અતિ ક્રોધ તે હાર્ટ એટેકનું મૂળ??? .
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- બ્રિટિશ સંશોધકોના અભ્યાસ અનુસાર 'ગુસ્સાની તીવ્રતા કેટલી છે તેના પર હાર્ટ એટેક આવવાની સંભાવના રહેલી છે'
- 29 સપ્ટેમ્બર
- વિશ્વ હૃદય દિવસ
હિ ન્દી ફિલ્મોમાં એક દ્રશ્ય જોવા મળ્યું હશે, જેમાં હિરોઇને પોતાના પસંદગીના યુવક સાથે લગ્ન કરવા ખ્વાહીશ વ્યક્ત કરી હશે. આ વાત કરોડપતિ પપ્પાને પસંદ નથી આવતી અને તેમનો ગુસ્સો ફાટી નીકળે છે, બૂમો પાડવા લાગે છે..જેની સાથે જ અચાનક જ હૃદયમાં અસહ્ય દર્દ ઉપડે અને તેમને હાર્ટ એટેક આવ્યાનું સામે આવે છે...આ દ્રશ્ય ફિલ્મી ચોક્કસ હોય પણ વાસ્તવમાં ખૂબ જ ગુસ્સો આવે ત્યારે હાર્ટ અટેક આવી શકે છે? ખૂબ જ ગુસ્સો કર્યાના ૪૦ મિનિટમાં હાર્ટ એટેકે કે સ્ટ્રોક આવવાનું જોખમ વધી શકે છે તેવું બ્રિટન દ્વારા કરાયેલા અભ્યાસમાં સામે આવ્યું છે. આ અભ્યાસના દાવા અનુસાર ગુસ્સો દરેક વ્યક્તિને આવે છે પરંતુ ગુસ્સાની તીવ્રતા કેટલી છે તેના પર હાર્ટ એટેક આવવાની સંભાવના રહેલી છે. વ્યક્તિ ક્યારેક ગુસ્સામાં બૂમો પાડવા લાગે છે અને તે શું બોલે છે તેનો પણ ખ્યાલ રહેતો નથી. આ સ્થિતિમાં ઘણી વાર મગજનો મળનારો લોહીનો પૂરવઠો બંધ પડી જાય છે. વધુ ગુસ્સાથી શરીરમાં કેટલાક હોર્મોન -કેમિકલ પેદા થવા લાગે છે, જેને કૈટેકોલામાઇન્સ તરીકે ઓળખવામાં આવે છે. કૈટેકોલામાઇન્સના અચાનક રીલિઝ થવાથી હૃદયની ગતિ વધી જાય છે, બ્લડપ્રેશર વધે છે અને તેનાથી ઓક્સિજન ડિમાન્ડ પણ વધે છે. જ્યારે લોહીની ડિમાન્ડ વધે છે ત્યારે ઘણી વાર હૃદય તેને પૂરું કરવામાં અસમર્થ રહે છે. આ સિવાય સ્મોકર્સ, ડાયાબિટિસ, બ્લડપ્રેશરની સમસ્યા ધરાવનારાઓની આર્ટરીનો આંતરિક ભાગ પહેલેથી જ નબળો હોય છે. જેના કારણે આર્ટરીમાં કોઇ પણ પ્રકારની સમસ્યા થવાની સંભાવના વધી જાય છે. આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા ખૂબ જ ગુસ્સો આવે ત્યારે બ્લડ ક્લોટ બની જાય છે, તેનાથી આર્ટરી બ્લોક થઇ જાય છે અને હાર્ટ એટેકનું જોખમ વધે છે.
અલબત્ત, બ્રિટિશ અભ્યાસને અમેરિકાના સંશોધકોએ ફગાવ્યો છે. અમેરિકાના સંશોધકોના મતે અતિશય ગુસ્સો આવ્યાની ૪૦ મિનિટ સુધી હૃદય પર અસર પડતી હોવાની સંભાવના નહિવત્ છે. અતિશય ગુસ્સો અને હૃદયરોગના હુમલા અંગે અગાઉ પણ વિવિધ સંશોધનો થયેલા છે. ૨૦૧૪માં યુરોપિયન હાર્ટ જર્નલના અહેવાલ પ્રમાણે ખૂબ જ ગુસ્સો આવ્યાના બે કલાકમાં હૃદયરોગનું જોખમ વધારે હોય છે.
હૃદયરોગ અંગે વિવિધ પ્રકારના સંશોધન થતાં જ રહે છે. એક અભ્યાસમાં એવું પણ સામે આવ્યું કે ઓફિસ જતા લોકોને હાર્ટ એટેકની સમસ્યાનો સૌથી વધુ સામનો કરવો પડે છે. જેમાં કરાયેલા દાવા અનુસાર સપ્તાહમાં ૫૦-૫૫ કલાક કામ કરવા અને સ્ટ્રેસમાં રહેવાથી આપણા શરીરમાં એડ્રેેનલિન રશ થાય છે. એડ્રેેનલિન એક હોર્મોન છે, જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઇએ ત્યારે ધબકારા વધી જાય છે-પરસેવો છૂટવા લાગે છે. એ વખતે એડ્રેનલિન ગ્રંથિ આપણા લોહીમાં એડ્રેનલિન હોર્મોન રીલિઝ કરે છે. જેનાથી આપણા શરીરમાં એક રીએક્શન આવે છે અને તેને એડ્રેનલિન રશ કહેવાય છે. સતત એડ્રેેનલિન રશ રહેવાથી હૃદયની ધમનીઓ સાંકડી થવા લાગે છે. વધારે સ્ટ્રેસ લેવાથી શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું લેવલ પણ વધી જાય છે અને તેવામાં હૃદયના ધબકારાની ગતિ વધી જાય છે. આપણું બ્લડપ્રેશર વધે છે અને પછી હૃદયને નુકસાન થવાનું શરૂ થાય છે. આ ઉપરાંત આપણા લોહીમાં શુગર-બેડ કોલેસ્ટ્રોલનું લેવલ વધવા લાગે છે. જેનાથી હાર્ટ એટેક આવી શકે છે. ઓફિસ-બિઝનેસમાં સખત કામ કરવાનો કોઇ છૂટકો નથી. પરંતુ કામની વચ્ચે બ્રેક લેતા રહેવું, કામના કલાક નિશ્ચિત કરવા, મનગમતી પ્રવૃત્તિ પાછળ સમય આપવો, કસરત કરવી, પૂરતી ઉંઘ લેવી પણ એટલી જ જરૂરી છે. જેનાથી હાર્ટ એટેકનું જોખમ ઘટાડી શકાય છે.
હાર્ટએટેકના કેસ અને તેનાથી થતાં મૃત્યુમાં વધારો એક ચિંતાનો વિષય છે. તબીબી ભાષોમાં હિંસક ઘટનાને બાદ કરતાં કોઇ વ્યક્તિ ગણતરીની મિનિટમાં મૃત્યુ પામે તો તેને 'સડન ડેથ' તરીકે ગણવામાં આવે છે. જેમાં સામાન્ય રીતે હાર્ટ એટેક અને બ્રેઇન હેમરેજનો સમાવેશ થાય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો (NCRB)ના વર્ષ ૨૦૨૨ના અહેવાલ પ્રમાણે હૃદય રોગનો હુમલો થવાથી તુરંત જ મૃત્યુ (સડન ડેથ) થયું હોય તેવી સમગ્ર દેશમાં ૩૧૯૦૦ ઘટના નોંધાઈ છે. જેમાં ૨૭૫૫૬ પુરુષ-૪૨૪૧ મહિલા અને ૩ ્રટ્રાન્સજેન્ડર્સનો સમાવેશ થાય છે. આ સમયગાળામાં સૌથી વધુ સડન ડેથ થયા હોય તેમાં મહારાષ્ટ્ર ૧૨૫૯૧ સાથે મોખરે, કેરળ ૩૯૯૩ સાથે બીજા, ગુજરાત ત્રીજા, કર્ણાટક ૨૦૭૦ સાથે ચોથા અને મધ્ય પ્રદેશ ૧૬૭૨ સાથે પાંચમાં સ્થાને છે. વર્ષ ૨૦૨૨માં ગુજરાતમાં તમામ કારણોથી સડન ડેથથી ૩૦૮૧ના મૃત્યુ થયાનું સામે આવ્યું છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૧માં હાર્ટએેટેકથી તુરંત મૃત્યુ થયાની કુલ ૨૯૪૮ ઘટના નોંધાઈ હતી. જેમાં ૨૬૧૧ પુરુષ અને ૩૩૯ મહિલાનો સમાવેશ થાય છે. આમ, બે વર્ષમાં ૫૮૦૧ વ્યક્તિએ ગુજરાતમાં હૃદયરોગના હુમલા બાદ તુરંત જ જીવ ગુમાવ્યો છે. ગત વર્ષે સમગ્ર દેશમાં હૃદયરોગના હુમલા બાદ ૨૭૯૯૮ વ્યક્તિના તુરંત જ મૃત્યુ થયા હતા.
દરેક હાર્ટ એટેક એ પૂર્ણવિરામ નથી. હાર્ટ એટેક એ એક રીતે વ્યક્તિને એવું એલાર્મ આપી જાય છે કે, 'બોસ, હવે ખાવા-પીવાથી માંડીને લાઇફ સ્ટાઇલમાં ચેતી જવાનો સમય આવી ગયો છે...' રશિયાના નેતા લિયોનિડ બ્રેેઝનેવને ૧૯૪૫માં હાર્ટ એટેક આવ્યો ત્યારે તેઓ આઇસીયુમાં સારવાર હેઠળ હતા અને તે જ વખતે બોમ્બ પડતાં તેમને હોસ્પિટલથી ભાગવું પડયું. આ પછી બીજો હાર્ટ એટેક ૩૭ વર્ષે ૧૯૮૨માં આવ્યો ત્યારે તેમનું મૃત્યુ થયું હતું.
પહેલા અને બીજા હાર્ટ એટેક વચ્ચે ૩૭ વર્ષ પસાર થઇ શકે છે અને તેમ લિયોનિડ બ્રેઝનેવ જેવા પ્રવૃત્ત પણ રહી જ શકો છો....
'હાર્ટ એટેક જિંદગી બદલી નાખે છે. ઘણા ખરા એ બદલાયેલી જિંદગીનો સ્વીકાર કરી શકતા નથી...હવે મારે પ્રાથમિક્તાઓ બદલવી પડશે. જે પૈસા હું વાપરું છું એ જ મારા માટે છે, જે સાચવું છું એ મારા માટે નથી. જિંદગીમાં જે કરવાનું બાકી રહ્યું છે એ બધું હવે કરી લેવાનું. રડારોળની મનહૂસ વાતો કરી દોસ્તોને દુ:ખી નહિ કરવાના. હવે આપણા ખુદના શરીરની એક - એક ઇન્દ્રિય આપણા અંકુશમાં રહેવાની નથી તો પછી દુનિયા આપણી વાત સાંભળતી નથી એવી ચિંતા શા માટે કરવી? જંજાળ છોડીને જીવતાં આવડવું સહેલું નથી. પ્રસિદ્ધ્િ માટે, નામ માટે તરફડતા માણસોને જોઉં ત્યારે લાગે છે કે આ લોકો બસ્સો વર્ષ જીવવાના છે અને ઉદ્ધાટનો કરતા રહેવાના છે. એમની કંકાલ-હાડપિંજર આંગળીઓ પર હીરાની વીંટીઓ ખખડતી રહેવાની છે. હું ખાઈ શકું છું, ભૂખ લાગે છે, પાંચ મિનિટમાં ઊંઘી શકું છું અને સવારે નવ વાગે પણ ઊંઘી શકું છું. રંગીન કપડાં પહેરી શકું છું. અઠ્ઠાવીસ તારીખ હોય કે બે તારીખ મારા બેંક બેલેન્સ માં કોઈ ફરક પડતો નથી, હૃદયને બહુ પરિશ્રમ આપતો નથી. બીજાને અદેખાઈ થઈ જાય તેવી મસ્તીથી જીવવું એ જ મને વેર લેવાનો શ્રેષ્ઠ માર્ગ લાગ્યો છે....'તું!'?' કહેનારા માણસો ઓછા થઇ ગયા છે. એટલા પૈસા હોવા જોઇએ કે આજનું જીવનધોરણ ચાલુ રાખીને બુઢાપો ગુજારી શકાય. એટલા બધા પૈસા ન હોવા જોઇએ કે ડોક્ટરો તમારી નસો, તમારા પેટ-ગળામાં કાણાં પાડીને ટયૂબો ફસાવીને, આસપાસ ઉંધી બોટલ લટકાવીને નવું લોહી ચઢાવીને તમારું લોહી મહિનાઓ સુધી પીધા કરે...!હું નિચોવાયેલા લીંબું જેવો નકામો થઇ જાઉં પછી મને બુઝાવી નાખજે.. '
હૃદયસ્થ ચંદ્રકાંત બક્ષી ને ૨૨ સપ્ટેમ્બર ૧૯૮૨ના ૫૦ વર્ષની ઉંમરે હાર્ટ એટેક આવ્યો એ પછી તેમના દ્વારા આ વ્યક્ત થયેલો અનુભવ છે...