આપણી સોસાયટી-શેરી કરતાં પણ ઓછી વસતી ધરાવતા દેશ !

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
આપણી સોસાયટી-શેરી કરતાં પણ ઓછી વસતી ધરાવતા દેશ ! 1 - image


- સેલિબ્રેશન-ચિંતન બુચ

- 11 જુલાઇ : વિશ્વ વસતી દિવસ

- માત્ર 764ની વસતી ધરાવતા વેટિકન સિટીમાં કોઇ જ હોસ્પિટલ કે જેલ પણ નથી 

૧,૪૪૧,૯૪૦,૭૫૦.... ૧,૪૪૧,૯૪૦,૮૦૦.... ૧,૪૪૧,૯૪૦,૮૪૪ ....વેઇટ... વેઇટ...આ કોઇ ધનકુબેરની સંપતિનો કે કોઇ કૌભાંડનો આંકડો નથી. બલ્કે પ્રતિ મિનિટે વધતો જતો આપણા દેશની વસતીનો આંક છે. ૭ જુલાઇની આ સ્થિતિ પ્રમાણે આપણા દેશની વસતીનો આંક ૧૪૫ કરોડથી હવે નજીક છે. સૌથી વધુ વસતી ધરાવતા દેશમાં આપણે મોખરાના સ્થાને, ચીન ૧૪૨.૫૧ કરોડ સાથે બીજા, અમેરિકા ૩૪.૧૮ કરોડ સાથે ત્રીજા, ઈન્ડોનેશિયા ૨૭.૯૮ કરોડ સાથે ચોથા અને પાકિસ્તાન ૨૪.૫૨ કરોડ સાથે પાંચમાં સ્થાને છે. બીજી તરફ સમગ્ર વિશ્વની વસતી હવે ૮૧૨ કરોડને પાર થઇ ગઇ છે. વિશ્વની વસતિએ ઈ.સ. ૧૮૦૪માં ૧ અબજ, ૧૯૨૭માં ૨ અબજ, ૧૯૬૦માં ૩ અબજ, ૧૯૭૪માં ૪ અબજ, ૧૯૮૭માં ૫ અબજ, ૧૯૯૯માં ૬ અબજ અને ૨૦૧૧માં ૭ અબજ નો આંક વટાવ્યો હતો.

હવે આપણા દેશની વાત કરવામાં આવે તો આજથી ૫૦ વર્ષ અગાઉ એટલે કે ૧૯૭૪માં ભારતમાં વસતી ૬૦.૯૭ કરોડ હતી. ભારતનો વાર્ષિક વસતી વૃદ્ધિ દર ૧૯૭૪માં ૨.૨૮ ટકા હતો અને તે વર્ષ ૨૦૨૪માં ૦.૯૨ ટકા છે. યુનાઇટેડ નેશન્સના અહેવાલ પ્રમાણે આરોગ્ય સેવા સુધરતાં હવે ભારતના લોકોના સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે પણ તેની સામે વર્તમાન જીવન શૈલીના કારણે વંધ્યત્વનું પ્રમાણ પણ વધ્યું છે.  જેના કારણે વર્ષ ૨૦૫૦ સુધીમાં પ્રત્યેક ૬માંથી ૧ વ્યક્તિ ૬૫ વર્ષ કરતા વધુ વયની હશે. હાલ સરેરાશ ૧૧માંથી ૧ વ્યક્તિની ઉંમર ૬૫ વર્ષની હોય છે. બીજી તરફ વર્ષ ૨૦૩૬ સુધીમાં ગુજરાતમાં વૃદ્ધ નાગરિકોની સંખ્યા ૫૪.૪૫ લાખ વધીને ૧.૨૫ કરોડ થવાનો અંદાજ છે. આમ, એ વખતે દરેક છઠ્ઠો ગુજરાતી વૃદ્ધ હશે. ૧૫ થી ૩૪ વર્ષના યુવાઓની સંખ્યા ગુજરાતમાં ૩૦ ટકા જ રહેશે. 

એનીવે'ઝ ૧૧ જુલાઇના 'વર્લ્ડ પોપ્યુલેશન ડે' છે ત્યારે ભારતની વધતી જતી વસતીની નહીં પણ એવા દેશની વાત કરવાની છે જેમની વસતી આપણા તાલુકા-જિલ્લા તો ઠીક પણ આપણે ત્યાં શહેરની કેટલીક સોસાયટી-એપાર્ટમેન્ટ કરતાં પણ ઓછી છે....

વેટિકન  સિટી

માત્ર ૧.૧૩ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા વેટિકન સિટીની વસતી માત્ર ૭૬૪ની છે. આ એટલી જ વસતી છે જેટલી ઘણી વખત અમદાવાદના ભરચક રોડના ટ્રાફિક સિગ્નલમાં પણ જોવા છે.... વેટિકન સિટી ઇટલીના રોમમાં વસેલો દેશ છે. વેટિકન સિટીની મુલાકાત લેવાની થાય તો તમારા પાસપોર્ટ પર કોઇ દેશનો નહીં પણ પિલગ્રિમ્સ સ્ટેમ્પ લગાવવામાં આવે છે. રસપ્રદ રીતે વેટિકન સિટીમાં કોઇ જ હોસ્પિટલ કે જેલ પણ નથી. ઓફિસના કામથી આવેલી વ્યક્તિ, એલચી કચેરીમાં કાર્યરત અધિકારીઓ, રોમન કેથોલિક ચર્ચના સર્વોચ્ચ પાદરીઓને જ ત્યાંનું નાગરિકત્વ મળે છે. ઓછી વસતી છતાં વાઇનનું સૌથી વધુ સેવન કરવામાં વેટિકન સિટી મોખરે છે. વેટિકન સિટીમાં વર્ષ દરમિયાન પ્રત્યેક નાગરિક સરેરાશ ૧૦૫ બોટલ વાઇન પીવે છે. વેટિકન સિટીમાં માત્ર ૧ જ સુપરમાર્કેટ છે અને દરેકને ટેક્સ ફ્રી વાઇન આપે છે. વિશ્વની સૌથી ટૂંકી એટલે કે ૩૦૦ મીટરની રેલવે વેટિકન સિટીમાં છે. બાય ધ વે, તમે ચાલતા નીકળો તો માત્ર એક કલાકમાં આ સમગ્ર દેશનો પ્રવાસ કરીને પરત ફરી શકો. વેટિકન સિટીની વસતી ભલે ઓછી હોય પણ તેનું ધાર્મિક-ઐતિહાસિક-સાંસ્કૃતિક રીતે ખૂબ જ મહત્વ હોવાથી તેની મુલાકાતે આવનારા વિદેશી પ્રવાસીઓની સંખ્યા ખૂબ જ વધારે હોય છે. વેટિકન સિટીની માતૃભાષા લેટિન છે અને તે પોતાની કરન્સી પણ ધરાવે છે, જે ઈટલીમાં માન્ય છે. વેટિકન સિટીમાં ન્યાયવ્યવસ્થા, એડિમિનિસ્ટ્રેશનની સત્તા પોપ પાસે જ હોય છે.

તુવાલુ

ઓસ્ટ્રેલિયા-હવાઇની બરાબર વચ્ચે આવેલા તુવાલની વસતી માત્ર ૧૦૬૭૯ છે.એલિસ ટાપુ તરીકે ઓળખાતા તુવાલુ ૧ ઓક્ટોબર ૧૯૭૮માં બ્રિટનની ગુલામીમાંથી મુક્ત થયું હતું. ૨૬ સ્ક્વેર કિલોમીટર સાથે તુવાલુએ વિસ્તારની રીતે વેટિકન સિટી, મોનેકો, નૌરુ બાદ ચોથો સૌથી નાનો દેશ છે. તુવાલુમાં ગુનાખોરી  અને આતંકવાદનો દર નહિવત છે અને તેના કારણે ત્યાં પોલીસ-લશ્કર જ નથી. તુવાલુમાં સૌથી લોકપ્રિય રમત કિલિકિટી છે અને તે ક્રિકેટને મળતી આવે છે. તુવાલુ ખૂબ જ સુંદર દરિયા કિનારે આવેલું છે. પરંતુ પ્રવાસીઓ માટે ખૂબ જ ઓછી સુવિધા હોવાથી ત્યાં વર્ષે માંડ ૧ હજાર પ્રવાસીઓ આવે છે. માત્ર ૮ કિલોમીટરનો પાક્કો રસ્તો છે. વિશ્વમાં કુલ ૩૪ એવા દેશ છે જ્યાં રેલવે નથી અને તેમાં તુવાલુનો પણ સમાવેશ થાય છે.

નાઉરુ

તુવાલુના ઉત્તરપશ્ચિમ અને પપુઆ ન્યૂ ગીનીના પૂર્વ-ઉત્તર પૂર્વમાં આવેલો નાઉરુએ ૩૦ કિલોમીટરનો વિસ્તાર ધરાવે છે. વર્ષ ૨૦૧૮ અનુસાર નૌરુની વસતી માત્ર ૧૧૬૮૦ છે. વિશ્વમાંથી માત્ર વેટિકન સિટી, મોનેકો જ નાઉરુ કરતા ઓછો વિસ્તાર ધરાવે છે. નૌરુમાં નદી-વર્લ્ડ હેરિટેજ સાઇટ જેવું કંઇ જ નથી અને ૩૦ કિલોમીટર સુધી માત્ર રોડ જ જોવા મળશે. વિશ્વભરમાં નાઉરુની ઓળખ સૌથી વધુ મેદસ્વી દેશ તરીકે જ કરવામાં આવે છે. કેમકે, નાઉરુની વસતીના ૭૧.૧૦ ટકા લોકો મેદસ્વી છે. વૈશ્વિક સરેરાશ કરતા નાઉરુના લોકો ચાર ગણું વધારે વજન ધરાવે છે. વિશ્વમાં સૌથી ઓછી જીડીપીમાં નાઉરુ ૧૦૨ મિલિયન ડોલર સાથે બીજા સ્થાને છે. પરંતુ વર્ષો અગાઉ સ્થિતિ સાવ અલગ હતી. ૧૬૯૦ના દાયકામાં નાઉરુની ગણના વિશ્વમાં સૌથી વધુ માથાદીઠ આવક ધરાવતા દેશમાં થતી હતી. વિશ્વમાં કુલ ૧૬ એવા દેશ છે જેમાં આર્મી નથી અને તેમાં નાઉરુનો સમાવેશ થાય છે.

પલાઉ

ફિલિપિન્સ પાસે આવેલો આ દેશ ૪૫૯ સ્ક્વેર કિલોમટર વિસ્તારમાં જ ફેલાયેલો છે અને તેની વસતી માત્ર ૧૬૭૩૩ની છે. પલાઉ ભલે ટચૂકડો દેશ હોય પણ પર્યાવરણની જાળવણી માટે તે દ્રષ્ટાંત પૂરો પાડે છે. આ દેશની મુલાકાત લેતા અગાઉ પ્રવાસીઓએ પર્યાવરણ કે સાંસ્કૃતિક ધરોહરને નુકસાન નહીં પહોંચાડવાની બાહેંધરી આપવી પડે છે. શાર્ક માટે અભ્યારણ્ય જાહેર કરનારો પણ પલાઉ સૌપ્રથમ દેશ છે. પલાઉના ગામડાઓના પ્રમુખ કોણ બનશે તે મહિલાઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. ઘરના ફાઇનાન્સ મેનેજમેન્ટની જવાબદારી પણ મહિલા પાસે જ રાખવાની પરંપરા છે.

સેન મેરિનો 

ઈટાલી પાસે આવેલો આ દેશ વિશ્વનો સૌપ્રથમ પ્રજાસત્તાક દેશ છે. ૬૧  સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલા આ દેશની વસતી માત્ર ૩૪ હજાર છે. સેન મેરિનો  પ્રવાસીઓ માટે હોટ સ્પોટ છે અને જેના કારણે ત્યાં નાગરિકો કરતાં વાહનોની વસતી વધારે છે. વિશ્વમાં જૂજ એવા દેશ છે જેના પર કોઇ દેવું નથી અને તેમાં સેન મેરિનોનો સમાવેશ થાય છે.


Google NewsGoogle News