Get The App

સાસુ કોઈની સાકર નહિ ને મા કોઈની ડાકણ નહીં...

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
સાસુ કોઈની સાકર નહિ ને મા કોઈની ડાકણ નહીં... 1 - image


- સેલિબ્રેશન-ચિંતન બુચ

- આગામી 27 ઓક્ટોબરના 'સાસુ દિવસ' ની ઉજવણી થવા જઇ રહી છે ત્યારે સાસુ અંગેની કહેવતો, સાસુ-વહુના જલેબી જેવા વિશ્વની દૂનિયામાં ડોકિયું...

લીં બુ-ફૂદીનાનું પાણી, કટલેસ, કેક, ક્યુકમ્બર રોલ, ભાજી, ગળ્યું અથાણું, તીખું અથાણું, રસમ, સંભાર, માલપુવા, લાડુ, રાગી લાડુ, પોંગલ, કેરીનો રસ, સેવ પુરી, દહીં ચાટ, સીંગ ચાટ, બિસ્કિટની સેન્ડવિચ... વાનગીઓની આ યાદી હજુ ૨૦ ટકા પણ પૂરી થઇ નથી પણ તે વાંચતાં જ મોઢામાં પાણી આવી ગયું ને? વાત એમ છે કે, આંધ્ર પ્રદેશનાં એક મહિલાએ તેમના જમાઇની આગતા-સ્વાગતામાં આ પ્રકારની ૬૭ વાનગીઓ ધરાવતું ભોજન તૈયાર કરાવ્યું હતું.  સોશિયલ મીડિયામાં આ ૬૭ વાનગીઓએ એટલી ચર્ચા જગાવી કે અનેક જમાઇઓ પોતાના સાસરામાંથી ભોજનનું કહેણ ક્યારે આવે તેની રાહ જોવા લાગ્યા હતા. જમાઇના શાહી ભોજન પાછળનું હતું પશ્ચિમ બંગાળમાં ઉજવાતું 'જમાઇ ષોષ્ટી' નું પર્વ. દર વર્ષે જેઠ મહિનાના છઠ્ઠા દિવસે ઉજવાતા આ તહેવારમાં સાસુ દ્વારા જમાઇના લાંબા આયુષ્ય માટે કામના કરવામાં આવે છે અને  તેને ભોજનમાં ૫૬ ભોગ પીરસાય છે.  

આજે સાસુજીની વાત એટલા માટે કેમકે, અમેરિકામાં ઓક્ટોબર માસમાં આવતા ચોથા રવિવારની ઉજવણી 'સાસુજીના દિવસ' તરીકે કરવામાં આવે છે. આમ જોવા જઇએ તો વિશ્વના કોઇ પણ ખૂણામાં સાસુ-વહુના સંબંધ જલેબી જેવા જ જણાય. દૂરથી ગૂંચવણ ભરેલા ભલે લાગે પણ યોગ્ય માપમાં ચાસણી નાખીને માફકસરનું તળવામાં આવે તો જ તેના 'સ્વાદ'માં ગળપણ આવે. 

'પાંચેય આંગળીએ મહાદેવને પૂજ્યા એટલે મેં જેવી કલ્પના કરી હતી તેવો જ લાઇફ પાર્ટનર મળી ગયો છે. અરે, પણ સાસુમા કેવા હશે ? તેમના સ્વભાવ સાથે તાલમેલ બેસાડી શકીશ કે નહીં ? ભાવિ પતિ અંગે તો કુંડળી પણ મેળવી છે પણ લગ્ન પહેલા તો સાસુમા સાથે કેટલા ગ્રહ મળે છે તે પણ ચકાસાવું જોઇએ.' લગ્ન અગાઉ કોઇ પણ નવોઢાને આવો વિચાર ના આવ્યો હોય તો તેેને 'આઠમી અજાયબી' જ ગણવામાં આવશે. બીજી તરફ પુત્રના લગ્ન વખતે તેની માતા અને ભાવિ સાસુના મનમાં પણ એક એવી ગડમથલ તો ચાલતી જ હોય છે કે 'દીકરા અને ઘરને હવે વહુને હવાલે કરી દેવા છે... બહુ ઢસરડા કર્યાછે...  સવારે મંદિરમાં અને સાંજે કિટી પાર્ટીમાં મિત્રો સાથે સમય પસાર કરીશ...જવાબદારીઓ મૂકીએ તો જ છૂટે... પણ સાથે એમ પણ થાય છે કે આમ કરવાથી વહુ ઉપર અચાનક બોજ નહીં આવી પડે... હું તેને ઘરના રીતરીવાજ નહીં શીખવાડું તો તો કોણ શીખવાડશે? મેં એને મદદ ન કરી એ વિચારે તે મને માન નહીં આપે તો? વહુ કોઇ ખોટો નિર્ણય લઇ રહી હોય તો ટોકવું જોઇએ ? બધા જ નિર્ણય પોતાની રીતે લેશે તો મારું ઘરમાં શું સ્થાન?'

તરબુચ ઉપર ચપ્પુ પડે કે ચપ્પુ ઉપર તરબુચ, કોઇ પણ સંજોગમાં કપાવવાનું તો તરબુચને જ હોય છે. બસ આવી જ સ્થિતિ સાસુ-વહુ વચ્ચે તાલમેલ થાય નહીં અને શરૂ થાય બે પેઢી વચ્ચે વિચારનો ટકરાવ. સાસુ અને વહુ બંને એકબીજાના પેગડામાં થોડા સમય માટે પગ ભરાવીને એકમેકની પરિસ્થિતિનો તાગ મેળવી શકે તો મોટાભાગની સમસ્યાનો ઉકેલ આવી જાય. 

ગુજરાતી ભાષામાં સાસુ અને વહુ અંગે ઢગલાબંધ કહેવત પણ જોવા મળશે. જેમાં 'વહુ, વરસાદને જશ નહીં',  'સો દા'ડા સાસુના, એક દા'ડો વહુનો...', 'જુવાન સાસુ મરે નહિ ને વહુનો દહાડો વળે નહિ', ' સાસુ જાય શિવરાત તો વહુને આવી નિરાંત' , 'સાસુ જાય હોળી તો વહુ ખાય ખીર પોળી' એટલે કે સાસુની ગેરહાજરીમાં વહુને સુખ, 'સાસુ કોઈની સાકર નહિ ને મા કોઈની ડાકણ નહિ' એટલે કે  સાસુ કોઈને સારી લગતી નથી અને મા કોઈને ખરાબ લાગતી નથી, ' સાસુ દમે સવેળા તો વહુ દમે કવેળા'  અર્થાત્ સાસુ દેખતાં દુ:ખ આપે તો વહુ છાની રીતે દુ: ખ આપે,  'સાસુ ભાંગે ઠીકરું તો વહુ ભાંગે કલેડું' એટલે કે મોટા કરે તો ભૂલ નહિ, નાના કરે તો ભૂલ, ' સાસુ વહુના કજીઆ તે ખીચડીનો ઊભરો આવે ત્યાં સુધી' જેનો મતલબ કે સગાંવહાલાંમાં કજિયા થાય પણ તેમાંથી એક બીજાનું બૂરું ન થઈ શકે. 

સાસુ-વહુ વચ્ચે ટકરાવ, મ્હેણાં-ટોણાં આજકાલના નહીં લગ્નસંસ્થાનો જન્મ થયો ત્યારથી જોવા મળ્યા છે.  સાસુના મ્હેણાં જ વર્ષો અગાઉ ભરૂચ જિલ્લાના જંબુસરના કાવી ગામમાં દેરાસર બનવા માટે નિમિત્ત બનેલા. લોકવાયકા પ્રમાણે, સંવત ૧૬૪૯માં બાઢુક શેઠ  જંબુસરના કાવી ગામની યાત્રા કરવા માટે આવ્યા હતા. કાવી ગામનું દેરાસર અત્યંત જીર્ણોદ્ધાર થયાનું જણાતાં તેમણે તેના જીર્ણોદ્ધાર કરાવવાનો નિર્ણય લીધો. જીર્ણોદ્ધાર બાદ બાઢુક શેઠના ધર્મપત્ની  હિરાબાઇ તેમનાં પુત્રવધુ વીરાબાઇ સાથે કાવી ગામમાં યાત્રા માટે આવ્યા. નવા તેયાર થયેલા દેરાસરમાં દર્શન કરવા જતાં વીરાબાઇના માથામાં બારણાની બારસાખ વાગતાં તેમણે સાસુજીને કહ્યું કે, 'સાસુજી આપે દેરાસર તો ઘણું જ ઉત્તમ બનાવ્યું છે પણ બારણું નીચું કરાવ્યાથી મંદિરની શોભામાં ખામી રાખી છે.' આ સાંભળી સાસુજીએ ટકોર કરી કહ્યું કે, 'તમારા પિતાશ્રીને ત્યાંથી નાણાં મંગાવી બીજું દેરાસર બંધાવી બારણું ઉચું કરાવો.' 

આ સાંભળી પુત્રવધુએ પિતાને ત્યાંથી નાણાં મંગાવી પાંચ વર્ષમાં ભવ્યં જિનમંદિર બંધાવ્યું અને સંવત ૧૬૫૪ ની સાલમાં  ધર્મનાથ ભગવાનની પ્રતિમાની અંજનશલાકા કરી પ્રતિષ્ઠા કરાવી. સાસુએ આ દેરાસર માટે પુત્રવધુની પ્રશંસા તો કરી પણ સાથે કહ્યું કે, 'વહુદીકરા, 

ભગવાનમાં દ્વારમાં કોઈ પણ વ્યક્તિ જાય તો નીચું નમીને જાય માટે મેં દરવાજા નીચા રાખ્યા હતા...' ત્યારથી આ દેરાસર 'સાસુ - વહુ'ના દેરાસરથી પ્રખ્યાત બન્યા છે.મહી નદીના દરિયાના સંગમ સ્થાન કાવીના તટે સ્તંભેશ્વર મહાદેવનું પ્રાચીન તીર્થ ખાતે દર્શનાર્થે આવતા હજારો દર્શનાર્થીઓ કાવીના આ જગ પ્રસિદ્ધ દેરાસરની મુલાકાત લે છે....

આપણે ત્યાં ઈમેજ જ એવી કરી દેવામાં આવી છે કે, 'પોલીસ-સાવકી માતા-સાસુ'નું નામ પડતાં જ આપણા મગજમાં પહેલા તો નકારાત્મક ચિત્ર જ ખડું થઇ જાય.પરંતુ હકીકતમાં સ્થિતિ આટલી પણ નકારાત્મક નથી. .સમયમાં હવે પરિવર્તન આવી રહ્યું છે અને સાસુ-વહુ સાથે મળીને સ્ટાર્ટઅપ શરૂ કરે તેવા પણ કિસ્સા છાસવારે જોવા મળે છે. મહારાષ્ટ્રના એક નાનકડા ગામમાં થોડા વર્ષ અગાઉ સુંદરબાઇ દગડુનું અવસાન થયું ત્યારે તેમને કાંધ તેમની ચાર પુત્રવધુઓ દ્વારા આપવામાં આવી હતી. આ પુત્રવધુઓએ કહેલું કે, 'પરણીને આવ્યા બાદ અમને સાસુ તરફથી માતા જેવી જ હૂંફ મળી છે, જેના કારણે અમને સમાજ શું કહેશે તેની પરવા કર્યા વિના માત્ર અમારી આ માતાની અંતિમ સફરમાં સાથ આપવા માગતા હતા...!' 


Google NewsGoogle News