બંધારણ ઘડવા આપણી પાસે ડો. આંબેડકર છે તો વિદેશીઓની મદદ લેવાની શું જરૂર?
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- ડો. રાજેન્દ્ર પ્રસાદે ચૂંટાયેલા સાંસદો માટે લઘુતમ શિક્ષણ કેટલું હોવું જોઇએ તે બાબતની બંધારણમાં જોગવાઇ કરવા માટે સૂચન કરેલું પણ તેનો સ્વીકાર થયો નહીં
૨૬ /૧૧. આ તારીખ નજર સામે આવતાં જ મુંબઇમાં ૨૦૦૮માં થયેલા આતંકી હુમલાના દ્રશ્યો સામે આવી જ જાય તે સ્વાભાવિક છે. પરંતુ ૭૫ વર્ષ અગાઉ ૨૬ નવેમ્બરના દિવસે જ આપણા દેશ માટે ખરા અર્થમાં એક ઐતિહાસિક ઘટના પણ બની હતી. ૨૬ નવેમ્બર ૧૯૪૯ના ભારતીય બંધારણનો સ્વીકાર થયો હતો. આમ, આ દિવસને 'ભારતીય સંવિધાન દિવસ' તરીકે ઓળખવામાં આવે છે. ૧૫ ઓગસ્ટ, ૨૬ જાન્યુઆરી જેમ જ ૨૬ નવેમ્બર પણ આપણા માટે અત્યંત વિશિષ્ટ મહત્વનું સ્થાન ધરાવે છે. ભારત દેશ જો એક 'ધર્મ' છે તો તેનો મુખ્ય 'ધર્મગ્રંથ' એટલે સંવિધાન. આજે આપણા દેશના બંધારણ અંગે કેટલીક જાણી-અજાણી વાતો...
ઈ.સ. ૧૯૪૬માં ભારતનું બંધારણ ઘડવાનું નક્કી કરાયું ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ ઈચ્છતા હતા કે ગ્રીનવીલ ઓસ્ટિન, સર વિલિયમ આઇવોર વેનિંગ્ઝ જેવા વિદેશી બંધારણ નિષ્ણાતો બંધારણ ઘડે. આ વાતની ગાંધીજીને જાણ થઇ ત્યારે તેમણે જવાહરલાલ નહેરુને કહ્યું કે, 'વિશ્વ આપણને શું કહેશે? શું ભારતમાં કોઇ બંધારણ નિષ્ણાત છે જ નહીં? થોડા મૌન બાદ મહાત્મા ગાંધીએ ઉમેર્યું કે, 'આપણી પાસે ડો. આંબેડકર જેવા તજજ્ઞા છે તો આપણે વિદેશીઓ પાસે બંધારણની રચના માટે ક્યાં જવાની જરૂર છે?'
કુલ ૨૫ ભાગમાં વહેંચાયેલું ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી વિસ્તૃત-લાંબુ છે.
બંધારણ સમિતિના અધ્યક્ષ ડો. ભીમરાવ આંબેડકર હતા. આ ખરડા સમિતિમાં એન. ગોપાલસ્વામી આયંગર, અલ્લાદી ક્રિષ્ણસ્વામી ઐયર, ટી.ક્રિષ્ણમાચારી, ગુજરાતના મહાન સાહિત્યકાર કનૈયાલાલ મુનશી, સૈયદ મોહમ્મદ સાદુલ્લા અને ટી. માધવરાયનો મુખ્યત્વે સમાવેશ થતો હતો.
બે વર્ષ, ૧૧ મહિના અને ૧૮ દિવસ બાદ ભારતીય બંધારણનો અંતિમ ડ્રાફ્ટ તૈયાર કરાયો હતો. આ ડ્રાફ્ટ તૈયાર થયા બાદ ચર્ચાનો દોર શરૂ થયો અને અંતિમ ઓપ આપતા અગાઉ તેમાંથી બે હજારથી વધુ સુધારા થયા હતા.
ભારતીય બંધારણમાં અનેક દેશોના સંવિઘાનનું મિશ્રણ છે. જેમકે, પંચવષય યોજનાનો વિચાર યુએસએસઆરમાંથી અને ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સનો વિચાર આયર્લેન્ડના સંવિધાનમાંથી લેવાયો છે.અત્યારસુધી ભારતીય બંધારણમાં ૧૦૦થી વધુ સુધારા થઇ ચૂક્યા છે. જેમાં જવાહર લાલ નહેરુના કાર્યકાળમાં , ઇન્દિરા ગાંધીનાં કાર્યકાળમાં સૌથી વધુ ૩૨, અટલ બિહારી વાજપેઇના કાર્યકાળમાં ૧૨ જ્યારે રાજીવ ગાંધી-નરસિંહારાવના કાર્યકાળમાં ૧૦-૧૦ સુધારાનો સમાવેશ થાય છે.
ડો. રાજેન્દ્ર પ્રસાદ બંધારણ ઘડનાર સમિતિમાં સામેલ હતા. ચૂંટાયેલા સાંસદો માટે લઘુતમ શિક્ષણ કેટલું હોવું જોઇએ તે બાબતની બંધારણમાં જોગવાઇ કરવા માટે સૂચન કર્યું હતું. પરંતુ તેમના આ સૂચન ઉપર ધ્યાન અપાયું નહીં અને તેના પરિણામો આજે પણ જોવા મળી રહ્યા છે.
ભારતનું બંધારણ મુખ્યત્વે હિન્દી અને અંગ્રેજી ભાષામાં લખવામાં આવ્યું છે. આ પૈકી અંગ્રેજી ભાષામાં કુલ ૧,૧૭,૩૬૯ શબ્દો છે. જેમાં ૪૪૮ આટકલ્સ, ૧૨ શેડયૂલ્સ, ૫ પરિશિષ્ટોનો સમાવેશ થાય છે. મૂળ બંધારણ ટાઇપ કરવામાં કે લખવામાં આવ્યું નથી પરંતુ હસ્તલિખિત છે. પ્રેમ બેહરાઇ નારાયણ રાયઝાદાએ કેલિગ્રાફી શૈલીમાં આ સમગ્ર બંધારણ લખ્યું હતું. પ્રેમબિહારીએ હાથથી બંધારણ લખવા માટે એક રૂપિયાની ફી લીધી નહોતી. તેમણે માત્ર બંધારણના દરેક પાના પર પોતાનું નામ અને અંતિમ પાનામાં પોતાના દાદા રામપ્રસાદ સક્સેનાનું નામ લખવાની શરત મૂકેલી હતી. પ્રેમબિહારીએ ૬ મહિનામાં આ બંધારણ લખ્યું હતું.
બંધારણ લખવા માટેના કાગળ ઇંગ્લેન્ડના બર્મિંગહામથી મગાવાયા હતા. તેના પાંડુલિપીમાં ૨૩૩ પાના છે અને તેનું વજન ૧૩ કિલો છે.
બંધારણને હિન્દીમાં વસંતકૃષ્ણ વૈદ્ય દ્વારા લખવામાં આવેલું. હિન્દી નકલમાં કુલ ૨૬૪ પાના છે અને તે ૧૪ કિલો વજન ધરાવે છે.
બંધારણની મૂળ અંગ્રેજી-હિન્દી નકલને જર્જરિત થયા વિના લાંબો સમય સુધી જાળવી રાખવા માટે નવેમ્બર ૧૯૯૨માં ભારતની નેશનલ ફિઝિકલ લેબોરેટરી (એનપીએલ) દ્વારા અમેરિકાની કંપની ગેટ્ટી કન્ઝર્વેશન ઈન્સ્ટિટયુટની મદદ લેવામાં આવી હતી. આ કંપનીએ બંધારણ રાખવા માટેના ૩ વિશિષ્ટ બોક્સ કેલિફોર્નિયાથી મોકલ્યા હતા. બોક્સમાં ૪૦ થી ૫૦ ટકા નાઇટ્રોજન હોય છે અને તેમાં ઓક્સિજનનું પ્રમાણ ૧ ટકાથી ઓછું રાખવામાં આવે છે. બંને બોક્સમાં એવા ખાસ કેમિકલ રાખવામાં આવે છે જેના દ્વારા ઓક્સિજન વધતો તુરંત અટકી જાય છે.
બંધારણમાં સૌપ્રથમ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તાક્ષર થવાના હતા. પરંતુ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સૌપ્રથમ પહોંચ્યા અને તેમણે સૌપ્રથમ હસ્તાક્ષર પોતાના કર્યા હતા.ડો. રાજેન્દ્ર પ્રસાદ મોડા પહોંચ્યા અને તેમના હસ્તાક્ષર માટે કોઇ જગ્યા જ નહોતી. જેના કારણે જવાહરલાલ નહેરુના હસ્તાક્ષરની બાજુમાં જ્યાં થોડી જગ્યા બચી હતી ત્યાં તેમને પોતાના ત્રાંસા હસ્તાક્ષર કરવા પડયા હતા. જેના કારણે રાજેન્દ્રપ્રસાદના હસ્તાક્ષર ત્રાંસા જોવા મળે છે.