15 ઓગસ્ટ 1947ની એ ઐતિહાસિક સવારે....
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- 15 ઓગસ્ટ
- સ્વતંત્રતા દિવસ
- ગાંધીજીએ કહેલું, 'સત્તાથી ચેતજો. સત્તા ભ્રષ્ટ બનાવે છે.તેની કૃત્રિમ સુંદરતાના મોહમાં નહીં પડી જતા
૧૪ ઓગસ્ટ ૧૯૪૭ની સાંજ. જવાહર લાલ નહેરુ દિલ્હી ખાતે પોતાના ૧૭ યોર્ક રોડ સ્થિત ઘરમાં એ ભાષણની અંતિમ ઓપ આપી રહ્યા હતા, જેનું તેઓને થોડા જ કલાકો બાદ દેશ સમક્ષ સંબોધન કરવાનું હતું. અચાનક જ ફોનની એક રિંગ વાગે છે, તે લાહોરથી આવેલો ટ્રન્ક કોલ હતો. જેમાં ફોનના બીજા છેડેથી વ્યક્તિએ જે વાત કરી તેને સાંભળીને નહેરુ થોડી ક્ષણો સુધી સુન્ન પડી ગયા. ફોનનું રિસિવર મૂકીને તેઓ કપાળે હાથ રાખીને ચિંતામાં સરી પડયા. પિતાને આટલી ચિંતામાં જોઇને પુત્રી ઈન્દિરાએ તેનું કારણ પૂછયું તો તેમણે કહ્યું કે, 'લાહોરમાં નવા વહીવટી તંત્રે હિન્દુ અને શીખ વિસ્તારની પાણીની પાઇપલાઇન કાપી દીધી છે. બાળકો -વૃદ્ધો દરેક પાણીના એક-એક ટીપાં માટે વલખી રહ્યા છે. જે પણ વ્યક્તિ પાણી લેવા માટે બહાર જાય તેમની હત્યા કરી દેવામાં આવી રહી છે. આ સ્થિતિમાં હું કઇ રીતે દેશને સંબોધી શકું? મારા હૃદયના ટૂકડા સમાન લાહોર સળગી રહ્યું હોય ત્યારે દેશની આઝાદીથી હું ખુશ છું તેમ કેવી રીતે કહી શકાય? ' આ પછી ઈન્દિરાએ પોતાના પિતાને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો. થોડા કલાકોમાં નહેરુએ પોતાને સ્વસ્થ કર્યા અને રાતના ૧૧ : ૫૫ કલાકે સંસદના સેન્ટ્રલ હોલમાં ભાષણ આપવાનું શરૂ કર્યું, જેને ઈતિહાસમાં 'ટ્રિસ્ટ વિધ ડેસ્ટિની' તરીકે ઓળખવામાં આવે છે. રાતે ૧૨નો ટકોરો વાગતાં જ શંખનાદ થયો. નહેરુ સહિત સંસદના સેન્ટ્રલ હોલમાં ઉપસ્થિત દરેકની આંખમાં આંસું હતા. 'મહાત્મા ગાંધીની જય', 'ભારત માતા કી જય...', 'વંદે માતરમ્...'ના નાદથી સમગ્ર સંસદ પરિસર ગૂંજી ઉઠયું હતું. બીજા દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિની ઉજવણી થવાની હતી. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના દેશમાં માહોલ કેવો હતો તેનો આંખે દેખ્યો અહેવાલ ડોમિનિક લાપિએર, લૈરિ કોલિન્સે તેમના પુસ્તક 'ફ્રીડમ એટ મિડનાઇટ'માં કરેલો છે. હવેની વાત તેમના શબ્દોમા...
ઈન્ડિયા ગેટમાં સ્વતંત્રતાની ઉજવણીનો જે કાર્યક્રમ થવાનો હતો તેની રણનીતિ લોર્ડ માઉન્ટબેટનના સલાહકારો દ્વારા બનાવાઇ હતી. અંગ્રેજોના શાસનના કાર્યકાળ દરમિયાન થયેલા કાર્યક્રમોના અનુભવને આધારે તેમનું એવું અનુમાન હતું કે ૧૫ ઓગસ્ટના સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે વધુમાં વધુ ૩૦ હજાર લોકો એકત્ર થશે.પરંતુ તેમના અનુમાનમાં કેટલાક હજારનો નહીં પાંચ લાખથી વધુનો ફક પડયો હતો. દિલ્હીમાં આ અગાઉ ક્યારેય એક જ સ્થળે આટલી મોટી ભીડ જોવા મળી નહોતી. સાંજે ચાર વાગતાં જ માઉન્ટબેટનની પુત્રી પામેલા પોતાના સ્ટાફ સાથે ઈન્ડિયા ગેટ પહોંચી. સ્વતંત્રાની ઉજવણી માટે જે મંચ તૈયાર કરાયો હતો તેની પાસે પગ જ નહીં તલનો દાણો મૂકવાની પણ જગ્યા નહોતી. આ જનસાગરને ઓળંગીને મંચ સુધી પહોંચવું તેની ગડમથલમાં પામેલા હતી. મંચ પર બેઠેલા જવાહરલાલ નહેરુ તેની આ મૂંઝવણ સમજી ગયા અને તેમણે ઈશારા દ્વારા પામેલાને કહ્યું કે, 'લોકો ઉપર પગ મૂકીને આવતી રહે...' પામેલાએ તેના સેન્ડલ તરફ આંગળી ચીંધીને કહ્યું કે, 'હિલ વાળા સેન્ડલ પહેરેલા છે, લોકો પર પગ મૂકીને આવીશ તો તેમને વાગશે.' નહેરુએ સેન્ડલ ઉતારીને મંચ ઉપર આવી જવા તેને આગ્રહ કર્યો. અંતિમ વાઇસરોયની પુત્રી પામેલા જ્યારે મંચ પર પહોંચી ત્યારે તેને એ દ્રશ્ય જોવા મળ્યું જેને તે કદી ભૂલી શક્યા નહીં. મંચમાંથી છેક સુધી જનસાગર જ જોવા મળી રહ્યો હતો. અનેક મહિલાઓ પોતાના નાના બાળકોને હવામાં ઉછાળીને જશ્ન મનાવી રહી હતી. જાણે તેઓ એ વાતનો આનંદ લઇ રહ્યા હોય કે હવે તેમના સંતાનો આઝાદ ભારતમાં શ્વાસ લેશે. સ્થિતિ એવી સર્જાઈ કે માઉન્ટબેટનના બોડીગાર્ડ બગ્ગીના દરવાજા ખોલી શકતા નહોતા. બગ્ગીમાં બેઠેલા માઉન્ટબેટન સમજી ગયા હતા કે મંચ પર સુધી પહોચવું તેમના માટે અશક્ય છે. તેમણે નહેરુને બૂમ પાડીને કહ્યું કે, 'ધ્વજ લહેરાવી જ દ્યો. બૈન્ડવાજા વાળાની પણ રાહ જોવાની જરૂર નથી, આ ભીડમાં તેમના માટે પણ મંચ સુધી નહીં જ પહોંચી શકાય...' માઉન્ટબેટનની આ વાત સાંભળતાં જ નહેરુએ તિરંગો લહેરાવી દીધો. જેવો તિરંગો લહેરાયો એ સાથે જ આકાશમાં એક મેઘધનુષ જોવા મળ્યું. આ ઘટના અંગે ડોમિનિક લાપિએરે લખ્યું કે, 'ભારતીયોમાં માન્યતા છે કે વ્યક્તિના ભાગ્યનો નિર્ણય ગ્રહ-નક્ષત્રને આધારે થાય છે. તેમના માટે તિરંગો પ્રથમ વખત દેશ સમક્ષ લહેરાયો ત્યારે ઈન્દ્ર ધનુષ જોવા મળવું તે ઈશ્વરના આશીર્વાદ સમાન સંકેત છે. '
સમગ્ર દેશ જ્યારે આઝાદીની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે મહાત્મા ગાંધી કલકતામાં હતા. તેઓ પાંચ દિવસ પહેલા જ કલકતા પહોંચ્યા હતા. તેમણે કલકતમાં પગ મૂક્યો એ સાથે જ તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયા હતા. વિરોધની પરવા કર્યા વિના તેઓ લોકોને શાંતિપૂર્વક મળ્યા હતા. તેમને આવકારવા માટે આવેલા નેતાઓને ગાંધીજીએ કહ્યું , 'આજથી તમારે કાંટાળો તાજ પહેરવાનો છે. સત્ય અને અહિંસાને પ્રોત્સાહન આપવાનો સતત પ્રયાસ કરતા રહો. વિનમ્રતા-ધીરજ રાખજો. બ્રિટિશ રાજે તમારી ખૂબ જ કસોટી લીધી છે, તેમાં બેમત નથી. પરંતુ આગળ પણ આવી જ કસોટીમાંથી પસાર થતાં જ રહેવું પડશે. સત્તાથી ચેતજો. સત્તા ભ્રષ્ટ બનાવે છે. તેની કૃત્રિમ સુંદરતાના મોહમાં નહીં પડી જતા. યાદ રાખજો કે, ભારતના ગામડાના ગરીબ લોકોની સેવા કરી શકો માટે તમને સત્તા મળી છે. ઈશ્વર તમારી સહાય કરે.'
બીજી બાજુ સમગ્ર ગુજરાતના નાના-મોટા ગામડાઓ, નગરો તેમજ મહાનગરોમાં લોકોએ ઘણા દિવસ પૂર્વેથી જ કમાનો, તોરણો, ઝંડાઓ, મંડપ, મોટા દરવાજાઓ, રાષ્ટ્રીય નેતાઓની મોટા કદની છબીઓ, રંગબેરંગી લાઇટોથી મુખ્ય ઇમારતો વગેરેને શણગારવાનું શરૂ કર્યું હતું. સોસાયટીઓ, મોહલ્લાઓ, પોળો, ગલીઓ, શેરી કે મુખ્ય માર્ગો ઘણા દિવસથી રોશની કે દીપમાળાથી ઝળહળી ઉઠયા હતા. બજારોના વેપારીઓ કે તેમના મંડળોએ સુશોભનની સ્પર્ધાઓ શરુ કરી હતી. આઝાદીની ઉજવણી જુદા-જુદા મહાજનો, એસોસિએશનો, મંડળો વગેરેએ પોતાને ત્યાં કામ કરતા કર્મચારીઓ, મજુરો કે ગુમાસ્તાઓને
આખો કે અડધો પગાર 'આઝાદી બોનસ' તરીકે આપવાના સર્વાનુમતે ઠરાવો કર્યા હતા. અમદાવાદ તો જાણે પ્રકાશની પાંખો પર ઉડતું હોય તેમ લાગતું હતું. સમગ્ર શહેર રોશની અને દીપમાળાઓથી ઝળહળી રહ્યું હતું. રાતના ગાંધી રોડનો ઝગમગાટ સૌની આંખોને ચકિત કરી દે તેવો હતો. પાનકોરનાકા, ત્રણ દરવાજા, કારંજ અને ભદ્ર સુધી એક સરખી દીપમાળાઓ અને રોશની કરવામાં આવી હતી. એજ રીતે પાનકોરનાકાથી શરૂ કરીને સમગ્ર ગાંધી રોડને રોશનીથી શણગારવામાં આવ્યો હતો. ભદ્રના કિલ્લાનો શણગાર સર્વથી જુદો તરી આવતો હતો. ટાવર ઘડિયાળ પાસે સાબરમતીના સંતની સાતેક ફૂટની પ્રતિમાં દૂર દૂરથી દેખાતી હતી.લાલ દરવાજાના મેદાનમાં ભવ્ય ગગનચૂંબી તિરંગો ઝંડો રોપવામાં આવ્યો હતો અને તેની આસપાસ લગભગ ૧ લાખ ઉપરાંત જંગી માનવમેદની જમા થઇ હતી. ધ્વજની આસપાસ ગણવેશધારી સેવાદળના લગભગ ૩,૦૦૦ સ્વયંસેવકો ઉભા હતા. એમની પાછળ શહેર સમિતિના સભ્યો, મ્યુ.સભ્યો, વોર્ડોના આગેવાનો, અગ્રણી નાગરિકો, સરકારી અધિકારીઓ, મ્યુનિસિપાલિટીના પ્રમુખ મણિલાલ ચતુરભાઈ શાહ, જિલ્લા કલેક્ટર ડમરી વગેરે હાજર રહ્યા હતા. એમની બરોબર સામે ધ્વજને સલામી આપવા માટે હથિયારબંધ પોલીસ, સાદા ગણવેશધારી પોલીસ, હોમગાર્ડસના જવાનો તેમજ આઝાદ હિંદ ફોજના સૈનિકો ઉભા હતા. બરોબર સાડા આઠ વાગે ધ્વજવંદનના મુકરર કરાયેલા સમયે વ્હિસલ વાગી હતી. ૧ લાખ હાથો એકસાથે ઉંચા થયા હતા. તમામ હાથોએ રાષ્ટ્રીય ધ્વજને આઝાદ હિંદ ફોજની જેમ સલામી આપી હતી. 'વંદે માતરમ્' અને 'ઝંડા ગીત' બાદ વિશાળ ચોગનમાં વિરાટ માનવમેદની વચ્ચે શહેર સમિતિના પ્રમુખ ગુલામરસુલ કુરેશીએ લોકોમ્પ્રચંડ હર્ષનાદ અને બેન્ડની સલામી વચ્ચે ઝંડો ફરકાવ્યો હતો.
રાષ્ટ્રીય ધ્વજને ફરકાવ્યા બાદ બાદ ગુલામરસુલ કુરેશીએ કહ્યું કે, 'આજનો દિવસ મંગળમય છે. આ મંગળમય દિવસે આવેલી આઝાદી સૌનું મંગળ કરો. આજનો દિવસ ઐતિહાસિક છે. હજારો વર્ષો પછી આપણે આ દિવસ જોયો છે. આજ સુધી આપણા પર કોઇ રાજા, બાદશાહો કે અંગ્રેજોનું રાજ્ય હતું. એ તમામનો આજે અંત આવે છે અને એના સ્થાને પ્રજાના રાજ્યનો ઉદય થાય છે. હિંદુસ્તાનમાં વસનારો હર કોઇ માનવી પછી તે હિંદુ, મુસ્લિમ, પારસી કે કોઇ પણ કોમનો હોય પરંતુ હવે પછી આ ઝંડો એ એની ઇજ્જત અને શાન બની રહેવો જોઇએ. દરેકે આ ઝંડાને વંદના કરવી જોઇએ એટલું જ નહીં પણ આ ઝંડાને વફાદાર રહેવું જોઇએ અને એનું રક્ષણ કરવું જોઇએ. આ ઝંડાને વફાદાર નહીં રહેનાર હવે પછી બેવફા અને દ્રોહી ગણાશે...'