ફ્રેન્ડશિપ બેન્ડ કઇ રીતે ફ્રેન્ડશિપ ડેની ઉજવણીનો પ્રતિક બન્યો...?
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- આંખના ભાવ કે અવાજના ટોન પરથી જે આપણા હૃદયનું મનોમંથન બીજી જ ઘડીએ જાણી લે તે સાચો દોસ્ત
- 4 ઓગસ્ટ
- ફ્રેન્ડશિપ ડે
મૈ યાદોં કા કિસ્સા ખોલૂં તો, કુછ દોસ્ત બહુત યાદ આતે હે... મૈ ગુજરેં પલો કો સોચૂં તો, કુછ દોસ્ત બહુત યાદ આતે હે.... અબ કોન સી નગરી મેં, આબાદ હૈ જાકર મુદ્દત સે... મૈ દેર રાત જાગૂં તો, કુછ દોસ્ત બહુત યાદ આતે હૈં.... કુછ બાતેં થી ફૂલોં જૈસી...કુછ લહજે ખુશબૂ જૈસે-થે...મૈ શહર-એ-ચમન મેં ટહલૂં તો, કુછ દોસ્ત બહુત યાદ આતે હૈં... સબ કી જિંદગી બદલ ગયી, એક નએ સિરે મેં ઢલ ગયી, કિસી કો નોકરી સે ફુરસત નહીં... કિસી કો દોસ્તોં કી જરૂરત નહીં...સારે યાર ગુમ હો ગયે હૈં...'તૂ' સે 'તુમ' ઔર 'આપ' હો ગયે હૈ.... મૈ ગુજરે પલ કો સોચૂં તો, કુછ દોસ્ત બહુત યાદ આતે હૈં....ધીરે ધીરે ઉમ્ર કટ જાતી હૈ...જીવન યાદોં કી પુસ્તક બન જાતી હૈ, કભી કિસી કી યાદ બહુત તડપાતી હૈ....ઔર કભી યાદોં કે સહારે જિન્દગી કટ જાતી હૈ...કિનારો પે સાગર કે ખજાને નહીં આતે... ફિર જીવન મેં દોસ્ત પુરાને નહીં આતે....જી લો ઈન પલોં કો હસ કે દોસ્ત, ફિર લૌટ કે દોસ્તી કે જમાને નહીં આતે....
-હરિવંશરાય બચ્ચન
ભેરુ, ભાઇબંધ, દોસ્તાર, મિત્ર, યાર, ફ્રેન્ડ એટલે એવી ઇશ્વરે આપેલી એવી અણમોલ ભેટ જેના ખભે હાથ મૂકીને લાંબી સફર પર પણ નીકળી શકાય અને જેના ખભે માથું નાખીને રડી પણ શકાય.આવા દોસ્તો સાથે ઉજવણીનું પર્વ એટલે ફ્રેન્ડશિપ ડે. આમ તો, સાચા દોસ્તારો ક્યારેય આવી ઉજવણીના મોહતાજ હોતા નથી. પરંતુ માર્કેટિંગના તૂતથી ફ્રેન્ડશિપ ડેની ઉજવણીની શરૂઆત થઇ. હુઆ યું કી.... ૧૯૩૦ના દાયકામાં હોલ્માર્ક કાર્ડના સ્થાપક જોયેસ હોલ પોતાની કંપનીનો એન્યુઅલ સેલ્સ રિપોર્ટ જોઇ રહ્યા હતા. જેમાં તેમના ધ્યાનમાં આવ્યું કે ઓગસ્ટ મહિનામાં કોઇ તહેવાર કે ડે નહીં આવતો હોવાથી કાર્ડનું વેચાણ ખૂબ જ ઓછું થઇ રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં વેચાણમાં વધારો થાય તેના માટે તેમણે ત્યારે 'ફ્રેન્ડશિપ ડે' ઉજવવાનું શરુ કર્યું. આ પછી યુનાઇટેડ નેશન્સ દ્વારા પણ 'ફ્રેન્ડશિપ ડે'ને માન્યતા આપવામાં આવી.
ફ્રેન્ડશિપ ડેનું નામ પડતાં જ દોસ્તને બાંધવા માટેની ફ્રેન્ડશિપ બેન્ડ-બ્રેસ્લેટ બેશક યાદ આવી જ જાય. બાય ધ વે, આ ફ્રેન્ડશિપ બેન્ડ આજકાલનો નહીં પણ સદીઓ પુરાણો ઈતિહાસ ધરાવે છે. ઈ.સ. પૂર્વ ૪૨૦ના અરસામાં બે વ્યક્તિ વચ્ચે દોસ્તી થતી ત્યારે તેઓ એકમેકને ફ્રેન્ડશિપ બેન્ડ બાંધતા અને તેની સાથે જ કોઇપણ પરિસ્થિતિમાં સાથે જ રહેવાનું વચન આપતા. અલબત્ત, ફ્રેન્ડશિપ બેન્ડને ખરી લોકપ્રિયતા ૧૯૭૦ના દાયકામાં અમેરિકામાં મળી. થયું એમ કે, ફ્રેન્ડશિપ ડે રૂબરૂ એકમેકને ગ્રીટિંગ કાર્ડ આપવાનો કોઇ અર્થ રહેતો નહોતો. જેના કારણે એક એવું માધ્યમ વિચારવામાં આવ્યું જેનાથી દોસ્તો ફ્રેન્ડશિપ ડેના એકમેક પ્રત્યે લાગણી વ્યક્ત કરી શકે. જેનાથી ફ્રેન્ડશિપ બેન્ડની લોકપ્રિયતા પ્રસરવા લાગી. અલબત્ત, ફ્રેન્ડશિપ બેન્ડ કયા રંગનો ખરીદો છો તેનું પણ મહત્ત્વ છે. ઓરેન્જ કે પીળા રંગથી તમે તમારા મિત્રને ઉર્જાવાન-ઉત્સાહી ગણો છો. લીલો-બ્લ્યૂ રંગ મિત્ર પ્રત્યે જવાબદારી-વફાદારીનું પ્રતિક છે. તમારી દોસ્તી સૌથી મજબૂત છે તે દર્શાવવા માટે કાળા રંગની ફ્રેન્ડશિપ બેન્ડ છે.
કાર્ડ, ફ્રેન્ડશિપ બેન્ડ કે પાર્ટી ફ્રેન્ડશિપ ડેના સેલિબ્રેશનના માધ્યમ ચોક્કસ ખરા. મિત્રતા એ ઈતિહાસ કે ભવિષ્યની નહીં પણ વર્તમાનની ક્ષણેક્ષણને ઉજાળે તેવો પ્રસંગ છે. પ્રેમી-પ્રેમિકા, પતિ-પત્નીના મજબૂત સંબંધનો અડીખમ પાયો એટલે મિત્રતા.
એક રીતે વિશ્વની કોઇ પણ મિત્રતાનો પાયો 'ગરજ' પર જ રચાતો હોય છે. કર્ણ-દુર્યોધનની મિત્રતાનો પાયો પણ આવી જ ગરજ પર રચાયો હતો. જેમાં કર્ણને એવી જરૂરિયાત હતી કે કોઇ રાજા તેની પ્રતિભાને યોગ્ય ન્યાય આપે જ્યારે દુર્યોધન એવા યોદ્ધાની તલાશમાં હતો જે અર્જુનને બરાબરની ટક્કર આપી શકે. સાચી મિત્રતામાં સમય સરતો જાય છે તેમ તેના પરથી ગરજનું આવરણ દૂર થતું જાય છે અને તેનું સ્થાન લાગણી લેવા લાગે છે. મહાભારતમાં ભગવાન કૃષ્ણે તેમની કૂટનીતિ દ્વારા એક સિવાય તમામ મોરચે સફળતા મેળવી હતી. આ એક મોરચો એટલે કર્ણ પાસે દુર્યોધનનો મિત્રદ્રોહ કરાવવો. કર્ણ એ વાતથી સંપૂર્ણ વાકેફ હતો કે મહાભારતના યુદ્ધમાં છેવટે કૌરવોનો જ પરાજય થવાનો છે. આ ઉપરાંત પાંડવોના પક્ષમાંથી લડશે તો મોટાભાઇ હોવાને નાતે રાજગાદી પણ તેને જ મળવાની છે. પરંતુ કર્ણે દુર્યોધન સાથેની મિત્રતા સામે એ તમામ પ્રલોભનોને જાકારો આપ્યો.
ઉત્તમ મૈત્રીમાં તો એકમેક પાસેથી ખૂબ જ આશા રાખવામાં આવે એ સ્વાભાવિક છે પણ તેની માગણીઓ મૂકાતી નથી કે ના તો તેમાં ઇમોશનલી બ્લેકમેલ કરવામાં આવે છે. આંખના ભાવ કે અવાજના ટોન પરથી જે આપણા હૃદયનું મનોમંથન બીજી જ ઘડીએ જાણી લે તે સાચો દોસ્ત. જેને મીઠા ગુસ્સામાં ગાળ આપીને બોલાવી શકાય પણ તેને કોઇ ત્રાહિત વ્યક્તિ ગાળ આપીને જતું રહે ત્યારે જે દિમાગની કમાન છટકે તે મિત્ર. કોઇ પણ બાળક કિન્ડર ગાર્ડન કે પ્લે સ્કૂલમાં જાય છે ત્યારે માતા-પિતા બાદ તેનો પ્રથમ સહારો કોઇ હોય તો તેનો મિત્ર છે. ભૂલો અને શંકાની બાબતમાં યાદશક્તિ ઓછી રાખવામાં આવે તો તે મિત્રતાને ક્યારેય ઓટ આવતી નથી. સાચી મિત્રતાની ડિક્શનેરીમાં તો ખુલાસાને પણ સ્થાન હોતું નથી. દિગ્ગજ લેખક ચંદ્રકાંત બક્ષીના શબ્દોમાં કહીએ તો 'બહુ હોશિયાર માણસને દોસ્ત હોય નહીં, જીવનમાં દોસ્ત મેળવવા માટે એ દોસ્ત જેટલા નિર્દોષ, નિષ્પાપ, બેવકૂફ બનવું પડે છે. દોસ્તી ખુલ્લી હથેળીની રમત છે. હથેળી સંતાડીને રમનારને એ ફાવતી નથી. ' મિત્ર માટે મિત્રના ઘર અને દિલનો માર્ગ કદી લાંબો હોતો નથી.
ચારેય તરફથી ભીંસમાં મૂકાયા હોઇએ અને કોઇ ચિંતા વિના હૃદય ઠાલવવું હોય તો જેની યાદ આવે એ સાચો મિત્ર.
સાચી મિત્રતા પ્રત્યેક વ્યક્તિ માટે સંજીવની જેવું કામ કરે છે. આ વાતને નિરંજન ભગતે તેમની ૭૦મી વર્ષગાંઠ વખતે બખૂબી વર્ણવી છે...
આજે સિત્તેર વર્ષનો થયો, તે કોના કારણે? દેવોના કારણે? ગ્રહોના કારણે? દેવો? એમને તો મેં જોયા નથી..ગ્રહો ? એમણે તો મને જાણ્યો તો શું, જોયો પણ નથી એટએટલા દૂર વસે છે. એમણે મને જીવાડયો નથી, એમને કારણે આજે સિત્તેર વર્ષનો થયો નથી. મારી પાસે, મારી આસપાસ તો છે મિત્રો, એમને મેં જોયા છે, જાણ્યો છે, એમણેય મને જોયો છે-જાણ્યો છે. એમણે જ મને જીવનનો રસ પિવડાવ્યો છે. એમને કારણે જ આજે સિત્તેર વર્ષનો થયો છું. એથી જ મારા કેલેન્ડરમાં દેવો અને ગ્રહોના નામ પરથી નહીં, મિત્રોના નામ પરથી વાર ને મહિનાના નામ છે.... આજે હું મારા જન્મને નથી ઉજવી રહ્યો, આજે મિત્રોને ને એમની મૈત્રીને મારી કૃતજ્ઞાતાને ઉજવી રહ્યો...
***
સંસ્મરણનાં પુષ્પ હું સુંઘી રહ્યો, વાંચી રહ્યો
પાંદડીઓ પર હતા અગણિત નામો, દોસ્તો!
હોઠ પર હરદમ બિરાજો સ્મિતની થઇને લહર
પાંપણે બિન્દુ બની ક્યારેક ઝામો, દોસ્તો!
મારી દૂનિયામાંય ધરતી છે, ને અવકાશ પણ,
પગ મૂકો, પ્રગતિ કરો વિસ્તાર પામો દોસ્તો!
પ્રેમ જેવા શસ્ત્રથી ઘાયલ થવું સહુને ગમે,
એ ગમે ત્યાં ને ગમે ત્યારે, ઉગામો, દોસ્તો!
- ગની દહીંવાલા