ઓલિમ્પિક્સમાં મેડલ નહીં જીતવો તેને દેશદ્રોહ ગણવામાં આવે છે....
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- 29 ઓગસ્ટ
- નેશનલ સ્પોર્ટ્સ ડે
- ચીને કઇ રીતે સ્પોર્ટ્સ કલ્ચર ઉભું કર્યું જેનાથી તે દર ઓલિમ્પિક્સમાં ઢગલાબંધ મેડલ ઉસેટી જાય છે તેની વાત...
'મા રા કારણે દેશને નીચુંજોણું થયું છે...હું સમગ્ર દેશની માફી માગું છું. સમગ્ર દેશની નજર આ મુકાબલા પર હતી પણ અમે ક્ષમતા અનુસાર દેખાવ કરી શક્યા નહીં...વતન પરત ફરવાનું થશે ત્યારે હું દેશના નાગરિકો સામે નજર કેમ મેળવી શકીશ? શક્ય હોય તો મને આ નબળા દેખાવ માટે માફ કરી દેવા માટે વિનંતી...' ચીનની ટેબલ ટેનિસ પ્લેયર લિઉ શાઇવેને ઓલિમ્પિક્સમાં પોતાની ઈવેન્ટ બાદ અશ્રુભીની આંખે કહેલા આ શબ્દો છે. શું તે ઓલિમ્પિક્સના પ્રારંભિક રાઉન્ડમાંથી જ બહાર થઇ ગઇ હતી? શું તે ઓલિમ્પિક્સ મેડલ ચૂકી ગઇ હતી ? ડોપિંગ-વજન જેવા કારણોસર ડિસ્ક્વોલિફાઇ કરવામાં હતી? આ તમામ સવાલનો એક જ ઉત્તર છે, 'ના'. તો પછી લિઉ શાઇવેન નામની માનુનીનું માફી માગવાનું કારણ શું? વાત એમ છે કે, ૨૦૨૧માં ટોકિયો ખાતે યોજાયેલી ઓલિમ્પિક્સમાં શાઇવેન-શૂ શીનની જોડી મિક્સ્ડ ડબલ ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ ચૂકી ગઇ હતી અને એ પછી તેણે કહેલા આ શબ્દો છે. 'લો, બોલો ...! એક ગોલ્ડ મેડલ ચૂકવામાં જીતી ગઇ તેમાં વળી માફી માગવાનું શું કારણ ? સિલ્વર જીત્યો એ પણ મોટી વાત ના કહેવાય?' આવો એક વિચાર આપણા લોકોના દિમાગમાં ઝબૂકે તે સ્વાભાવિક જ છે. પરંતુ બોસ, આ ચાઇનાનું 'સ્પોર્ટ્સ કલ્ચર' છે જ્યાં ગોલ્ડ મેડલથી નીચેના એકપણ મેડલને 'ઐતિહાસિક'નું લેબલ નહીં પણ 'ઠીક છે'નું લેબલ લાગી જાય છે.
આખરે કેવું હોય છે ચીનનું 'સ્પોર્ટ્સ કલ્ચર' જેના દ્વારા તે ઓલિમ્પિક્સમાં એટલા મેડલ ઉસેટી જાય છે જેટલા આપણે ઓલિમ્પિક્સના ઈતિહાસમાં કુલ મેડલ પણ જીતી શક્યા નથી. સ્પોર્ટ્સમાં ચીનના સુપર પાવર બનવા માટે સૌથી મોટું કારણ એ છે કે તેઓ રમતને રમત તરીકે નહીં પણ યુદ્ધની જેમ જુએ છે. ચીને સૌપ્રથમ વખત ૧૯૫૨માં હેલસિન્કી ખાતે યોજાયેલી ઓલિમ્પિક્સમાં ભાગ લીધો હતો. જેમાં તે મેડલ વિના ખાલી હાથે જ પરત ફર્યું હતું. આ પછી ૩૨ વર્ષ સુધી એકપણ ઓલિમ્પિક્સમાં ભાગ લીધો નહીં. ચીન એ વાત વહેલાં જ જાણી ગયું હતું કે, મોખરાના દેશમાં સ્થાન મેળવવું હશે તો અર્થતંત્રની સાથે સ્પોર્ટ્સમાં પણ પોતાનું વર્ચસ્વ જમાવવું પડશે. જેના ભાગરૂપે ૧૯૭૦ના દાયકાથી જ સ્પોર્ટ્સ કલ્ચર વિકસાવવાનો પ્રારંભ કરી દીધો. તેમણે સૌપ્રથમ તો લોકોમાં અને ખાસ કરીને માતા-પિતામાં એવા વિશ્વાસનો સંચાર કરાવ્યો કે સ્પોર્ટ્સમાં પણ ઉજળી કારકિર્દી બની શકે છે. સ્પોર્ટ્સ અંગે નાના-નાના જૂથ બનાવીને લોકોને જાગૃત કર્યા. શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારમાં વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું. કારણકે, ત્યાં રોજગારીની વધારે તક નહોતી. સ્કૂલોમાં સ્પોર્ટ્સને ફરજીયાત કરાવી દેવાયું અને સાથે સ્કૂલના પ્રિન્સિપાલને એમ પણ ધરાર સૂચના આપી દેવાઇ કે સ્પોર્ટ્સને માત્ર ટાઇમપાસ તરીકે ગણવાનું કે કોઇ પીરિયડ નથી તો તેની અવેજીમાં ખાલી જગ્યા પૂરવા સ્પોર્ટ્સને સ્થાન આપવાનું બંધ કરવામાં આવે. આ પછી તેમણે સ્પોર્ટ્સની માળખાગત સવલત વધારવાનું શરૂ કરી દીધું. જેમાં તેમણે ૧૦ હજારથી વધુ એવા સ્પોર્ટ્સ સેન્ટર બનાવ્યા જ્યાં આંતરરાષ્ટ્રીય સ્તરની ટ્રેનિંગ મળી શકે. જેના માટે સૌપ્રથમ તો ટ્રેનર્સને ખાસ તાલીમ આપવામાં આવી. ચીન જાણતું હતું કે બાળકો ત્યારે જ વિશ્વના એથ્લિટ્સ સામે નજરથી નજર મેળવી શકશે જ્યારે ટ્રેનર્સ વિશ્વકક્ષાના હોય. ટ્રેનર્સ કયા પ્રકારની તાલીમ આપે છે, તેઓ કેટલા પ્રતિબદ્ધ છે તેનું સતત મોનિટરિંગ કરવાનું શરૂ કરાયું. ચીન જાણતું હતું કે ટીમ ગેમ્સમાં તેઓ વધારે સારો દેખાવ નહીં કરી શકે, જેના કારણે તેમણે વ્યક્તિગત સ્પર્ધા ઉપર વધારે ધ્યાન કેન્દ્રીત કર્યું. હવે કઇ વ્યક્તિગત સ્પર્ધામાં વધુ મેડલ મળી શકે એમ છે તેના ઉપર ધ્યાન આપવાનું શરૂ કરાયું. એટલું જ નહીં આ રમત પસંદ કરતી વખતે તેમાં સ્પર્ધાનું સ્તર ક્યાં ઓછું છે તેના ઉપર પણ ખાસ અભ્યાસ કરાયો. જેમાંથી જિમ્નાસ્ટિક્સ, જૂડો, ડાઇવિંગ, સ્વિમિંગ, રનિંગ, ટેબલ ટેનિસ, બેડમિન્ટનની રમતને ખાસ પ્રાથમિક્તા અપાઇ. અન્ય દેશમાં પાંચ વર્ષની ઉંમરથી બાળકને સ્પોર્ટ્સ ટ્રેનિંગ આપવામાં આવે છે જ્યારે ચીને બાળક ૩ વર્ષનું થાય ત્યારથી જ ટ્રેનિંગ આપવાનું શરૂ કરી દીધું. આ ટ્રેનિંગ કેમ્પમાં બાળકોને આકરી તાલીમ આપવામાં આવે છે અને તેમાંથી પસાર થઇને જ તેઓ ચેમ્પિયન બનવાની કળા પ્રાપ્ત કરે છે. આ ટ્રેનિંગ કેમ્પમાં બાળકો વર્ષમાં અમુક જ દિવસ તેમના માતા-પિતાને
મળી શકે છે. ટ્રેનિંગ કેમ્પમાં બાળકોને કલાકો સાથે ડંડા ઉપર લટકાવાય છે અને કલાકો સુધી પાણીમાં ઉભા રાખવામાં આવે છે. જેથી બાળક પોતાની તાકાત અને દરેક પરિસ્થિતિમાં અડીખમ ઉભા રહેવાની ક્ષમતા વધારી શકે. એટલું જ નહીં સ્કૂલમાં બાળકની ભૂલ હોય કે ના હોય તેમને શારીરિક પીડામાંથી પસાર થવાની કડક સજા આપવામાં આવે છે. જેનો એકમાત્ર હેતુ બાળકની તાકાત વધારવાનો હોય છે. શારીરિક પીડાથી બાળક રડે-કાકલૂદી કરે તેને ધ્યાનમાં લેવાતું જ નથી. બાળક ખેલાડી તરીકે ઘડાવવા લાગે ત્યારે તેને માનસિક રીતે મજબૂત કરવાનું શરૂ કરવામાં આવે છે. એ બાળક પ્રેક્ટિસમાં નાનકડી એવી ભૂલ પણ કરે તો તેને 'આળસુ', 'લૂઝર', 'યુઝલેસ' કહેવામાં આવે છે. ઘણા કિસ્સામાં તેમના પર પ્લાસ્ટિકની બોટલ પણ ફેંકીને તેનું અપમાન કરાતું હોય છે. બાળકને સતત એ જ ધ્યેય સાથે સખત મહેનત કરાવવામાં આવે છે કે તેમનું ધ્યેય માત્ર અને માત્ર દેશને ગોલ્ડ મેડલ અપાવવાનું હોવું જોઇએ. ગોલ્ડ સિવાયના મેડલની માત્ર લૂઝર હોય તે જ ઉજવણી કરે છે. સ્પોર્ટ્સ સ્કૂલ અને ટ્રેનિંગ સેન્ટરથી જ કયા એથ્લિટ્સ દેશનું ગૌરવ વધારી શકે એમ છે તેમને અલગ તારવવામાં આવે છે, જેથી તેમને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે વધુ સજ્જ કરી શકાય.ચીનના ૯૬ ટકા નેશનલ ચેમ્પિયન સહિત અંદાજે ૩ લાખ એથ્લિટ્સને ચીનના ૧૫૦ વિશેષ સ્પોર્ટ્સ કેમ્પમાં તાલીમ અપાય છે. દરેક સ્પોર્ટ્સ કેમ્પ અને ટ્રેનિંગ સેન્ટરમાં કોચ ઉપરાંત ટેલેન્ટ સ્કાઉટ્સ-મનોવૈજ્ઞાાનિકો-વિદેશી કોચ-નવી ટેક્નોલોજી માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ઓલિમ્પિયન લિયોએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'ઓલિમ્પિક્સ પૂરો થાય તેના બીજા દિવસથી આગામી ઓલિમ્પિક્સની તૈયારી શરૂ કરી દેવાય છે. ઓલિમ્પિક્સમાં કોઇ ખેલાડી મેડલ જીતવામાં નિષ્ફળ જાય તો તેને દેશદ્રોહી હોવાની કોમેન્ટનો પણ સામનો કરવો પડે છે. '
કોઇ વ્યક્તિ સાથે સહેજપણ બનતું ના હોય તો આપણે મનોમન તેના માટે એમ કહી દેતા હોઇએ છીએ કે, 'તને ભારત જેવા પાડોશી મળે...!' કારણ, આપણી એક તરફ કટ્ટર શબ્દ પણ નાનો લાગે તેવા શત્રુઓ ચીન-પાકિસ્તાન છે તો બીજી તરફ બધું સમું સુતરું ચાલતું હોય છતાં ગમે ત્યારે વાંકુ પડી જાય તેવા શ્રીલંકા-બાંગલાદેશ છે. પરંતુ આપણા દેશની સંસ્કૃતિ છે કે દુશ્મન પાસેથી પણ કંઇક સારું ગ્રહણ કરતાં રહેવું. ચીનનું નામ પડતાં જ તેની અવળચંડાઇથી ભલે ગુસ્સો આવ્યા વિના રહેતો ના હોય પણ ટેક્નોલોજી-સ્પોર્ટ્સ ક્ષેત્રમાં કઇ રીતે સતત હરણફાળ ભરતા રહેવું તેના માટે તેમની પાસેથી આપણે શીખવું તો પડે જ. ઓલિમ્પિક્સ જેવી સ્પર્ધામાં ચારા-પાંચ નહીં પણ ખોબલેને ખોબલે મેડલ જીતીશું ત્યારે જ મેજર ધ્યાનચંદ, મિલ્ખાસિંહ જેવા એથ્લિટ્સ જ્યાંથી જોતાં હોય ત્યાંથી ગર્વ અનુભવશે અને ત્યારે જ સ્પોર્ટ્સ ડેની સાચી ઉજવણી કરી કહેવાશે....
છેલ્લી પાંચ સમર ઓલિમ્પિક્સમાં ચીનનો દેખાવ
વર્ષ |
ગોલ્ડ |
સિલ્વર |
બ્રોન્ઝ |
રેન્ક |
૨૦૦૮ |
૪૮ |
૨૨ |
૩૦ |
૦૧ |
૨૦૧૨ |
૩૯ |
૩૧ |
૨૨ |
૦૨ |
૨૦૧૬ |
૨૬ |
૧૮ |
૨૬ |
૦૩ |
૨૦૨૦ |
૩૮ |
૩૨ |
૧૯ |
૦૨ |
૨૦૨૪ |
૪૦ |
૨૭ |
૨૪ |
૦૨ |
સમર ઓલિમ્પિક્સના ઈતિહાસમાં કુલ સૌથી વધુ મેડલ
દેશ |
ગોલ્ડ |
સિલ્વર |
બ્રોન્ઝ |
ગેમ્સ |
અમેરિકા |
૧૧૦૫ |
૮૭૯ |
૭૮૦ |
૨૯ |
સોવિ. યુનિ. |
૩૯૫ |
૩૧૯ |
૨૯૬ |
૦૯ |
ચીન |
૩૦૩ |
૨૨૬ |
૧૯૮ |
૧૨ |
બ્રિટન |
૨૯૮ |
૩૪૦ |
૩૪૩ |
૩૦ |
ફ્રાન્સ |
૨૩૯ |
૨૭૭ |
૨૯૯ |
૨૯ |