ચૈતસિકો દૂરના સ્થળની ઘટનાઓને પ્રત્યક્ષ બનતી હોય તેમ સ્પષ્ટ નિહાળી શકે છે!

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
ચૈતસિકો દૂરના સ્થળની ઘટનાઓને પ્રત્યક્ષ બનતી હોય તેમ સ્પષ્ટ નિહાળી શકે છે! 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- અતીન્દ્રિય શક્તિ ધરાવતા ચૈતસિક બ્રહ્માંડના કોઇપણ ખૂણાંમાંથી તત્કાળ માહિતી ગ્રહણ કરી શકે છે અને તેને સંક્રમિત પણ કરી શકે છે. 

મા નવ મનની અદ્ભૂત ચૈતસિક શક્તિઓમાં એક અતીન્દ્રિય ક્ષમતા છે. દૂર-દર્શન. આ શક્તિ ધરાવનારા દૂર દ્રષ્ટા માહિતી-પ્રસારણનાં કોઈ ટેકનિકલ સાધન વિના કેવળ માનસિક રીતે જ દૂરના સ્થળે શું બની રહ્યું છે કે કઈ વસ્તુ ક્યાં કેવી રીતે પડેલી છે તેને પ્રત્યક્ષ જોતા હોઈએ તે રીતે જોઈ શકે છે. આપણે જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધ સમયે યોગશક્તિ સંપન્ન વ્યાસ મુનિએ સંજયને દૂર દર્શનની વિદ્યા શિખવી હતી જેના થકી તે યુદ્ધના મેદાનમાં શું બની રહ્યું છે તે દૂરથી જોઈ શકતો હતો અને મહેલમાં ધૃતરાષ્ટ્ર પાસે બેસીને તેનું અથથી ઇતિ સુધીનું યથાર્થ વર્ણન કરતો હતો.

અમેરિકાના કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ રીસર્ચ ઇન્સ્ટિટયૂટના વિજ્ઞાાની હેરોલ્ડ પુથોફ (Harold Puthoff)  અને તે જ સંસ્થાના ભૌતિક વિજ્ઞાાની રસેલ ટાર્ગ  (Russell Targ)  દ્વારા દૂર દર્શન (Remote viewing)  ની પેરાનોર્મલ શક્તિ ધરાવતા ઇંગો સ્વાન  (Ingo Swann) પર પ્રયોગો કરાયા હતા. એક પ્રયોગ દરમિયાન ઇન્ગો સ્વાનને પ્રયોગકર્તા વિજ્ઞાાની સાથે એક ઓરડામાં બેસાડવામાં આવ્યો હતો. તેને કોરો કાગળ અને પેન્સિલ આપવામાં આવ્યા હતા. તેની સામે ટેપરેકોર્ડર પણ મૂકવામાં આવ્યું હતું. બીજી તરફ વિજ્ઞાાનીઓએ ટાર્ગેટ તરીકે યાદૃચ્છિક રીતે છેલ્લી ઘડીએ ટાઈપ રાઈટર પસંદ કરી તેને એક ટેબલ પર મૂક્યું હતું. ક્યું ટાર્ગેટ પસંદ થયું તેની ઇંગો સ્વાન કે તેની સાથે બેઠેલા વિજ્ઞાાનીને ખબર નહોતી. ટાઇપ રાઇટર જે રૂમમાં મૂકાયું હતું તેનાથી ઘણે દૂર બીજા બંધ રૂમમાં બેઠેલા ઇન્ગોએ તેની ચૈતસિક શક્તિથી તે જોઈ લીધું હતું અને તેનું ચિત્ર કોરા કાગળ પર દોરી તેનું વર્ણન ટેપરેકોર્ડરમાં રેકોર્ડ કરી લીધું હતું.

ઇન્ગો સ્વાન દેહાતીત અનુભવ (out of Body Experience)  અને સૂક્ષ્મ શરીર પ્રક્ષેપણ (Astral Projection)  કરી શકતો હતો તેને લગતા ઘણા પ્રયોગો કરાયા હતા. એક પ્રયોગમાં ટાર્ગેટ તરીકે કોઈ ભૌતિક વસ્તુ રાખવામાં આવી નહોતી પણ પૃથ્વીની સપાટી પરનું કોઈ સ્થાન તેના અક્ષાંશકીય અને રેખાંશકીય ભૂજયામ (coordinatios) પરથી ઓળખી બતાવાનું હતું. પ્રયોગકર્તા વિજ્ઞાાનીઓને યાદૃચ્છિક રીતે (randomly) એક યામ પસંદ કરી તેને કહ્યું - ૩૨૦ ઉત્તર ઇંગોએ તેની અતીન્દ્રિય શક્તિથી જોઈને કહ્યું - અરે! આ અત્યંત ગરમ પ્રદેશ લાગે છે. ત્યાં દૂર કોઈ વસ્તુઓ દેખાઈ રહી છે. હવે સ્પષ્ટ દેખાય છે. તે પિરામિડ છે. લાગે છે કે આ સ્થળ કેરો પાસે આવેલું છે. ખરેખર તો યામ કેરોની પાસે આવેલા સ્થળનું જ હતું.

આવા જ એક બીજા પ્રયોગમાં ઇન્ગો સ્વાનને ભૂજયામ આપવામાં આવ્યો - ૪૦ ૨૦ દક્ષિણ અને ૭૦ ૧૪ પૂર્વ. તેણે તેની ચૈતસિક શક્તિથી રિમોટ વ્યૂઇંગ કરીને કહેવા માંડયું - 'થોડા વાદળોથી ઘેરાયેલો કોઈ પર્વત હોય એવું મને દેખાય છે. અરે ! માત્ર પર્વત જ નહીં, તે ચોક્કસ ટાપુનો એક ભાગ છે' પ્રયોગ કરનારાએ કહ્યું - 'ઈન્ગો, આ વખતે તમારી વાત સાચી નથી. આ સ્થાન દક્ષિણીય (southern) ઇન્ડિયન ઓસનના બરાબર વચ્ચેના ભાગનું છે ? ઇન્ગોએ એના જવાબમાં કહ્યું - 'મને જે દેખાયું તે મેં કહ્યું. આ પહેલાં મારી વાત કદી ખોટી પડી નથી. તમે તમારી વિગત બરાબર ચકાસો.' પ્રયોગકર્તાએ તે સ્થળની બરાબર તપાસ કરી તો ઇંગોએ કહ્યું હતું તે સાચું સાબિત થયું. પ્રયોગ વખતે દર્શાવાયેલા સ્થળે એક નાનો સરખો ટાપુ હતો, જેના પૂર્વ તરફના છેડે એક પર્વતનો ભાગ નીકળેલો હતો. ઇંગોએ ખુરશી પર બેઠે બેઠા એક કોરા કાગળ પર પેન્સિલથી તે સ્થળનો સ્કેચ દોરવા માંડયો. તેણે તેમાં ટાપુનો ભાગ દોરી બતાવ્યો જેમાં એક નાનું ઉતરાણ સ્થળ હતું થોડા મકાનો, એક જેટી પર લાંગરેલી બોટો અને થોડે દૂરના છેડે આવેલ લાઈટ હાઉસનો ભાગ પણ દોર્યો. પાછળથી તે સ્થળની બરાબર તપાસ કરવામાં આવી ત્યારે સ્વાનનું વર્ણન બિલકુલ સાચું પુરવાર થયું. જાણે ઇન્ગો સ્વાન ત્યાં જઈને તેનું વર્ણન કરતો હોય એટલું તે સચોટ હતું.' 

દૂર દ્રષ્ટા ઇન્ગો સ્વાને ભૌતિક વિજ્ઞાાની રસેલ ટાર્ગ અને પુથોફ સમક્ષ ૨૭ એપ્રિલ ૧૯૭૩ની સાંજે ગુરૂ ગ્રહ અને તેના ચંદ્રો વિશે રિમોટ વ્યૂઇંગ સત્ર રેકોર્ડ કર્યું. સ્વાને તેની ચૈતસિક શક્તિથી એસ્ટ્રલ પ્રોજેક્શન કર્યું. તેણે કહ્યું કે ગુરૂ ગ્રહને ચારે બાજુથી એકદમ નજીકથી જોવામાં તેને ૩ મિનિટ અને ૩૦ સેકન્ડ થઈ હતી.

આ સત્રમાં તેણે ગુરૂ ગ્રહની ભૌતિક વિશેષતાઓ જેમકે તેનું વાયુ મંડળ અને સપાટીને લગતી ઘણી માહિતી આપી. સ્વાને વાયુ મંડળમાં ક્રિસ્ટલ બેન્ડ જોયાનો દાવો પણ કર્યો જેની તુલના તેણે વાદળો સાથે કરી જે રીતે શનિના વલયો છે તે રીતે તેના પણ હોવાની વાત કરી. તેણે રોકર્ડ કરીને કહેલી બાબતોનું સમર્થન ૧૯૭૯માં વોયેજર પ્રોબે કર્યું. નાસાના ગેલીલિયો અંતરિક્ષ યાન દ્વારા ગુરૂના ગ્રેટ રેડ સ્પોટના ઉત્તર પશ્ચિમી ખૂણામાં એમોનિયા બરફના ક્રિસ્ટલના વાદળો દેખાવાની ઘટનાથી પણ ઇન્ગો સ્વાનની વાતને પુષ્ટિ મળી, રસેલ ટાર્ગ અને હેરોલ્ડ પુથોફ દ્વારા લખાયેલ પુસ્તક 'માઈન્ડ-રીચ: સાયન્ટિસ્ટ લુક એટ સાઇકિક એબિલિટી'માં પણ આ પ્રયોગને લગતી વિગતો છે. ૧૯૯૮માં તેની આત્મકથા ''પેનિટ્રેશન:ધ કવેશ્ચન ઓફ એકસ્ટ્રાટેરેસ્ટ્રિયલ એન્ડ હયુમન ટેલિપથી''માં પરગ્રહવાસી મહિલા સાથેના અનુભવની વાત પણ કરી છે. તેણે એવો નિષ્કર્ષ આપ્યો કે કેટલાંક એલિયન પૃથ્વી પર માનવ શરીરમાં પ્રવેશી તેના પર કાબૂ મેળવી જીવી રહ્યાં છે. ઇંગો સ્વાને એવું પણ તારણ કાઢ્યું કે કેટલાય એકસ્ટ્રાટેરેસ્ટ્રિયલ છે, કેટલાય 'બાયો-એન્ડ્રોઇડ (Bio-androids.)’ છે.

રાષ્ટ્રીય સુરક્ષા સંગઠન અને કેન્દ્રીય જાસુસી સંગઠન નામની સંસ્થાઓએ ઇન્ગો સ્વાન અને તેના જેવી જ દૂર દર્શનની શક્તિ ધરાવતા પેટ પ્રાઈસ (Pat Price)  પર પ્રયોગો કર્યા હતા. એક પ્રયોગ દરમિયાન પેટ પ્રાઇસને વર્જનિયાના એક ગુપ્ત સૈનિક કેન્દ્રનું વર્ણન કરી આપવા જણાવાયું. તેણે થોડી પળો આંખો મીંચી ધ્યાન કર્યું અને કહેવા માંડયું હતું - આ સૈનિક કેન્દ્રના ભોંયતળિયાની ઓફિસમાં બે ફાઇલો રાખવામાં આવી છે. એમાંની એકનું નામ 'ફલાઇંગ ટ્રેપ' અને બીજીનું નામ 'મિનર્વા' છે. ઉત્તર તરફની દીવાલ પર લટકાવેલા કબાટ પર લખેલું છે - 'ઓપરેશન પુલ.' આ સૈનિક કેન્દ્ર જે જગ્યાએ ઊભું કરાયું છે તેનું નામ 'ટેસ્ટાક' કે 'હે ફાર્ફ' છે. આ જગ્યાના મુખ્ય અધિકારીનું નામ આર.જે. વ્હેમિલ્સ, મેજર જનરલ જોર્જ નેશ અને મેજર જોન કલહૂમ છે. જે સૈનિક કેન્દ્રનું પેટ પ્રાઈસે વર્ણન કર્યું હતું તે વર્જિનિયામાં રહેલી રશિયાની એક ગુપ્ત પ્રયોગશાળા પણ હતી જ્યાંથી સોવિયેટ ઉપગ્રહો પર નિરીક્ષણ કરાતું હતું. અમેરિકન થિયરિટિકલ ભૌતિક વિજ્ઞાાની જેક સરફાટ્ટી (Jack Sarfatti)  દર્શાવે છે કે અતીન્દ્રિય શક્તિ ધરાવતા ચૈતસિક બ્રહ્માંડના કોઇપણ ખૂણાંમાંથી તત્કાળ માહિતી ગ્રહણ કરી શકે છે અને તેને સંક્રમિત પણ કરી શકે છે. તેની ચેતના પોતાનું શરીર છોડીને એસ્ટ્રલ ટ્રાવેલ કરીને આકાશ સમયના અગણિત આયામોમાં ફોટોન કરતાં પણ વધુ ઝડપથી પરિભ્રમણ કરી બ્રહ્માંડમાં ક્યાંયથી તત્કાળ માહિતી મેળવી શકે છે.


Google NewsGoogle News