ચૈતસિક માધ્યમો થકી મહાન મૃત ચિત્રકારો અવનવા ચિત્રો દોરે છે!
- ગોચર-અગોચર-દેવેશ મહેતા
- તેને એક પણ ચિત્ર દોરતા આવડતું નહોતું. પણ જેવો તે ટ્રાન્સમાં સરી જતો તે સાથે જ તે વિશ્વના શ્રેષ્ઠ ચિત્રકારોમાંનો એક ચિત્રકાર બની જતો
બ્રિ ટિશ ચૈતસિક, દૈવી ચિકિત્સક અને લેખક મેથ્યુ મેનિંગ (Matthew Manning) એક શક્તિશાળી માધ્યમ પણ છે. તેમનો જન્મ ૧૭ ઓગસ્ટ ૧૯૫૫ના રોજ બ્રિટનમાં થયો હતો. તેમની અનેકવિધ ચૈતસિક શક્તિઓમાંની એક ઓટોમેટિક રાઈટિંગ અને ઓટોમેટિક પેન્ટિંગની પણ છે. તે શક્તિશાળી માધ્યમ હોવાને કારણે મહાન મૃત ચિત્રકારો તેમના થકી પોતાના નવા ચિત્રો પ્રગટ કરે છે.
મહાન સ્પેનિશ ચિત્રકાર પાબ્લો પિકાસો ૮ એપ્રિલ ૧૯૭૩ના રોજ મરણ પામ્યા તેના ત્રણ મહિના બાદ મેથ્યુ મેનિંગે તેમના આત્મા સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો અને તેમાં સફળતા પ્રાપ્ત થઈ ગઈ હતી. મરણ બાદ પણ પિકાસોના આત્માને સર્જન કરવાની અદમ્ય ઇચ્છા થતી હતી અને તેમને મેથ્યુ મેનિંગનું માધ્યમ મળી ગયું. જેની લાખો પ્રતો વેચાઈ ચૂકી છે તે 'થ લિન્ક (The Link) નામના તેમના પુસ્તકમાં તેમણે પિકાસોના આત્મા સાથે સંપર્ક થયો ત્યારે શું બન્યું તેની વિસ્તૃત માહિતી આપી છે. પિકાસોએ તેમના થકી ઘણા નવા નવા શ્વેત-શ્યામ અને રંગીન ચિત્રો દોર્યા. તે ચિત્રો જોયા પછી કોઈ એમ કહી ના શકે કે તે કોઈ બીજી વ્યક્તિએ દોરેલા છે. એમની કલા, કસબ, શૈલી, ઢબ, બિલકુલ પિકાસો જેવી જ જોવા મળે. નિષ્ણાતો પણ એમાં કોઈ ત્રૂટિ શોધી ના શકે. જીવતા પિકાસો જેવા ચિત્રો દોરે એવા જ મેથ્યુ મેનિંગ થકી દોરાય પાબ્લો પિકાસોનો આત્મા જ એ દોરતો હોય એટલે નીચે સહી પણ પિકાસો જ કરે.'
માધ્યમ મેથ્યુ મેનિંગ કહે છે કે જ્યારે પ્રથમવાર પિકાસોનો સંપર્ક થયો ત્યારે તે પૂર્ણપણે ટ્રાન્સમાં સરી પડયા નહોતા પણ તેમના પ્રભાવ હેઠળ જરૂર આવી ગયા હતા. જ્યારે તેમનો આત્મા તેમના શરીરમાં પ્રવેશે ત્યારે તેમને તેની જાણ થઈ જતી. થોડીક પળોમાં મેથ્યુ મેનિંગ પેન્સિલ કે પીંછી પકડી કાગળ કે કેન્વાસ પર ચિત્રો દોરવા લાગી જતા. કોઈ અદ્વશ્ય રીતે પણ તેમનો હાથ પકડી તે દોરાવે છે તેવો તેમને અનુભવ થતો. તેમને તેમના હાથનો સ્પર્શ પણ અનુભવાતો.
ક્યારેક પિકાસોના હાથનો ધક્કો એટલો જોરથી વાગતો કે તેમની પેન્સિલની અણી કે પેનની સ્ટીલ તૂટી જતી. તેમણે ક્યાં રંગની પેન્સિલ કે પેન લેવી તેની પસંદગી પણ પિકાસોના અદ્વશ્ય હાથ જ કરતા.
માધ્યમ મેથ્યુ મેનિંગ જણાવે છે કેપિકાસોનો આત્મા જ તેના થકી ચિત્રો દોરાવે છે તેવું નથી. તે હાથમાં કાગળ અને પીંછી લઈને બેસી જાય, તેના ચિત્તને શાંત કરી મૃત્યુ પામેલા જે કલાકારના આત્માનો સંપર્ક કરવો હોય તેનું ધ્યાન ધરવા લાગે અને તેના આત્મા સાથે જોડાણ થઈ જાય તે પછી તેના થકી ચિત્રો દોરાવા લાગે છે. અદ્ભુત બાબત એ બને છે કે મૃત્યુ પામેલ જે ચિત્રકારના આત્મા સાથે સંપર્ક સાધ્યો હોય તેની શૈલી પ્રમાણેનું જ ચિત્ર દોરાય છે. દરેક કલાકારની જે વિલક્ષણતા હોય તે તેના તે ચિત્રોમાં પ્રતિબિંબત થાય છે. મેથ્યુ મેનિંગના માધ્યમથી આર્થર રેકહામ, પોલ કબી, લિયોનાર્ડો દ વિન્ચી, આલ્બ્રેચ ડયુરર, ઓબ્રે બીયર્ડસ્લી, બીઆટ્રિલ પોટર, કેબલ માર્ટિન અને આઈઝેક ઓલિવર જેવા ખ્યાતનામ ચિત્રકારોએ પોતાની આગવી લાક્ષણિકતા પ્રમાણેની જ મરણોત્તર ચિત્ર કૃતિઓ પ્રગટ કરી છે. આમ તો ચિત્ર દોરતા તેમને થોડી મિનિટો જ લાગે છે પણ તે દોરાઈ ગયા બાદ તેમને એવો થાક લાગે છે કે તે ૨૪ કલાક સુધી બીજું ચિત્ર દોરી શકતા નથી.
મેથ્યુ મેનિંગ તેમની ચૈતસિક શક્તિથી દૈવી ચિકિત્સા પણ કરે છે. આ રીતે સફળ ચિકિત્સા કરવા માટે તેમને મેડિકલ ક્ષેત્રે અપાર ખ્યાતિ પણ મળેલી છે. તેમણે બ્લડ સેલ્સ, મોલ્ડ સેમ્પલ્સ, એન્ઝાઈમ્સ, બીજ અને કેન્સર સેલ્સને પણ તેમની ચૈતસિક ચૈતસિક ચિકિત્સાથી પ્રભાવિત કર્યા છે. બી.બી.સી.એ તેમના પર 'એ કોર્સ ઇન હિલિંગ' અને 'ઓર્ડર ફ્રોમ કેઓસ' નામની બે ડોક્યુમેન્ટરી ફિસ્મલ પણ બનાવી છે. તેમણે અનેક ટેલિવિઝન પ્રોગ્રામમાં પણ તેમની ચૈતસિક શક્તિનું નિદર્શન કર્યું છે. તેમના અનેક પુસ્તકોમાં 'ધ હિલિંગ જર્ની અને વન ફૂટ ઇન ધ સ્ટાર્સ' એ બે પુસ્તકો બેસ્ટ એલર બની રહ્યા છે.
લુઇઝ એન્ટોનિયો ગાસ્પારેટ્ટો (Luiz Antonio Gasparetto) નામના બ્રાઝિલિયન મિડિયમ અને ચૈતસિકને પણ મિડિયમિસ્ટિક પેન્ટિંગ માટે ભારે ખ્યાતિ મળેલી છે. તે પણ મૃતાત્માઓ સાથે સંપર્ક સાધી અદ્ભુત ચિત્રો દોરતા હતા. લુઇઝ ગાસ્પારેટ્ટો (૧૯૪૯-૨૦૧૮) મહંદશે 'ટ્રાન્સ જેવી સ્થિતિમાં આવીને ચિત્રો દોરતા. તે વખતે પોતે શું દોરી રહ્યા છે. તની તેમને ખબર રહેતી નહોતી, ટ્રાન્સમાંથી બહાર આવ્યા બાદ જ્યારે તે ચિત્ર જુએ ત્યારે તે બીજાની જેમ પોતે વિસ્મિત થતા. લુઈઝ સામાન્ય રીતે અંધારામાં કે આછા પ્રકાશમાં ચિત્રો દોરતા.
સામાન્ય રીતે એક ચિત્રકારને ઉત્તમ શ્રેણીનું ચિત્ર દોરવામાં છ થી આઠ કલાકનો સમય લાગે છે. પણ લુઇઝે બી.બી.સી. ટીવીના નેશનવાઈડ કાર્યક્રમમાં લાખો પ્રેક્ષકો સમક્ષ ૭૫ મિનિટમાં ૨૧ ચિત્રો દોરવાનો રેકોર્ડ કર્યો હતો. લુઇઝે ટેનોઇર્સ, ઝેનિસ, પિકાસો અને લિયોનાર્ડો દ વિન્ચી જેવા સિદ્ધહસ્ત મૃત ચિત્રકારોના આત્મા સાથે ચૈતસિક જોડાણ કરી તેમના થકી ચિત્રો દોર્યા હતા. લુઇઝ કહેતા હતા- ' આ ચિત્રો કેવી રીતે દોરાઈ જાય છે. તેની મને પોતાને જ ખબર હોતી નથી. આ બધુ હું ટ્રાન્સમાં આવી જઉ છંે તે પછી જ થાય છે લોકોએ મને બે હાથથી અને પગના અંગૂઠાથી પણ ૩૦ જુદી જુદી શૈલીવાળા ચિત્રઓ દોરતો જોયો છે. પરંતુ મેં કોઈને આવી રીતે આટલી ઝડપથી અંધારામાં પણ બે હાથે ચિત્રો દોરતો જોયો નથી.
ભારે વિસ્મય પમાડે એવી વાતે એ છે કે સામાન્ય જાગૃત અવસ્થામાં લુઇઝ એક પણ ચિત્ર દોરવા સમર્થ નહોતો બનતો. હકીકતમાં તે ચિત્રકાર જ નહોતો. તેને એક પણ ચિત્ર દોરતા આવડતું નહોતું. પણ જેવો તે ટ્રાન્સમાં સરી જતો તે સાથે જ તે વિશ્વના શ્રેષ્ઠ ચિત્રકારોમાંનો એક ચિત્રકાર બની જતો. કદાચ, તેમનાથી પણ મહાન, કેમ કે ગમે તેટલો સિદ્ધ હસ્ત ચિત્રકાર પણ આંખના પલકારો વાગે એટલા સમયમાં પિકાસો કે વિન્ચી દોરે તેવું ચિત્ર તો દોરી ના જ શકે !