Get The App

...તો અલ્ઝાઇમરની દવામાં વાયગ્રા ટર્નિંગ પોઇન્ટ બની રહેશે

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
...તો અલ્ઝાઇમરની દવામાં વાયગ્રા ટર્નિંગ પોઇન્ટ બની રહેશે 1 - image


- સેલિબ્રેશન-ચિંતન બુચ

- જર્મનીના એલોઈસ અલ્ઝાઇમરે સ્મૃતિભંશની બીમારીનું સંશોધન કર્યું અને તેમના પરથી બીમારીનું નામ 'અલ્ઝાઇમર'  પડયું

- 21 સપ્ટેમ્બર

- અલ્ઝાઇમર દિવસ

એ ક મિનિટ માટે વિચાર કરો....તમે સવારે જાગો છો અને ઓફિસ જવા માટે ઘરેથી નીકળો છો. ઘરનો દરવાજો લોક કરવા માટે ચાવી શોધો છો પણ ચાવી ક્યાં મૂકી છે તે યાદ જ આવતું નથી. હવે થોડા દિવસ પછીની વાત..તમે ઓફિસ જઇ રહ્યા છો, એ જ ઓફિસ જ્યાં તમે જીવનના અનેક વર્ષો આપ્યા છે પણ અચાનક જ એવો અહેસાસ થાય કે તમને ઓફિસ જવાનો રસ્તો જ યાદ આવી રહ્યો નથી. હજુ થોડા દિવસ બાદ ઘરનું બાથરૂમ ક્યાંછે એ પણ યાદ ના આવે. અચાનક જ એક છોકરી આવીને કહે છે કે તે તમારી દીકરી છે પરંતુ તમને યાદ જ નથી આવી રહ્યું કે તમારું કોઇ સંતાન છે કે કેમ? આ પ્રકારનો વિચાર કોઇ હોરર ફિલ્મ જોવાથી પણ વધુ ડરાવનારો છે. ધીમે-ધીમે બધું જ ભૂલવા માંડીએ તે  આપણે કરેલો વિચાર ભલે કાલ્પનિક હોય પણ પણ આ બીમારી કાલ્પનિક નથી. આ બીમારીને આપણે અલ્ઝાઇમર તરીકે ઓળખીએ છીએ. 

દર વર્ષે ૨૧ સપ્ટેમ્બરના 'વિશ્વ અલ્ઝાઇમર દિવસ'  મનાવવામાં આવે છે. આ દિવસ અલ્ઝાઇમર નામની બીમારીના નામ પર મનાવવામાં આવે છે, જેથી લોકોને તેના વિશે જાગૃત કરી શકાય. આ બીમારીમાં દર્દી વસ્તુઓને ભૂલી જાય છે. જેમ કે કોઇ વસ્તુને કોઇ જગ્યાએ રાખીને ભૂલી જવું, થોડાક સમય પહેલાની વાત ભૂલી જવું વગેરે. પરંતુ લોકો તેને સામાન્ય બાબત સમજીને બેધ્યાન બની જાય છે. આ બીમારી એક ઉંમર બાદ લોકોમાં જોવા મળે છે જેમાં લોકો વસ્તુઓને યાદ રાખી શકતા નથી. મોટાભાગે વૃદ્ધ લોકો આ બીમારીનો શિકાર બનતા હોય છે. આપણે ત્યાં ૬૦ વર્ષથી વધુ વયના ૭.૪૦ ટકા લોકો કોઇને કોઇ કોઇ રીતે અલ્ઝાઇમરની સમસ્યા ધરાવે છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં ૪૦ લાખ લોકો અલ્ઝાઇમરનો શિકાર છે. અલ્ઝાઇમરના સૌથી વધુ દર્દી હોય તેમાં ચીન, અમેરિકા બાદ ભારત ત્રીજા સ્થાને છે.  જેના કારણે અલ્ઝાઇમરને ગંભીરતાથી લેવું ખૂબ જ જરૂરી છે. કેમકે, વધતી ઉંમર સાથે યાદશક્તિને આપણે જીવનનો એક ભાગ ગણીએ છીએ પરંતુ હકીકતમાં તે એક બીમારી છે. અલ્ઝાઇમર બીમારી શું હોય છે? તેના લક્ષણો શું હોય છે? આ બીમારીનું નામ કઇ રીતે પડયું ? તેની દવામાં વાયગ્રાનું શું મહત્ત્વ છે જેવી વિવિધ બાબતો અંગે આજે વાત કરીશું. 

ઈ.સ. ૧૯૦૧માં જર્મનીના ન્યૂરોપેથોલોજીસ્ટ એલોઇસ અલ્ઝાઇમરના એસાઇલમમાં ૫૧ વર્ષનાં મહિલા દર્દી ઓગસ્ટે ડેટરને લાવવામાં આવ્યાં. આ દર્દીની અચાનક જ સ્મૃતિભંશ થવા લાગી હતી અને તેઓ સ્વજનો-ખાસ મિત્રોને ઓળખી શકતાં નહોતાં  તેમજ તેમની સાથે વિચિત્ર વર્તન કરતાં. ૩૭ વર્ષીય એલોઇસ અલ્ઝાઇમર માટે પણ આ પ્રકારનો કેસ નવો અને કારકિર્દીનો સૌથી પડકારજનક હતો. તેઓ દરરોજ કલાકો સુધી આ મહિલાની વર્તણૂકનો અભ્યાસ કરતા. એપ્રિલ ૧૯૦૬માં ડેટરનું અવસાન થયું. એલોઇસ અલ્ઝાઇમરે આ મહિલાના મગજની ઓટપ્સી કરવાનો નિર્ણય લીધો. જેમાં તેમની સામે આવ્યું કે આ મહિલાનાં મગજમાં ટિશ્યુના ટૂકડા ફસાયેલા હતા, જેને હવે ન્યૂરોફ્રિબ્રિલિરી કહેવાય છે.  આ સાથે એવું પણ તેમને સંશોધનમાં જોવા મળ્યું કે ચેતાકોષ અને મગજ વચ્ચે સંપર્ક નહીં હોવો તેનું મુખ્ય કારણ હતું. ૧૯૦૭માં એલોઈસ અલ્ઝાઇમરે આ બીમારી અંગે વિસ્તૃત સમજ આપતું પેપર રજૂ કર્યું. ૧૯૧૦માં સ્મૃતિભંશની આ બીમારી તેના સંશોધક અલ્ઝાઇમરને નામે ઓળખાવવા લાગી. 

અલ્ઝાઈમર રોગના કારણોમાં આનુવંશિક, પર્યાવરણીય અને જીવનશૈલી પરિબળોની સાથે મગજમાં વય-સંબંધિત ફેરફારોનું સંયોજન સામેલ હોઈ શકે છે.  અલ્ઝાઈમર થવાના જોખમને વધારવા અથવા ઘટાડવામાં આમાંના કોઈપણ એક પરિબળનું મહત્વ વ્યક્તિ-વ્યક્તિમાં અલગ-અલગ હોઈ શકે છે. તાજેતરના તબીબી અહેવાલો મુજબ, માનસિક તણાવ અથવા તણાવપૂર્ણ જીવનશૈલી, કોઈ કસરત નહીં, વિટામિન  મ્૧૨, મ્૬, ફોલિક એસિડ,  ઘ૩ ઉણપ અલ્ઝાઈમર રોગના વિકાસ સાથે મજબૂત રીતે સંકળાયેલી છે.અલ્ઝાઇમર રોગના ચોક્કસ કારણો સંપૂર્ણપણે સમજી શકાયા નથી પરંતુ મૂળભૂત સ્તરે મગજમાં રહેલા ન્યુરોન્સના નોર્મલ ફંકશન્સ માટે જવાબદાર પ્રોટીન ખોટી રીતે બને છે અથવા બનતા બંધ થઇ જાય છે અને કાર્ય કરવામાં નિષ્ફળ જાય છે. આ મગજના કોશિકાઓના કામમાં વિક્ષેપ પાડે છે, જેને ન્યુરોન્સ પણ કહેવાય છે, અને શ્રેણીબદ્ધ ઘટનાઓ શરૂ કરે છે. ન્યુરોન્સ ક્ષતિગ્રસ્ત થાય છે અને એકબીજા સાથે જોડાણ ગુમાવે છે. ૧% કરતા ઓછા કિસ્સાઓમાં, અલ્ઝાઈમર ચોક્કસ આનુવંશિક ફેરફારોને કારણે થાય છે.  મોટાભાગના લોકો જ્યારે ૬૫ કે તેથી વધુ ઉંમરના હોય ત્યારે આ અલ્ઝાઈમર રોગ વિકસે છે, જ્યારે તે પહેલાના ૧૦% કરતા ઓછા કેસો જોવા મળે છે. 

અલ્ઝાઇમર થવાના ૪૦ ટકા કેસમાં જિનેટિક પરિબળ જવાબદાર હોય છે. મતલબ કે, માતા-પિતામાંથી કોઇને અલ્ઝાઇમર હોય તો તેમના સંતાનને આગળ જતાં અલ્ઝાઇમર થવાની સંભાવના વધી થાય છે. પરંતુ આખરે કોઇને અલ્ઝાઇમર છે કે કેમ એ કેવી રીતે ખબર પડે ? 'મૈં કોન હું ? મૈં કહા હું ? આપ સબ કોન હૈ?' એવું એક દિવસ ઉઠતાં જ થાય તેવું હિન્દી ફિલ્મમાં જોવા મળે, વાસ્તવિક જીવનમાં નહીં. અલ્ઝાઇમરના વિવિધ તબક્કા હોય છે. જેમાં દર્દી પ્રારંભે રોજબરોજની ચીજવસ્તુ ભૂલવા લાગે છે. તેને વર્ષો જૂની કોઇ વાત યાદ હોય છે પણ હમણાં ૧૦ મિનિટ પહેલાં શું ભોજન લીધું, એક સપ્તાહ પહેલા તે કોને મળવા ગયા હતા એ તેને યાદ નહીં રહે. ધીરે-ધીરે જૂની બાબતો પણ ભૂલાવવા માંડે છે. ઘરે જવાનો રસ્તો, ઘરની અંદર બાથરૂમ-પોતાનો રૂમ-કિચન ક્યાં છે તે તેમજ કપડાં પહેરવાનું ભૂલવા લાગે છે. લોકોને ઓળખવામાં પણ ભારે મુશ્કેલી નડવાનું શરૂ થાય છે. બીમારી આગામી તબક્કામાં પ્રવેશે ત્યારે દર્દી તેના શરીર પરથી પણ નિયંત્રણ ગુમાવે છે. જેમાં હાથ-પગ જકડાઇ જવા, સુસ્ત થઇ જવુંનો સમાવેશ થાય છે. અંતિમ તબક્કામાં  સંપૂર્ણ શરીર જાણે જકડાઇ જતું હોય છે.  

વધુ ભૂલી જવાનો અર્થ એ નથી કે તમને ડિમેન્શિયા છે. અલ્ઝાઈમર રોગનું સચોટ નિદાન કરવા માટે ચિકિત્સકો તબીબી ઇતિહાસ અને ન્યુરોલોજીકલ પરીક્ષાઓ, જ્ઞાાનાત્મક અને કાર્યાત્મક મૂલ્યાંકન, સ્ઇૈં, ભ્, ઁઈ્ અને સેરેબ્રોસ્પાઇનલ પ્રવાહી અથવા રક્ત પરીક્ષણો સહિતની અન્ય માહિતી સાથે મળીને ડાયગ્નોસ્ટિક સાધનોનો ઉપયોગ કરે છે. બ્લડ પ્રેશર હોય તો તેને નિયંત્રણમાં રાખવું, પૌષ્ટિક ખોરાક, ડ્રાયફ્ટ, નિયમિત કસરતથી અલ્ઝાઇમરને થતો અટકાવી શકાય છે. 

હવે વાત અલ્ઝાઇમર અને વાયગ્રાના કનેક્શનની. આ વર્ષે હાથ ધરાયેલા એક અભ્યાસમાં સામે આવ્યું છે કે વાયગ્રા ફક્ત ઈરેક્ટાઇલ ડિસ્ફંક્શન જ નહીં પણ અલ્ઝાઇમર સામે લડવામાં પણ સહાય કરે છે. આ અભ્યાસમાં કરાયેલા દાવા અનુસાર જે પુરુષોને વાયગ્રાની દવા આપવામાં આવી તેમને ડિમેન્શિયા અથવા તો અલ્ઝાઇમર થવાનું જોખમ ૧૮ ટકા જેટલું ઓછું હતું. આ સ્ટડી દરમિયાન જે લોકોએ ૨૦-૫૦ વાર વાયગ્રાનું સેવન કર્યું તેમનામાં અલ્ઝાઇમરનું જોખમ ૪૪ ટકા ઓછું જોવા મળ્યું. બ્રિટિશ ન્યૂરોસાયન્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ તારા સ્પિયર્સ જોન્સના મતે 'હજુ સુધી એ પુરવાર નથી થયું કે ઈરેક્ટાઇલ ડિસ્ફંક્શનની આ દવા અલ્ઝાઇમરના જોખમને ઓછું કરે છે. પરંતુ તેનાથી આશાનું એક કિરણ ચોક્કસ જોવા મળ્યું છે. આ પ્રકારની દવા અંગે ભવિષ્યમાં અભ્યાસ થવો જોઇએ...' 

વર્ષ ૨૦૨૦માં આવેલી ઓસ્કાર વિજેતા ફિલ્મ 'ધ ફાધર', ૨૦૦૪ની 'નોટબૂક' જેવી હોલિવૂડની તેમજ ૨૦૦૫માં 'બ્લેક', ૨૦૦૮માં 'યુ, મી ઔર હમ' જેવી ફિલ્મમાં અલ્ઝાઇમરના દર્દીઓની વાત છે.  છેલ્લી વાત કરીએ તો, આપણા નેતાઓ પણ ડિમેન્શિયાની સમસ્યા ધરાવે જ છે. કેમકે, ચૂંટણી વખતે આપેલા વચનને તેઓ પાંચ વર્ષ માટે ભૂલી જાય છે. આ જ રીતે આપણે પણ ખરાબ રસ્તા, હોનારત માટે તંત્રને ભલે મણ-મણની આપતા હોઇશું પણ થોડા જ સમયમાં આપણે જાણે બધું જ ભૂલી પણ જઇશું....


Google NewsGoogle News