અંગ્રેજ કવિ લોર્ડ બાયરનને થયેલા પારલૌકિક, પ્રેતાત્મા જગતના વિચિત્ર અનુભવો

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
અંગ્રેજ કવિ લોર્ડ બાયરનને થયેલા પારલૌકિક, પ્રેતાત્મા જગતના વિચિત્ર અનુભવો 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- જીવનમાં મૂલ્યના ચાર પ્રશ્નો છે. પવિત્ર શું છે? આત્મા શેનાથી બન્યો છે? શેના માટે જીવવું યોગ્ય છે? શેના માટે મરવું યોગ્ય છે? દરેકનો જવાબ એક જ છે. માત્ર પ્રેમ.'

અં ગ્રેજ કવિ લોર્ડ બાયરન (જયોર્જ ગોર્ડન નોએલ, સિકસથ બેરન બાયરન)નો જન્મ ૨૨ જાન્યુઆરી ૧૭૮૮ના રોજ ઇંગ્લેન્ડના લંડનમાં થયો હતો અને તેમનું મરણ ૧૯ એપ્રિલ ૧૮૨૪ના રોજ ઓટોમન સામ્રાજ્યના મિસોલોંધી ખાતે થયું હતું. લોર્ડ બાયરનને તત્કાલીન સમયના મહાન બ્રિટિશ લેખકો અને કવિઓમાં એક માનવામાં આવે છે. તે વિલિયમ વર્ડસવર્થ, જહોન કીટ્સ અને પર્સી બિશી શેલી જેવા ખ્યાતનામ રોમેન્ટિક કાળના એક નોંધપાત્ર કવિ ગણાય છે. અવર્સ ઓફ આઇડલનેસ, ચાઇલ્ડ હેરીલ્ડ્સ પિલગ્રિમેજ, શી વોક્સ ઇન બ્યુટી, ડોન જુઆન તે તેમની અતિ પ્રસિદ્ધ કૃતિઓ છે 'There is pleasure in the pathless woods, there is rapture in the lonely shore, there is society where none intrudes, by the deep sea and music in its roar, I love not Man less but Nature more  - પથહીન જંગલોમાં આનંદ છે, એકાકી તટ પર ઉલ્લાસ છે, ઊંડા સમુદ્રોના તટ પર એવો સમાજ છે જ્યાં કોઇ હસ્તક્ષેપ નથી કરતું અને તેની ગર્જનામાં સંગીત છે, હું માનવીને ઓછો નહીં પણ પ્રકૃતિને વધારે પ્રેમ કરૃં છું.' લોર્ડ બાયરનની આ કાવ્ય પંક્તિ અત્યંત પ્રસિદ્ધ છે.

લોર્ડ બાયરનનું વ્યક્તિગત જીવન ઉથલપાથલ ભરેલા પ્રેમ સંબંધો અને અયોગ્ય યૌન સંબંધો, ગેરકાયદેસર બાળકો અને વણચૂકવ્યા દેવાઓથી ભરેલું રહ્યું હતું. લેડી કેરોલિન લેમ્બ જેની સાથે બાયરનનો અનૈતિક સંબંધ હતો તેણે બાયરનને પાગલ, ખરાબ અને ખતરનાક વ્યક્તિ (mad, bad and dangerous to know) કહ્યા હતા. બાયરને અનેક સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધો રાખ્યા હતા. જેમાં લેડી કેરોલિન લેમ્બ ઉપરાંત લેડી ઓક્ષ્ફર્ડ અને તેની સોતેલી બહેન (step sister)  ઓગસ્ટા લેહ પણ સામેલ હતી. જેણે પાછળથી એક પુત્રીને જન્મ આપ્યો જેને મહદંશે બાયરનની પુત્રી માનવામાં આવે છે. બાયરને પર્સી અને મેરી શેલી સાથે ઘનિષ્ઠ સંબંધો બનાવ્યા હતા અને મેરી શેલીની બહેન કલેર કલેરમોન્ટ સાથે યૌન સંબંધો રાખી એક પુત્રીને પણ જન્મ આપ્યો હતો. જેનું નામ એલેગ્રા હતું. બાયરને જાન્યુઆરી ૧૮૧૫માં એની ઇસાબેલા મિલબેન્ક સાથે લગ્ન કર્યા હતા અને એકાદ વર્ષ બાદ એક પુત્રીને જન્મ આપ્યો હતો. એના જન્મ બાદ સોતેલી બહેન ઓગસ્ટા લેહ (Augusta Leigh) સાથેના કૌટુંબિક વ્યભિચારવાળા (incestual) સંબંધથી ત્રસ્ત થઇ ઇસાબેલાએ બાયરનને છોડી દીધા હતા.

કામવાસનાના અને પ્રેમ વચ્ચે લોલકની જેમ સતત ફંગોળાતા લોર્ડ બાયરને લખ્યું - ' The great object of life is sensation - to feel that we exist, even though in pain :   જીવનનો મહાન ઉદ્દેશ્ય સંવેદના છે - એ અનુભૂતિ કરવી કે આપણે મોજુદ છીએ, ભલે ને એ પીડાના અનુભવે કેમ ન હોય.' પ્રેમ વિશે તે કહે છેThere are four questions of value in life .....what is sacred ? Of what is spirit made ? What is worth living for and what is worth dying for ? The answer to each is same only love. -   જીવનમાં મૂલ્યના ચાર પ્રશ્નો છે. પવિત્ર શું છે ? આત્મા શેનાથી બન્યો છે ? શેના માટે જીવવું યોગ્ય છે ? શેના માટે મરવું યોગ્ય છે ? દરેકનો જવાબ એક જ છે. માત્ર પ્રેમ.'  'All who joy would win, Must share it - Happiness was born a twin :  જે પણ ખુશી જીતવા ઇચ્છે છે, તેણે તે વહેંચવી પડશે. ખુશી જોડિયા (જુડવા) પેદા થઇ હતી.'

નોરમંડીની ૧૯ વર્ષની ઉંમરની રાજકુમારી કેથેરીન બ્રીજ પણ બાયરનના પ્રેમાકર્ષણના પ્રભાવમાં આવી ગઇ હતી. એક પ્રદર્શન વખતે બન્ને એકમેકની આમને સામને આવી ગયા. બાયરનેે એમના રોમેન્ટિક અંદાજથી કેથેરીનના મોહક યૌવનનું વર્ણન કરતું એક કાવ્ય લખ્યું. એ સાથે ભાવસભર એવો પ્રેમપત્ર પણ લખ્યો અને તે બન્ને તેને મોકલી આપ્યો. તેણે બળતામાં ઘી હોમવા જેવું કામ કર્યું. કેથેરીનનું આકર્ષણ પ્રેમમાં પલટાઇ ગયું. તેણે પણ પોતાનું દિલ ખોલીને બાયરનને પ્રેમપત્ર લખ્યો અને બીજી અનેક રાજાશાહી ભેટ-સોગાદો સાથે તે બાયરનને મોકલ્યો. તેના પહેલા પ્રેમનો ખુમાર ઉપર ચઢવા લાગ્યો અને તે સ્વર્ગીય સુખના સ્વપ્નો જોવા લાગી. પણ આ પ્રણયયાત્રા લાંબી ન ચાલી. તે બાયરનના પ્રેમમાં પડી તેના અગિયારમાં દિવસે જ તેને બાયરનની વાસ્તવિકતા ખબર પડી ગઇ કે તે એક ધંધાદારી પ્રેમી છે અને તેની પ્રેમિકાઓની બહુ લાંબી યાદીમાં તેનો નંબર તો બસો પચીસમો છે. હજુ તો તેના પ્રેમની શરૂઆત થઇ છે અને તેનો પ્રેમ પાણીના પુરની જેમ ઓસરવા લાગ્યો છે. કેથેરીન માટે આ અનુભવ વજ્રાઘાત જેવો સાબિત થયો. નિદ્રાધીન અવસ્થામાં જ એનું હૃદય બંધ પડી જતાં તે મરણ પામી.

તે પછી કેથેરીન પ્રેતાત્મા રૂપે તેની પાસે વારંવાર આવતી અને તેને પ્રેમમાં છેતરવા માટે ઠપકો આપતી. આ બાબતનો ઉલ્લેખ બાયરને તેના મિત્ર ડેનિયલને ન્યૂનસીમાં લખેલા એક પત્રમાં કર્યો હતો. તેણે તેમાં લખ્યું હતું - મિત્ર, મને કેથેરીન વર્ષના એ જ મહિના, દિવસ, તારીખોમાં ખાસ  પ્રેત રૂપે દેખાતી હતી જે ગાળામાં અમારો ટૂંકા ગાળાનો પ્રેમ પાંગર્યો હતો. તેનો લંબગોળ, ઉદાસ ચહેરો પીળા પડી ગયેલા ચંદ્ર જેવો દેખાતો હતો. તે જ્યારે પણ મારી સામે આવતી ત્યારે પ્રણયભંગ પહેલા તેણે આપેલું એના પ્રેમનું પ્રતીક પાછું આપી દેવા મને કહેતી. પણ તે પ્રેમનું પ્રતીક શું છે તે મને સમજાતું નહીં. હું એણે મોકલેલી બધી ભેટ-સોગાત એની કબર પર મૂકી આવ્યો હતો. પણ તોય તે એની એ વાત કહેતી. આમ કરતાં પાંચ વર્ષ વીતી ગયા. એક દિવસ તે મારી સામે ઉપસ્થિત થઇ. આ એ જ દિવસ હતો જ્યારે અમે પહેલીવાર મળ્યા હતા અને અમારા હૃદયમાં પ્રેમનું બીજ રોપાયું હતું. આ વખતે તેણે તેને શું જોઇતું હતું તે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું - ' તમારા કવિતાના પુસ્તકમાં બે પૃષ્ઠ વચ્ચે તમે મારૃં આપેલું પ્રેમના પ્રતીક રૂપ લાલ ગુલાબ મૂકી રાખ્યું છે અત્યારે તો એ સાવ સૂકાઇ ગયું છે. એને સાચવીને એક બટવામાં મૂકીને એ મને પાછું આપી દો. એ સિવાય માટે બીજું કંઇ જોઇતું નથી.' કેથેરીને યાદ દેવડાવતા મને સ્મરણ થઇ આવ્યું કે મેં એણે આપેલું ગુલાબ મારા કાવ્યના પુસ્તકમાં બે પૃષ્ઠ વચ્ચે મૂકેલું હતું.  મેં તેની એ ઇચ્છા પૂરી કરી. તેણે કહ્યું હતું તે રીતે તે ગુલાબ તેની કબર પર મૂકી આવ્યો અને તેના પ્રણયભંગ બદલ દિલગીરી વ્યક્ત કરી. તે પછી તે ક્યારેય ફરી મારી પાસે પ્રેતરૂપે આવી નહોતી.' લોર્ડ બાયરનના મરણ બાદ તે પોતે જ તેના પૂર્વજોના શાહી મકાનમાં પ્રેતાત્મા રૂપે ભટક્તા જોવા મળ્યા હતા. બાયરનના પ્રિય કૂતરા ટીટુના ભૂતને પણ અનેક લોકોએ જોયું હતું. પ્રેમ અને વાસનાના કૌભાંડોમાં અટવાયેલા બાયરન પ્રેતાત્મા રૂપે ભટકતા રહી જાણે પ્રાયશ્ચિત કરતા હોય એવું જણાય છે. 


Google NewsGoogle News