એક દીકરીના પિતા પ્રત્યેના પ્રેમથી થઇ 'ફાધર્સ ડે'ની શરૂઆત

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
એક દીકરીના પિતા પ્રત્યેના પ્રેમથી થઇ 'ફાધર્સ ડે'ની શરૂઆત 1 - image


- સેલિબ્રેશન-ચિંતન બુચ

- કઠોર સંજોગોમાં ઘડાયેલા પિતાથી સર્વશ્રેષ્ઠ શિક્ષક કોઇ નથી. પિતાની ભૂમિકા નૈપથ્યમાં રહીને કામ કરતા માણસ જેવી છે.

- 16 જૂન 

- ફાધર્સ ડે

છડો હું હતો છોકરો છેક છોટો, પિતા પાળી પોષી મને કીધ મોટો. રૂડી રીતથી રાખતા રાજી રાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. ચડી છાતીએ જે ઘડી મૂછ તાણી, કદી અંતરે રીસ આપે ન આણી; કહ્યું મેં મુખે તે કર્યું હાજી હાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. મને સારી શિક્ષા શિખાવી સુધાર્યો, વળી આપી વિદ્યા વિવેકે વધાર્યો; ભલી વાતના ભેદ સીધા દીધાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. કદી કોટી કોટી સહી કષ્ટ કાયા, મને છાતીમાં લૈ કરી છત્રાછાયા; અતિ પ્રાણથી પ્યાર જે આણતાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. મને દેખી અત્યંત આનંદ લેતા, મુખે માગી વસ્તુ મને લાવી દેતા; પૂરો પાડ તે તો ભૂલે પુત્ર પાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. ભણાવી ગણાવી કીધો ભાગ્યશાળી, તથા તુચ્છ જેવી બૂરી ટેવ ટાળી; જનો મધ્ય જેથી રહી કીત ગાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. હતો બાળ હું આજ સુધી અજાણ્યો, ઉરે આપનો ગુણ એકે ન આણ્યો;  હવે હું થયો જાણીતો આજ આ જી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. જગંનાથજી જીવતો રાખશે જો, હયાતી તમારી અમારી હશે જોત કરું સેવના દિલ સાચે સદાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી...

- દલપતરામ કવિ

;;;

આજે એવા 'યોગી'ની વાત કરવાની છે કે જે ઇશ્વર દ્વારા આપવામાં આવેલી 'અમૂલ્ય  સોગાદ'ના જતનમાં એવો લિન્ન બની જાય છે કે તે પોતાની સઘળી ઇચ્છા, સ્વભાવ, શોખ, અરમાન બધું જ હસતા મોઢે મનમાં જ ધરબી ચૂક્યો છે.  ઇશ્વર દ્વારા અપાયેલી ભેંટના સ્વપ્નો-ઇચ્છાઓ-કેવી રીતે તેનું જીવન વધારે બહેતર બનાવવું તેનાથી જ આ 'યોગી'ની સવાર પડે છે.  ઇશ્વરની આ ભેંટ જ્યારે-જ્યારે સ્મિત આપે ત્યારે આ 'યોગી' મોક્ષ મળ્યાની અનૂભૂતિ મેળવે છે. આ 'યોગી' એટલે પિતા. દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારની ઉજવણી 'ફાધર્સ ડે'તરીકે કરવામાં આવે છે. આપણે ફાધર્સ ડે ની ઉજવણી કરી રહ્યા છીએ તેનું શ્રેય એક દીકરીના પિતા પ્રત્યેના પ્રેમને જાય છે. વાત એમ છે કે, ૧૯મી સદીના પ્રારંભે અમેરિકાના વોશિંગ્ટનમાં સોનોરા સ્માર્ટ ડોડ્ડ નામની યુવતી હતી. તેની માતાનું બાળપણમાં જ અવસાન થઇ ગયું હતંા અને જેના કારણે તેના પિતા વિલિયમ જેક્સને સોનોરા તેમજ અન્ય ૬ સંતાનોને એકલા હાથે ઉછેર્યા હતા. ઈ.સ. ૧૯૦૯માં તેણે પ્રથમવાર 'મધર્સ ડે'ની ઉજવણી થઇ રહી હોવાની વાત પ્રથમવાર તેના ધ્યાનમાં આવી હતી. જેના કારણે તેને થયું કે, 'મધર્સ ડે ની ઉજવણી થાય છે તો ફાધર્સ ડે ની શા માટે નહીં? સંતાનના ઉછેર માટે એક પિતાનું સમર્પણ સહેજપણ ઓછું આંકી શકાય નહીં. મારા જેવા અનેક પિતા હશે જેમણે પોતાના સંતાન પાછળ પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. 'તેણે ફાધર્સ ડેની સત્તાવાર ઉજવણી માટે અમેરિકન સરકાર સુધી દરેકને પત્ર લખીને રજૂઆત કરી. તેની આ માગણી સ્વીકારાઇ અને ૧૯૦૯માં વોશિંગ્ટનમાં પ્રથમવાર ફાધર્સ ડેની ઉજવણી થઇ. સોનોરાના પિતાની વર્ષગાંઠ ૫ જૂન હતી અને જેના કારણે તે એ જ દિવસે ફાધર્સ ડેની ઉજવણી કરાવવા માગતી હતી. પરંતુ તૈયારી માટે પૂરતા સમયના અભાવે સ્થાનિક નેતાએ ૫ જૂને ફાધર્સ ડે ઉજવવાથી ઈન્કાર કર્યોે. આખરે જૂન મહિનાના ત્રીજા રવિવારની ઉજવણી ફાધર્સ ડે તરીકે કરવા ઉપર મંજૂરીની મહોર લગાવાઇ હતી. આજે એવી સ્થિતિ છે કે પુરુષોને ક્રિસમસ બાદ જ્યારે સૌથી વધુ ભેટ મળતી હોય તો તે ફાધર્સ ડે છે. 

પપ્પા સવારે ઘરની બહાર નીકળે છે અને રાત્રે ઘરે પાછો ફરે છે, ઠંડુ પડી ગયેલું ટિફિન જમે છે. રાત્રે ઘરે પાછા આવે ત્યારે પપ્પાના ચહેરા પર થાક હોય છે છતાં આઇસ્ક્રીમ ખાવા માટે બહાર લઇ જવાની ના પાડતા નથી. ઇસ્ટ્રીટાઇટ કપડા વિના ઘરની બહાર પણ પગ નહીં મૂકતો  યુવાન જ્યારે પિતા બને છે ત્યારે સંતાન માટે નવા જીન્સ-ટી શર્ટ, પર્ફ્યૂમ ખરીદી શકાય તેની કરકસર માટે દિવસોના દિવસો સુધી દાઢી નથી કરતો કે પોતાના માટે કપડાની નવી જોડ લેવાનું ટાળે છે. એક પિતાને પણ બાળકની પ્રથમ વખત બોલવાથી લઇને તેની પા પા પગલી માંડવા જેવી અમૂલ્ય ક્ષણની સાક્ષી બનવાની અદમ્ય ઇચ્છા હોય છે. પરંતુ સાથે એ હકિકતથી પણ વાકેફ છે કે તે આ ક્ષણને માણવા બેસી રહેશે તો તે સંતાન માટે બહેતર ભવિષ્ય તૈયાર નહીં કરી શકે અને તે જ વિચાર સાથે કામ માટે પડે છે. મોટાભાગે મા બાળકને મમતાથી એના ભીતરની લાગણીની દુનિયાથી પરિચિત કરાવે છે જ્યારે પિતા પોતાની મક્કમતાથી એને બહારની દુનિયાનો પરિચય કરાવે છે. કઠોર સંજોગોમાં ઘડાયેલા પિતાથી સર્વશ્રેષ્ઠ શિક્ષક કોઇ નથી.  રામનારાયણ પાઠકે તેમના કાવ્યમાં આ વાત ખૂબ જ સુંદર રીતે વણી છે કે 'બીજા પરણામ મારા પિતાજીને કહેજો રે, ઘરથી બતાવી જેણે શેરી જી, બોલી બોલાવ્યા અમને, દોરી હલાવ્યા ચૌટે, ડુંગરે દેખાડી, ઊંચે દેરી જી...' જેમ શબ્દે શબ્દે મહાન નવલકથા, ઇંટે ઇંટે મહેલ ચણાય છે તેમ ક્ષણે-ક્ષણે પિતા પોતાના સંતોનામાં પરિપક્વતા-દૂનિયા સામે લડવાનો જોમ ચણતો રહે છે. માતા કરતા પિતા વધુ ઠપકો આપે છે પણ તેમાં એક દૂરંદેશી સમાયેલી હોય છે અને તે ફળનો મધુર સ્વાદ સંતાનને વર્ષો પછી ચાખવા મળે છે. કોઇ પણ વ્યક્તિના સિદ્ધિના ગમે તે શિખરે કેમ ના પહોંચે એના પિતા હયાત હોય ત્યાં સુધી તેની અંદરનો એક બાળક પણ જીવતો રહે છે. પિતાની વિદાય સાથે જ અંદરનો એ બાળક વિદાય લે છે અને તેની અંદરના પાકટ પુરુષનો જન્મ થાય છે. આ વાતને બયાં કરતી ઉશનસ્ નું સોનેટ  છે કે, 'અરે, આ વેળા તો અનુભવ થયો અુત નવો: હતો પ્હેલી વેળા જનકહીન ગેહે પ્રવિશતો, હું જાણે કો મોટા હવડ અવકાશે પદ ધરું...સૂતો રાત્રે ખાટે જનકની જ, રે ગોદડુંય એ! નનામીયે મારી નીરખું પછી-ને ભભડ ચિતા, રહું જોઈ મારું શબ બળતું હું; હું, મુજ પિતા!' મતલબ કે, પિતાના અવસાન પછી પિતાના ઘરમાં પ્રવેશ કરતી વખતે કેવો ખાલીપો હોય છે ? 

જાણે વર્ષોથી ઘર હવડ, બંધ રહ્યું હોય, ગંધ પણ જૂની વર્ષોની સચવાયેલી હોય એમ લાગે. બધી વસ્તુઓ પરિચિત લાગે છે પણ જાણે પાછલા જનમની હોય તેમ લાગે છે. વાસ્તવિક્તા એ છે કે, એક પિતા ક્યારેય મૃત્યુ પામતા નથી. તેમના સંતાનોમાં દીકરો હોય કે દીકરી તેનામાં જીવતા હોય છે.

નાટકમાં મંચ પર રહેલા કલાકારો સૌને દેખાય છે. પણ એમના અભિનયના ઓજસ પાછળ બીજા ઘણા કામ કરતા હોય છે. દિગ્દર્શક, મંચ પર સેટ લગાડનાર માણસો, લાઇટ્સ આપનાર, સંગીતકાર વગેરે. આ તમામને મંચ પર અભિનય કરતા લોકો કરતા ઘણી ઓછી ક્રેેડિટ મળે છે. પિતાની ભૂમિકા આ નૈપથ્યમાં રહીને કામ કરતા માણસ જેવી છે. તે ઘસાય છે, ઘવાય છે, પિડાય છે, પણ સંસાર નામના નાટકને નૈપથ્યમાં રહીને બખૂબી ભજવે છે. મંચની પાછળ ઊભો ઊભો તે બધી વ્યવસ્થા કરતો રહે છે. તે હાજર ન હોવા છતાં સતત હાજર હોય છે.


Google NewsGoogle News