'બિહેવિયરલ મેડિસિન' અનેક અસાધ્ય રોગોને પણ દૂર કરી શકે છે!

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
'બિહેવિયરલ મેડિસિન' અનેક અસાધ્ય રોગોને પણ દૂર કરી શકે છે! 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- કેન્સર જ નહીં, બીજા અનેક રોગો લાગણીઓથી ઉદ્ભવે છે. આ ભાવ અને લાગણીઓ જ વ્યક્તિનો વ્યવહાર અને વર્તન ઘડે છે. આ વ્યવહાર ચિકિત્સાનું કામ કરે છે.

ચિ કિત્સા જગતમાં અનેક વિધ આધુનિક વૈકલ્પિક ઉપચાર પદ્ધતિઓ અસ્તિત્વમાં આાવી છે. તેમાંની એક છે બિહેવિયરલ મેડિસિન. આ વ્યવહાર ચિકિત્સા સામાન્ય ચિકિત્સાના મોડલને બદલે બીમારીના બાયોસાઇકોસોશિયલ મોડેલનો ઉપયોગ કરે છે. આ મોડેલ માત્ર જૈવિક વિચલન પર નિર્ભર થવાને બદલે બીમારીને સમજવા જૈવિક સાથે મનોવૈજ્ઞાાનિક અને સામાજિક તત્ત્વોને પણ સમાવિષ્ટ કરે છે. આ ઉપચાર પદ્ધતિમાં શરીર વિજ્ઞાાનીઓએ મન અને શરીરને એક કડીના બે છેડા માન્યા છે. તે જણાવે છે કે મનના લાગણીજન્ય દબાણ અને તેનાથી ઉત્પન્ન થનાર તણાવ જ રોગોના ઉદ્ભવનું કારણ બને છે.

બિહેવિયરલ મેડિસિન (વ્યવહાર/વર્તનલક્ષી ચિકિત્સા) શબ્દનો સૌથી પહેલો ઉપયોગ ૧૯૭૩માં પ્રકાશિત લી બર્કના પુસ્તક 'બાયોફીડબેકઃ બિહેવિયરલ મેડિસિન'એ શીર્ષકમાં કરાયો હતો, તે પછી બે ક્લિનિકલ રિસર્ચ યુનિટમાં તેનો ઉપયોગ કરાયો. ૧૯૭૩માં યુનિવર્સિટી ઑફ પેનસિલ્વેનિયામાં ઓવીડ એફ પોમેરલેઉ (ovide F Pomerleau)  અને જોન પોલ બ્રેડી   (John Paul Brady) એ 'ધ સેન્ટર ફોર બિહેવિયરલ મેડિસિન' એ નામથી અને ૧૯૭૪માં સ્ટેનફોર્ડ યુનિવિર્સિટીમાં વિલિયમ સ્ટીવર્ટ એગ્રાસ (William Stewart Agras) થકી પ્રસ્થાપિત 'ધ લેબોરેટરી ફોર ધ સ્ટડી ઑફ બિહેવિયરલ મેડિસિન' એ નામથી ત્યાં રિસર્ચ કરાઈ હતી. ૧૯૭૭માં બિહેવિયરલ મેડિસિન પર યેલ સંમેલન અને નેશનલ એકેડેમી ઑફ સાયન્સિઝની એક બેઠકનો ઉદ્દેશ્ય ભવિષ્યમાં આ રિસર્ચનો ઉપયોગ કરવાને લગતો હતો. યેલ કોન્ફરન્સમાં વિચાર-વિમર્શના આધારે શરીર વિજ્ઞાાનીઓ શ્વાર્ટઝ (Schwartz) અને વિસ (Weiss) દ્વારા બાયોસાઇકોસોશિયલ મોડેલનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો અને બિહેવિયર તથા બાયોમેડિકલ સાયન્સથી પ્રાપ્ત જ્ઞાાન અને ટેકનિકનું સંયોજન કરવા સૂચન અપાયું હતું. પછી તો આને લગતા અનેક રિસર્ચ સેન્ટર અને પ્રયોગશાળાઓ પ્રસ્થાપિત થઇ.

બિહેવિયરલ મેડિસિન સાઇકોસોમેટિક (મનોદૈહિક) મેડિસન પર અવલંબિત છે. આ સંશોધનમાં સંલગ્ન શરીર વિજ્ઞાાનીઓ દર્શાવે છે કે મન અને શરીરની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ રૂપે એકબીજા સાથે અભિન્ન રીતે જોડાયેલી છે. એમની વચ્ચે થોડું પણ અસંતુલન ઊભું થાય તો કેન્સર, મલ્ટિપલ સ્કલેરોસિસ, આર્થરાઇટિસ, માઇગ્રેન, હેડ એક, ડાયાબિટિસ અને હૃદયરોગની સંભાવના ઉદ્ભવે છે. ન્યૂરોએન્ડોક્રાઇનોલોજીની નવી શોધ પ્રમાણે સેન્ટ્રલ નર્વસ સીસ્ટમ અને એન્ડીક્રાઇન સીસ્ટમ એકબીજા સાથે સંબંધિત છે અને એકબીજાને પ્રભાવિત કરે છે. શરીરના હોરમોન ન્યૂરોટ્રાન્સમીટર રૂપે ક્રિયાશીલ થાય છે. એમને સક્રિય કરવા માટે બિહેવિયરલ મેડિસિનની આ ઉપચાર પદ્ધતિમાં બાયોફીડબેક, ન્યૂરોફીડબેક, ઓટો સજેશન, વિઝ્યુઅલાઇઝેશન, મેન્ટલ ઇમેજરી, ધ્યાન, યોગ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. આનાથી મનોદૈહિક રીતે ઉત્પન્ન થયેલા રોગોની સફળ સારવાર થઇ શકે છે.

શરીર વિજ્ઞાાનીઓને હજુ એ સૂત્ર પકડમાં નથી આવતા કે શરીર કે અમુક ખાસ જગ્યાની કોશિકાઓ કેમ વિદ્રોહી થઇ જાય છે અને વૃદ્ધિનો પોતાનો સામાન્ય ક્રમ છોડી રાક્ષસી ઝડપે વધવા લાગે છે. એમના અસામાન્ય વ્યવહારને કેવી રીતે અટકાવી શકાય ? થોડા સમય પૂર્વે તેમને આનો કોઈ જવાબ મળતો નહોતો. પણ હવે તે માનવા લાગ્યા છે કે આનું મૂળ વ્યક્તિના ભાવનાતંત્રમાં રહેલું છે. માત્ર કેન્સર જ નહીં, બીજા અનેક, પચાસથી પણ વધુ રોગો લાગણીઓથી ઉદ્ભવે છે. આ ભાવ અને લાગણીઓ જ વ્યક્તિનો વ્યવહાર અને વર્તન ઘડે છે. આ વ્યવહાર ચિકિત્સાનું કામ કરે છે.

ઇંગ્લેન્ડની પેટ્રિક નામની એક મહિલાનો એક કિસ્સો અત્યંત અદ્ભુત, રહસ્યમય અને રસપ્રદ છે. પેટ્રિકને બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું હતું. રોગની ગંભીરતાને ધ્યાનમાં લઇ ચિકિત્સકોએ તેને સ્પષ્ટ જણાવી દીધું હતું કે તે છ મહિનાથી વધુ જીવી નહીં શકે. તેણે વિચાર્યું કે મારું મરણ તો નક્કી છે. તો જે છ મહિનાનો સમય બચ્યો છે એ દરમિયાન એવું કોઈ કામ કરું કે જેથી મારી જેમ અન્ય દરદીને આ રીતે પીડા ભોગવી મરવું ન પડે. તેણે પોતાના રોગની જાહેરાત કરી મીડિયા સમક્ષ આર્થિક મદદ માંગી. તે વખતે સર્જરી માટેના શ્રેષ્ઠ સાધનો માત્ર લંડનમાં જ ઉપલબ્ધ હતા. તેની જાહેર માગણીનો જબરદસ્ત પ્રતિભાવ મળ્યો અને પુષ્કળ ધનની સહાય મળી. તેનો ઉપયોગ કરી પેટ્રિકે અર્વાચીન સર્જરીના સાધનો બીજા નાના શહેરોમાં પણ વસાવવાનું નક્કી કર્યું. આને લગતી વ્યવસ્થા ગોઠવવા તેને આખો સ્ટાફ ઊભો કરવો પડયો. ગ્રામીણ ક્ષેત્રોમાં પણ મહિલાઓના બ્રેસ્ટ કેન્સરની સારવાર માટે દસ-બાર ઉપચાર કેન્દ્રો ખોલવામાં આવ્યાં. આ સેવા અને પરોપકારના કાર્યમાં તે એવી વ્યસ્ત થઇ ગઇ કે પોતાના એડવાન્સ્ડ કેન્સરને જ ભૂલી ગઈ. કેન્સરના નિદાન બાદ છેક છ મહિના પછી પેટ્રિકે પોતાના બ્રેસ્ટ કેન્સરનું પુનઃ પરીક્ષણ કરાવ્યું તો જાણ થઇ કે તેની કેન્સરવાળી ઝેરી ગાંઠ બિલકુલ ઓગળી ગઇ હતી. એનું નામોનિશાન રહ્યું નહોતું. એના ચિકિત્સકો પણ આ જોઇને આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા હતા. એમને પણ આ કઇ રીતે બન્યું તેનું રહસ્ય સમજાયું નહોતું. નિષ્ણાતોએ જણાવ્યું કે તેની હકારાત્મક વિચારસરણી, પ્રસન્ન ચિત્ત રહેવાની માનસિક સ્થિતિ અને પરમાર્થ, પરોપકાર કરવાની ભાવના અને વ્યવહારે કેન્સર જેવા ગંભીર રોગને નેસ્તનાબૂદ કરી દીધો હતો.

અમેરિકાના વિખ્યાત પિડિયાટ્રિક સર્જન ડૉ. બર્ની સિગેલ (Bernie Siegel) પાસે ૧૯૭૯માં હિસ્ટિઓસાઇટિક લિમ્ફોમાનો રોગ ધરાવતી કેન્સરગ્રસ્ત મહિલા આવી. તે વધુમાં વધુ એક જ મહિનો જીવી શકે એવી એની ખરાબ દશા હતી. ડૉ. બર્ની સિગેલે તેને આશા, શ્રદ્ધા, પ્રસન્નતા, સહયોગ અને પ્રેમના 'ડોઝ' પુષ્કળ પ્રમાણમાં આપ્યા. પરિણામે ચમત્કાર સર્જાયો. ૧૯૮૩માં એનું ફેફસાનું કેન્સર મટી ગયું. એ મહિલા જે ઓન્કોલોજિસ્ટને કન્સલ્ટ કરતી હતી તેમણે આ પરિણામ જોયું ત્યારે બર્ની સિગેલને પૂછ્યું હતું - મને એના બચવાની કોઈ આશા નહોતી. તે કેવી રીતે બચી ગઇ ? બર્નીએ હસતાં હસતાં તેમને જવાબ આપ્યો હતો - 'એ આશા જ છે જેણે એને બચાવી મેં એને પ્રેમ, શ્રદ્ધા, આશાના ડોઝ પીવડાવ્યા જેણે અમૃત જેવું કામ કરી એને મોતના મુખમાંથી ઉગારી લીધી.' એક ફિલિપાઇન્સની સ્ત્રીને ઓટો ઇમ્યૂન ડિસઓર્ડર હતો. તેમાં ઇમ્યૂન સીસ્ટમ પોતાના તંદુરસ્ત ભાગો પર હુમલા કરે છે. તેને Lupus Erythematosus (લ્યૂપસએરિથેમેટોસસ) એટલે કે 'રક્તિમ ત્વગ્યક્ષ્મા'ની તકલીફ હતી. તે તેના ફિલિપાઇન્સના ગામમાં ગઇ ત્યારે ત્યાંના ગામના હીલરે ત્રણેક અઠવાડિયા 'બિહેવિયરલ મેડિસિન' આપી. તે પાછી અમેરિકા ગઇ ત્યારે લીવર, ગળું, બધું જ સાજું થઇ ગયું હતું. તેનામાં માંદગીનું કોઈ જ ચિહ્ન નહોતું. ડૉ. ચાર્લ્સ જેઇનવે એક મહિલા દરદીનું વર્ણન કરતાં કહે છે - 'તે સ્ત્રીને તેના પિતા સાથે ભારે અણબનાવ હતો. તેમની આગળ અનહદ ગુસ્સો કરતી. તેણે તે દુર્ભાવ અને ગુસ્સો કાઢી નાંખ્યા તે સાથે તે બિલકુલ સાજી થઇ ગઇ હતી.' ડૉ. બર્ની સિગેલ કહે છે કે મનની સ્થિતિ બદલાથી શરીરની સ્થિતિ બદલી શકાય છે. વર્તન પરિવર્તન ચિકિત્સા બની રોગનિવારણ કરે છે. બિહેવિયરલ મેડિસિન એક ઉત્તમ ઉપચાર પદ્ધતિ બની રહી છે.


Google NewsGoogle News