દલ્હીને શા માટે વિશ્વના સૌથી 'ભૂલકણાં' શહેરનો દરજ્જો મળ્યો?!
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- કુંભમેળામાં રામમોહન તિવારીએ 20 હજારથી વધુ બાળકોનો માતા-પિતા સાથે મેળાપ કરાવ્યો અને તેઓ 'ભૂલે ભટકે તિવારી' તરીકે જ કાયમ ઓળખાયા
- 13 ફેબ્રુઆરી
- લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડે
મા ર્ચ ૨૦૨૪. ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા અનાથ આશ્રમ, બાળ વિકાસ ગૃહમાં બાળકો માટે કાઉન્સિલિંગની વિશેષ ડ્રાઇવ શરૂ કરાઇ હતી. આ ડ્રાઇવના ભાગરૂપે જ પોલીસ અધિકારીઓ 'પ્રયાસ બાલ ગૃહ'માં પહોંચ્યા અને તેઓ ગૂમ થયેલા બાળકોને કેવી રીતે પોતાના માતા-પિતા અને ઘર સુધી પહોંચી શકાય તેનું માર્ગદર્શન આપી રહ્યા હતા. થોડે જ અંતરે ઉભેલા એક યુવાન સફાઇકર્મી પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા આ કાઉન્સિલિંગને ધ્યાનથી સાંભળી રહ્યો હતો. કાઉન્સિલિંગ કરી પોલીસકર્મીઓ હજુ પરત ફરવાની તૈયારી જ કરી રહ્યા હતા ત્યાં સફાઇકર્મી યુવાન તેમની પાસે આવ્યો અને તેણે કહ્યું , 'સર, મને તમારી મદદની જરૂર છે. ૨૨ વર્ષ અગાઉ બાળપણમાં માતા-પિતાએ ઠપકો આપતાં હું ઘરેથી નાસી આવ્યો હતો. મારા ગામનું નામ ધનુરા, પિતાનું નામ સુખદેવ-માતાનું નામ અંગૂરી દેવી છે અને આ સિવાય હવે મને કંઇ જ યાદ નથી...' યુવાનની આ વાત સાંભળી પોલીસ પણ થોડી ક્ષણ માટે આશ્ચર્યમાં ગરકાવ થઇ ગઇ પરંતુ પછી એક્શન મોડમાં આવી ગઇ. તેમણે ઉત્તર પ્રદેશ પોલીસની 'સી પ્લેન એપ' , ગૂગલ મેપ દ્વારા પહેલા ધનુરા ગામની શોધ કરી. પરંતુ ધનુરા નામના ૩-૪ ગામ હતા અને તેમાંથી કોઇ નક્કર માહિતી હાથ લાગી નહીં. પોલીસે તે યુવાનની વધુ પૂછપરછ કરતાં તેણે એવી માહિતી આપી કે તે ટ્રેનમાં બેસીને ઘરેથી નાસ્યો હતો. જેના આધારે તેઓ આખરે ધનુરા ગામ સુધી અને છેવટે તે યુવાનના માતા-પિતા સુધી પહોંચ્યા. તેના પિતાએ પોલીસને કહ્યું કે, 'મારો પુત્ર ૨૨ વર્ષ અગાઉ ઘરેથી ચાલ્યો ગયો હતો અને તેમણે ૫-૬ વર્ષ સુધી તેની શોધ કરી. પરંતુ તે નહીં મળતાં અમે જીવતેજીવ તેને ફરી જોવાની આશા ગુમાવી દીધી હતી.' આખરે તે યુવાનનું ૨૨ વર્ષે તેના માતા-પિતા મિલન થયું હતું...
****
આ કોઇ ફિલ્મી સ્ટોરી નહીં પણ વાસ્તવિક જીવનમાં બનેલી ઘટના છે.જીવથી પણ વહાલી કોઇ વ્યક્તિ-ચીજી વસ્તુ અચાનક જ ખોવાઇ જાય તો તે વેદનાને જીરવવી કોઇપણ માટે અશક્ય જ છે. આ વ્યક્તિ ખોવાયા બાદ તે ફરી મળવાની સઘળી આશા ગુમાવી દીધી હોય અને અચાનક જ તે તમારે દ્વારે ટકોરા મારે તો તે ખુશીની અનુભૂતિ પણ અશક્ય છે. આ રીતે ખોવાઇને પરત મળી આવે તેના માટે શબ્દ છે, 'લોસ્ટ એન્ડ ફાઉન્ડ' . ડિસેમ્બરમાં બીજા શુક્રવારની ઉજવણી 'લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડે ' તરીકે કરવામાં આવે છે. ખોવાયેલી વ્યક્તિ, ચીજવસ્તુ શોધવામાં મદદરૂપ થવા હવે પોલીસ-એરપોર્ટ-રેલવે સ્ટેશનમાં ખાસ 'લોસ્ટ એન્ડ ફાઉન્ડ ડિપાર્ટમેન્ટ' પણ શરૂ કરાયો છે. અલબત્ત, આ પ્રકારે 'લોસ્ટ એન્ડ ફાઉન્ડ'ને કમાણીનું માધ્યમ બનાવી શકાય તેવો સૌપ્રથમ વિચાર ઈ.સ. ૧૭૧૪માં બ્રિટનના જોનાથન વાઇલ્ડને આવ્યો હતો. તેણે 'લોસ્ટ પ્રોપર્ટી ઓફિસ' શરૂ કરી. જેમાં ખોવાયેલી વસ્તુ રાખવામાં આવતી. જે પણ વ્યક્તિ યોગ્ય ઓળખ આપીને તે વસ્તુ લઇ જાય તેને પહેલા નિયત કરેલી રકમ ચૂકવવી પડતી. જોનાથન વાઇલ્ડના આ 'બિઝનેસ મોડેલ'ની ચર્ચા બ્રિટિશ પાર્લામેન્ટ સુધી થવા લાગી. ઈ.સ. ૧૭૧૭માં સોલિસિટર જનરલ સર વિલિયમ થોમસને ખોવાયેલી વસ્તુ પરત કરવાના બદલામાં કોઇ વળતર માગી શકાય નહીં તેવું બિલ પાસ કરાવ્યું હતું. વાઇલ્ડના વિચારથી પ્રેરાઇને બ્રિટિશ પોલીસ-ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં ખાસ અને નિ:શુલ્ક 'લોસ્ટ એન્ડ ફાઉન્ડ ' ડિપાર્ટમેન્ટની શરૂઆત કરવામાં આવી.
આપણે ત્યાં 'લોસ્ટ એન્ડ ફાઉન્ડ' નું વર્ષો પુરાણું કેન્દ્રબિન્દુ એટલે કુંભ મેળો. બે ભાઇઓ કુંભ મેળામાં ખોવાઇ ગયા હોય અને છેવટે તેઓ મળી આવી તેના પરથી બોલિવૂડમાં ઢગલાબંધ ફિલ્મો બની છે. પરંતુ ઉત્તર પ્રદેશમાં એક એવા શખ્સ હતા જેમણે ૧૯૪૬થી લઇને અત્યારસુધી થયેલા કુંભ મેળામાં ૨૦ હજારથી વધુ ખોવાયેલા બાળકોનો તેમના માતા-પિતા સાથે મેળાપ કરાવ્યો છે. આ શખ્સનું નામ રાજારામ તિવારી. ૧૯૪૬માં તેમની ઉંમર ૧૮ વર્ષ હતી ત્યારે પ્રયાગરાજમાં કુંભ મેળામાં તેઓ ગયા. જ્યાં તેમનું ધ્યાન ધુ્રસ્કેને ધ્રુસ્કે રડી રહેલાં એક વૃદ્ધા ઉપર પડયું. તે પોતાના પરિવારથી વિખુટા પડી ગયાં હતાં. રામમોહન તિવારી કલાકો સુધી કુંભ મેળો ખૂંદી વળ્યા અને તે વૃદ્ધાનો મેળાપ પરિવાર સાથે કરાવી આપ્યો. જેના ઉપરથી તેમને કુંભ મેળામાં 'ભૂલે ભટકે કેમ્પ' શરૂ કરવાનો વિચાર આવ્યો. તે બીજા દિવસે મોટું સ્પીકર લઇને કુંભ મેળામાં પહોંચી ગયા અને જે પણ ખોવાયું હોય એ તેમની પાસે પહોંચી જાય, જેથી તેઓ તેના નામની જાહેરાત કરે. કોઇ બાળક કે વ્યક્તિને શોધનારું કોઇ મળે જ નહીં તો તેને પોતાના ઘરે પણ લઇ જતા. જેના કારણે રામમોહન તિવારી 'ભૂલે ભટકે તિવારી' તરીકે ઓળખાવવા લાગ્યા. હવે તેમનું અવસાન થયું છે પણ આગામી ૧૫ જાન્યુઆરીથી શરૂ થઇ રહેલા કુંભ મેળામાં તેમના પુત્ર-પૌત્ર ખોવાયેલાઓનો મેળાપ કરાવવાની જવાબદારી સંભાળવાના છે. અલબત્ત, આ વખતે કુંભ મેળામાં ખોવાયેલાઓને શોધવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પણ ઉપયોગ થવાનો છે. હવે તો આવા કોઇ સ્થાને બાળકો ખોવાય નહીં તેના માટે એન્ટિ લોસ્ટ રિસ્ટબેન્ડનો ઉપયોગ પણ માતા-પિતા દ્વારા વધવા લાગ્યો છે.
હિન્દી ફિલ્મોના ઉલ્લેખ વગર લોસ્ટ એન્ડ ફાઉન્ડની વાત અધૂરી ગણાશે. ૧૯૪૩માં કિસ્મત, વક્ત, રામ ઔર શ્યામ, સીતા ઔર ગીતા, અંગૂર, અમર અકબર એન્થની, જ્હોની મેરા નામ, જ્વેલ થીફ, બજરંગી ભાઇજાન, જગ્ગા જાસૂસ, જવાન અને લાપત્તા લેડિઝ સહિત અનેક ફિલ્મોના મૂળમાં લોસ્ટ એન્ડ ફાઉન્ડના બી રોપાયેલા છે.
વિશ્વમાં કયા શહેરના લોકો સૌથી ભૂલકણાં છે તેના અંગે એક સર્વેક્ષણ પણ હાથ ધરાયું હતું. જેમાં દિલ્હીને વિશ્વના સૌથી ભૂલકણાં શહેર તરીકે જાહેર કરાયું હતું. દિલ્હીના લોકો કેબમાં સૌથી વધુ પાણીની બોટલ, જ્વેલેરી, હેડફોન, ચેકબૂક, ઘડિયાળ, ભૂલી જતાં હોવાનું સામે આવ્યું હતું. આ સર્વેક્ષણમાં એવું પણ સામે આવ્યું કે શનિવાર-રવિવાર દરમિયાન લોકો સૌથી વધુ વસ્તુ ભૂલી જાય છે. બાય ધ વે, દિલ્હી એટલે આપણા રાજકારણીઓનું મુખ્ય સ્થાન. રાજકારણીઓ ઝડપથી કોઇ વસ્તુ ભૂલી જાય તે વાત ગળે ઉતરી એવી નથી. હા, એ અલગ વાત છે કે એક પ્રજા તરીકે કોઇપણ કાંડ હોય કે કૌભાંડ ગણતરીના દિવસમાં ભૂલી જ જઇએ છીએ....!