કુણ્ડલિની યોગથી પ્રેમ, પ્રસન્નતાની અનુભૂતિ કરાવનારા હોર્મોન્સ ઉત્પન્ન કરી શકાય છે!
- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- અર્વાચીન શરીર વિજ્ઞાાન પણ કહે છે કે વિચાર, બુદ્ધિ, ભાવનાઓ અને સંવેદનાઓનો અનુભવ મસ્તિષ્કના ન્યૂરોકેમિકલરૂપ ન્યૂરો ટ્રાન્સમીટર્સથી જ થાય છે
સ્કો ટિશ સાહિત્યકાર, વિચારક અને તત્ત્વચિંતક થોમસ કાર્લાઇલ ( Thomas carlyle) કહે છે- ‘We are the miracle of miracles, the great inscrutable mystery of god- આપણે ચમત્કારોનો પણ ચમત્કાર છીએ. આપણે ઇશ્વરનું મોટામાં મોટું ગૂઢ રહસ્ય છીએ.' એ રીતે અમેરિકન સાહિત્યકાર, વિચારક અને તત્વચિંતક રાલ્ફ વાલ્ડો એમર્સન કહે છે. : ‘Man is a piece of the universe made alive- માનવી બ્રહ્માણ્ડનો એ ભાગ છે જેને ઇશ્વરે જીવતં બનાવ્યો છે.' જગત ઇશ્વરની અદ્ભુત રચના છે એનાથી વધારે વિસ્મયકારક સંરચના પ્રાણીઓ અને માનવી છે. યજુર્વેદમાં કહેવાયું છેેે- 'યત્ પિણ્ડે તત્ બ્રહ્માણ્ડે, યત્ બ્રહ્માણ્ડે તદ્ પિણ્ડે : જે માનવ શરીરમાં છે તે બ્રહ્માણ્ડમાં છે, જે બ્રહ્માણ્ડમાં છે તે માનવ શરીરમાં છે. માનવીના શરીરનું સંચાલન કરનાર એનું મસ્તિષ્ક તો અપરંપાર, અકલ્પ્ય રહસ્યોથી ભરેલું છે.'
આપણી આકાશગંગામાં જેટલા તારાઓ છે લગભગ એટલા જ એટલે કે એક ખર્વ જેટલા ન્યૂરોન્સ આપણા મસ્તિષ્કમાં હોય છે. ન્યૂરોન્સએ મસ્તિષ્કના સૂક્ષ્મ સ્નાયુકોષો છે. છેલ્લા થોડા વર્ષ દરમિયાન શરીર વિજ્ઞાાનીઓનું ધ્યાન આ સ્નાયુકોષોને એકબીજા સાથે જોડનારા સંધિસ્થવો (Synapses) પર સ્રવિત થનારા દ્રવ્ય પદાર્થ- ન્યૂરોહોર્મોન્સ જે ન્યૂરોટ્રાન્સમીટર્સનું કામ કરે છે તેના પર ગયું છે. તેના પર થયેલા સંશોધનો દર્શાવે છે કે સ્નાયુતંત્રની સંચાર પ્રણાલી આ રાસાયણિક તત્ત્વો પર આધારિત છે. આ ન્યૂરો હોર્મોન્સ શરીરમાં અગણિત કાર્યો કરે છે. તે માનવીની બૌદ્ધિક ક્ષમકાને વધારે છે, તેનાથી દુ:ખ, દર્દ, પીડા-વેદનાને ઘટાડી શકાય છે અને સંતોષ, સુખ, આનંદ અને શાંતિને વધારી શકાય છે. ભારે નુકસાન કરનારી નશાકારક વસ્તુઓના સેવનથી ભ્રાન્ત લોકો જે આનંદ મેળવવાનો પ્રયત્ન કરે છે તેના કરતાં વધારે ઉત્કૃષ્ટ અને વધારે સમય ટકનારો આંતરિક આનંદ મસ્તિષ્કીય પરતીને વિકસિત કરી આ રસાયણોના સ્રાવ, હોર્મોન્સ, ન્યૂરોટ્રાન્સમીટર્સને ઉત્તેજિત કરી મેળવી શકાય છે.
મસ્તિષ્ક વિજ્ઞાાનીઓ અને સ્નાયુવિજ્ઞાાનીઓ અત્યારે જે વાત કરે છે તે હજારો વર્ષો પૂર્વે આપણા ઋષિમુનિઓએ યોગશાસ્ત્રના આધારે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મસ્તિષ્ક શરીર રૂપી યંત્રનું સંચાલક કેન્દ્ર છે. તેમાં જે સહસ્રાર ચક્ર આવેલું છે. તેનો આનંદમય કોષ સાથે સંબંધ છે. અન્ય ચક્રોનું ભેદન કરી સહસ્રાર ચક્રને ક્રિયાન્વિત કરવાથી યોગસિદ્ધ, આત્મનિયંત્રણ, પરમ સુખ, ઉત્કૃષ્ટ આનંદ, પ્રેમ, સંતોષ, શાંતિ જેવા ભાવોની અનુભૂતિ થઈ શકે છે. (અર્વાચીન શરીર વિજ્ઞાાન પણ કહે છે કે વિચાર, બુદ્ધિ, ભાવનાઓ અને સંવેદનાઓનો અનુભવ મસ્તિષ્કના ન્યૂરોકેમિકલરૂપ ન્યૂરો ટ્રાન્સમીટર્સથી જ થાય છે. એટલે પોતાની ઇચ્છાથી ભાવનાઓનું નિયંત્રણ અને નિયમન કરી શકાય છે.)
મસ્તિષ્કના મજ્જા ચેતોપગમ ક્ષેત્રો (Nerve Synapses) ની જગ્યાએ રસાયણિક સંદેશવાહકોના માધ્યમથી આ કાર્ય થાય છે. મસ્તિષ્કના ૩૦ જેટલા દ્રવ્ય પદાર્થ ન્યૂરો હોર્મોન્સ, ન્યૂરોટ્રાન્સમીટર ( Neuro transmitter)ની ભૂમિકા ભજવે છે. જ્યારે વિજ્ઞાાનીઓએ એ જાણવાનો પ્રયત્ન કર્યો કે અફીણ (Morphine) સખત પીડા, વેદનાની, અનુભૂતિને દબાવી દેવા માટે મસ્તિષ્કના કયા ભાગ પર અસર કરે છે તો તેમણે મધ્ય મસ્તિષ્ક (Midbrain)ના ભાવનાઓ સાથે સંબંધિત ભાગમાં એવી વ્યવસ્થા જોઈ જે અફીણના રસાયણો સાથે જોડાઈ પીડા-વેદના દબાવી દેતી હતી. એ શોધના સંદર્ભમાં ૧૯૭૫માં જોન હયુજેસ અને અન્ય શરીર વિજ્ઞાાનીઓએ અફીણ સાથે મળતી આવે તેવી રાસાયણિક સંરચના વાળા પીડાનાશક અને આનંદની અનુભૂતિ કરાવનારા એન્કેફેલિન (Enkephalin) હોર્મોનની શોધ કરી. એન્કેફેલિન નાના પેપ્ટાઈડસ છે જે ન્યૂરોટ્રાન્સમીટર તરીકે કામ કરે છે. તે માનસિક દબાવ ઉત્પન્ન થાય તેવી પરિસ્થિતિ વખતે મનોબળ દ્રઢ બનાવે છે અને તણાવથી છૂટકારો અપાવે છે.
મસ્તિષ્કમાં ઉત્પન્ન થતું અન્ડોર્ફિન (Endorphin) હોર્મોન પણ ન્યૂરોટ્રાન્સમીટરનું કામ કરે છે, તે પિટયુટરી (પીયૂષગ્રંથિ) અને સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ દ્વારા બનાવવામાં આવતા પોલીપેપ્ટાઈડસ છે જે તણાવ (Stress) ઘટાડે છે અને પીડા દૂર કરે છે. એન્ડોર્ફિનની કામગીરી વખતે જ ડોપામાઈન(Dopamine) નું ઉત્પાદન વધી જાય છે. જેનાથી આનંદની અનુભૂતિ થાય છે. ડોપામાઈન હોર્મોન અને ન્યૂરો ટ્રાન્સમીટર બન્ને છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ તેને 'ધ પાથવે ટુ પ્લેઝર (the pathway to Pleasure) તરીકે ઓળખાવે છે. તેને સારી, સુખદ અનુભૂતિ કરાવનાર (Feel Good) હોર્મોનિ પણ કહેવાય છે. જ્યારે તે ખુશીનો અનુભવ કરાવે ત્યારે તે કંઈક કરવાની પ્રેરણા પણ આપે છે. તે વ્યક્તિને તેના કામ માટે પુરસ્કૃત પણ કરે છે.
સેરોટોનિન (Serotonin) ન્યૂરોટ્રાન્સમીટર આખા શરીરમાં તંત્રિકા કોશિકાઓની વચ્ચે સંકેતો લઈ જાય છે. તે મૂડને સ્થિર રાખવાના, યાદશક્તિ, નિદ્રા, પાચન વગેરે કાર્યોમાં મદદ કરે છે. ખાસ કરીને તે મનોદશા સાથે સંબંધિત છે એટલે તેનું યોગ્ય પ્રમાણ પણ મુડ સારો રાખે છે તેને પણ ફીલ ગુડ ( Feel Good)રસાયણ કહેવામાં આવે છે. તેનાથી પણ ખુશી અને શાંતિનો અનુભવ થાય છે. તેના પ્રમાણમાં વધઘટ થાય ત્યારે જ અવસાદ, ચિંતા વગેરે પ્રગટ થાય છે. ઓકસીટોસિનને પ્રેમના હોર્મોન (Love Hormone) તરીકે ઓળખવામાં આવે છે. તે જાતીય આકર્ષણ (Sexual Attraction),યૌન ક્રિયાનો સંતોષ, પરાકાષ્ઠાનું સુખ (Orgasmic ecstacy)આવે છે. પુરુષોમાં તે શુક્રાણુઓને ગતિ પ્રદાન કરે છે. મહિલાઓમાં ઓકસીટોસિન હોર્મોન પ્રસૂતિ, પ્રસવની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. પ્રસવ બાદ બાળકને સ્તનપાન કરાવવા પૂ રતા પ્રમાણમાં દૂધનો સ્ત્રાવ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિ તરફ આકર્ષણ અનુભવે છે, તેના તરફ તેને પ્રેમભાવ જાગ છે ત્યારે તેનું મસ્તિષ્ક પહેલાં ડોપામાઈન સ્રવિત કરે છે, પછી તેના સેરોટોનિનનું સ્તર વધે છે અને અંતે ઓકસીટોસિન ઉદ્ભવે છે. તેનાથી સકારાત્મક ભાવનામાં ઉછાળ આવે છે. ઓક્સીટોસિનને પણ ડોપામાઈન અને સેરોટોનિનની જેમ ખુશીનું હોર્મોન કહેવાય છે. તેનો સ્રાવ ખુશી, હર્ષ, હેતની પ્રબળ વૃદ્ધિ કરે છે. યોગ અને કુંડલિની સાધના દિવ્ય ચેતનાના ઊર્જા કેન્દ્રો સમા ચક્રોને પૂર્ણપણે ક્રિયાન્વિત કરી એના થકી શરીરને માટે અમૃત જેવા આ રસ સ્રાવોનો સદુપયોગ કરે છે. તે ઉત્કૃષ્ટ કોટિના પ્રેમ અને આનંદનો અનુભવ કરે છે. એનકેફેલિન અને એન્ડોર્ફિન હોર્મોનની સઘનતા મસ્તિષ્ક અને સુપુમ્ણા નાડીનાએ ભાગોમાં જ વધારે હોય છે જે ભાવ સંવેદના માટે જવાબદાર કેન્દ્રો કહેવાય છે.