતે મન ઈન્દ્રિયોથી વિમુખ થઈ જાય છે. યોગનિદ્રાથી શરીર અને મન સ્વસ્થ રહે છે. તેના ઉપયોગથી ખરાબ આદતોથી છૂટકારો મેળવી શકાય છે. યોગનિદ્રાના ઉપયોગથી બ્લડપ્રેશર, ડાયાબિટિસ, હ્ય્દયરોગ, માથાનો દુખાવો દમ, હતાશા, નિરાશા, વિષાદ, ચિંતા, તનાવ વગેરેથી છૂટકારો મેળવી શકાય છે.

ન્યૂયોર્ક યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સાઈકોલોજી ખાતે ઈન્સ્ટિટયૂટ ઓફ રિસર્ચ ઈન હિપ્નોસિસમાં થિયરિટિકલ પ્રાયોગિક સંશોધનો કરનારા ડૉ. પોલ સેસરડોટ (Paul Sacerdote) મનોચિકિત્સક અને શારીરિક ગાંઠ વિકૃતિ રોગ વિશેષજ્ઞા (oncologist) છે. તે કેન્સરયુક્ત અને કેન્સર રહિતની ગાંઠના નિષ્ણાત ચિકિત્સક છે. તેમના મત પ્રમાણે મોટાભાગના રોગોનું મૂળ કારણ મનોવિકારો જ છે. આ મનોવિકારોને દૂર કરવાના ઉપચારોમાં એક ઉપચાર યોગનિદ્રા કે. સંમોહન પણ છે. હિપ્નોસિસ (સંમોહન)ના ઉપયોગથી શારીરિક અને માનસિક બન્ને પ્રકારના રોગોમાં સફળતાપૂર્વક ઉપચાર કરી શકાય છે. અસ્થમા, આંતરડાનો સોજો, નબળાઈ, નંપુસકતા, આધાસીસી (માઈગ્રેન) અને હાઈબ્લડપ્રેશર જેવા રોગોના ઉપચારમાં હિપ્નોસિસથી ઘણી સફળતા મળી છે.

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોના ગાયનેકોલોજિસ્ટ ડૉ. ડેવિડ બ્રેડલી ચીક  (David Bradley cheek)  જેમને સાઈકોસોમેટિક મેડિસિન ક્ષેત્રના પાયોનિયર કહેવામાં આવે છે તે પણ કહે છે કે જો યોગ પ્રક્રિયાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો જૂની, દીર્ઘકાલિક  (Chronic) માનસિક બીમારીઓ કે મનોવિકારોથી છુટકારો મેળવી શકાય છે.

માનવ મન અનંત શક્તિઓથી ભરેલુ છે. તે અત્યંત રહસ્યમય અને ચમત્કારિક ક્ષમતાઓને પ્રગટ કરી શકે છે. અમેરિકન, લેખક, પત્રકાર, મનોવિજ્ઞાાની થોમસન જે. હડસન  (Thomson J. Hudson) હિપ્નોસિસ અંગે આગવા સંશોધનો કરી પુસ્તકો પણ લખ્યા છે. ધ લો ઓફ ધ સાઈકિક ફિનોમેના, એ સાયન્ટિફિક ડેમોન્સ્ટ્રેશન ઓફ ધ ફ્યુચર લાઈફ, ધ લો ઓફ મેન્ટલ મેડિસિન વગેરે તેમના પુસ્તકો પ્રસિદ્ધિ પામેલા છે. તેમણે સંમોહન અને આત્મ-સૂચન, સ્વ-સુઝાવ (Auto suggestion)  પર ઘણું સંશોધન કરી તેની અકલ્પ્ય શક્તિ અંગે ચર્ચા કરી છે. ધ લો ઓફ ધ સાઈકિક ફિનોમેનામાં તેમણે પોતાનો એક જાત અનુભવ લખ્યો છે - વોશિંગ્ટનના હિપ્નોટિસ્ટ પ્રો. કાર્પેન્ટરે મારી સામે જ એક યુવાનને સંમોહિત કર્યો. તે યુવાન એક વિખ્યાત કોલેજનો ડીગ્રીધારી હતો અને તત્ત્વચિંતનનો અભ્યાસી હતો. આ સમયે પ્રો. કાર્પેન્ટરે અન્ય પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ સમક્ષ તેના પર એક પ્રયોગ કર્યો. તે જાણતા હતા કે તે યુવાનને ગ્રીક તત્ત્વચિંતકો પ્રત્યે ખૂબ આદર અને પ્રેમ હતો. એટલે તેમણે તેને કહ્યું - શું હું તારો મેળાપ સોક્રેટિસના આત્મા સાથે કરાવી દઉં તો ? તેણે ખુશી સાથે કહ્યું - એવું થાય તો હું મારી જાતને ધન્ય અને ભાગ્યશાળી સમજું. મારા ઘણા પ્રશ્નો છે એનું સમાધાન હું તેમની પાસેથી જ મેળવી લઉં. પછી પ્રોફેસર કાર્પેન્ટરે તેને કહ્યું - જો હું તારી સામે જ સોક્રેટિસના પ્રેતાત્માને પ્રગટ કરું છું. તે તેમના અસલ સ્વરૂપમાં જ તારી સાથે વાર્તાલાપ કરશે. ગાઢ સંમોહનની સ્થિતિમાં રહેલા તે યુવાનને તેમ જ લાગ્યું કે સોક્રેટિસ તેની સામે જ ઊભેલા છે. તેણે તેમને પૂછવા માંડયા અને તેમની સાથે વાર્તાલાપ કરવા માંડયો. 

આ ચર્ચા-વિચારણા અને વાતચીત બે કલાક ચાલી. વાસ્તવમાં ત્યાં સોક્રેટિસના પ્રેતાત્માને પ્રગટ કરવામાં આવ્યો નહોતો, માત્ર તે યુવાનને હિપ્નોટાઈઝડ કરી તેના અચેતન મનમાં એવું ઠસાવવામાં આવ્યું હતું કે તેની સામે સોક્રેટિસનો પ્રેતાત્મા પ્રગટ થઈને વાતચીત કરી રહ્યો છે. તે પછી તે યુવાને જાગૃત સ્થિતિમાં આવ્યા બાદ સોક્રેટિસ સાથે શું વાર્તાલાપ થયો, તેના પ્રશ્નોના તેમણે શું જવાબ આપ્યા તે કલાકો સુધી બધા સમક્ષ તેણે વિગતવાર કહી બતાવ્યું.

પછી પ્રોફેસર કાર્પેન્ટરે તેના પર વધારે જટિલ પ્રયોગ કર્યો. તેમણે તે યુવકને સંમોહિત કરીને સૂચન કર્યું - હવે હું તારી મુલાકાત અનેક ભાષાઓ જાણનારા વિદ્ધાન અને તત્ત્વચિંતનમાં નિપુણ ભૂંડ સાથે કરાવું છું. આ ભૂંડ એના પૂર્વજન્મમાં હિંદુ પંડિત હતું. એના કર્મ અનુસાર અત્યારે તે પંડિત ભૂંડ યોનિમાં જન્મ્યો છે. જોકે પૂર્વજન્મના સંસ્કારો અને શાસ્ત્રોના બહોળા જ્ઞાાનની તેને સ્મૃતિ છે.

પ્રોફેસર કાર્પેન્ટરની સૂચના પ્રમાણે તે યુવાન તેની સામે વિદ્ધાન પંડિતના પૂનર્જન્મ રૂપ ભૂંડ સાથે વાતો કરવા લાગ્યો. વાસ્તવમાં ત્યાં કોઈ ભૂંડ હતું જ નહીં. પણ સંમોહનની અસર હેઠળ તેને ત્યાં મનુષ્યવાણીમાં બોલતું ભૂંડ છે એવું અનુભવાતું હતું. તે યુવાનને એ કાલ્પનિક ભૂંડ રૂપ વિદ્ધાન પંડિત પાસેથી એવી વાતો જાણવા મળી જે ત્યાં ઉપસ્થિત કોઈ પણ વ્યક્તિ જાણતું નહોતું. હિંદુ ધર્મશાસ્ત્રોની કેટલાક વિશિષ્ટ બાબતો, પૂર્વજન્મ-પુનર્જન્મના સિદ્ધાંતો, વેદ-ઉપનિષદના રહસ્યો વિશે તેણે જે ભૂંડ રૂપ વિદ્ધાન પાસેથી જાણ્યું હતું તે બીજા લોકોને જણાવ્યું. વેદ-ઉપનિષદ-ગીતાના શ્લોકો તે એવા કડકડાટ બોલી ગયો કે જાણે તે પોતે વિદ્ધાન પંડિત ન હોય ? વિસ્મયની વાત એ હતી કે તેને વેદ-ઉપનિષદ વ.ના શ્લોકો આવડતા જ નહોતા. સંસ્કૃત ભાષાનું પણ કશું જ જ્ઞાાન નહોતું. તો આ બધું તે અસ્ખલિત વાગ્ધારાથી કેવી રીતે બોલી ગયો ? તેણે જેની પાસેથી એનું જ્ઞાાન ગ્રહણ કર્યું તે હિંદુ વિદ્ધાન પંડિત ત્યાં નહોતો કે તેના પુનર્જન્મ રૂપ ભૂંડ પણ ત્યાં ન હોતું ! તો પછી આ જ્ઞાાન તેનામાં આવ્યું ક્યાંથી ? પ્રો.હડસન એનો જવાબ આપતાં કહે છે - આ બધું એના રહસ્યમય અચેતન મનમાંથી પ્રગટ થયું હતું. હિપ્નોસિસ દ્વારા અચેતન મનમાંથી અકલ્પ્ય શક્તિઓ પ્રગટ કરી શકાય છે.


Google NewsGoogle News