Get The App

'મોટાં શહેરોમાં સત્તાનું કેન્દ્ર રહેલું છે, હું તેને હિંદના સાત લાખ ગામડાંમાં વહેંચી દેવા માગું છું....'

Updated: Apr 22nd, 2025

GS TEAM


Google News
Google News
'મોટાં શહેરોમાં સત્તાનું કેન્દ્ર રહેલું છે, હું તેને હિંદના સાત લાખ ગામડાંમાં વહેંચી દેવા માગું છું....' 1 - image


- સેલિબ્રેશન-ચિંતન બુચ

- સત્તાનું વિકેન્દ્રીકરણ એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો મુખ્ય ઉદ્દેશ છે. તેનાથી જ લોકતંત્ર મજબૂત બની શકે છે.

- 24 એપ્રિલ 

- પંચાયતી રાજ દિવસ

લો કતંત્રનો આદર્શ ત્યારે જ ફળીભૂત થાય જ્યારે સત્તા કે શક્તિ નીચલા સ્તર સુધી પહોંચતી હોય. એક વિશાળ દેશ કે જેના ઘણા નાગરિકો હજુ પણ અશિક્ષિત હોય ત્યાં ગ્રામ પંચાયત અને ભાગીદારી લોકતંત્ર આશ્ચર્યજનક પરિણામ આપી શકે છે. પંચાયત એટલે પાંચ લોકોથી બનેલી સભા-સમૂહ કે ગૃહ દ્વારા સ્થાનિક કક્ષાએથી કરવામાં આવતા વહીવટ-શાસનને પંચાયતી રાજ કહેવામાં આવે છે. જેનો હેતુ લોકતાંત્રિક સમાજ સ્થાપવાનો હોય, જ્યાં પરિવર્તન સ્વૈચ્છિક સંમતિ તેમજ સહકાર દ્વારા લાવવામાં આવતું હોય તો તે પરિવર્તન માત્ર પંચાયતીરાજ અથવા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ લાવી શકે છે.

 ભારતમાં પંચાયતી રાજનો ઈતિહાસ ખૂબ લાંબો છે. જેમાં પ્રાચીન, મધ્યકાલીન, બ્રિટીશકાલીન અને સ્વંત્ર ભારતના સમયગાળા પર નજર ફેરવતા આપણને પંચાયતી રાજનું બદલાતું અને વિકસિત સ્વરૂપ જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ નદીકાંઠે પાંગરી અને ધીરે ધીરે વિસ્તાર પામી. આ સમયગાળા દરમિયાન પંચાયતની પદ્ધતિ પૃથુરાજા નામના શાસકે ગંગા અને જમના નદી મધ્યેના લોક વસવાટ વખતે દાખલ કરી હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત ઋગ્વેદમાં ત્રણ વહીવટી સંસ્થાઓ 'વિદથ', 'સભા' અને 'સમિતિ'નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે, અથર્વવેદમાં 'સભા'નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને ગ્રામપંચાયતનું જ એક સ્વરૂપ કહી શકાય.

સભામાં ગામના બધા વર્ગો અને ધંધાદારીઓની હિસ્સેદારી રહેતી. તેના સભ્યોની નિશ્ચિત સમયાંતરે ચૂંટણી કરવામાં આવતી અને તે સભ્યો નિશ્ચિત સમય માટે હોદ્દો ધરાવતા હતા. આ જ પ્રકારની વ્યવસ્થા થોડા ફેરફારો સાથે વર્તમાન સમયમાં પણ અસ્તિત્વ ધરાવે છે. વાલ્મીકી રામાયણમાં ગામોના સમૂહનો 'જનપદ' તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ બૌદ્ધ જાતકકથાઓમાં પણ ગ્રામસભાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહાભારતના સભાપર્વમાં પંચનો ઉલ્લેખ અને શાંતિપર્વમાં ગ્રામસેવાનો ઉલ્લેખ જોવા મળે છે. મહાભારતમાં વર્ણવાયેલી વ્યવસ્થા મુજબ, ગામોની સંખ્યા મુજબ તેના વડા/અધિકારી અલગ અલગ હોદ્દા ધરાવતા હતા. ૧૦ ગામોના વડાને 'દશપ', ૨૦ ગામોના વડાને 'વિશ્ય અધિપતિ', ૧૦૦ ગામોના વડાને 'શત ગ્રામ અધ્યક્ષ' અને ૧૦૦૦ ગામોના વડાને 'શત ગ્રામપતી' કહેવામાં આવતા. મોંહે-જો-દડોમાંથી પણ નગર નિયોજન અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું અસ્તિત્વ હોવાના પુરાવા મળી આવેલ છે. કૌટિલ્યએ પોતાના 'અર્થશાસ્ત્ર'માં ત્રિ-સ્તરીય પંચાયતીરાજનો ઉલ્લેખ કર્યો હોવાના પુરાવાઓ મળે છે તેમજ પંડિત વિષ્ણુશર્મા દ્વારા લખાયેલ 'પંચતંત્ર'માં પણ ગ્રામ્ય વ્યવસ્થાનો ઉલ્લેખ કરાયો છે. પ્રાચીન ભારતમાં દરેક ગામને પોતાનું સ્વતંત્ર વહીવટી માળખું હતું અને તેમાં લોકોની ભાગીદારી રહેતી. આમ પ્રાચીન ભારતમાં ગામડામાં પંચાયતોનું સ્થાન મહત્ત્વનું હતું અને તેનો દરજ્જો પણ આગવો હતો. તે સમયના ગામડામાં શૂરવીર, ડાહ્યા, શાણા માણસોની પંચાયત બનતી. આ પંચાયત કરવેરા ઉઘરાવવાનું, કોઈ વિવાદ, ઝઘડા થાય તો તેનો ન્યાયી નિકાલ કરવાનું તથા ગામના લોકોની સુખાકારી જળવાય તે જોવાનું કામ કરતી હતી. દ્રવિડ લોકોની જૂની ગ્રામવ્યવસ્થા અને આર્યોના નવા વિચારોના સમન્વયવાળી ગ્રામવ્યવસ્થા પ્રાચીન ભારતમાં વિકાસ પામેલી હતી. 'મનુસ્મૃતિ'માં ગ્રામસંઘો અંગે તેમજ જાતકકથાઓમાં ગ્રામસભા અંગેના ઉલ્લેખો જોવા મળે છે. કૌટિલ્યના અર્થશાસત્રમાં પણ ત્રિ-સ્તરીય પંચાયતીરાજ વ્યવસ્થાની વાત કરવામાં આવે છે. જે પ્રમાણે રાજ્યના વડા તરીકે રાજા, જનપદ અને ગામડાઓના સમૂહના વડા તરીકે સમાહર્તા હતા. પાંચથી દસ ગામડાઓનો સમૂહ ગોપ તરીકે ઓળખાતો અને તેનો વહીવટ સ્થાનિક દ્વારા થતો. સ્થાનિક વહીવટદારનું પદ વારસાગત મળતું પણ તેના માટે રાજાની અનુમતી જરૂરી હતી. ભારતમાં ગ્રામ સમિતિઓનો વ્યવસ્થિત ધોરણે વિકાસ ગુપ્તકાળ દરમિયાન થયો હતો. આ સમયે ગ્રામસભાઓ દ્રામ જનપદો તરીકે ઓળખાતી. પ્રાચીન ભારતમાં દરેક ગામ એક નાનકડું પ્રજાસત્તાક હતું.

મધ્યયુગના શાસકોએ પોતાના રાજ્યના વહીવટને સરળ બનાવવા માટે રાજ્યનું વિવિધ ભાગોમાં વિભાજન કર્યું. રાજ્યના દરેક વિસ્તાર/પ્રાંતમાં વિવાદોનું નિરાકરણ લાવવા, મહેસૂલ ઉઘરાવવા અને વહીવટ કરવા માટે અલગ અલગ વ્યક્તિની નિમણૂક કરવામાં આવતી. જેમાં ગામનો વહીવટ મુખી, પરગણાંનો વહીવટ શિકદાર, જિલ્લાનો વહીવટ સરકાર અને પ્રાંતનો વહીવટ સુબેદાર સંભાળતો હતો જ્યારે અંતિમ સત્તા શાસક પાસે રહેતી. બ્રિટીશકાળ દરમિયાન આ વ્યવસ્થા બે તબક્કામાં વિકાસ પામી. પહેલું કંપની શાસન અને બીજું તાજનું શાસન જેમાં ઈ.સ. ૧૬૬૮માં સૌપ્રથમ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના કરવામાં આવી અને ઈ.સ. ૧૭૭૨માં જનરલ વોરન હેસ્ટિંગ્ઝ દ્વારા કલેક્ટરના પદની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ ચાર્ટર એક્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના થઈ. ૧ નવેમ્બર, ૧૮૫૮થી ભારતમાં તાજનું શાસન લાગુ થયું અને વ્યવસ્થા તંત્રમાં બદલાવ આવ્યો. ગવર્નર જનરલ બોર્ડ મેયો દ્વારા જિલ્લા લોકલ બોર્ડની રચના કરવામાં આવી અને તેઓ દ્વારા સૌપ્રથમ વાર ગ્રામ્ય વિસ્તારમાં સ્વાતંત્ર્ય સંસ્થા સ્થાપવાના પ્રયાસો થયા. ઈ.સ. ૧૮૮૨માં લોર્ડ રિપન દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સિદ્ધાંતો નક્કી કરવામાં આવ્યા. તેથી તેમને 'સ્થાનિક સ્વરાજના પિતા' માનવામાં આવે છે. તેઓએ ભારતમાં સૌ પ્રથમ વખત પદ્ધતિસરની વસતી ગણતરી શરૂ કરી. ૧૮૮૪માં 'બોમ્બે લોકલ બોર્ડ એક્ટ'ને અનુલક્ષીને તાલુકા લોકલ બોર્ડ અને જિલ્લા લોકલ બોર્ડની રચના કરવામાં આવી. ત્યારબાદ ૧૯૦૯માં લોકોને મતદાનનો હક આપવાની ભલામણ કરવામાં આવી. ગાંધીજીએ સમગ્ર ભારતનો પ્રવાસ કર્યો અને ગામડાંઓની ખરાબ સ્થિતિ નિહાળી. તેમણે કહ્યું હતું કે ભારત પ્રાચીન સમયથી એક પ્રજાસત્તાક દેશ રહ્યો છે અને તેના મૂળમાં ગ્રામપંચાયતો છે. આગળ જતાં તેમણે લખ્યું છે કે પંચાયતો દ્વારા હિન્દુસ્તાનના અસંખ્ય ગ્રામસમાજોનો કારભાર ચાલતો હતો, પરંતુ બ્રિટિશ રાજ્ય શાસનતંત્રે મહેસૂલ વસૂલ કરવાની તેની કઠોર પદ્ધતિથી આ પ્રાચીન ગ્રામપ્રજા-સમાજોનો લગભગ નાશ કરી નાખ્યો. આઝાદી બાદ ભારતનું રાજ્યબંધારણ ઘડતી વખતે ગામડાંના લોકોનો અવાજ રાજ્યના વહીવટીતંત્રમાં યોગ્ય રીતે રજૂ થાય એ માટે વિચારો રજૂ થયા. સ્વતંત્રતા બાદ પંચાયતી રાજને લગતી પ્રથમ સમિતિ ૨૩ મે ૧૯૫૪ના શ્રીમાન નારાયણનના વડપણ હેઠળ રચવામાં આવેલી. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ૨ ઓક્ટોબર ૧૯૫૯ના ત્રિ-સ્તરીય માળખાને પંચાયતીરાજ શબ્દ આપીને રાજસ્થાનના નાગૌર જિલ્લાના બગદર ગામથી ભારતની પ્રથમ ત્રિસ્તરીય પંચાયતી રાજની શરૂઆત કરી હતી. ભારતના તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે ૨૪ એપ્રિલ ૨૦૧૦ના રોજ પ્રથમ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૪ એપ્રિલ ૨૦૧૫ના રોજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધિત કરતી વખતે, સત્તા માટે ચૂંટાયેલા લોકોની ક્રિયાઓ પર અયોગ્ય પ્રભાવનો ઉપયોગ કરતી ''સરપંચ પતિ''ની પ્રથાને સમાપ્ત કરવા હાકલ કરી હતી. પરંતુ આજે મહિલા અનામત છતાં અનેક પંચાયતમાં કમનસિબે પુરુષો દ્વારા જ બેકસીટ ડ્રાઈવિંગ થઈ રહ્યું છે.

સત્તાનું વિકેન્દ્રીકરણ એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓનો મુખ્ય ઉદ્દેશ છે. તેનાથી જ લોકતંત્ર મજબૂત બની શકે છે. પરંતુ રીઢા રાજકારણીઓએ લોકતંત્રના આ પાયાને નબળો પાડયો છે. કોઈ સરકાર સત્તાનું વિકેન્દ્રીકરણ ઈચ્છતી નથી. તેના માટે વિકેન્દ્રીકરણ એટલે પોતાની સત્તામાં કાપ કે ભાગ છે. ગ્રામ પંચાયતથી માંડીને મહાનગરપાલિકા તેમની જરૂરિયાતો અને વિકાસ કામો માટે રાજ્ય સરકારો પર આધારિત રહે તેવું માળખું ઘડાયું છે. સ્થાનિક સ્વરાજ નામ માત્રનું છે અને સત્તાનું કેન્દ્રીકરણ થયું છે. 

૨૬મી ડિસેમ્બર ૧૯૪૭ના 'હરિજન બંધુ'માં મહાત્મા ગાંધીએ લખેલું કે, 'પચાયતની ઉપેક્ષા તાત્કાલિક ધ્યાન માંગી લે તેવી છે. પંચાયતોને જેટલી વધુ સત્તા તેટલું લોકને માટે સારું છે. નવી દિલ્હી, કલકત્તા અને મુંબઈ જેવા મોટાં શહેરોમાં સત્તાનું કેન્દ્ર રહેલું છે. હું તેને હિંદના સાત લાખ ગામડાંમાં વહેંચી દેવા માગું છું.'

Tags :