'દેશ માટે અત્યારે કામ ના આવી શકું તો મારું જીવન જ વ્યર્થ છે...'
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- કારગિલ યુદ્ધમાં બોમ્બવર્ષા વચ્ચે સેરિંગ અંગમોની રેડિયોના માધ્યમથી દેશસેવા
- 26 જુલાઇ
- કારગિલ વિજય દિવસ
'...અરે, પણ લેહથીથી કારગિલ પહોંચવા માટે તારે કારને શ્રીનગર-લેહના નેશનલ હાઇવે આલ્ફા-૧થી જ હંકારવી પડશે અને આ રૂટ ઉપર જવું એટલે જાણે યમદૂતનો પડછાયો એક ક્ષણ પણ તમારાથી દૂર થાય નહીં...કેમકે પાકિસ્તાની સૈનિકો ત્યાં સતત બોમ્બ વરસાવી રહ્યા છે...મોત સાથે સંતાકૂકડીનો ખેલ ખેલતાં અગાઉ હજુ પણ એકવાર વિચાર કરી જો....' આ દલીલ સામે મહિલાનો મક્કમપણે માત્ર એટલો જ જવાબ, 'મારા દેશને મારી જરૂર છે...અત્યારે દેશને કામ નહીં આવું તો મારું જીવન જ ધૂળ-ધાણી ગણાશે...'
આ જાંબાઝ મહિલા કોણ હતી અને તેને બોમ્બ વરસી રહ્યા હોવા છતાં તે કારગિલ પહોંચવા શા માટે મક્કમ હતી તે જાણવા માટે ફ્લેશબેકમાં જઇએ...
મે ૧૯૯૯નું વર્ષ. અવળચંડાઇમાં જ હંમેશાં અવલ રહેતા પાકિસ્તાને કારગિલ, દ્રાસ, બટાલિક, તોલોલિંગ જેવાં ક્ષેત્રો પર ભીષણ તોપમારો શરૂ કરી દીધો. શત્રુને જવાબ આપવા માટે આપણી સેનાએ 'ઓપરેશન વિજય' નામનું મિશન હાથ ધર્યું. બન્ને દેશના લશ્કરો વચ્ચે ભૂમિ જ નહીં લગોલગ આકાશી મોરચે પણ યુદ્ધનો પ્રારંભ થઇ ચૂક્યો હતો. આ એ સમય છે જ્યારે મોબાઇલમાં વાત કરવા માટે પ્રતિ મિનિટનો ચાર્જ ૧૭ રૂપિયા હતો અને સોશિયલ મીડિયા નામના શબ્દનો પણ જન્મ થયો નહોતો. આવા આ સમયમાં પાકિસ્તાને રેડિયોના માધ્યમનો ઉપયોગ કરવાની રણનીતિ બનાવી. કાશ્મીરની અંકુશરેખા પાસે કારગિલ, દ્રાસ અને બટાલિક જેવાં વ્યૂહાત્મક ક્ષેત્રોમાં તૈનાત ભારતીય લશ્કરના જવાનોનું તેમજ લદ્દાખીઓનું મનોબળ ભાંગવાના મનસૂબા સાથે રેડિયો પાકિસ્તાન દર થોડા વખતે અફવા ફેલાવતા એકાદ ન્યૂઝ પ્રસારિત કરતું. જેમ કે, 'આજે પાકિસ્તાનના આક્રમણ સામે ભારતીય સેનાને પીછેહઠ કરવાની ફરજ પડી... ભારતની વધુ બે ચોકી પર પાકિસ્તાને કબ્જો જમાવ્યો.... પાકિસ્તાનના સૈનિકોએ ભારતના એક હેલિકોપ્ટરના આકાશમાં જ ભુક્કા બોલાવી નાખ્યા...'
રેડિયો પાકિસ્તાનનો આવો દુષ્પ્રચાર આપણા સૈન્ય તેમજ સ્થાનિક રહીશોના મનોબળને ફટકો પહોંચાડી શક્યું નહીં. કેમકે, ઓલ ઇન્ડિયા રેડિયોના કારગિલ મથક દ્વારા પાકિસ્તાનના જુઠાણાનું ખંડન કરી દેવાતું જે તે લશ્કરી મોરચાનો વાસ્તવિક ગ્રાઉન્ડ રિપોર્ટ પણ આપવામાં આવતો. રેડિયો પાકિસ્તાનથી જૂઠ્ઠાણું ફેલાવવાના મનસૂબા ઉપર પાણી ફરી વળતાં પાકિસ્તાને ઓલ ઇન્ડિયા રેડિયોના કારગિલ મથકને જ ટાર્ગેટ બનાવવા નિર્ણય લીધો, જેથી ભારતીયો સુધી સાચી વાત પ્રસરતી અટકે. પાકિસ્તાને આપણા રેડિયો મથકની આસપાસ જ બોમ્બ વરસાવવાનું શરૂ કરતાં કારગિલ રેડિયો સ્ટેશનના કર્મચારીઓ મથક છોડીને સલામત સ્થળે ચાલ્યા ગયા. જૂન ૬, ૧૯૯૯ના રોજ મથક રેઢું પડયું અને રેડિઓ પ્રસારણ થંભી ગયું.
કારગિલથી લગભગ ૨૨૫ કિલોમીટરના અંતરે લેહ ખાતે સેરિંગ અંગમો શુનૂ નામનાં મહિલાને મળ્યા. ઓલ ઇન્ડિયા રેડિઓના કારગિલ-લેહ સ્ટેશન ઇન-ચાર્જ હોવાના નાતે તેમણે તાબડતોબ કારગિલ પહોંચી છૈંઇ મથક પુન: શરૂ કરવાનો નિર્ણયો લીધો. આપણે ત્યાં વાહન ચલાવતા હોર્નનો અવાજ આવે તેમ બોમ્બના અવાજ ચારેકોરથી આવી રહ્યા હતા છતાં તેઓ કાર લઇને તાકીદે કારગિલ પહોંચ્યા. વિડીયો ગેમમાં લેવલ પ્રમાણે ગેમની કઠિનાઇ વધવા લાગે. એ જ રીતે કારગિલ સુધી પહોંચવું એ તેમના માટે જાણે લેવલ-૧ ક્રોસ કર્યા સમાન હતું અને બીજી વિવિધ વિકટ સ્થિતિ તેમની રાહ જોઇ રહી હતી. કારગિલમાં ઓલ ઇન્ડિયા રેડિયોના મથકે પહોંચતાં જ ધ્યાને આવ્યું કે પાકિસ્તાને કરેલા બોમ્બાર્ડિંગમાં પાવરલાઇન ભાંગી પડતાં વીજપુરવઠો ખોરવાયેલો હતો અને જનરેટરને નુકસાન પહોંચતા તે ખોટકાયું હતું.
વીજ પૂરવઠા વિના રેડિયો પ્રસારણ કરવું શક્ય જ નહોતું. રેડિયો પાકિસ્તાનના જૂઠ્ઠાણાં ફેલાવતા બુલેટિનનો સાંજે પાંચનો સમય પણ નજીક આવી રહ્યો હતો. ૧૨ બોલમાં ૫૦ રન કરવાના હોય અને ૧ જ વિકેટ બાકી હોય તેવી આ સ્થિતિ. પરંતુ આ હાલતમાં પણ સેરિંગ અંગમોએ સ્થિતપ્રજ્ઞાતા જાળવી રાખી. તેઓ અનુભવે એ વાતથી વાકેફ હતા કે આવી સ્થિતિમાં ગભરાઇ જવાથી તો કોઇ સોલ્યૂશન નહીં જ મળે. જવાબદારીમાંથી હાથ ખંખેરવાને બદલે તેમણે શાંત ચિત્તે વિચાર્યું કે હવે શું રસ્તો નીકળી શકે. તેમણે જનરેટર શરૂ કરવા માટે તાકીદે આર્મીના એન્જિનિયરની મદદ લેવાનો નિર્ણય લીધો. એન્જિનિયરે જનરેટર ચાલુ તો કરી આપ્યું પણ સ્ટાફ કોઇ હતો નહીં એટલે સમાચાર બોલીને પાકિસ્તાનના જુઠ્ઠાણાને ફેલાવતું બંધ કરશે કોણ તેનો સવાલ પેદા થયો.
સેરિંગ અંગમોએ જાતે જ સમાચાર બોલવાનું નક્કી કર્યું. તેમણે પોતાના બુલેટિન દ્વારા પાકિસ્તાનના સમાચારના જૂઠ્ઠાણાનો ખાતમો બોલાવી દીધો. બુલેટિન પૂરું કરીને તેઓ કોફી પી રહ્યા હતા ત્યાં જ તેમને જાણ થઇ કે હિમાલયની ઊંચાઇએ લડી રહેલી ભારતીય આર્મીને શસ્ત્રો- ખોરાક-પાણીનો પુરવઠો પહોંચતો કરવા માટે આપણી પાસે પૂરતું સંખ્યાબળ નથી. જેના કારણે આપણા જવાનોને પાકિસ્તાન અને ભૂખ એમ બંને મોરચે લડી રહ્યા છે. તેમણે રેડિયોના માધ્યમથી અપીલ કરી કે લદ્દાખની દરેક માતા પોતાના પુત્રોને થોડો સમય દેશની સેવા કરવા મોકલી આપે. આ અપીલ માત્ર અન્ય માતાને જ કરી તેવું નહોતું. સેરિંગ અંગમો પોતે પણ ૧૮ વર્ષીય પુત્રનાં માતા હતાં.
તેમણે પણ પોતાના પુત્રને દેશની સેવામાં મોકલી આપ્યો હતો. સેરિંગ અંગમોની અપીલથી ૪૦૦થી વધુ યુવાનો ઊંચા પહાડમાં આર્મી સુધી ખોરાક-શસ્ત્ર પહોંચાડવા તૈયાર થઇ ગયા હતા. આ દરમિયાન ઓલ ઇન્ડિયા રેડિયોના માધ્યમથી સેરિંગ અંગમો શુનૂએ પાકિસ્તાન જોડે છૈંઇ સ્ટ્રાઇક ચાલુ રાખી. કારગિલ પર સતત ઝીંકાતા તોપગોળા પણ તેમના મનબોળને ધ્વસ્ત કરી શક્યા નહીં....કારગિલ યુદ્ધમાં કવરેજ કરવાં ગયેલાં રગલથમ મહિલા પત્રકાર ઘણાને યાદ છે પણ સેરિંગ અંગમો વિશે ભાગ્યે જ કોઇ જાણતું હશે.
૨૬ જુલાઇએ આપણે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવા જઇ રહ્યા છીએ ત્યારે દેશના સૈનિકો, સેરિંગ અંગમો જેવા યુદ્ધમાં રગલત્યક્ષ-પરોક્ષ રીતે જોડાયેલા તમામ સપૂતોને કોટિ-કોટિ વંદન....
है नमन उनको कि जो देह को अमरत्व देकर
इस जगत में शौर्य की जीवित कहानी हो गये हैं
है नमन उनको कि जिनके सामने बौना हिमालय
जो धरा पर गिर पड़े पर आसमानी हो गये हैं
हमने भेजे हैं सिकन्दर सिर झुकाए मात खाऐ
हमसे भिडते हैं हैं वो जिनका मन धरा से भर गया है
- कुमार विश्वास