બાળવાર્તા : ખંડહર કહ રહા હૈ ઈમારત કભી બુલંદ થી...
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- કહાં ગયે વો લોગ : મિયાં ફૂસકી, તભા ભટ્ટ, બકોર પટેલ, ચાચા ચૌધરી....
- 14 નવેમ્બર
- બાળ દિવસ
ખદુક, ઘોડા, ખદુક !
ઘોડો મારો સાતપાંખાળો ઊડતો ચાલે કેવો,
કેડી નહિ ત્યાં કેડી પાડે જળજંગલમાં એવો !
એક કહેતામાં અમદાવાદ ને બે કહેતામાં બમ્બઈ,
ત્રણ કહેતામાં ઘેરે પાછો આવે ખબરું લઈ !
માગે એ ના ખાવું પીવું, માગે એ ના ચારો,
હુકમ કરો ને કરો સવારી, પળનો નહીં ઉધારો !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !
- રમણલાલ સોની
***
બા, મને ચપટી વગાડતાં આવડી ગઈ.
મારી ચપટી વાગે છે પટ પટ પટ,
જાણે ફૂટે બંદૂકડી ફટ ફટ ફટ,
પેલી બિલ્લી ભાગે છે ઝટ ઝટ ઝટ.
બા, મને બિલ્લી ભગાડતાં આવડી ગઈ.
***
હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠાં,
લેસન પડતું મૂકી ફિલમ ફિલમ રમવા બેઠાં.
મમ્મી પાસે દોરી માંગી, પપ્પાની લઈ લૂંગી ,
પરદો બાંધી અમે બનાવી ફિલમ મૂંગી મૂંગી...
-રમેશ પારેખ
***
વારતા રે વારતા
ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા,
છોકરાવ સમજાવતા,
એક છોકરો રિસાયો,
કોઠી પાછળ ભીંસાયો,
કોઠી પડી આડી,
છોકરાએ ચીસ પાડી,
અરરર... માડી
-અજ્ઞાત
આ પંક્તિઓ ક્યારેકને ક્યારેક વાંચી કે ગણગણી તો હશે જ (બશર્તે તમે વર્ષ ૨ હજાર પછી જન્મેલા એટલે કે 'જેન ઝેડ'ના હોવ.). ઉત્તમ બાળ સાહિત્ય સમસ્ત બાળપ્રજાની અને તેના લીધે સમગ્ર દેશની ઉન્નતિનું બાળસાધન છે. બાળસાહિત્ય લખવા માટે બાળકના માનસમાં પ્રવેશવું પડે છે અને તે કામ મોટી પ્રતિભા માંગી લે છે. મહાન લેખક ટોલ્સ્ટોય પણ કહે છે કે, 'મોટી નવલકથા લખવી સહેલી હશે પણ પરીકથા કે હાલરડું લખવું અઘરું છે. 'બાળ સાહિત્યનું સર્જન એ કારણે અઘરું છે કે એનો ભાવક બાળક છે અને સર્જક પ્રૌઢ છે. બાળકમાં આદિ માનવનું કુતૂહલ અને કલ્પના હોય છે. લેખકની પાસે આદિ કલ્પનાનું જેટલું ભાથું હશે તેટલી સારી બાળવાર્તા તે લખી શકશે. ગુજરાતી બાળ સાહિત્યનો પ્રારંભ ઓગણીસમી સદીના ત્રીજા દાયકાથી ગણી શકાય જ્યારે લગભગ સમગ્ર ગુજરાત પર અંગ્રેજ સત્તાનું આધિપત્ય પ્રસર્યું અને આધુનિક શિક્ષણની શરૂઆત થઈ.
શરૂઆતમાં તો ઘણું અંગ્રેજી પાઠય પુસ્તકોમાંથી અનુવાદરૂપે બહાર આવ્યું, પરંતુ બહુ જલદીથી તળપદ સાહિત્યનું પ્રમાણ વધવા લાગ્યું. ગુજરાતી બાળસાહિત્યની પ્રથમ પેઢીના લેખકોએ આપણા સાંસ્કૃતિક ગ્રંથો 'રામાયણ' અને 'મહાભારત' તેમ જ 'પંચતંત્ર', 'હિતોપદેશ' જેવા અન્ય પ્રાચીન ંગ્રંથોમાંથી વિષયવસ્તુ લઈને ગુજરાતી બાળસાહિત્યનો પાયો નાખ્યો. ચાળીશીના દાયકાની શરૂઆતમાં બે લેખકોએ 'ગાંડીવ' નામના બાળ માસિકથથી ગુજરાતી બાળ સાહિત્યનાં નવાં આગવાં પાત્રોનું સર્જન કર્યું. આ બે લેખક પૈકીના એક હતા હરિપ્રસાદ વ્યાસ, જેમણે બકોર પટેલ નામના બકરાને કેન્દ્રસ્થ પાત્ર બનાવીને સમૂજી સમાજ કથાઓ રચવા માંડી. બકરા ઉપરાંત ગાય, વાનર, હાથી, ઊંટ વગેરે પ્રાણીઓને ખાસ નામ આપીને પાત્રો સર્જયા. ગુજરાતી બાળવાચકોને હરિપ્રસાદ વ્યાસની આ વાર્તાઓ એટલી ગમી કે બકોર પટેલ વગેરે પાત્રોની વાર્તાઓના ૩૬ જેટલાં પુસ્તકો પ્રગટ થયાં.આજ 'ગાંડીવ'થી જેમની શરૂઆત થઈ એવાં બે પાત્રો મિયાં ફુસકી અને તભા ભટ્ટ છે, જેમની વાર્તા લખનાર જીવરામ જોષી હતા.મિયાં ફુસકી અને તભા ભટ્ટ બન્ને સતત લડતા-ઝઘડતા રહે છતાં એમની અતૂટ મૈત્રીની આ કથાઓ સાવ સ્વયંભૂ રીતે એકતાની કથાઓ બની ગઈ.૧૯૫૨માં બાળકોનું આગવું સાપ્તાહિક 'ઝગમગ' શરૂ થયું અને એનો ફેલાવો ચાળીસ-પચાસ હજારે પહોંચી ગયો. મિયાં ફુસકી અને તભા ભટ્ટની વાર્તાઓ અહીં પાંચ વર્ષ એટલે લગભગ ૨૫૦ અઠવાડિયા સુધી છપાતી રહી.આ દરમિયાન જ જીવરામ જોષીએ છેલ અને છબો, અડુકિયો અને દડુકિયો જેવાં પાત્રો પણ સર્જ્યા, જે પોતાના સમયમાં બાળકોને ખૂબ ગમ્યાં.
'ઝગમગ'ની સફળતા જોઇને ગુજરાતીમાં પાંચ જેટલા બાળ સાપ્તાહિક પ્રગટ થવા લાગ્યા. અનેક નવી નવી કલમો બાળ સાહિત્યકારો અને પાત્રો સાથે વાંચકોનો ભેંટો થવા લાગ્યો. હરીશ નાયકનાં નાનેરા પાત્રો ટિંગુ અને પિંગુ છે. એમણે ગ્રીક કથાનાયક હરક્યુલિસની વાર્તાઓ પણ આપી. યશવંત મહેતાએ સાહસકથાઓ માટે કુમાર, કેતુ અને માયાનું સર્જન કર્યું.બાળસાહિત્યકાર રમણલાલ સોનીનો ગલબો શિયાળના પાત્રો પણ અમર બની ગયા હતા. બાળકો માટે ખૂબ લખનાર એક લેખક ધનંજય રમણલાલ શાહ હતા.એમણે અંગ્રેજી કૉમિક લૉરેલ અને હાર્ડીની કથાઓને આધારે સોટી અને પોઠીના પાત્રોનું સર્જન કર્યું હતું.ગુજરાતી બાળસાહિત્યમાં શૂન્યમાંથી સર્જન કરનાર સર્જક એટલે ગિજુભાઈ બધેકા. જયારે ગુજરાતી સાહિત્યમાં પાંડિત્યભર્યું સાહિત્ય રચાઈ રહ્યું હતું, ત્યાં બાળકો માટે સાહિત્ય કે કશુંક કરવાનું કરવાનો તો વિચાર પણ કોને આવે! આવા સમયે ગિજુભાઈએ એકલપંડે ૨૦૦ જેટલા પુસ્તકો બાળકો માટે લખ્યા.'દિવાસ્વપ્ન' ગિજુભાઈનું
શ્રેષ્ઠ સાહિત્યિક પ્રદાન છે.૧૯૨૧થી ૧૯૪૦ સુધીનો બીજો તબક્કો ગુજરાતી બાલસાહિત્યનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. 'દક્ષિણામૂર્તિ', 'ગાંડીવ', 'બાલજીવન' અને 'બાલવિનોદ' જેવી સંસ્થાઓ દ્વારા ગિજુભાઈ, તારાબહેન, જુગતરામ દવે, નટવરલાલ માળવી, હરિપ્રસાદ વ્યાસ, રમણલાલ ના. શાહ, નાગરદાસ ઈ. પટેલ, હંસાબહેન મહેતા, કેશવપ્રસાદ છો. દેસાઈ, ચંદ્રશંકર મ. ભટ્ટ, મનુભાઈ જોધાણી, ભીખાભાઈ વ્યાસ, વસંત નાયક, 'સુન્દરમ્', ત્રિભુવન વ્યાસ, રમણલાલ સોની, જીવરામ જોષી, ધનંજય શાહ, પ્રાગજી ડોસા, ધીરજલાલ ટો. શાહ, પુરાતન બૂચ, શારદાપ્રસાદ વર્મા, દિનુભાઈ જોશી જેવા કવિઓ-લેખકોએ પણ બાલસાહિત્યનાં જુદાં જુદાં સ્વરૂપોને સમૃદ્ધ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું.
૧૯૯૦ના દાયકા સુધી ફૂલવાડી, ચંપક, ચક્રમ, નિરંજન, ચાંદામામા જેવા સામાયિકોએ પણ બાળકોના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવી. બાળ સાહિત્યમાં હિન્દી કોમિક્સે પણ એક સમયે ઘેલું લગાડેલું. જેમાં ચાચા ચૌધરી-સાબુ, સુપન્ડી, રમણ, નાગરાજ, પિંકી, ડોગાનો સમાવેશ થાય છે.
કથાઓ સચોટ કે સાચી ન હોય એવું બની શકે છે. શ્રોતાઓ શું સાંભળે છે તેના પર બધો આધાર છે. મ્યુરિસ રુકૈસર કહે છે કે, 'બ્રહ્માંડ કથાઓથી બનેલું છે, અણૂઓથી નહીં.' બાળ સાહિત્ય માટે ૧૯૪૦નો દાયકો સુવર્ણ સમય હતો તો વર્તમાન સમય અંધકારભર્યો છે. આજે બાળ સાહિત્ય તો દૂરની વાત છે કોઇ બાળકના હાથમાં મોબાઇલના સ્થાને પુસ્તક જોવા મળે તો પણ બે ઘડી આશ્ચર્ય જ થાય. બાળ સાહિત્યમાં ફરી પ્રાણ પૂરવાની જવાબદારી માતા-પિતા અને શિક્ષકોની પણ બની જાય છે. બાળ સાહિત્ય દ્વારા બાળકોની કલ્પનાના દ્વાર તો ખૂલશે જ તેની સાથે મોબાઇલ સ્ક્રીનની બહારની દૂનિયા સાથે કલ્પનાના વિશ્વમાં તાદાત્મય કેળવી શકશે. નાનું બાળક રડી રહ્યું હોય ત્યારે તેને મોબાઇલ પકડાવી દેવાને બદલે બાળ વાર્તા કહી નવા વિશ્વમાં લઇ જવામાં આવે તો તેની કલ્પનાશક્તિ પણ વિકસશે. ગુજરાતી બાળ સાહિત્યના અમર પાત્રો, મહત્વનું યોગદાન આપી ચૂકેલા લેખકોની માહિતી આપતું એક મ્યુઝિયમ અને તેમાં એક બાળકો માટે આ પુસ્તકો વાંચવાની અલાયદી વ્યવસ્થા હોય તેવું મ્યુઝિયમ પણ બનાવી શકાય. ૧૪ નવેમ્બરે બાળ દિવસ છે ત્યારે તેની ઉજવણી બાળ સાહિત્ય દ્વારા કરીએ તો કેવું રહેશે