68 વર્ષ નોનસ્ટોપ હેડકી... 3 મિનિટમાં નાકથી 28 ફૂગ્ગા ફૂલાવ્યા...!
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- ગિનેસ બૂકમાં નોંધાયેલા અજબ-ગજબ વિક્રમોના વિશ્વમાં લટાર..
૧૯ ૫૦નું વર્ષ. યુરોપના કન્ટ્રી વેક્સફોર્ડમાં પાર્ટીનો માહોલ જામ્યો હતો. આ પાર્ટીમાં વિવિધ ક્ષેત્રના માંધાતા મ્હાલી રહ્યા હતા અને તેમાં ગિનેસ બ્રેવરીના મેનેજિંગ ડિરેક્ટર સર હ્યુ બેવરનો પણ સમાવેશ થતો હતો.ઇંગ્લેન્ડના સર હ્યુ બેવરે ૧૯૧૦માં બે વર્ષ સુધી ભારતીય પોલીસમાં ફરજ અદા કર્યા બાદ કોર્પોરેટ ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. પાર્ટીમાં સર હ્યુ બેવરની મુલાકાત એક જૂના મિત્ર સાથે થઇ. બંને વચ્ચે ડ્રિન્ક્સ સાથે સંવાદ અને પછી ચર્ચાનો માહોલ જામ્યો. ચર્ચાનો મુદ્દો એ હતો કે, 'અત્યારસુધી કયા પક્ષીનો સૌથી વધુ વખત શિકાર થયો હશે?' આ વિવાદનો ઉકેલ લાવવા બંનેએ પાર્ટીમાં જ વિવિધ રેફરન્સ બૂક પણ મગાવી પરંતુ તેમાંથી પણ કોઇ સંતોષકારક ઉત્તર મળ્યો નહીં. બંને મિત્રો પાર્ટીમાંથી છૂટા પડયા પણ સર હ્યુ બેવરના મગજમાં સતત એક વાત વમળની જેમ ઘુમરાઇ રહી હતી કે, 'એવું કોઇ પુસ્તક તો હોવું જ જોઇએ જેમાં આ પ્રકારના વિવિધ રેકોર્ડ્સની નોંધ હોય. ' તેમણે આ વાત પોતાના ભાઇઓ નોરિસ અને રોઝ મેકવ્હાઇર્ટરને કરી. મોટા ભાઇનું સૂચન ના કેવળ તેમણે પસંદ આવ્યું બલ્કે તે દિશામાં કામ પણ શરૂ કરી દીધું. વિશ્વભરના રસપ્રદ રેકોર્ડ્સ એકત્ર કરીને તેમણે એક દળદાર પુસ્તક તૈયારક કરાવ્યું અને જેને આજે આપણે 'ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ' તરીકે ઓળખીએ છીએ.
'રેકોર્ડ' આ એક એવી બાબત છે જેને તોડવાની મહત્વકાંક્ષા મોટાભાગની દરેક વ્યક્તિના મનમાં ક્યારેકને ક્યારેક ચોક્કસ પેદા થઇ હશે. વરસાદ, ચૂંટણીના પરિણામ કે રમતનું મેદાન જેવી કોઇ પણ બાબત હોય તેમાં આગળ 'રેકોર્ડ'નું છોગું ઉમેરાય એટલે તેનું વજન જ આપોઆપ વધી જાય છે. 'રેકોર્ડ'ની દૂનિયાનો શિરમોર એટલે 'ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ'. કોઇ પણ વિક્રમવીર માટે 'ગિનેસ બૂક'માં નામ આવવું એ તેના માટે 'માઉન્ટ એવરેસ્ટ' સર કરવા સમાન સિદ્ધિ કહી શકાય. 'ગિનેસ બૂક વર્લ્ડ રેકોર્ડ ડે'ની ઉજવણી નવેમ્બરમાં કરવામાં આવે છે ત્યારે તેનામાં નોંધાયેલા કેટલાક ચિત્ર-વિચિત્ર-રસપ્રદ વિક્રમોના વિશ્વમાં એક નજર કરીએ...
10 ફૂટની નૂડલ્સ, 10 કિલોનું 1 ગાજર
ચીનની એક ફૂડ કંપનીએ ૧૦ ફૂટ ૧.૯૨ ઈંચની એક નૂડલ બનાવી હતી. ૪૦ કિલો મેંદો, ૨૬. ૮ કિલો પાણી, ૦.૬ કિલો મીઠા સાથે બનાવવામાં આવેલી આ નૂડલને બનાવવામાં શેફને ૧૭ કલાક થયા હતા. સરળ ભાષામાં કહીએ તો આ નૂડલ ૩ કિલોમીટરથી વધુ લંબાઇની હતી. ખેતીમાં માત્ર અનાજ-શાકભાજી જ નહીં રેકોર્ડના પણ વાવેતર થાય છે. અમેરિકાના ક્રિસ્ટોફર ક્વેલીએ ઉગાડેલા એક ગાજરનું વજન જ ૧૦.૧૭ કિલો છે. આ સિવાય ૮.૫ કિલોની એક ડુંગળીનો પણ રેકોર્ડ નોંધાયેલો છે. બાય ધ વે, રેસ્ટોરન્ટમાં જાવ અને એક હોટડોગની કિંમત રૂપિયા ૧૪૨૭૬ કહે તો બેશક આંચકો જ લાગે. પરંતુ વિશ્વના સૌથી મોંઘા હોટ ડોગનો પણ રેકોર્ડ છે. અમેરિકામાં ૨૦૧૪માં બનાવેલા હોટડોગની કિંમત ૧૬૯ ડોલર હતી. ખાણી-પીણીની વાત 'પીણા' વગર અધૂરી ગણાશે. બ્રિટનના બુ્રસ માસ્ટર્સે ૧૯૬૦થી ૨૦૧૪ દરમિયાન ૪૯૪૯૫ પબની મુલાકાત લીધી હતી.
ગિનેસ બૂકમાં સૌથી વધુ રેકોર્ડમાં પણ 'રેકોર્ડ'!
'ગિનેસ બૂક'માં નામ નોંધાય તેના માટે કેટલાક લોકોનું સમગ્ર આયખું વીતી જાય છે પણ અમેરિકાના એશ્રિતા ફુરમેન તેમાં અપવાદ છે. ૬૫ વર્ષીય ફુરમેન સત્તાવાર રીતે ૬૦૦ વખત ગિનેસ બૂકમાં પોતાનું નામ નોંધાવી ચૂક્યા છે. આ પૈકી ૨૦૦ રેકોર્ડ આજેપણ આ જનાબને નામે અકબંધ છે. એશ્રિતા દૂધની બોટલ માથામાં રાખીને સૌથી વધુ અંતર (૮૦.૯૫ માઇલ) ચાલવાનો, પાણીની અંદર સૌથી લાંબો સમય દોરડા કૂદવાનો (૧૬૦૮કૂદકા), એક મિનિટમાં સૌથી વધુ ૮૬ દ્રાક્ષ મોઢાથી પકડવાનો, પાણીની અંદર સૌથી સાયકલથી સૌથી વધુ ૧.૩ માઇલ અંતર કાપવાનો, ૩ મિનિટમાં નાકથી સૌથી વધુ ૨૮ ફૂગ્ગા ફુલાવવાનો જેવા વિવિધ રસપ્રદ રેકોર્ડ ધરાવે છે. તેમણે છેલ્લે સૂતા-સૂતા પેટ ઉપર રાખેલા તરબૂચના ૧ મિનિટમાં ૨૬ કટકા કરી નવો રેકોર્ડ બનાવ્યો હતો.
હમારે મુંહ મેં સુરંગ...!
ઇટાલીનો ફ્રાન્સિસ્કો જોઆકિમ મોઢું પહોળું કરવાનો રેકોર્ડ ધરાવે છે. જોઆકિમ ૧૭ સેન્ટિમીટર (૬.૬૯ ઈંચ) સુધી પોતાનું મોઢું પહોળું કરી શકે છે. ટૂંકમાં કહીએ તો ફ્રાન્સેસ્કો જ્યારે પોતાનું મોઢું પહોળું કરે તો તેની અંદર તે ૩૩૦ એમએલનું કોલ્ડડ્રિંકનું ટિન સમાવી શકે છે. રોમમાં દર વર્ષે 'બિગ માઉથ' નામની સ્પર્ધા યોજાય છે. જેમાં સ્પર્ધકને પોતાનું મોઢું શક્ય તેટલું વધારે પહોળું
કરવાનું હોય છે. આ પછી મોઢાની અંદર રકાબી, કોફી કપ, બીયર બોટલ રાખવામાં આવે છે. જોઆકિમે સૌપ્રથમ વખત વર્ષ ૨૦૧૦માં આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ત્યારથી સ્વાભાવિક છે કે તેમાં તેનો જ વિજય થતો આવ્યો છે. તેના પહોળા મોઢા સાથે વિડીયો યુ ટયુબમાં વાયરલ થતાં ગિનેસ બૂકના નિર્ણાયકોએ તેની નોંધ લીધી. આ રીતે તેનું નામ ગિનેસ બૂકમાં નોંધાયું હતું.
122 વર્ષ 164 દિવસની ઉંમર!
ફ્રાન્સના જીન લુઈ કેલમેન્ટ ૧૨૨ વર્ષ ૧૬૪ દિવસની ઉંમર સાથે સૌથી વધુ વર્ષ જીવવાનો રેકોર્ડ ધરાવે છે. તેમનો જન્મ ૨૧ ફેબુ્રઆરી ૧૮૭૫ના થયો હતો અને જ્યારે મૃત્યુ થયું ત્યારે ૪ ઓગસ્ટ ૧૯૯૭નું વર્ષ હતું. તે ૧૪ વર્ષનાં હતાં ત્યારે ૧૮૮૯માં ફ્રાન્સમાં એફિલ ટાવરનું નિર્માણ શરૂ થયું. તેઓ ૧૦૦ વર્ષની ઉંમર સુધી સાયકલ ચલાવતા હતા અને ૧૧૭ વર્ષની ઉંમરે સ્મોકિંગ મૂક્યું હતું.
'તુમ દેના સાથ મેરા...' : 86 વર્ષનું લગ્નજીવન
અમેરિકાનું દંપતિ હર્બેટ ફિશર-ઝેલમ્યારા ફિશર ૮૬ વર્ષ ૨૯૦ દિવસ સાથે સૌથી લાંબા લગ્ન જીવનનો રેકોર્ડ ધરાવે છે. બંનેએ ૧૭ ફેબુ્રઆરી ૧૯૧૮ના લગ્નના તાંતણે બંધાયા હતા. ફેબુ્રઆરી ૨૦૧૧માં હર્બેટ ફિશરનું અવસાન થયું હતું. બંનેએ ૧૩ મે ૧૯૨૪માં લગ્ન કર્યા ત્યારે હર્બેટની ઉંમર ૧૯ વર્ષ જ્યારે ઝેલમ્યારાની ઉંમર ૧૭ વર્ષ હતી. ગિનેસ બૂકમાં તેમની સિદ્ધિની નોંધ લેવાઇ ત્યારે એક ઇન્ટરવ્યુમાં તેમને સફળ લગ્ન જીવનનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, 'સન્માન-સહકાર અને સંવાદથી અમને લગ્ન જીવન ક્યારેય ભારરૂપ લાગ્યું નથી.'
લ્યો બોલો...69 વર્ષ સુધી હેડકી ખાધી
હેડકી આવે તો કોઇ યાદ કરતું હોવાની આપણે ત્યાં માન્યતા છે. પરંતુ અમેરિકાના ચાર્લ્સ ઓસબોર્ન ૬૮ વર્ષ સુધી નોન સ્ટોપ હેડકી ખાવાનો રેકોર્ડ ધરાવે છે. ૧૯૨૨થી ૧૯૯૦ સુધી તેમણે પાંચ કરોડથી વધુ હેડકી ખાધી હતી.