મા એક એવી ઋતુ છે જેને કદી પાનખર આવતી નથી
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- 14 મે -મધર્સ ડે
'બે ટા, તારા ટિફિનમાં રોટલી-દાળ-ભાત-શાક-સલાડ મૂક્યા છે....'
'હા, મમ્મી...'
'...અને હા એક સાઇડના ખાનામાં છાસ અને તેની બાજુમાં જ પાણીની બોટલ રાખી છે...'
'હા, મમ્મી જોઇ લઇશ...હું કાંઇ હવે નાનો કિકલો નથી...'
'મુખવાસ નીચેના ખાનામાં છે...ટાઇમસર જમી લેજે...'
'અરે, હા મમ્મી...હું ઓફિસ જાઉં છું પિકનિકમાં નથી જતો...ટાઇમ મળતા જમી લઇશ...'
'ઓકે, બેટા...સાચવીને જજે અને હા રાત્રે શું બનાવું તેનું પણ કહેજે...તારું કંઇક ભાવતું બનાવું...'
'મમ્મી યાર... તું પણ...હજુ અત્યારનું તો જમવા દે.. ક્યાં અત્યારથી રાતનું જમવાનું વિચારવાનું કહે છે...'
;;;
મમ્મીની હાજરી ધરાવતું કોઇપણ ભાવ નીતરતું ઘર હોય ત્યાં તેના અને સંતાન વચ્ચે આવો સંવાદ થવો સ્વાભાવિક જ છે. જેમાં મમ્મીના અવાજમાં સતત ચિંતા જ્યારે સંતાનના અવાજમાં સવાલોના સતત દોરથી સામાન્ય રીતે એક પ્રકારનો કંટાળો જોવા મળતો હોય છે. સંતાન ગમે તેટલા કંટાળો-અણગમો દર્શાવે છતાં મમ્મીને ક્યારેય કોઇ ફરક પડતો નથી. આખરે મમ્મીનું એકમાત્ર મિશન સંતાનને તમામ તકલીફોથી માઇલો દૂર રાખવાનું જ હોય છે. અકસ્માત થાય ત્યારે '૧૦૮' અગાઉ જે પહેલા યાદ આવે અને જેનું નામ માત્ર હૃદયમાં એક હાશ લાવી તેવી મમ્મી માટે મે મહિનામાં આવતા બીજા રવિવારની ઉજવણી 'મધર્સ ડે' તરીકે કરવામાં આવે છે. મધર્સ ડે છે ત્યારે માતા અંગેની કેટલીક જાણી-અજાણી રચનાઓ અને અવતરણો થકી મમતાના સાગરમાં છબછબીયું કરીએ.
;;;
મા, તેં દુ:સહ વેદના પ્રસવની જે ભોગવી ના ગણું, કાયા દીધી નિચોવી ના કહું ભલે તેં ધોઇ બાળોતિયાં, આ જે એક જ ભાર માસ નવ તેં વેઠયો હું તેનું ઋણ પામ્યો ઉન્નતિ તોય ના ભરી શકું. તે માતાને હું નમું.
- શંકરાચાર્ય
(અનુવાદ : મકરન્દ દવે)
;;;
'માની શું ઉંમર હતી?' માને ઉંમર નથી હોતી.
શું નામ હતું? માને નામ નથી હોતું
મા ક્ષર નથી હોતી, અ-ક્ષર છે.'
- ચંદ્રકાંત બક્ષી
;;;
પ્રથમ શિશુ સૌ કહાનો માતા બધી જ યશોમતી.
મૃદુમિલન મોંમાં બ્રહ્માંડ અનંત વિલોકતી.
- ઉશનસ્
;;;
ઈશ્વર જેવો કોઇ મહાન કલાકાર નથી, એ માનવીને સર્જે છે, પણ માનવીની નીચે પોતાનું નામ નથી લખતો, અને લખે છે ત્યારે માતાનું નામ લખે છે. પણ માતાય ઈશ્વરની મહાનતાનું પ્રતિક છે, એ બાળકને એના પિતાનું નામ આપી દે છે. મા ઉદરમાં નવ મહિના એના બાળકનો ભાર વેઠે છે... માત્ર એ નવ મહિનાનો બદલો આપવા ધારું તોય મારા નેવું વરસ પણ કંઇ વિસાતમાં નથી.
-બરકત વિરાણી 'બેફામ'
;;;
તમે કદી તમારી માને તમારા માટે પથારી પાથરતી જોઇ છે ખરી? કેવી રીતે તે ચાદરને ખેંચે છે, સીધી કરે છે, સુંવાળી સુંવાળી બનાવીને ખોસે છે કે જેથી તમને એની એકાદ કરચલી પણ ખૂંચે નહીં. એના શ્વાસ, હાથ અને હથેળીની ગતિ-બધું વ્હાલું વ્હાલું લાગે છે.
-વ્લેડીમીર હોલન
;;;
એ ધારત તો કંઇ પણ બની શક્યાં હોત, પણ એ થઇને રહ્યાં મારી મા.
- અજ્ઞાત
;;;
માતાની ગમે તેટલી ઉંમર હોય તોય દીકરાના જીવન ઉપરનો એનો મંગળ પ્રભાવ કદીય પૂરો થતો નથી. તેથી માતા જેમ લાંબું જીવે તેમ દીકરાને માટે સારું છે.ઉત્કૃષ્ટ પ્રેમ તો માતાનો જ પ્રેમ છે. માતા એ જિંદગીનું સૌથી મોંઘું ઔષધ છે.
- ફાધર વાલેસ
;;;
માનવજાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ છે મા, અને સહુથી સુંદર સાદ કોઇ હોય તો તે સાદ છે 'મારી મા.' એ એક એવો શબ્દ છે, જે આશા અને પ્રેમથી ભરેલો છે, એક મધુર અને માયાળુ શબ્દ, જે હૃદયના ઉંડાણમાંથી આવે છે. મા સઘળું છે- શોકમાં તે આપણું આશ્વાસન છે. દુ:ખમાં તે આપણી આશા છે, દુર્બળતામાં તે આપણી શક્તિ છે. તે પ્રેમ, કરૂણા, સહાનુભૂતિ અને ક્ષમાશીલતાનો ઝરો છે.
- ખલીલ જિબ્રાન
;;;
માને તો આકાશ જેટલું ચાહી શકાય, દેવમૂર્તિની જેમ પૂજી શકાય. પણ એ એવું કશું માગે-વિચારેય નહીં !એટલે જ દોસ્તની જેમ એને ખભે કે ખોળામાં માથું મૂકી શકાય, ઝઘડીયે શકાય. આપણા હોઠો પરની દૂધિયા ગંધ એની છાતીમાં અકબંધ. અને સ્વંય ભગવાન સુગંધ-સુગંધ ! (ભગવાનનીયે મા તો હશે જ ને ?)
- ભગવતીકુમાર શર્મા
;;;
હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહા હેતવાળી દયાળી જ મા તું.
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે, પીડા પામું પંડે તજે સ્વાદ તો તે મને સુખ માટે કટુ કોણ ખાતું, મહા હેતવાળી દયાળી જ મા તું
લઈ છાતી સાથે બચી કોણ લેતું, તજી તાજું ખાજું મને કોણ દેતું, મને કોણ મીઠા મુખે ગીત ગાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું
પડું કે ખડું તો ખમા આણી વાણી, પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી, પછી કોણ પોતાતણું દૂધ પાતું, મહા હેતવાળી દયાળી જ મા તું
- દલપતરામ
;;;
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,જગથી જૂદેરી એની જાત રે.. અમીની ભરેલ એની આંખડી રે લોલ,વ્હાલનાં ભરેલાં એના વેણ રે... જનનીની
- દામોદર બોટાદકર
;;;
ગયાં વીતી વર્ષો દસ ઉપર બે-ચાર તુજથી થયે જુદા, તોયે મુજ હૃદયની શૂન્ય કુટીરે વિરાજેલી બા! તું નવ કદીય હુ દૂર ચસવા દઉં, મારે માટે વિકટ પથમાં તું જ સઘળું. હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે, હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે અને ગાલે મારે તૂજ ચૂમી તણી સ્નેહવરષા નથી ઝાંખી થૈ કૈં, કંઇ સહજ વા ગૈછ બદલી. વધે છે વર્ષો તો દિનપ્રતિદિન છતાં કેમ મુજને રહે છે બોલાવી બચપણ તણી હાક તુજ ની!
- મણિલાલ દેસાઇ
;;;
દુ:ખમાં મા યાદ આવે છે, મુસિબતમાં મા યાદ આવે છે, પણ એવું હોય ત્યારે જ મા કેમ યાદ આવે છે? અંધારું હોય છે, રસ્તો દેખાતો નથી, ભીતરમાં નિરાશા હોય છે ત્યારે હું માને યાદ કરું છું. મુસીબત નથી હોતી ત્યારે , કે, નાની મોટી સુખની ક્ષણોમાં મા મને કેમ યાદ નથી આવતી? એટલા માટે કે મા સ્વાર્થી નથી હોતી, એટલા જ માટે કે મા સુખમાં ભાગ નથી પડાવતી. એ તો દુ:ખમાં ભાગ પડાવે છે, દુ:ખમાં રક્ષાકવચ બનીને ઊભી હોય છે. ઓ મા ! તું તારા સ્વાર્થી દીકરાને માફ કરજે , જે તને અંધારામાં યાદ કરે છે ને અજવાળામાં ભૂલી જાય છે.
- વિજય વિશ્વાસની હિંદી કવિતાનો અનુવાદ
;;;
ઈસ તરહ વો મેરે ગુનાહોં કો ધો દેતી હૈ...
મા બહુત ગુસ્સેમેં હો , તો રો દેતી હૈ
;;;
કલ અપને-આપનો કો દેખા થા માં કી આંખો મેં
યે આઇના હમેં બૂઢા નહીં બતાતા હૈ.
-મુન્નવર રાણા
;;;
ઘાસ પર ખેલતા હૈ ઈક બચ્ચા, પાસ માં બૈઠી મુસ્કુરાતી હૈ. મુજ કો હૈરત હે જાને ક્યૂં દુનિયા કાબા ઓર સોમનાથ જાતી હૈ.
- નિદા ફાઝલી