લ્યો બોલો..., થમ્બ્સ અપનું એક ઈમોજી રૂ. 51 લાખમાં પડયું...!

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
લ્યો બોલો..., થમ્બ્સ અપનું એક ઈમોજી રૂ. 51 લાખમાં પડયું...! 1 - image


- સેલિબ્રેશન-ચિંતન બુચ

- સાઉદી  અરેબિયામાં રેડ હાર્ટ ઈમોજી મોકલનારાને બે વર્ષ જેલની સજા થાય છે!

- 17 જુલાઇ -વિશ્વ ઈમોજી દિવસ 

'હે લ્લો, મારું નામ કેટ મિકેલબોરો છે અને કરિયાણાનો જથ્થાબંધ વેપારી છું. મારે ત્યાં અળસીની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે. ૮૬ ટન માલ કેટલાક મહિના સુધી જોઈએ છે. તને કાન્ટ્રાક્ટ ટેક્સ્ટ કરું છું. ડિલિવરી આપીશ ને?'

આ પ્રકારનો વોટ્સએપ મેસેજ વેપારી કેટ મિકેલબોરો દ્વારા ખેડૂત ક્રિસ એક્ટરને કરવામાં આવ્યો. આ મેસેજ મળતાં જ ક્રિસ એક્ટરે તેના રીપ્લાયમાં 'થમ્બ્સ અપ'નું ઈમોજી મોકલાવી દીધું. એ જોઇને વેપારી મિકેલબોરો એકદમ નચિંત થઈ ગયો ને એણે ગ્રાહકો પાસેથી ધડાધડ આર્ડર લેવા માંડયા. દરમિયાન અળસીના ભાવ ફાટીને ધુમાડે ગયા, પણ વેપારી મોજમાં હતા, કેમ કે એમણે તો જૂના ભાવે સોદો કરેલો. પરંતુ હવે આ આખી વાતમાં વળાંક આવ્યો.  બન્યું એમ કે, ડિલિવરી આપવાની વેળા નજીક આવી ત્યાં સુધી ખેડૂત તરફથી માલ-બાલ આવ્યો નહીં. એટલે ઉચાટમાં વેપારીએ ખેડૂતને ફોન કરીને ધધડાવ્યો, તો પેલો કહે: 'કોન્ટ્રાક્ટ કેવો ને વાત કેવી?' આ સાંભળીને વેપારી ધૂંવાંપૂવાં થઈ ગયો.એ કંઈ સૂંઠને ગાંગડે ગાંધી નહોતો થયો, પણ પોતાના વિસ્તારમાં અનાજ-કરિયાણાનો પ્રતિતિ વેપારી હતો. એણે તો ખેડૂત પર કોર્ટમાં કેસ ઠોકી દીધો.

કોર્ટમાં સુનાવણી થઈ ત્યારે મિકલબેરોના વકીલે ધારદાર દલીલ કરી મી લોર્ડ, ખેડૂત ક્રિસે થમ્પ્સ અપનું ઈમોજી મોકલીને કાન્ટ્રાક્ટ સ્વીકાર્યો હતો એટલે એણે એ જૂનાભાવે સોદો પૂરો કરવો જોઈએ. ક્રિસના વકીલે સામી દલીલ કરી કે, મારા અસીલે થમ્બ્સ અપ મોકલ્યું એનો અર્થ એટલો જ હતો કે એને ટેક્સ્ટ મેસેજ મળી ગયો છે. જો કે પછી એ કામમાં વ્યસ્ત થઈ ગયો એટલે એને કાન્ટ્રાક્ટ વાંચવાનો સમય જ ન મળ્યો. આમાં કાન્ટ્રાક્ટ સ્વીકારવાની વાત જ ક્યાં છે? સામસામે આવી ઘણી દલીલ થયા પછી જસ્ટિસ ટિમોથી કેનીએ ચુકાદામાં લખ્યું : આ અદાલત એક ઈમોજીને બિનપરંપરાગત હસ્તાક્ષર તરીકે સ્વીકારે છે માટે ખેડૂત ક્રિસ એસ્ટરે કરિયાણાના વેપારી શ્રીમાન મિકલબેરોનો કાન્ટ્રાક્ટ થમ્બ્સ અપ વડે સહી કર્યો હોવાનું પુરવાર થાય છે. એણે કૉન્ટ્રાક્ટની શરતો પૂરી કરી નથી એ જોતાં અદાલત એને ૮૨,૦૦૦ કેનેડિયન ડાલર નુકસાની ચૂકવવાનો આદેશ કરે છે. 

ભારતીય ચલણ પ્રમાણે ક્રિસને એક થમ્બ્સ અપનું ઈમોજી અંદાજે રૂપિયા ૫૧ લાખ રૂપિયામાં પડયું....!

ધારો કે તમે ઓફિસમાં સખત બિઝી છો એ જ વખતે વોટ્સએપમાં  તમારા મિત્રનો મેસેજ છે કે એમની પુત્રીને અમેરિકાના સ્ટુડન્ટ વિઝા મળી ગયા છે અને એ આવતા મહિને ન્યૂયોર્ક જશે. સ્થિતિ એવી છે કે મિત્રને જવાબ આપવો, હરખ કરવો જરૂરી છે, પણ આ કામનો બોજ.. તમે વચલો રસ્તો કાઢો છો. ફોનમાંથી બે ચિત્ર શોધી જવાબ રૂપે મોકલી આપો છો: પહેલું, સ્મિત ફરકાવતો ચહેરો અને બીજું, થમ્બ્સઅપવાળો અંગૂઠો. વાત પૂરી.... તમને ખબર છે તમે શું મોકલ્યું, રાઈટ? ઈમોજી.  વર્ષ ૨૦૧૭માં ઈમોજીની વધતી લોકચાહનાને ધ્યાનમાં રાખી ૧૭ જુલાઈને 'વિશ્વ ઈમોજી દિવસ' જાહેર કરવામાં આવ્યો. 

વિશ્વમાં હાલ  લગભગ ૭૧૫૧ ભાષા ચલણમાં છે. ભારતની વાત કરીએ તો આપણે ત્યાં બાવીસ મુખ્ય ભાષા છે. અલબત્ત, શબ્દોની જગ્યા જ્યારે ચિત્રો લઈ લે ત્યારે સામેની વ્યક્તિ શું કહેવા માગે છે એ સમજવું સરળ બની જાય. આદિકાળમાં આવી ચિત્રલિપિનો ખાસ્સો ઉપયોગ થતો, જે હવે ઈમોજી સ્વરૂપે આપણા જીવનમાં પ્રવેશી છે. રોજિંદા જીવનમાં વપરાતી ભાષા. સ્માર્ટફોન પર મળેલો કોઈ સંદેશો વાંચી-જોઈને ખુશી થઈ, દુ:ખી થયા, કંઈ સમજાયું નહીં, ગુસ્સો આવ્યો, રડવું આવ્યું એ બધું લખવાને બદલે એક ઈમોજી મોકલી દો. વાત પૂરી...

માનવસંસ્કૃતિમાં ઈમોજીનો વપરાશ નવો નથી. પ્રાચીન કાળથી શબ્દોની જગ્યાએ ચિત્રો દોરીને પોતાના હાવભાવ રજૂ કરવાની પરંપરા રહી છે. ઈજિપ્શિયન, જપાનીઝ અને ચાઈનીઝ સંસ્કૃતિમાં આપણને એનાં ઉદાહરણ જોવા મળે છે. ઈજિપ્તમાં વપરાતી ચિત્રલિપિની મદદથી ઈજિપ્તનાં ઘણાં રહસ્ય ઉકેલવામાં મદદ પણ મળી છે.ભારતમાં પણ  સિંધુ સંસ્કૃતિમાં ચિત્રલિપિનો વપરાશ થતો હોવાના પુરાવા મળ્યા છે.  

ઈમોજી એ ઈ અને મોજી એમ બે જપાનીઝ શબ્દોનું મિશ્રણ છે, જેનો અર્થ અનુક્રમે ચિત્ર અને ચરિત્ર થાય છે.  ૧૮૬૨માં ઈમોજીનો પ્રથમ લેખિત વપરાશ સામે આવ્યો હતો. એ વખતે અબ્રાહમ લિંકને આપેલા એક ભાષણ વિશે ન્યુ યોર્કના એક સામયિકમાં લેખ છપાયો હતો, જેમાં લેખકે :) ચિહ્ન વાપરીને હસતા ચહેરાનો ભાવ રજૂ કર્યો હતો. ત્યાર પછી તો આવા ઈમોજીનો વપરાશ ઘણો જાણીતો બન્યો. જો કેઆજે જોવા મળતાં ઈમોજી કરતાં એ ઘણાં અલગ હતા. આજે આપણે જે ઈમોજી વાપરીએ છીએ એની શોધ ૧૯૯૧માં શિજીટાકા કુરિતા નામના એક જપાનીઝ ઈન્ટરફેસ ડિઝાઇનરે કરી એ પછી ૧૯૯૯માં એનટીટી ડોકોમોએ પોતાના સ્માર્ટફોન અને પેજરમાં ઈમોજીની સુવિધા આપવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં ડોકોમોએ પોતાના ફોનમાં ૧૭૬ ઈમોજી મૂક્યાં હતાં.

૨૦મી સદીના અંતમાં ઈમોજીનો ઉપયોગ શરૂ થઈ ગયો હતો, પણ એને પ્રસિદ્ધિ મળી ૨૦૧૧માં અપલ કંપનીએ પોતાના સ્માર્ટફોનમાં ઈમોજી આપવાનું શરૂ કર્યું ત્યારથી. ૨૦૧૩માં ઍન્ડ્રોઈડ પોતાની આપરેટિંગ સિસ્ટમમાં ઈમોજી આપવાનું શરૂ કર્યું. અત્યારે આપણે ૩૧૦૦થી પણ વધુ વિવિધ 

પ્રકારના ઈમોજીનો ઉપયોગ કરીએ છીએ. આ આંકડો દર વર્ષે વધે છે, કેમ કે યુનિકોડ દર વર્ષે નવાં ઈમોજી ઉમેરતું રહે છે. ડિજિટલ યુગમાં ઈમોજીના વપરાશને ધ્યાનમાં રાખીને ૨૦૧૮માં ઈંગ્લેન્ડની ઑક્સફર્ડ યુનિવર્સિટીએ ઈમોજીને ભાષાનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો કે એને સત્તાવાર માન્યતા મળી નહોતી. ઈમોજી પર કોઈની માલિકી નથી. દરેક કંપની પોતાના વપરાશ અનુસાર ઈમોજીનો ઉપયોગ અને એની માત્રામાં સુધારા-વધારા કરે છે.

ઈમોજી વિશે થયેલા એક સંશોધન અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ સામેવાળી વ્યક્તિએ મોકલેલું ઈમોજી જુએ છે ત્યારે એનું મગજ પેલી વ્યક્તિને રૂબરૂ મળીને પ્રતિક્રિયા આપી હોય એવું વિચારે છે. કયા ઈમોજીનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે તેના અંગે એક સર્વે હાથ ધરાયો હતો. જેમાં  ટિયર અઑફ જૉય  (હસતો ચેહરો) એ દુનિયામાં સૌથી વધુ વપરાતું ઈમોજી છે. આ સર્વેમાં નોંધ્યા મુજબ વિશ્વમાં પ્રતિ સેકન્ડે ૩૫ લાખથી  ઈમોજી મોકલવામાં આવે છે. માત્ર ફેસબુક મેસેન્જર પર જ રોજ કુલ પ૦૦ કરોડ ઈમોજી મોકલવામાં આવે છે. વોટ્સએપનો આંકડો તો એનાથી પણ ક્યાંય વધી જાય છે.

જેટલું  રસપ્રદ ઈમોજીનું  વિશ્વ છે એટલા જ ગૂંચવણભર્યા એના મતલબ છે.  અનેક દેશમાં કેટલીક ઈમોજીને ખરાબ ગણવામાં આવે છે. સાઉદી અરેબિયાની જ વાત કરવામાં આવે તો ત્યાં કોઇને રેડ હાર્ટ ઈમોજી મોકલવું તેને હરેસમેન્ટ ક્રાઇમ ગણવામાં આવે છે અને જેના કારણે રૂપિયા ૨૦ લાખ સુધીનો દંડ-બે વર્ષ કેદની પણ સજા થઇ શકે છે. મોજીના સાચા અર્થ સમજાવતી વેબસાઈટ પણ છે, જે ઈમોજીપીડિયા તરીકે ઓળખાય છે.  આ સિવાય ૨૦૧૭માં ડિઝની સ્ટુડિયોએ ઈમોજી અને એની દુનિયા વિશે મનોરંજક અંદાજમાં જાણકારી આપતી 'ધી ઈમોજી મૂવી' નામની એનિમેશન ફિલ્મ પણ બનાવી. ઈમોજીનો વપરાશ દિવસે દિવસે વધી રહ્યો છે, એ જોતાં આવનારા દિવસોમાં ઈમોજીને સત્તાવાર ભાષા તરીકેની ઓળખ મળી જાય તો નવાઈ નહીં. 


Google NewsGoogle News