લાયસન્સ વગર સાયકલ ચલાવશો તો રૂપિયા ૫ાંચનો દંડ!
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- 3 જૂન
- સાયકલ દિવસ
- જ્યારે પરિવહન માટે બળદગાડાં, ઘોડાગાડીનું ચલણ હતું ત્યારે સાયકલ હાઈસ્પીડ વાહન લેખાતું હતું
ત મે સાયકલ લઇને નીકળ્યા હોવ અને અચાનક જ પોલીસ એમ કહીને અટકાવે કે,'તમારું લાયસન્સ ક્યાં છે ?' આ વાત વાંચતાં જ એમ વિચાર આવવો સ્વાભાવિક છે કે 'સાયકલ માટે લાયસન્સ?!!' પરંતુ ના, આ કોઇ ગપ્પા નહીં વાસ્તવિક વાત છે. ગોંડલ સ્ટેટમાં રાજાશાહી યુગ એટલે કે, વર્ષ ૧૯૩૦માં સાયકલ ચલાવવા માટે લેવું પડતું હતું! સાયકલ ધારકને મહારાજા ઠાકોર સાહેબ સર ભગવતસિંહજીની સહી વાળું નવ પાનાની પુસ્તિકાવાળુ લાયસન્સ યાને કે પરવાનો આપવામાં આવતો હતો! જેમાં દર્શાવેલા ૧૪ નિયમોનું સાયકલીસ્ટે ચૂસ્ત પણે પાલન કરવું ફરજિયાત હતું. એનું ઉલ્લંઘન કરનાર સામે કેસ દાખલ થતો હતો અને ગુનો સાબિત થતાં પાંચ રૂપિયા મહત્તમ દંડ થતો હતો. આ એ સમયની વાત છે જ્યારે પરિવહન માટે બળદગાડાં, ઘોડાગાડીનું ચલણ હતું ત્યારે સાયકલ હાઈસ્પીડ વાહન લેખાતું હતું. આ લાયસન્સ બુકમાં સાયકલ પરિચાલન માટે નિયમો દર્શાવવામાં આવતા હતાં. સાયકલ સવારી કરનારને પોલીસ સંકેત આપે તો ઉભી રાખવી પડતી હતી. સાયકલનું રજીસ્ટ્રેેશન કરાવવું પડતું હતું. દરેક સાયકલને નાનકડી નંબર પ્લેટ અપાતી હતી. જો રાત્રે સાયકલ ચલાવવી હોય તો આગળ 'ટમટમિયું' અથવા લેમ્પ રાખવો પડતો હતો અને ડાયનેમો સાયકલ સાથે 'ઈન બિલ્ટ' રાખવો પડતો હતો. કેટલાક શોખિનો સાયકલમાં 'ડીડીટ' પણ ફીટ કરાવતા હતા ગોંડલ સ્ટેટની સાયકલ લાયસન્સ પુસ્તિકાને કુલ ૯ પાના રહેતા હતા જેમાં સાયકલ ચલાવવા માટે કુલ ૧૪ નિયમોની નિમવાવલી દર્શાવવામાં આવતી હતી. કોઈ સાયકલ ધારક આ નિયમોનો ભંગ કરે તો તેની સામે ન્યાયીક અદાલતી કાર્યવાહી થતી હતી જો મેજીસ્ટ્રેટ સમક્ષ ગુનો સાબિત થાય તો દંડ થતો હતો.
આજે સાયકલની વાત એટલા માટે કેમકે, દર વર્ષે ૩ જૂનની ઉજવણી 'સાયકલ દિવસ' તરીકે કરવામાં આવે છે. વિશ્વની અનેક શોધ આકસ્મિક કે મજબૂરીને કારણે થઇ છે અને તેમાં સાયકલનો સમાવેશ થાય છે.
ઈ.સ. ૧૮૧૫ની આ વાત છે. ઇન્ડોનેશિયામાં માઉન્ટ ટેમ્બોરા જ્વાળામુખીનો એક મોટો વિસ્ફોટ નોંધાયો હતો .ત્યારે તેની રાખ સમગ્ર્ર વિશ્વમાં ફેલાયેલી હતી. તેની સૌથી મોટી અસર ઉત્તરી ગોળાર્ધના દેશોમાં પડી. ત્યારે બધા જ્વાળામુખીની રાખમાં પાક નિષ્ફળ ગયો. ખૂબ જ મોટી સંખ્યામાં પાળતુ પ્રાણી મૃત્યુ પામ્યા હતા, જેનો ઉપયોગ માલના પરિવહન માટે કરવામાં આવતો હતો. મોટી સંખ્યામાં પ્રાણીઓના મૃત્યુ બાદ પરિવહન શેમાં કરવું તેને લઇને સમસ્યા સર્જાઈ. આ સમસ્યાના ઉકેલ ૧૮૧૭માં બેરોન કાર્લ વોન ડ્રેઇસ દ્વારા શોધવામાં આવ્યો. જર્મનીના આ એન્જિનિયરે લૌફમશિન નામનું વાહન બનાવ્યું. લૌફમશિનનો જર્મન ભાષામાં અર્થ થાય છે દોડતું મશિન. ઈ.સ. ૧૮૧૮માં જ્યારે તેનું પેટન્ટ કરાયું ત્યારે તેને વેલોસિપેડ નામ અપાયું. લાકડાથી બનાવાયેલું આ એક મશિન હતું અને એ સમયે પરિવહન માટે ઉપયોગમાં લેવાતા ઘોડાની ડિઝાઇનને તે મળતું આવતું હતું. જેના કારણે લોકોએ તેને હોબ્બી હોર્સ, ડેન્ડી હોર્સ જેવું નામ આપ્યું. આ પ્રકારની બનાવટ જર્મની અને ફ્રાન્સમાં ખૂબ જ લોકપ્રિય થવા લાગી.પહેલી સાયકલની શોધ કરવામાં આવી ત્યારે તે લાકડાની હતી જેમાં પેડલ્સ નહોતા. તેમાં એક હેન્ડલવાળી લાકડાનું સાયકલ ચલાવવા માટે દબાણ કરવું પડયું. અને આ લાકડાની સાયકલનું વજન ૨૩ કિલો હતું. કાર્લ વોન ડ્રેેઇસ દ્વારા શોધાયેલ સાયકલને વિશ્વના આગળના ભાગમાં લાવવા ૧૨ જૂન, ૧૮૧૭ ના રોજ બે જર્મન શહેરો મન્નાહાઇમ અને રાયનો વચ્ચે લાવવામાં આવી હતી. ૭ કિલોમીટરનું અંતર કાપવામાં ૧ કલાકનો સમય લાગ્યો.એ સમયે આ વાહનના ત્રણ કે ચાર પૈડા રહેતા. ૧૮૩૯માં સ્કોટિશ લુહાર ક્રિકેપેટ્રિક મેકમિલન દ્વારા આ વાહનની ડિઝાઇનમાં ફેરફાર કરાયા અને તેનાથી દ્વિચક્રી વાહનોના વિશ્વમાં ક્રાંતિ આવી ગઇ. ૧૮૬૩માં ફ્રેન્ચ એન્જિનિયર દ્વારા આ વાહનમાં પેડલનો ઉપયોગ સૌ પ્રથમવાર કરાયો. તેના આગળના પૈડાંને પેડલથી ચલાવાતું હતું અને તેને અમેરિકન પેટન્ટ પેડલ બાયસાયકલ તરીકે નોંધવામાં આવી. આમ, અત્યારની સાયકલનું નામ ઈ.સ. ૧૮૭૦માં મળ્યું હતું. એ વખતે ફ્રાન્સના યુગેન મેયર દ્વારા એક મોટું વ્હીલ અને એક નાનું વ્હીલ ધરાવતી સાયકલની ડિઝાઇન બનાવાઇ, જેને ખૂબ જ લોકપ્રિયતા મળી. ૧૯મી સદીના પ્રારંભે સાયકલ ખૂબ જ લોકપ્રિય થવા લાગી. એ જ અરસામાં અંગ્રેજો એક સ્થળેથી બીજા સ્થળે જવાના વાહન તરીકે સાયકલ સૌપ્રથમ વખત ભારતમાં લાવ્યા હતા.
સાયકલની વાત ભારતના ૬ સાહસિકો વિના અધૂરી ગણાશે. ઓક્ટોબર ૧૯૨૩માં રૂસ્તમ ભાગથરા, જાલ બસપોલા, આદિ હકીમ, કેકી પોચખાનવાલા, ગુસ્તાદ હથીરામ, નરીમાન કાપડિયા વિના અધૂરી ગણાશે. જેઓ ૧૦૦ વર્ષ અગાઉ સાયકલ પર વિશ્વ ભ્રમણ માટે નીકળી પડયા હતા. સાહસની આ સત્યકથા પરથી મહેન્દ્ર દેસાઇનું પુસ્તક 'પેડલ પર પૃથ્વી પરકમ્માદ પુસ્તકપ્રેમીઓ માટે સોગાદ સમાન છે.
આજે સાયકલનો પરિવહન માટે ઓછો અને સ્વાસ્થ્યના હેતુથી વારે ઉપયોગ થાય છે. વિશ્વની સૌથી મોંઘામાં મોંઘી ટ્રેક મેડોન સાયકલ રૂપિયા ૧.૩૨ કરોડની છે. ભારતમાં મોંઘામાં મોંઘી સાયકલ રૂપિયા ૭૦ હજાર સુધીની હોય છે.
;;;
સાયકલ મારી સ..ર..ર..ર જાય,ટ્રીન ટ્રીન ટોકરી વગાડતી જાય.ડોશીમા ડોશીમા આઘા ખસો,નહીંતર વચમાં ચગદાઇ જશો.રસ્તામાં છીંકણી ના સૂંઘાય, વાતોમાં સાયકલ વાગી જાય. મોટા શેઠ મોટા શેઠ આઘા ખસો,પાઘડી પડશે તો ગુસ્સે થશો.ચોપડા ચીતરી ચાલ્યા બજાર,આઘા ખસીને કરજો વિચાર...