Get The App

શરીરની કોશિકાઓ જૈવ-ચેતના અને આત્મ-શક્તિથી સંચાલિત થાય છે

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
શરીરની કોશિકાઓ જૈવ-ચેતના અને આત્મ-શક્તિથી સંચાલિત થાય છે 1 - image


- ગોચર-અગોચર-દેવેશ મહેતા

- શાસ્ત્રોએ ચતુર્મુખ બ્રહ્માને પ્રાણીઓના સર્જનહાર કહ્યા છે એની પાછળ આ જ વિજ્ઞાન છુપાયેલું છે

અખંડૈકરસં સર્વં યદ્યચ્ચિન્માત્રમેવ હિ ભૂતં ભવ્યં ભવિષ્યચ્ય

સર્વં દ્રવ્યં કાલં ચ ચિન્માત્રં જ્ઞાનં હોયં વિદેવ હિ જ્ઞાતા

ચિન્માત્ર રુપશ્ચ સર્વં ચિન્માત્રમેવ હિ ।

જે જે ચૈતન્ય છે તે બધું અખંડ, એકરસ છે. તે ભૂત ભવિષ્ય અને વર્તમાન જ છે. દ્રવ્ય અને કાળ, જ્ઞાન, જ્ઞોય એ જ્ઞાતા માત્ર ચૈતન્યરૂપ છે. આ જગતમાં જે કંઇ છે તે બધું જ અખંડ, એકરસ, સમગ્ર ચૈતન્યમય 

જ છે.

- તેજોબિંદુ ઉપનિષદ

વેદ-ઉપનિષદ કહે છે - 'એકમેવાદ્વિતીયમ્' એટલે કે તે બ્રહ્મ, પરમ સત્તા એક જ છે અને 

અદ્વિતીય છે.

'સત્યસ્ય ન હિ નાનાત્વમ્ - સત્યનું અનેકપણું નથી.'

'એકમ્ સત્ વિપ્રાઃ બહુધા વદન્તિ - સત્ય એક જ છે જેને જ્ઞાનીપુરુષો જુદી જુદી રીતે કહે છે.' એક જ ચેતન તત્ત્વ જુદા જુદા રૂપોમાં દેખાય છે. પ્રાણીઓ અને પદાર્થોનાં આ રૂપો આકસ્મિક રૂપે ઉત્પન્ન થયેલા નથી. તે એક સુનિશ્ચિત સૃષ્ટિ પ્રક્રિયાઓનું અંગ છે. આ સૃષ્ટિ સર્જનહારની બુદ્ધિપૂર્વક ગોઠવેલી વ્યવસ્થાના નિયમોથી ચાલે છે. આપણી ચેતનાનું સ્તર આકસ્મિક, અંતિમ કે અપરિવર્તનીય નથી. એનો ન તો સંયોગ થાય છે કે ન તો એનું વિઘટન થાય છે. મનુષ્ય એ અવિનાશી પરમાત્માનો અંશ છે. ગીતાના પંદરમા અધ્યાયના સાતમા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - 'મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ - આ જીવલોકમાં મારો જ સનાતન અંશ જીવ થઇને વિષયોને ભોગવે છે.'

પદાર્થવાદી દ્રષ્ટિકોણ ધરાવનારા વિજ્ઞાનીઓ થોડા સમય પહેલાં મનુષ્યને જૈવ રાસાયણિક સંયોગોનો એક આકસ્મિક સમુચ્ચય માનતો હતો પણ જેમ જેમ જીવવિજ્ઞાન થકી જીવનના રહસ્યોને પામવાના સંશોધનો આગળ વધતાં રહ્યા તેમ તેમ એ તથ્ય ઉજાગર થતું રહ્યું કે દરેક માનવીના શરીરનો ઢાંચો, કદ, રંગ, આકાર, લોહી, હાડકાં વગેરેના વર્ગીકરણ પ્રમાણે ભિન્નતા ભલે રહેતી હોય પણ જીવનના ગહન આંતરિક ક્ષેત્રોમાં આવા વર્ગીકરણ આધારિત ભેદભાવો રહેતા નથી. ચેતના એ આ બધામાં રહેલું આંતરિક તત્ત્વ છે જે અખંડિત રીતે સમગ્રમાં સમાન રીતે કામ કરે છે.

જે રીતે જડ દેખાતી વસ્તુની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યૂટ્રોન અને એને આધારભૂત વિદ્યુત તરંગો સક્રિય રહે છે એ રીતે સ્થૂળ દ્રષ્ટિએ જે શરીરના અવયવો હાડ-માંસથી બનેલા દેખાય છે એમની અંદર ચેતન કોશિકાઓ  (Cells) અને એના પણ મૂળમાં જીન્સ ક્રોમોસોમ્સની નિર્માણકારી ચેતન પ્રક્રિયાઓ ક્રિયાશીલ રહે છે. પ્રત્યેક મનુષ્યના પોતાના વ્યક્તિત્વની વિશિષ્ટ છાપ એક મૂળભૂત ઇકાઈઓમાં પણ વિદ્યમાન હોય છે. એકકોષીય અમીબાથી માંડીને વિકસિત મનુષ્ય સુધી બધામાં એ છાપ સંગૃહીત હોય છે.

શરીર વિજ્ઞાન કહે છે કે એક સ્વસ્થ યુવકના શરીરમાં લગભગ સાઇઠ હજાર અબજ કોશિકાઓ હોય છે. એમાંથી દસ હજાર અબજ તો એવી ઇકાઈઓ છે જે સ્વયં સંચાલિત ક્રિયાઓને ચલાવે છે. પ્રત્યેક કોશિકા (જીવકોષ)નું તંત્ર એક કારખાના જેવું છે જે ઉત્પાદન, કચરાનું નિષ્કાસન, સુવ્યવસ્થિત પ્રશાસનની સુનિયોજિત પ્રણાલીથી ક્રિયાશીલ રહેતું હોય છે. આના ત્રણ વિભાગો છે. પહેલો ભાગ બહારની ખોળ છે જે બારીક પડદા જેવો હોય છે. બીજો ભાગ સાઇટોપ્લાઝમ જેવા લસલસતા પદાર્થથી છલોછલ ભરેલો હોય છે અને ત્રીજો ભાગ છે એનું કેન્દ્રક. આ કેન્દ્રક જ બધી પ્રક્રિયાઓનું નિયંત્રક છે. કેન્દ્રકમાં જ ડી.એન.એ.  (DNA-Deoxyribonucleic Acid) રહે છે જે મનુષ્યોના ગુણસૂત્રો (Chromosomes) અને અન્ય સૂચનાઓનો ભંડાર છે. આટલી સૂક્ષ્મ કોશિકા પણ એક વિશાળ સરોવર છે. એને આપણે પ્રોટોપ્લાઝમ કે જીવદ્રવ્યનું સરોવર કહી શકીએ.

આપણા શાસ્ત્રોની પ્રતીકાત્મક ભાષામાં એક રૂપક તરીકે જોઇએ તો 'જીવ ચેતના' એ જ 'ક્ષીરસાગર' છે. આ ક્ષીર સાગરની મધ્યમાં કેન્દ્રક કે ન્યૂક્લિઅસ રૂપી વિષ્ણુ રહેલા છે. વિષ્ણુની નાભિમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયેલા છે અને તે સાથે જોડાયેલા રહે છે. નાભિ રૂપ કેન્દ્રિકા કે ન્યુક્લિઓલસ (Nucleolus) માં બ્રહ્મા રૂપી ડી.એન.એ. (DNA) રહે છે. શાસ્ત્રો કહે છે કે બ્રહ્માને ચાર મુખ છે. ડી.એન.એ.ના પણ ચાર ઘટકો છે. ૧. એડેનિન (adenine) ૨. ગુઆનિન (guanine) ૩. સાઈટોસિન (cytosine) ૪. થાઈમિન (thymine),એડેનિન અને થાઈમિનની અને સાઇટોસિન અને ગુઆનિનની જોડી હંમેશાં બની રહેલી હોય છે. આ ચારેયનો ક્રમ જ બધા જીવોની સમાનતા અને ભિન્નતાનું મૂળ છે. ડી.એન.એ.ની રચનામાં આ ચાર જોડાણો એની ચાર અક્ષરની વર્ણમાલા છે. આ જ અક્ષરોના ક્રમ એ ડી.એન.એ.ની સંખ્યાના ઉલટફેરથી જુદા જુદા ચેતના સંદેશા તૈયાર થાય છે અને એનાથી જ આપણા ચેતના જગતનું નિર્માણ થાય છે. આ રીતે શાસ્ત્રોએ ચતુર્મુખ બ્રહ્માને પ્રાણીઓના સર્જનહાર કહ્યા છે એની પાછળ આ જ વિજ્ઞાન છુપાયેલું છે.

ગુણસૂત્રના ડી.એન.એ.ના એક ક્રમથી વ્યક્તિનો રંગ કાળો બને છે તો બીજા અલગ ક્રમથી સફેદ, ભૂરો કે પીળો બને છે. શરીરના દરેક અવયવ અને એની વિશિષ્ટતાઓનું નિર્માણ આ ડી.એન.એ.ની બદલાબદલીથી થયા કરે છે. કોશિકાઓની અંદરનું ડી.એન.એ. જ પ્રોટીનોના સંશ્લેષણનું નિર્દેશક છે. આ પ્રોટીનોથી જ એન્ઝાઇમ બને છે. દરેક જૈવ રાસાયણિક ક્રિયાનો આરંભ, વિકાસ કે અંત આ એન્ઝાઈમોનો જ ખેલ છે. જગતમાં પ્રાણીઓની બોલીઓ જુદી જુદી હોય છે. એક પ્રાણી બીજા વર્ગના પ્રાણીની બોલી ખાસ સમજી શક્તું નથી. પરંતુ બધા જીવોની રાસાયણિક ભાષા એક છે અને પ્રત્યેક જીવ કોશિકા એનાથી સારી રીતે પરિચિત છે. એ ભાષાનો જે અર્થ અન્ય પ્રાણીની જીવાણુ કોશિકા માટે છે એ જ અર્થ માનવ શરીરની કોશિકા માટે પણ છે. આ બાબત પરથી એ સ્પષ્ટ થાય છે કે બધા પ્રાણીઓમાં ક્રિયાશીલ મૂળભૂત ચેતના તો એક જ છે. એમની સંરચનાના આધારભૂત સૂત્રો પણ એક જ છે. એટલે જ તમામ પ્રાણીઓની એક સમાન ચેતન સત્તાને કારણે ઋષિ-મુનિઓ અને યોગીપુરુષો એમની તમામ ગતિવિધિથી જાણકાર રહેતા હતા અને એમના પર પોતાના મનનો પ્રભાવ પાડી શક્તા હતા. એક જ આત્મા બધામાં સમાયેલો છે. એક જ સૂર્ય અનેક લહેરોમાં પ્રતિબિંબિત થઇ રહ્યો છે. આ પ્રતિબિંબ જુદા જુદા રૂપ, આકારો પ્રાપ્ત કરે છે એમાં એની વિશેષતા છે. જે રીતે વ્યક્તિના અંગૂઠાની છાપ અને એના સ્વરનું ધ્વનિચિત્ર ભિન્ન હોય છે એ રીતે દરેક વ્યક્તિની કોશિકાઓ બીજાથી ભિન્ન હોય છે. એ સાથે એક મનુષ્યના શરીરમાં રહેલી ખર્વો જેટલી કોશિકાઓમાંથી દરેકમાં એની આધારભૂત વિશેષતા સુરક્ષિત હોય છે. એનો અર્થ એ છે કે મનુષ્યની સંપૂર્ણ સત્તામાં સમગ્રતા છે. તે કોઈ ચિત્ર-વિચિત્ર પ્રવૃત્તિ પ્રવાહોનો આ આકસ્મિક રીતે ઊભો થયેલો સંયોગ માત્ર નથી. એની વિશેષતાઓ ભિન્ન ભિન્ન રાસાયણિક તત્ત્વોના અનાયાસ એકત્રીકરણ માત્રથી ઉદ્ભવેલી નથી. જીવોના રૂપ, રંગ અને સંરચનાને નિર્ધારિત કરવામાં આનુવંશિક કોડની ભૂમિકા મહત્ત્વની હોય છે. આનુવંશિક ભાષા અને એની પ્રોટીન સંશ્લેષણમાં ભૂમિકાનું પ્રતિપાદન ભારતીય મૂળના અમેરિકન વિજ્ઞાની ડૉ. હરગોવિંદ ખુરાનાએ કર્યું હતું. ડી.એન.એ. રસાયણમાં સંશોધન કરી એ ક્ષેત્રમાં તેમણે ક્રાંતિ લાવી દીધી હતી. ૧૯૬૮માં પ્રોટીન સંશ્લેષણમાં ન્યૂક્લિયોરાઇડની ભૂમિકા દર્શાવવા બદલ તેમને અન્ય બે અમેરિકન વિજ્ઞાનીઓ ડૉ. રોબર્ટ હોલે અને ડૉ. માર્શલ નિરેન બર્ગ સાથે સંયુક્ત એવું નોબલ પ્રાઈઝ પ્રદાન કરાયું હતું.


Google NewsGoogle News