'ઉંબરા તો ડુંગરા થયા રે, પાદર થયાં રે પરદેશ, ગોળી તો ગંગા થઈ રે, અંગે ઊજળા થયા છે કેશ'
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- એ દરેક વ્યક્તિ વૃદ્ધ છે, જેને સવારે પથારીમાંથી ઉઠતાં જ કંઇ નવું કરવાનો-કંઇ નવું શીખવાનો રોમાંચ આવતો ના હોય
- 21 ઓગસ્ટ
- વર્લ્ડ સિનિયર સિટીઝન ડે
ઘ ડપણ કોણે મોકલ્યું જાણ્યું જોબન રહે સૌ કાળ...ઉંબરા તો ડુંગરા થયા રે, પાદર થયાં રે પરદેશ, ગોળી તો ગંગા થઈ રે, અંગે ઊજળા થયા છે કેશ. નહોતું જોઈતું તે શીદ આવિયું રે, નહોતી જોઈ તારી વાટ,ઘરમાંથી હળવા થયા રે, કહે ખૂણે ઢાળો એની ખાટ. નાનપણે ભાવે લાડવા રે, ઘડપણે ભાવે સેવ, રોજ ને રોજ જોઈએ રાબડી રે, એવી બળી રે ઘડપણની ટેવ... પ્રાતકાળે પ્રાણ માહરા રે, અન્ન વિના અકળાય, ઘરના કહે મરતો નથી રે, તેને બેસી રહેતા શું થાય...દીકરા તો જૂજવા થયા રે, વહૂઅરો દે છે ગાળ, દીકરીઓને જમાઈ લઈ ગયા રે, હવે ઘડપણના શા હાલ... નવ નાડીઓ જૂજવી પડી રે, આવી પહોંચ્યો કાળ,બૈરાંછોકરાં ફટ ફટ કરે રે, નાનાં મોટા મળી દે છે ગાળ... આવી વેળા અંતકાળની રે, દીકરા પધાર્યા દ્વાર, પાંસળીએથી છોડી વાંસળી રે, લઈ લીધી તેણી વાર... એવું જાણી સૌ હરી ભજો રે, સાંભળજો સૌ સાથ, પરઉપકાર કરી પામશો રે, જે કંઈ કીધું હશે જમણે હાથ... એવું નફટ છે આ વૃદ્ધપણું રે, મૂકી દો સૌ અહંકાર, ધરમના સત્ય વચન થકી રે મહેતો નરસૈં ઊતર્યો ભવપાર....
- નરસિંહ મહેતા
મૃત્યુ પહેલાં વૃદ્ધત્વ આવે છે. વૃદ્ધત્વ કોઈને ગમતું નથી. વૃદ્ધત્વ આવ્યા પહેલાં મૃત્યુ આવી જાય એ પણ કોઈને ગમતું નથી. વૃદ્ધત્વ ગમતું કોઈને નથી, પણ તે અવસ્થા જોઈએ તો છે જ. સૃષ્ટિમાં ધબકી રહેલા દરેક જીવની પુખ્ત થવાની એક વયમર્યાદા છે, જેને પ્રકૃતિ દ્વારા જ ગોઠવવામાં આવેલી છે. પ્રકૃતિની આ રચનામાં વૃદ્ધત્વનું સ્થાન નિશ્ચિત છે. માખી જન્મના એક સપ્તાહમાં વૃદ્ધ થાય છે અને ત્રણ સપ્તાહમાં તો મૃત્યુ પણ પામે છે. સસલાંને વૃદ્ધ થતાં ૩ વર્ષ તો કૂતરાંને વૃદ્ધ થતાં ૧૦ વર્ષનો સમય થાય છે. બીજી તરફ કાચબો ૧૯૦ વર્ષ અને રોકફિશ ૨૦૦ વર્ષથી વધુનું આયુષ્ય ધરાવે છે. વૃદ્ધાવસ્થા એટલે શું ? મનુષ્ય ક્યારે વૃદ્ધ થાય છે ? તો પ્રથમ ભાષાનો સરકારી ઉત્તર કહેવામાં આવે તો કોઈપણ વ્યક્તિ ૬૦ વર્ષની થાય તો તેને વૃદ્ધ અથવા તો સિનિયર સિટીઝનની કેટેગરી હેઠળ ગણવામાં આવે છે. હવે વાત મનુષ્ય ક્યારે વૃદ્ધ થાય છે તેની તો એ દરેક વ્યક્તિ-વ્યક્તિએ નિર્ભર છે. પ્રાચિન રોમના મશહૂર ફિલોસોફર સેનેકા ધ યંગરે કહ્યું છે કે, 'જીવન એક રંગભૂમિ છે. તમારા જીવનની કેટલી લંબાઇ છે તે નહીં પણ તમે તેમાં કેવી ભૂમિકા ભજવેલી છે તેના આધારે તમને યાદ રાખવામાં આવે છે.' ઘણી વ્યક્તિ ૮૫ વર્ષે પણ યુવાનો જેવી સ્ફૂર્તિ અને નવું શીખવા માટેનો ઉત્સાહ ધરાવે છે જ્યારે ઘણી વ્યક્તિ ૫૦ વર્ષની ઉંમરે એમ વિચારી હતાશ થવા લાગે છે કે 'બસ, હવે નિવૃત્તિના ૮-૧૦ વર્ષ બાકી, નોકરી-ધંધાના આટલા વર્ષોમાં કંઇ જ કર્યું નહીં અને નિવૃત્તિ પછી પણ આર્થિક ઉપાર્જન-સમય પસાર કરવા શું કરીશ એ ખબર નથી...' ટૂંકમાં કહેવામાં આવે તો, એ દરેક વ્યક્તિ વૃદ્ધ છે, જેની અંદર સવારે પથારીમાંથી ઉઠતાં જ કંઇ નવું કરવાનો-કંઇ નવું શીખવાનો રોમાંચ આવતો ના હોય. એવી પણ ઘણી જ વ્યક્તિઓ છે જેઓ વિવિધ સંજોગો-બંધનોને કારણે ૫૮-૬૦ વર્ષ સુધી કંઇ જ કરી શક્યા નહોતા. પરંતુ ૬૦માં વર્ષ બાદ જીવનની સેકન્ડ ઈનિંગ્સમાં ફ્રન્ટ ફૂટમાં આવીને એવી ફટકાબાજી કરી હોય જેનાથી અન્યને પણ પ્રેરણા મળે. જેમાં પ્રથમ દ્રષ્ટાંત એટલે કોલોનેલ હાર્લેન્ડસ સેન્ડર્સ. આ નામ સાંભળવામાં ઘણાને બેશક અજાણ્યું લાગે. નોન વેજ આરોગતા હોવ કે ના હોવ પણ મોટાભાગના કેએફસી (કેન્ટુકી ફ્રાઇડ ચિકન)ની બ્રાન્ડથી વાકેફ જ હશે. કોલોનેલ હાર્લેન્ડ સેન્ડર્સે કેએફસીની સ્થાપના કરી ત્યારે તેમની ઉંમર ૬૫ વર્ષ હતી. તેમનો જન્મ ૧૮૯૦માં થયેલો અને કેએફસીની સ્થાપના કરી ત્યારે તેમની ઉંમર ૬૫ વર્ષ હતી. ૧૯૬૭માં કેએફસી અમેરિકામાં સૌથી વિશાળ નેટવર્ક ધરાવતી રેસ્ટોરન્ટમાં છઠ્ઠા સ્થાને હતી. જાપાનના યુચિરો મિયુરાએ ૨૦૧૪માં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો ત્યારે તેઓ ૮૦ વર્ષના હતા. બેટમેન, સુપરમેન, ફ્લેશ, શેઝમ, એક્વામેન જેવી માર્વેલ સિરીઝના જન્મદાતા સ્ટેન લીને પ્રથમ સફળતા ૪૦ વર્ષની ઉંમર બાદ મળી હતી. અમેરિકાનાં જાણીતાં લેખક ટોની મોરિસન ૬૦ વર્ષનાં થયાં ત્યાં સુધી તેમને કોઇ ઓળખતું પણ નહોતું. પરંતુ તેમ છતાં તેઓ હતાશ થયા નહીં અને તેમને સાહિત્ય માટે નોબલ પુરસ્કાર મળ્યો ત્યારે તેમની ઉંમર ૬૩ વર્ષ હતી. આપણે ત્યાં જ વાત કરવામાં આવે તો ૫૦ વર્ષની ઉંમર બાદ અમિતાભ બચ્ચનની ફિલ્મો ઉંધે કાંધ પછડાવવા લાગી હતી અને એબીસીએલે દેવાળું ફૂંકી દીધું હતું. પરંતુ તેમણે આ હતાશાને હાવી થવા દીધી નહીં અને ૫૮ વર્ષની ઉંમર બાદ એવું ધમાકેદાર કમબેક કર્યું કે આજે પણ તેમની એનર્જી સામે ભલભલા યુવાનો પણ સાવ ફિક્કા જ લાગે. ઉંમરની રીતે બૂઢાપો રોકી શકાતો નથી પણ જીવનનો ઉત્સાહ-રોમાંચ સાથે સામનો કરવાથી ચોક્કસ તેને અટકાવી શકાય છે. મનની શક્તિ એ આરામ નથી, વ્યાયામ છે કંઇક નવું શીખવાના ઉત્સાહમાં છે જાવેદ અખ્તરે આ જ વાતને રજૂ કરતાં કહ્યું છે કે, 'દિલોં મેં તુમ અપની બેતાબિયાં લેકે ચલ રહે હો તો જિંદા હો તુમ, નજરોં મેં ખ્વાબોં કી બિજલિયાં લેકે ચલ રહે હો જિંદા હો તુમ, જો અપની આંખોં મેં હૈરાનિયાં લેકે ચલ રહે હો તો જિંદા હો તુમ...'
જન્મ થયો ત્યારથી જ મૃત્યુનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ જાય છે. દરેક જીવાતી ક્ષણ માણસને મૃત્યુ તરફ ધકેલે છે. સ્વ. ચંદ્રકાંત બક્ષીએ લખ્યું છે કે, 'મૃત્યુ આવે ત્યાં સુધી જીવતાં રહ્યા કરવું એ ઘણા માટે નિવૃત્તિની વ્યાખ્યા છે. નિવૃત્તિ એટલે મારી દ્રષ્ટિએ કોઈના આદેશ-હુકમથી હું કામ કરું છું એ અંતિમ ક્ષણ પસાર
થઇ ગયા પછીની પ્રવૃત્તિ, જેમાં હું જ માલિક-હું જ નોકર છું. પહેલાં પાંચ કલાક કામ કરીને પણ થાકતો હવે દસ કલાક કામરીને સંતૃપ્તિ મળે છે. 'વૃદ્ધ ગૃહિણી વૈધવ્ય બાદ સામાન્યતઃ વર્ષો જીવે છે, કારણકે તેની દૈનિક સર્જનાત્મક પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે. રસોઇ બનાવવાથી માંડીને પૌત્ર-પૌત્રીઓને ઉછેરવા સુધી. પરંતુ નિષ્પ્રવૃત્ત, નિષ્વર્તમાન અને પત્ની વિનાનો વૃદ્ધ પુરુષ તુરંત હોલવાઇ જાય છે. કારણકે, એ નકામો છે. એ વિનાનો અહેસાસ એને રૃંધી નાખવા માટે કાફી છે. '
હમણાં હમણાં... આમ તો કેટકેટલા ફોન કરું છું તને રોજરોજ ! આજે ફોન કર્યો ને સામેથી કોઇએ પૂછયું, Hello, Whom, do you want ? ત્યારે માનશે તારું નામ કેમેય યાદ જ ન આવે ! અસ્તિત્વ સાથે જોડાયેલું એક નામ...હોઠ ઉપર આવતા યુગો લાગે ? મારી આંખ સહેજ ભીની થઇ. હમણાં હમણાં ક્યારેક આવું બને છે ! કશુંક લેવા માટે એક ઓરડામાંથી બીજા ઓરડામાં જાઉં છું.ત્યાં પહોંચું ને 'હું અહીં શા માટે ને શું લેવા આવ્યો ?' વિમાસણમાં પડી જાઉં છું. ખાલી હાથે પાછો ફરું છું. હમણાં હમણાં ક્યારેક આવું બને છે ! અંધેરીની ટિકિટ લઇને હું ટ્રેનમાં બેસું છું. લોકોની ચડઉતર વચ્ચે કેટકેટલાં સ્ટેશન પસાર થઇ જાય છે સ્ટેશને ઊતરું ત્યારે ખબર પડે, હું અંધેરી નહીં બોરીવલી ઊતર્યો છું...સ્મૃતિ ફંફોસું છું, ઝોકું તો નહોતું આવ્યું,ક્યાં જવું હતું મારે ને ક્યાં આવી પહોંચ્યો ! ગભરાયેલો, પરસેવાથી રેબઝેબ થઇ જાઉં છું. હમણાં હમણાં ક્યારેક આવું થઇ જાય છે...
- વિપિન પરીખ