Get The App

ગાંધીજી કહેતા કે, 'જ્યાં સરદાર છે ત્યાં મારે કાંઇ કરવાપણું હોય જ નહીં....'

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
ગાંધીજી કહેતા કે, 'જ્યાં સરદાર છે ત્યાં મારે કાંઇ કરવાપણું હોય જ નહીં....' 1 - image


- સેલિબ્રેશન-ચિંતન બુચ

- સરદાર પટેલના અમદાવાદ મ્યુનિ.ના પ્રમુખ તરીકેના ૧૫૫૫ દિવસના કાર્યકાળને  આજે પણ શા માટે 'બેન્ચમાર્ક' ગણવામાં આવે છે તે દર્શાવતા વિવિધ કિસ્સાઓ 

- 31 ઓક્ટોબર

- રાષ્ટ્રીય એકતા દિવસ 

'કે ટલાક અત્યારે ગૌરક્ષાની વાત કરવા મંડયા છે. આજે તો બાળકો, સ્ત્રીઓ ને વૃદ્ધોનું રક્ષણ થતું નથી ત્યાં ગૌરક્ષાની તો વાત જ શી! જે મુલકમાં ગાયોની કતલ કરવાનો બાધ નથી ત્યાં જેવી હૃષ્ટપુષ્ટ ગાયો જોવામાં આવે છે એવી અહીં નથી જોવામાં આવતી. ખરેખરી ગૌરક્ષા કરવી હોય તો ગાયને બરાબર પાળતા શીખો.....' ' ...આજે હિંદુસ્તાનને એક કરવાનો મોકો છે. લાહોરથી માંડીને પૂર્વ બંગાળનો થોડો ભાગ છોડીને બાકીના હિંદને એક કરવાનો મોકો એક હજાર વર્ષ પછી આવ્યો છે. આપણને આઝાદી મળી છે. આપણે બરાબર કામ કરવું હોય તો દેશમાં શાંતિ જોઇએ. શાંતિ નહીં હોય, ખાવાનું નહીં હોય તો લોકો કહેશે કે અંગ્રેજની ગુલામી સારી હતી....' '...દરેક એમ સ્વીકારે છે કે આજની કેળવણીમાં ખામી છે, એને સુધારવી જોઇએ. છતાં હિંદુસ્તાનમાં એટલી દુર્બળતા આવી છે કે નવો માર્ગ લેવા કોઇ તૈયાર નથી. આપણામાં કંઇ સાહસ નથી રહ્યું, ભીરુ થઇ ગયા છીએ. એ કારણે કેટલાક નવા માર્ગે જવા તૈયાર નથી. આજની કેળવણીમાં ક્રાંતિ કરવાની જરૂર છે. દરેક વસ્તુ નવી શરૂ થતાં વિરોધ થાય છે....' 

સ્વતંત્રતા વખતે દેશને એક માળામાં પરોવનારા સરદાર વલ્લભભાઇ પટેલના તેજાબી ભાષણના આ કેટલાક અંશ છે. સરદારની વાણીથી ગુજરાત ખૂબ પરિચિત છે અને તેમાંથી ગુજરાતે શૌર્ય- સ્વાવલંબનના રસ પીધાં છે. ૩૧ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જયંતિ છે. સરદાર વલ્લભભાઇ પટેલ અમદાવાદ મ્યુનિ.ના પ્રમુખ તરીકે ૧૫૫૫ દિવસ રહ્યા હતા. સૌપ્રથમવાર તેઓ વર્ષ ૧૯૧૯માં અમદાવાદ મ્યુનિસિપાલિટીના કાઉન્સિલર તરીકે ચૂંટાયા ત્યારે તેમણે અમદાવાદની સ્થાનિક ચૂંટણીમાં મહિલા અનામતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. વધુમાં વધુ સંખ્યામાં મહિલાઓ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોડાય તે આ મહિલા અનામત પાછળનો ઉદ્દેશ હતો. આજના સમયમાં આ વાત સામાન્ય લાગે. પરંતુ આ એ સમય હતો જ્યારે મહિલા અનામત  અંગેનો વિચાર ૧૨ ડિસેમ્બર ૧૯૧૮ના મુંબઇની મહાનગરપાલિકા સમક્ષ રજૂ કરાયો ત્યારે કેટલાક સભાસદોએ તેની સામે ભારે વાંધો ઉઠાવતાં કહ્યું ં કે, 'સ્ત્રીઓ મ્યુનિસિપાલિટીમાં આવીને બેસશે તો ઘરના કામને મોટો ધક્કો પહોંચશે. સ્ત્રીઓ ફક્ત ગૃહકાર્ય કરવા તથા છોકરાં ઉછેરવાને જ લાયક છે. જો તેઓ આવી બાબતમાં ધ્યાન આપશે તો પુરુષો શું કરશે?' મોટાભાગના પુરુષ સભ્યો આવું જ વિચારતા હોવાથી વાત આગળ વધી નહીં. આવા આ સમયમાં સરદાર વલ્લભભાઇ પટેલે ૧૩ માર્ચ ૧૯૧૯ના પોતાની દરખાસ્તના સમર્થનમાં જણાવ્યું કે,  'બોમ્બે ડિસ્ટ્રિક્ટ મ્યુનિસિપલ એક્ટની કલમ ૧૫(૧)(સી)ને કારણે કોઇપણ સ્ત્રીથી મ્યુનિસિપાલિટીના સભ્ય બની શકાતું નથી. સમાજની અડધા જેટલી વસતી જો સ્ત્રીઓની હોય તો તેમને આવા ભેદભાવવાળા કાયદાને કારણે તેમના હકથી વંચિત કેમ રાખી શકાય?  શું આવા ભેદભાવવાળા કાયદાને બદલી શકાય નહીં? મને ખબર છે કાયદો બદલવાની સત્તા મ્યુનિસિપાલિટી પાસે નથી. જો બધી મ્યુનિસિપાલિટીએ આવા અન્યાયી કાયદાને માંગ કરે તો ચોક્કસ સરકારને પુન:વિચારણા કરવાની ફરજ પડે. ' સરદાર વલ્લભભાઇની આ દરખાસ્તને તમામ સભ્યો દ્વારા વધાવી લેવામાં આવી હતી. એક જ સૂરે ઠરાવ પસાર કરીને સરકારને મોકલી આપ્યો હતો. ૧૯૧૯ના મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાની જોગવાઇઓ મુજબ ધારાસભામાં મહિલાઓ ઉમેદવારી કરી શકે તે જોગવાઇ થઇ પણ ૧૯૨૫માં મ્યુનિસિપલ એક્ટમાં થયેલા સુધારા પછી સ્ત્રીઓ માટે 'અનામત બેઠકો'નો અમલ જૂન ૧૯૨૬થી શરૂ થયો હતો. 

૧૯૨૦ના દાયકામાં  અમદાવાદ શહેરમાં ગીચ વસવાટને કારણે છાસવારે રોગચાળો ફેલાતો. બીમારીઓના આવાગમનને રોકવા માટે સરદારના નેતૃત્વમાં ૨૨૨ દિવસ સુધી યુદ્ધના ધોરણે સાફસફાઇ અભિયાન ચલાવાયું હતું. સરદારના સફાઇ અભિયાન અંગે મહાત્મા ગાંધીએ કહ્યું કે, 'માંરી ઈચ્છા તો તેમની સાથે કોદાળી, ઝાડુ, ચૂનાની બાલટી અને એક પીંછી લઇને ઉભા થઈ જવાની થાય. પણ જ્યાં વલ્લભભાઇ કચરાપટ્ટીના સરદાર છે ત્યાં મારે કાંઇ કરવાપણું હોય જ નહીં....'

૯ ફેબુ્રઆરી ૧૯૨૪ના એટલે કે બરાબર ૧૦૦ વર્ષ અગાઉ અમદાવાદ મ્યુનિસિપાલિટીના નવા ચૂંટાયેલા બોર્ડની સૌપ્રથમ બેઠકમાં સરદાર વલ્લભભાઇ પટેલ ૫૩ વિરુદ્ધ બે મતથી ચૂંટાયા હતા. મ્યુનિસિપલ પ્રમુખ તરીકે સરદાર પટેલ દ્વારા કરવામાં આવેલી કામગીરીને આજે પણ દ્રષ્ટાંતરૂપે યાદ કરવામાં આવે છે.   ૯ ફેબુ્રઆરી ૧૯૨૨ના અમદાવાદ મ્યુનિસિપાલિટી સસ્પેન્ડ કર્યાના બે વર્ષ બાદ ૩૦ જાન્યુઆરી ૧૯૨૪ના રોજ ચૂંટણી યોજવામાં આવી હતી. ૪૮ પ્રજાનિયુક્ત સભ્યો ચૂંટવા માટે સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. ૩-૩ વખત દરિયાપુર વોર્ડથી સતત ચૂંટાતાં સરદારે આ ચૂંટણીમાં ખાડિયા વોર્ડથી ઉમેદવારી નોંધાવી હતી.

 તેઓ ખાડિયા વોર્ડમાંથી બિનહરીફ ચૂંટાયા હતા. ૯ ફેબુ્રઆરી ૧૯૨૪ના નવા ચૂંટાયેલા બોર્ડની સૌપ્રથમ બેઠકમાં સરદાર પટેલ મ્યુનિસિપલ પ્રમુખ તરીકે ચૂંટાયેલા. પ્રમુખ બન્યા બાદ સરદારે મ્યુનિસિપલ પ્રમુખપદની ગરિમા અને ગૌરવમાં વધારો કર્યો હતો. વર્ષોથી અંગ્રેજીમાં ચાલતો અટપટો વહીવટ ગુજરાતી ભાષામાં સરળતાથી શરૂ કરાવ્યો હતો. આ એ સમય હતો જ્યારે મ્યુનિસિપાલિટીમાં સામાન્ય પ્રજા માટે પ્રવેશ લેવો તે અશક્ય હતો. કોઇ સામાન્ય વ્યક્તિ મ્યુનિસિપાલિટીમાં પ્રવેશ કરે તો તેને ધૂત્કારવામાં આવતી. 

પરંતુ સરદારના આગમનની સાથે જ સામાન્ય નાગરિકનો  મ્યુનિસિપાલિટીમાં પ્રવેશ સરળ થયો હતો. સામાન્ય નાગરિક કોઇ પણ ખચકાટ વિના પોતાની નાનકડી સમસ્યા હોય તો  પણ સરદારને મળી શકતો. સરદાર પટેલ પણ તેમને શાંતિથી સાંભળતા અને તેમની સમસ્યાનું નિરાકરણ લાવતા. આમ, તેમના કાર્યકાળમાં ખરા અર્થમાં મ્યુનિસિપાલિટી 'પ્રજાની મ્યુનિસિપાલિટી' બની હતી. 

અમદાવાદનો વિકાસ કરવા માટે તેમણે વિવિધ યોજનાઓનો મક્કમતાપૂર્વક અમલ કરાવ્યો હતો. કોટની ચાર દિવાલમાં વસતા અમદાવાદનો વિકાસ કરવા માટે એલિસબ્રિજ, મણિનગરની ટાઉન પ્લાનિંગ સ્કીમ રજૂ કરવામાં આવી હતી. જુલાઇ ૧૯૨૭માં સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે વ્યાપક તારાજી થઇ. સરદાર એ સમયે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હોવાની સાથે સાથે ગુજરાત પ્રાંતિક સમિતિના પણ પ્રમુખ હતા. સરદાર અને સાથીઓએ સેવાભાવનાથી જે રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કર્યું હતું તેનો અનુભવ સ્વતંત્રતા પૂર્વે સમગ્ર દેશવાસીઓને થયો હતો...જસ્ટ ઈમેજીન...સરદાર પટેલ ના હોત તો આપણને જુનાગઢ-હૈદરાબાદ જવા માટે વિઝા લેવા પડત....  !


Google NewsGoogle News