Get The App

હિન્દી ભાષાના વિરોધમાં જ્યારે 70 વ્યક્તિના મોત થયા...!

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
હિન્દી ભાષાના વિરોધમાં જ્યારે 70 વ્યક્તિના મોત થયા...! 1 - image


- સેલિબ્રેશન-ચિંતન બુચ

- હિન્દી ભાષા આખા દેશમાં સર્વપ્રિય કે સર્વસ્વીકૃત નથી તે એક અણિયાળી વાસ્તવિકતા છે 

- 14 સપ્ટેમ્બર

- હિન્દી ભાષા દિવસ 

'હૃ દયની કોઇ ભાષા નથી, હૃદય-હૃદયથી વાત કરે છે અને હિન્દી હૃદયની ભાષા છે. હિન્દુસ્તાન માટે દેવનાગરી  લિપિનો જ ઉપયોગ થવો જોઇએ, નહીં કે રોમન લિપિનો. હિન્દી ભાષા પ્રત્યે મારા પ્રેમથી દરેક હિન્દીપ્રેમી પરિચિત છે. હિન્દી ભાષાનો પ્રશ્ન સ્વરાજ્યનો પ્રશ્ન છે. ભારતમાં પરસ્પર વ્યવહાર માટે એવી ભાષાની જરૂર છે જેને મોટાભાગના નાગરિકો જાણી-સમજી શકતા હોય અને આ દ્રષ્ટિએ હિન્દી સર્વશ્રેષ્ઠ છે.' 

- મહાત્મા ગાંધી

વિશ્વની કોઇ પણ વ્યક્તિની ઓળખનો મહત્ત્વનો હિસ્સો હોય તો તે ભાષા છે. 'બોલી શકતો હોય તેવા માણસમાત્રની આગવી ભાષા હોય છે...' ઈટાલિયન લેખક-ચિંતક એન્ટોનિયો ગ્રેમાસ્કી જ્યારે આ વાક્ય લખ્યા કે બોલ્યા હશે ત્યારે કલ્પના પણ નહીં કરી હોય કે ભારતના સંદર્ભમાં આ વાત એકદમ લાગુ પડશે. ભારતમાં ૧૭૨૧ ભાષાઓ અને બોલીઓ છે તેથી જ જ્યારે પણ કોઇ નેતા એવું નિવેદન કરે કે, 'અંગ્રેજીના વિકલ્પ તરીકે હિન્દી ભાષાને અપનાવવી જોઇએ..' ત્યારે  વિશેષ કરીને દક્ષિણ ભારતના રાજ્યોના પેટમાં તેલ ચોક્કસ રેડાય છે. અલબત્ત, દક્ષિણ ભારતીય રાજ્યોનો હિન્દી ભાષાને માન્યતા આપવાનો આ અણગમો આજકાલનો નહીં પણ સ્વતંત્રતા પૂર્વેનો છે. ઈ.સ. ૧૯૩૭માં તામિલનાડુમાં સી. રાજાગોપાલાચારીના વડપણ હેઠળની  કોંગ્રેસે સ્કૂલોમાં હિન્દીના અભ્યાસને ફરજિયાત કરવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય બોમ્બની જેમ તુરંત ફૂટયો. ઈ.વી. રામાસ્વામી એટલે કે પેરિયાર તેમજ જસ્ટિસ પાર્ટી દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. આ આંદોલન ૩ વર્ષ સુધી ચાલ્યું હતું. આ પછી બીજા વિશ્વયુદ્ધમાં ભારતને સામેલ કરવાના બ્રિટિશ સરકારના નિર્ણયના વિરોધમાં રાજાગોપાલચારીએ રાજીનામું આપ્યું હતું. જેની સાથે જ હિન્દી ભાષાને ફરજીયાત કરવાના ઉકળતા વિવાદ પર ઠંડું પાણી રેડાયું હતું. 

સ્વતંત્રતા બાદ ૧૯૫૦માં કેન્દ્ર સરકાર દ્વારા સ્કૂલોમાં હિન્દીને ફરજીયાત કરવા અને ૧૫ વર્ષમાં સરકારી વ્યવહારની ભાષામાંથી અંગ્રેજીને નાબૂદ કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણય સાથે ફરી હિન્દી ભાષા વિરોધી આંદોલન શરૂ કર્યું. પરંતુ આ વિરોધ વધુ વંટોળ પકડે એ પહેલા જ હિન્દીને ફરજીયાત નહીં પણ વૈકલ્પિક વિષય બનાવવાની જાહેરાત કરાઇ. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ સંસદમાં એવી બાહેંધરી આપી કે હિન્દી ભાષી ના હોય તેવા રાજ્યો અંગ્રેજી  ભાષાનો ઉપયોગ જારી રાખી શકશે. આ બાહેંધરી બાદ વિરોધ કામચલાઉ ધોરણે શાંત પડયો. ૧૯૬૫માં રાજભાષા અધિનિયમ લાવવામાં આવતા ફરી વિરોધનો મધપૂડો છંછેડાયો. બન્યું એમ કે, ૧૯૬૫માં કેન્દ્ર સરકારે હિન્દીને સત્તાવાર ભાષા બનાવવાનો નિર્ણય જાહેર કર્યો હતો. જેનાથી તામિલનાડુમાં વિરોધનો જ્વાળામુખી ફરી ફાટી નીકળ્યો. જ્યાં પણ હિન્દી ભાષાના હોર્ડિંગ જોવા મળતાં તેને સળગાવી દેવાતા. તામિલનાડુના તત્કાલીન મુખ્યમંત્રી એમ. અન્નાદુરાઇએ એ તો ૨૫ જાન્યુઆરી ૧૯૬૫ને 'શોક દિવસ' મનાવવાની જાહેરાત કરી દીધી. 

એમ. અન્નાદુરાઇએ ૨૬ જાન્યુઆરીએ તમામ ઘરની છત પર કાળો ઝંડો લગાવવા માગતા હતા. પરંતુ એ દિવસે ગણતંત્ર દિવસનો કાર્યક્રમ પણ હતો, જેના કારણે તેમણે તારીખ બદલીને ૨૫ જાન્યુઆરી કરી નાખી. તામિલનાડુમાંથી હજારો લોકોની ધરપકડ થઇ. મદુરાઇમાં વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું. કોંગ્રેસના ક્ષેત્રિય કાર્યાલયની બહાર હિંસક અથડામણમાં ૮ લોકોને જીવતા જ સળગાવી દેવાયા. બે સપ્તાહ સુધી તામિલનાડુમાં હિંસક અથડામણો થઇ અને તેમાં ૭૦થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. હિન્દી ભાષાને સત્તાવાર કરવાના વિરોધમાં પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્યમંત્રી બીસી રોય પણ જોડાયા. દક્ષિણના તમામ રાજ્યો તો આ નિર્ણયના વિરોધમાં હતા જ. 

તામિલનાડુના આવેલા ભૂકંપની અસર છેક દિલ્હીમાં કેન્દ્ર સરકારને થઇ. તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની સરકારના બે મંત્રી સી. સુબ્રમણ્યમ્ અને ઓવી અલાગેસને હિન્દી ભાષાને સત્તાવાર ભાષા જાહેર કરવાના નિર્ણયના વિરોધમાં રાજીનામું આપી દીધું. આ પછી કેન્દ્ર સરકારે સ્પર્ધાત્મક અને સિવિલ પરીક્ષામાં અંગ્રેજી ભાષા જારી રાખવાનો નિર્ણય નાછૂટકે લીધો. આખરે હિન્દી ભાષાને ફરજીયાત કરવાનો નિર્ણય ફરી વાર અભેરાઇએ ચઢાવી દેવાયો. 

સમગ્ર ભારત દેશ પર લાગુ પડતી હોય તેવી કોઈ લિન્ક લેન્ગવેજ (વિવિધ રાજ્યોને જોડતી સેતુરૂપ ભાષા) આપણે ત્યાં કાયદેસર ધોરણે છે જ નહીં, પણ અંગ્રેજી ભાષા આ કામ સારી રીતે કરતી આવી છે. કેન્દ્ર સરકાર હિન્દી અને અંગ્રેજી આ બન્ને ભાષાઓમાં કામ કરે છે. ભારત રાજકીય સ્તરે દુનિયાભરના દેશો સાથે અંગ્રેજીમાં જ કમ્યુનિકેટ કરે છે.૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે ભારતના ૫૩ કરોડ લોકોની માતૃભાષા હિન્દી હતી. વસતી  ગણતરીમાં ૫૦ જેટલી ઉપભાષાઓ અને બોલીઓને 'હિન્દી'ની છત્રછાયા નીચે મૂકવામાં આવી હતી. એનીવેઝ, ભાષા હંમેશા એક સંવેદનશીલ મુદ્દો રહ્યો છે. આપણે હિન્દુસ્તાનમાં વસતા હોવા છતાં હિન્દી ભાષા આખા દેશમાં સર્વપ્રિય કે સર્વસ્વીકૃત નથી તે એક અણિયાળી વાસ્તવિકતા છે, જેને અપનાવ્યા વગર છૂટકો નથી. 


Google NewsGoogle News