Get The App

'ભોજનનો બગાડ કર્યો છે એટલે રૂપિયા 4500નો દંડ ચૂકવવો જ પડશે...!'

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
'ભોજનનો બગાડ કર્યો છે એટલે રૂપિયા 4500નો દંડ ચૂકવવો જ પડશે...!' 1 - image


- સેલિબ્રેશન-ચિંતન બુચ

- પ્રત્યેક ભારતીય દર વર્ષે સરેરાશ 55 કિલો અન્નનો બગાડ કરે છે : લગ્નમાં પંગત પ્રથા વખતે અન્નનો ખૂબ જ ઓછો બગાડ થતો 

- 16 ઓક્ટોબર

- વર્લ્ડ ફૂડ ડે

જ ર્મનીના હેમ્બર્ગમાં મારો પ્રથમ દિવસ હતો. મને આવકારવા માટે થોડા મહિના અગાઉ જ ભારતથી જર્મનીમાં સ્થાયી થયેલા મિત્રોએ રેસ્ટોરન્ટમાં એક વેલકમ પાર્ટીનું આયોજન કરેલું. રેસ્ટોરન્ટમાં ખૂબ જ મર્યાદિત લોકો હતા, જે પણ લોકો ભોજન લઇ રહ્યા હતા તેમની ડિશમાં માત્ર બે વાનગી જોવા મળી રહતી અને તે પણ મર્યાદિત માત્રામાં. વેઇટર અમારી પાસે આવ્યો એ સાથે જ અમે મેનુમાંથી જે પણ વાનગી જોવા મળી તેમાંથી ૫૦ ટકાથી વધુ વાનગીનો ઓર્ડર આપી દીધો. વાનગીઓ અમારી ડિશમાં પીરસાઇ અને અમે ભૂખ-ભાવવા અનુસાર તે ખાધી અને બાકીની છાંડી દીધી. અમે રેસ્ટોરન્ટમાંથી બહાર હજુ જઇ જ રહ્યા હતા ત્યાં તે રેસ્ટોરન્ટનો મેનેજરે અમે છાંડેલા ભોજન સામે નારાજગી વ્યક્ત કરી. અમે તેને સામે જવાબ આપ્યો કે, 'અમે તમને ભોજનના નાણા ચૂકવી દીધા છે અને હવે અમે તે પૂરેપૂરું ખાઇએ કે છાંડીએ તે અમારી મરજી છે. ' મેનેજરે તુરંત જ થોડે દૂર જઇને એક ફોન કર્યો. થોડી જ વારમાં યુનિફોર્મમાં એક અધિકારી આવી પહોંચ્યો, તે સોશિયલ સિક્યુરિટી ઓર્ગેનાઇઝેશનમાંથી હતો. તેણે પહેલા અમારા છાંડેલા ભોજન પર નજર કરી અને પછી તુરંત ૫૦ યુરો (અંદાજે રૂ. ૪૬૦૦)નો દંડ ફટકારી દીધો. જતાં-જતાં તે અધિકારીએ અમને કહ્યું, 'તમે આ દેશમાં નવા છો એટલે સલાહ આપું છું. જેટલું ખાઇ શકો એટલો જ ઓર્ડર આપો. ભોજન માટે તમે જે ચૂકવો છો તે નાણા બેશક તમારા છે પણ સંસાધનો સમાજના છે. વિશ્વમાં અનેક લોકો છે જેમની પાસે અપૂરતા સંસાધનો છે. દેશના સંસાધનો વેડફવાનો તમને કોઇ જ અધિકાર નથી. ' 

સોશિયલ મીડિયામાં થોડા સમય અગાઉ વાયરલ થયેલી એક પોસ્ટના આ અંશ છે. રોટી, કપડાં અને મકાન એ માણસની પાયાની જરૂરિયાત છે. માણસને ભૂખ લાગે એટલે એને બીજું કશું જ સૂઝતું નથી. એ ભૂખ્યો હોય અથવા એનું કુટુંબ ભૂખ્યું બેઠું હોય તો પેટનો ખાડો પુરવા એ ગમે તે હદ સુધી જઇ શકે છે. એટલા માટે જ કહેવાયું છે કે 'બુભુક્ષીતમ કીમ ન કરોતિ પાપમ' એટલે કેસ ભૂખ્યો માણસ કોઈ પણ પાપ કરી શકે છે. પરંતુ થાળીમાંથી ભોજન છાંડવું તે પણ કોઇ પાપથી કમ તો નથી જ. 'સુરરર...સુરરર.. એવા સબડકા મારી અને દાળ-કઢી પીએ નહીં તો તો આપણો જનમારો લાજે, એવું આપણું  દ્રઢપણે માનવું છે. અને હા, ખાધા પછી પડતું મૂકવું-છાંડવું એ પણ આપણને બહુ ગમે. ખાધેપીધે સુખી માણસો તો થોડું પડતું મૂકે જ. ભુખ્ખડ માણસો જ થાળી સફાચટ કરે.'  આવી આપણી વિચારસરણી છે.

ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન ખેતરમાંથી પાકીને તૈયાર થયેલું અનાજ નાની દુકાનો સુધી પહોંચે અને આ પ્રક્રિયા દરમિયાન અનાજનો જે બગાડ કે વ્યય થાય છે તેના માટે 'ફૂડ લોસ' જેવા શબ્દનો ઉપયોગ કરે છે જ્યારે ડાઇનિંગ ટેબલ કે પ્લેટમાંથી ફેંકી દેતાના અનાજ માટે 'ફૂડ વેસ્ટેજ' જેવો શબ્દ વાપરે છે. સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૧ લાખ કરોડ યુએસ ડોલરના મૂલ્યના ૧.૩ અબજ ટન જેટલા અન્નનો બગાડ થાય છે. અધૂરામાં પૂરું આ બગાડ ૮ થી ૧૦ ટકા જેટલો ગ્રીનહાઉસ ગેસ છોડીને પર્યાવરણને પણ નુકસાન પહોંચાડે છે. 

દર વર્ષે ઘર-ઘરાઉ સ્તરે અન્નના સૌથી વધુ બગાડમાં ચીન મોખરે, ભારત ૭.૮૧ કરોડ ટન સાથે બીજા, અમેરિકા ૨.૪૭ કરોડ સાથે ત્રીજા સ્થાને છે. આમ, ભારતીયો માથા દીઠ દર વર્ષે ૫૫ કિલો અન્નનો બગાડ કરે છે.    પોપ ફ્રાન્સિસનું ચોટદાર વિધાન છે  કે 'અન્નને ફેંકી દેવુ એટલે તમે કોઇ ભૂખ્યા કે ગરીબના ભોજનના ટેબલ ઉપરથી અન્નની ચોરી કરી રહ્યા છો.' ભારતમાં ભોજનનો સૌથી વધુ બગાડ લગ્ન પ્રસંગમાં જ થાય છે. ૩ દિવસના લગ્નમાં સરેરાશ ૭૦૦ થી ૮૦૦ કિલો ભીનો કચરો અને ૧૫૦૦ કિલો સૂકો કચરો ઉત્પન્ન થાય છે. લગ્નમાં જે ભોજન પીરસવામાં આવે છે તેમાંથી પ્રતિ થાળીએ ૨૦ ટકા ભોજનને ફેંકી દેવામાં આવે છે. થોડા વર્ષ અગાઉ યુનિવસટિ ઓફ એગ્રિકલ્ચર સાયન્સના સંશોધકોએ છ મહિનાના સમયગાળા દરમિયાન લગ્નસરાની સીઝનમાં શહેરના કુલ ૫૩૧ પૈકી ૭૫ મેરેજ હોલનો સર્વે હાથ ધર્યો હતો જેમાં જાણવા મળ્યું હતું કે ૯૪૩ ટન જેટના અન્નનો સંપૂર્ણ રીતે બગાડ થયો હતો અને તેની કિંમત થતી હતી રૂ. ૩૭૦ કરોડ !

લગ્નમાં જેમ-જેમ દેખાડો વધતો ગયો તેમ-તેમ ભોજનના બગાડનું  પ્રમાણ પણ વધતું ગયું છે. આજથી દાયકાઓ અગાઉ બૂફે નહીં પણ પંગતમાં જમણનું ચલણ હતું ત્યારે ભોજનનો બગાડ પણ ખૂબ જ ઓછો થતો. પંગતમાં જમણ કેવું હોય તે આજની 'જનરેશન ઝેડ' પેઢી એટલે કે વર્ષ ૨૦૦૦ પછી જન્મેલાને ખ્યાલ પણ નહીં હોય. અલબત્ત, પહેલાના મેનુ અને અત્યારના મેનુંમાં ઘણો તફાવત છે. આજે ૩૨ પ્રકારના ભોજનીયા હોય છે પણ પહેલા આવું ન હતું. લાડવા મહત્વની મીઠાઇ ગણાતી તેમાં બરફી કે મોહનથાળ ઉમેરાયા હતાં. ત્રણ-ચાર જણા પંગત ઉપર સતત નજર રાખે અને ઘટતું કરતું ત્યાં જ ઇશારાથી મેનેજ થઇ જાય. આઇટમ લઇ જનારાને જેવું ખાલી થાય કે તુરંત જ ભરેલો થાળ આપી દેવાય.

 જેટલી આઇટમો હોય તેટલા પીરસણીયા હોય જેની સામે એટલા જ વસ્તુ ભરવાવાળા પણ હોય. એક ટીમ રસોડામાં કાર્યરત હોય શું વધ-ઘટ છે. તેની ચકાસણી કરતાં રહેતા હોય. જમણમાં બધાને ગરમ વસ્તું જ મળતીને આગ્રહ પણ રખાતો. પીરસણીયા વાકા વળીને લાંબી પંગતને પીરસે તોય થાકતા નહીં.  પીરસણિયા પણ ખુબ તકેદારી રાખતા. જમણની કોઇપણ આઇટમને પતરાળામાં મૂકતા પહેલાં મહેમાનને પૂછી લેતાં કે તેમને જોઇએ છે કે નહીં?જેની સાથે  પરોક્ષ રીતે તેઓ ભોજનનો બગાડ ના થાય તેની વિશેષ કાળજી લેતાં હતા. જે લોકો ભોજન સમારંભમાં હાજર રહી શક્યા ના હોય તેઓની ભાણું ભરીને તેમના ઘરે મોકલી આપવામાં આવતું, અને બાકી રહેતી રસોઇ બહારગામ રહેતા મહેમાનો માટે પેક કરીને મોકલવામાં આવતી, અને છેલ્લે જે કાંઇ બચે તે ઘરના સભ્યો આગામી બે-ત્રણ દિવસમાં ખાઇ જતાં. આ પદ્ધતિના કારણે ભાગ્યે જ અન્નનો બગાડ થતો હતો.

ચીન, સાઉથ કોરિયા, જર્મની, ફ્રાન્સ જેવા દેશમાં ભોજનનો બગાડ કરનારા સામે તોતિંગ દંડ વસૂલવામાં આવે છે. આપણે ત્યાં જે રીતે અન્નનો બગાડ થઇ રહ્યો છે એ જોતાં આપણે પણ તેનું અનુકરણ કરવાનો સમય આવી ગયો છે...


Google NewsGoogle News