Get The App

વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ ...વારે વારે હસું હસું થાય એનું મુખ

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News
વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ ...વારે વારે હસું હસું થાય એનું મુખ 1 - image


- સેલિબ્રેશન-ચિંતન બુચ

- ખિસ્સામાંથી મોબાઇલ ચોરાઇ જાય એ ઘટના વર્ષો સુધી યાદ રાખીએ છીએ. પરંતુ દીકરી જેવી દીકરી એની સાસરીમાં પાણીમાં સાકર જેમ ભળીને ખોવાઇ જાય છે તે ઘટનાને કોઇ યાદ રાખતું નથી. 

- 24 જાન્યુઆરી 

- નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે

વિધાતાએ દીકરી ઘડીને ત્યારે ખૂબ ખાંતે

કસબી હાથેથી એણે કરી કમાલ !

રૂપનો અંબાર કરું, મીઠપ અપાર ભરું

ખજીનો ખૂટાડી કરું ખલકને ન્યાલ.

દેવીયું કનેથી માંગી લીધો મલકાટ

અને મધરાતે માપી સીમાડા સુદૂર,

ચપટીક રજ લીધી નખેતર તણી

અને દીકરીના આંખે ભર્યાં દમકતાં નૂર.

સાકરનો લઈને સવાદ એણે દીકરીમાં

તજ ને લવિંગ વળી ભેળવ્યાં જરીક,

સૂરજનાં ધોળાં ફૂલ હાસ ને હુલાસ દીધાં

જોઈ કારવીને કીધું, હવે કાંક ઠીક.

વિધાતાએ દીકરી ઘડીને વળી જોઈ જોઈ

વારે વારે હસું હસું થાય એનું મુખ

હૈયે એને હાશ, હર માવતર કાજે ધર્યું

હર્યુંભર્યું હેત, નર્યું નીતર્યું આ સુખ.

- મકરન્દ દવે

ક હેવામાં આવે છે કે, સંતાનનો જન્મ થવો તે ઈશ્વરની ભેંટ છે અને આ સંતાન જો દીકરી હોય તો જાણે ઈશ્વરે જ જાણે સાક્ષાત પધરામણી કરી છે તેમ કહેવું અતિશયોક્તિ નથી જ. કોઈ પણ માતા-પિતાએ તેમના બાળપણમાં પરીની વાર્તા ચોક્કસ સાંભળી હશે. પરંતુ આ પરી વાસ્તવમાં કેવી લાગે છે તેનો અહેસાસ તેઓને દીકરીના માતા-પિતા બન્યા બાદ જ થાય છે. 

આજે દીકરની વાત એટલા માટે કેમકે દર વર્ષે ૨૪ જાન્યુઆરીની ઉજવણી 'નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે' તરીકે કરવામાં આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં ત્યાગ-સમર્પણ વણાયેલા છે. આ ત્યાગ અને સમર્પણનું કોઇ જીવંત પાત્ર જોવું હોય તો તે દીકરી છે. દીકરીનું સમગ્ર જીવન ત્યાગથી શોભતું હોય છે અને ત્યાગ કરવા છતાં તેનામાં લેશમાત્ર અહંકાર આવતો નથી. એક સાચો સંત ક્યારેય પોતે શું-શું ત્યાગ કર્યો છે તેનો ઢંઢેરો પીટતો નથી, તેવું જ કંઇક દીકરીનું છે. 'દીકરી' આ શબ્દમાં જ આખા માનવીય જગતની ભાષા, શબ્દ, અક્ષર, આંસુ બની ગળે બાઝેલા ડૂમારૂપ વહેવા માંડે છે, લાગણીની સરવાણીનો અવિરત્ ધોધ વહેવા લાગે છે. 

એક આંસું નીંગળતા હૃદયની પ્રતિતિ માટે દીકરીના માતા-પિતા બનવું અનિવાર્ય છે. પિતાનો અઢળક પ્રેમ, માતાનું નિર્મળ વહાલ એ ભેગા થઇને આકાશમાં ચડે,એની વાદળી બંધાય અને એ વાદળી અનરાધાર વરસે એટલે એનું નામ દીકરી. માતા-પિતાના સ્મિત પાછળનું રુદન વાંચી શકે તો તે દીકરી છે, માતા-પિતાના વિષાદી મનનો સંગાથ એટલે દીકરી. ફૂલ પરનું ઝાકળબિંદુ એટલે દીકરી, જેના મુલાયમ સ્પર્શમાં માતા-પિતાને અસ્તિત્વની સાર્થક્તા અનુભવાય. 

દીકરીના ચપટીક અજવાળા સામે એક કરોડ સૂર્ય પણ ઝાંખા પડી જાય. હા, ખુદ સૂર્યને આંગણે જો દીકરીનો માંડવો બંધાય તો સૂરજને પણ અહેસાસ થાય કે અંધકાર શું ચીજ છે!

યાસ્યત્યદ્ય શકુન્તલેતિ હૃદયં સંસ્પૃષ્ટ મૃતકયા, ક: સ્તમ્ભિતબાષ્પવૃત્તિકલુષશ્વિન્તાડં દર્શનમ્ વૈકલવ્યં મમ તાવદીદશમહો સ્નેહાદરણ્યૌકસ: પીડયન્તે ગૃહિણ : કથં નુ તનયાવિશ્લેષ દુ:ખેન વૈ : 

મહાકવિ કાલિદાસ રચિત 'અભિજ્ઞાાન શાકુન્તલમ્'માં તપસ્વી કણ્વ ષીના મુખેથી શકુંતલાવિદાય પ્રસંગનો આ શ્લોક છે. જેનો ભાવાનુવાદ છે કે, આ શકુંતલાને વળાવતાં મારા જેવા તપસ્વીને જો આટલી બધી વ્યથા થાય તો પછી સંસારી પિતાઓ દીકરીને વળાવતા હશે ત્યારે તેમના હૃદયમાં પીડા થતી હશે. લગ્નમાં દીકરી વિદાય બાદ ઘર અને અંત:મનની સ્થિતિને જયંત પાઠકે બખૂબી વર્ણવી છે...

આખરે ઉજાગરાનો અંત આવ્યો:

લગન ઊકલી ગયાં.

મા હવે

ઘરની ચીજવસ્તુઓ ગણે છે

સંભારી સંભારી મેળવે છે

સંભાળી સંભાળી ગોઠ્વે છે :

થાળી, વાડકા, ગ્લાસ, ડિશ-

બધું બરાબર છે

ક્યાંય કશુંય ખોવાયું નથી

કશુંય ગયું નથી-

પણ

અચાનક કંઈક યાદ આવતાં

એ ઓરડા વચ્ચે

ઊભી રહી જાય છે

આંખોમાંથી ટપકું ટપકું થાય છે

ખારો ખારો પ્રશ્ન  :

'મારી દીકરી ક્યાં ?'

દીકરી વિદાયનો પ્રસંગ તો ભલભલાની આંખમાં આંસુ લાવી દે એવો છે. જેની મૂંછે લીંબુ લટકતાં હોય, જેનો આંખનો ખૂણો ક્યારેય ભીનો ના થયો હોય તેવા ૫૬ની છાતીના મર્દ પણ દીકરી વિદાયના પ્રસંગે ભાંગીને ભૂક્કો થઇ જાય છે. મહાન  કવિ રવિન્દ્રનાથ ટાગોરની એક કવિતાનો ભાવાનુવાદ છે કે...'સાંજનું અંધારું વધતું જાય છે. પપ્પા અગાસી પરથી દીકરીને બૂમ પાડતાં કહે છે કે, બેટા દીવો લઇને ઉપર આવ. નાનકડી એવી દીકરી હાથમાં દીવાનું કોડિયું લઇને પગથિયાં ચડે છે. અડધે દાદરે પહોંચે છે અને ત્યાં જ પવનથી દીવો એકાએક ઓલવાઇ જાય છે. દીકરી પપ્પાને બૂમ પાડીને કહે છે કે, પપ્પા હું ખોવાઇ ગઇ.'

આમ જોવા જઇએ તો દીકરી સાચું જ કહી રહી છે. દીકરી એમ નથી કહેતી કે, 'દીવો ઠરી ગયો' બલ્કે એમ કહે છે કે  'હું ખોવાઇ ગઇ'. એક રીતે જોવા જઇએ તો દીકરી આપણી વચ્ચેથી ખોવાઇ જવા માટે જ સર્જાતી હોય છે.

 ઘરમાંથી એક વાસણ, ખિસ્સામાંથી મોબાઇલ ચોરાઇ જાય એ ઘટના વર્ષો સુધી યાદ રાખીએ છીએ. પરંતુ દીકરી જેવી દીકરી એની સાસરીમાં પાણીમાં સાકર જેમ ભળીને ખોવાઇ જાય છે તે ઘટનાને કોઇ યાદ રાખતું નથી. 

સંસ્કૃતમાં એક શબ્દ છે દેહલદીપ. જેનો અર્થ થાય છે ઘરના ઉંબરનો એવો પ્રજ્જવલિત દીપક જે ઓરડો અને ઓસરી બંનેમાં જ્યોત ફેલાવે છે. એ દીપક કેવળ ઓરડા કે ઓસરી પૂરતો જ નથી. એ બંનેનો નથી છતાં બંનેનો છે. દેહલદીપન્યાય દીકરીની પ્રકૃતિમાં હોય છે. જે દીવડો બનીને પતિનો ઓરડો અને પિતાની ઓસરી એમ બંનેને એકસરખું દીપાવે છે. 

પુત્ર દ્વારા કંઇ નથી આપવામાં આવ્યું એ બદલની અપેક્ષા માતા-પિતાની આંખમાં ક્યારેક આંસુ લાવી શકશે. પરંતુ પુત્રીને કંઇ નથી આપી શક્યા કે આપી શકતા એ બદલ માતા-પિતા લાગણીના ઉના આંસુથી જીવભર સ્નાન કરતાં રહેશે. આ આંસુસ્નાન ગંગાસ્નાનથી ઓછું પવિત્ર તો નહીં જ હોય. દીકરી એટલે માતા-પિતાના રંજને પરાજિત રાખતો ઉમંગનો આફતાબ, તમારી જીવવાની ઝંખનાને પ્રજ્જવલિત રાખતી જ્યોત એટલે દીકરી. દીકરી એટલે એક શમણું, પોતાનું તોય પરાયું, પરાયું તો પોતાનું...દીકરી એટલે દીકરી....


Google NewsGoogle News