યોગ એટલે શરીર અને મનથી અનુભવ કરવાનું વિજ્ઞાાન

Updated: Jun 18th, 2024


Google NewsGoogle News
યોગ એટલે શરીર અને મનથી અનુભવ કરવાનું વિજ્ઞાાન 1 - image


- સેલિબ્રેશન - ચિંતન બુચ

- આજે ભારત જ નહીં વિશ્વના અનેક દેશમાં યોગ ખૂબ જ લોકપ્રિય બની ગયું છે ત્યારે યોગ અંગે કેટલીક જાણી-અજાણી વાતો કરીશું.

'યો ગ કોઇ શાસ્ત્ર નહીં પણ વિજ્ઞાાન છે.  ભગવાન બુદ્ધ- ઇસુ ખ્રિસ્ત-મહાવીર-પતંજલિ એમ દરેક મહાન આત્માઓને યોગમાંથી પસાર થયા બાદ જ સત્યનો સાક્ષાત્કાર થયો છે. જીવનના પરમ સત્ય સુધી પહોંચવા યોગ સર્વશ્રેષ્ઠ માધ્યમ છે. જેને ધર્મ કહેવામાં આવે છે તે  આપણા વિશ્વાસ સાથે જોડાયેલો છે. પરંતુ યોગ વિશ્વાસનો નહીં, જીવનમાં સત્યની દિશા તરફ કરવામાં આવેલા વૈજ્ઞાાનિક પ્રયોગોની ક્રમબદ્ધ પ્રણાલી છે. યોગની અનુભૂતિ માટે કોઇ પણ પ્રકારની શ્રદ્ધાની જરૂર પડતી નથી અને ના તો તેના માટે આંખે પાટા બાંધી અનુકરણ કરવું પડે છે. નાસ્તિક હોય કે આસ્તિક કોઇપણ યોગ સાથે જોડાઇ શકે છે.'

-ઓશો રજનીશ

આજે યોગની વાત એટલા માટે કેમકે, દર વર્ષે ૨૧ જૂનની ઉજવણી 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે કરવામાં આવે છે. યોગ એ બીજું કંઇ નહીં પણ વિચારોના મંથનને શાંત કરવાની એક પદ્ધતિ છે. યોગ ઘર્મ કે દર્શનશાસ્ત્ર નથી. પરંતુ શરીર અને મનથી અનુભવ કરવાનું વિજ્ઞાાન છે અને તે કોઇનું ઇનોવેશન નહીં પણ ડિસ્કવરી છે. યોગ શબ્દ સંસ્કૃત ભાષાના 'યુજ' ધાતુ પરથી બનેલો છે, જેનો અર્થ થાય છે જોડાણ. ભારતીય ફિલસૂફીમાં વૈદિક તત્વજ્ઞાાાાનના છ પરંપરાગત દર્શન છે, તેમાંના એક દર્શનનું નામ યોગ છે. પતંજલિના યોગસૂત્રો રાજયોગ તરીકે જાણીતા છે. પતંજલિનું લખાણ  'અષ્ટાંગ યોગ' એક પદ્ધતિનો આકાર બની ગયું છે. આ આઠ અંગની વિવિધ લાક્ષણિક્તામાં યમ (અહિંસા- સત્ય-બ્રહ્મચર્ય- અપરિગ્રહ), નિયમ (વ્રત જેમકે શૌર્ય- સંતોષ- તપ- સ્વાધ્યાાય), આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, (બહારના પદાર્થમાંથી ઇન્દ્રિયો ખેંચવી), ધારણા (એકાગ્રતા), ધ્યાન (ઇશ્વર પર એકાગ્રતા) અને સમાધિ છે.

શાંડિલ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે જેણે આસન જીત્યું તેણે ત્રિભુવન જીત્યું. પ્રાણાયામ અને ધ્યાન એટલે યોગનો આત્મા. ધ્યાન એટલે માત્ર આંખો બંધ કરીને માત્ર પદ્માસનમાં બેસી જવું? ના, કોઇ પણ કાર્યમાં તમે એકાગ્ર થઇને પોતાની જાતને તેમાં ઓગાળી દેવી અને જે અનભૂતિ મળે તે ધ્યાન જ છે. આ જ કારણ છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉતર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, અભિનેત્રી શિલ્પા શેટ્ટી- કેટરિના કૈફ- લારા દત્તા, ફૂટબોલર ડેવિડ બેકહમ, પોપસ્ટાર લેડી ગાગા સહિત અનેક હસ્તીઓ નિયમિત રીતે યોગાસન કરે છે. વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ નરેન્દ્ર મોદી વહેલી સવારે  ભુજંગાસન, વક્રાસન, ત્રિકોણાસન, કપાલભાતિ, સેતુ બંધાસન, તાડાસન કરવા પાછળ સમય ફાળવી જ લે છે. આજે ભારત જ નહીં વિશ્વના અનેક દેશમાં યોગ ખૂબ જ લોકપ્રિય બની ગયું છે ત્યારે યોગ અંગે કેટલીક જાણી-અજાણી વાતો કરીશું.

     

યોગ મેટની 

શોધ કેવી રીતે થઇ?

પ્રાચીન સમયમાં ઋષિ-મુનીઓ, સાધુ- સંતો યોગ કરતી વખતે શરીર જમીન તત્વના સંસર્ગમાં રહે તેની પર વિશેષ ભાર આપતા. યોગનિદ્રામાં જવા માટે તેઓ પહાડ, પર્વતોની તળેટી, જંગલ, ગુફા જેવા એકાંત અને પ્રકૃત્તિ સાથે જોડાયેલા સ્થળો પર પસંદગી ઉતારતા. પરંતુ ૧૯૭૦ના દાયકામાં યોગ કરવા માટે લોકો શેતરંજીનો ઉપયોગ કરતા થયા. સમય જતા શેતરંજીનું સ્થાન રબરની મેટે લીધું. સ્વાભાવિકપણે અહીં પ્રશ્ન થાય કે, જમીન પર કરવામાં આવતા યોગ માટે શેતરંજી કે યોગ મેટની જરૂરિયાત ઊભી કેવી રીતે થઇ? તે અંગેની માહિતી પણ રોચક અને જાણવા જેવી છે. યોગ ગુરુ બીકેએસ આયંગરે ભારતીય લોકોને યોગમેટનો પરિચય કરાવ્યો. ૧૯૬૦માં તેઓ યુરોપ યોગ શીખવાડવા ગયા ત્યારે વિદેશી વિદ્યાર્થીઓને જમીન પર ઊભા રહીને યોગ કરવામાં કેટલીક તકલીફો પડી. ચંપલ વગર જમીન પર ઊભા રહીને યોગ કરવામાં તેમનું સંતુલન ખોરવાતું. તેઓ ધ્યાનમગ્ન થઇ યોગ કરી શકતા નહીં. એકવાર યોગ ગુરુ આયંગર પોતે જ આ તકલીફનો ભોગ બન્યા. જર્મનીમાં લપસણાં ફ્લોરિંગને કારણે યોગગુરુ યોગ કરતાં જ પડતાં- પડતાં માંડ બચ્યાં. હકીકતમાં, આસન તરીકે રાખેલી કાર્પેટની નીચે રબરની મેટ હોવાને કારણે તેમનું સંતુલન જળવાઇ શક્યું નહીં અને ત્યારથી,  ધાબળાંના સ્થાને રબરની મેટનો વપરાશ વધ્યો. યોગ મેટની શોધ કરવામાં જર્મનીના એન્જેલા ફાર્મરની ભૂમિકા પણ નિર્ણાયક બની રહી. 

     

યોગની પણ વર્લ્ડ ચેમ્પિયનશિપ

વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓનું એપિસેન્ટર હાલ વેસ્ટ ઇન્ડીઝ અને અમેરિકામાં છે જ્યાં ટી-૨૦ વર્લ્ડકપ યોજાઇ રહ્યો છે. ફૂટબોલ, ક્રિકેટ, હોકી, કબડ્ડી જેમ યોગમાં પણ 'વર્લ્ડ ચેમ્પિયનશિપ' યોજવામાં આવે છે. ઇન્ટરનેશનલ યોગા સ્પોર્ટ્સ ફેડરેશન' દ્વારા ૨૦૦૪ની સાલથી પ્રત્યેક બે વર્ષે 'વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ યોગા સ્પોર્ટ્સ ' યોજાય છે. છેલ્લે ૨૦૨૩માં યોજાયેલી યોગાની વર્લ્ડ ચેમ્પિયનશિપની મેન્સ એક્રોબેટિકમાં ઈરાને જ્યારે આર્ટિસ્ટિકમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જોકે, યોગની આ પ્રકારની સ્પર્ધા થવી જોઇએ કે કેમ તેને લઇને મતમતાંતર છે. મનને શાંત કરવા માટે યોગ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. હવે તેમાં સ્પર્ધાનું તત્વ ઉમેરવાથી સ્ટ્રેસનું પ્રમાણ વધશે અને યોગનો મૂળ હેતુ વિસરાઇ જશે. પતંજલિએ યોગસૂત્રમાં યોગની એવી વ્યાખ્યા આપી છે કે 'યોગ એ ચિત્તવૃત્તિનો નિરોધ છે.'  મતલબ કે,  મનની ચંચળતા રોકવા માટેનું માધ્યમ છે. ડો. આનંદ બાલયોગી 'એ બ્રીફ હિસ્ટ્રી એન્ડ ઇન્ટ્રોડક્શન ટુ યોગા સ્પોર્ટ્સ 'માં કહે  છે કે,  'યોગને અન્ય સ્પોર્ટ્સ જેવું જ 

ગણવામાં આવે તો આ ચેમ્પિયનશિપના આયોજકોએ નીતિગત નિયમો પાળવા જોઇએ. જેમ કે, યોગ ચેમ્પિયનશિપમાં ભાગ લેનારો સ્પર્ધક માંસાહાર કે  દારૂથી દૂર રહેતો હોવો જોઇએ. સ્પર્ધક સારો જીમ્નાસ્ટ હોય તે જરૂરી નથી પણ તેની પાસે યોગનું પાયાનું જ્ઞાાન હોવું જોઇએ.'

૯૯ વર્ર્ષની ઉંમરે યોગ ગુરુ

'એ છોકરી, તારે આવું બધું કરવું જોઇએ નહીં. આવો વ્યાયામ તો ફક્ત છોકરાઓ જ કરી શકે...' આજથી ૯ દાયકા અગાઉ પોંડિચેરીના એક મેદાનમાં છોકરાઓને યોગ કરતાં જોઇને એક નાનકડી છોકરીએ તેમની નકલ કરવા માંડેલી ત્યારે તેને આ રીતે ટોકવામાં આવી હતી. હવે ૯૯ વર્ષની ઉંમરે તે વિશ્વની મોટી વયની યોગશિક્ષિકા તરીકે ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન ધરાવે છે. તેમનું નામ ટાઓ પોર્ચોન -લિન્ચ. ફ્રેન્ચ પિતા-મણિપુરી માતાનું સંતાન એવી ટાઓનો જન્મ ઇંગ્લિશ ચેનલમાં એક શિપમાં થયેલો, તેનું બાળપણ પોંડિચેરીમાં વીત્યું. તેમણે મહર્ષિ અરવિંદ, બી.કે. એસ. આયંગર, પટ્ટાભી જોશી જેવા યોગાચાર્યો પાસેથી યોગ શીખ્યાં. યુવાનીમાં તેઓ અમેરિકા શિફ્ટ થઇ ગયાં અને મોખરાનાં મોડેલ પણ બની ગયાં. લગ્નજીવનના ૨૦ વર્ષમાં પતિનું અવસાન થયું અને ત્યારબાદ ટાઓએ યોગના પ્રચાર- પ્રસાર પાછળ જ જીવન સમર્પિત કરી નાખ્યું. માનવજીવનમાં યોગની ઉપયોગિતા વિશે તેમણે કહેલું કે, 'શિયાળામાં પાન ખરી જાય ત્યારે વૃક્ષો મૃ્ત્યુ પામેલાં લાગે, પણ હકીકતમાં એ સુષુપ્ત અવસ્થામાં રહીને ઊર્જા ભેગી કરતી હોય છે. આપણે પણ એમ કરી શકીએ છીએ યોગ દ્વારા.' 

 યોગાસનમાં વર્લ્ડ રેકોર્ડ

મૂળ ભારતીચ પણ દુબઇમાં સ્થાયી થયેલા યશ મોરડિયા વિવિધ યોગાસન માટે ગિનેસ બૂકમાં કુલ ૯ રેકોર્ડ્સ પોતાને નામે ધરાવે છે. આ પૈકીનો એક રેકોર્ડ તાજેતરમાં બનાવ્યો હતો. જેમાં તેઓ ૨૯ મિનિટ ચાર સેકન્ડ સુધી વૃશ્ચિકાસન (હેન્ડસ્ટેન્ડ)માં રહ્યા હતા. આ રેકોર્ડ માટે તેમણે દરરોજ ૩-૩ કલાકની પ્રેેક્ટિસ સતત પાંચ વર્ષ કરી હતી.


Google NewsGoogle News