Get The App

પોસ્ટમાં પાર્સલથી જ્યારે બાળકોને મોકલાતા...!

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
પોસ્ટમાં પાર્સલથી જ્યારે બાળકોને મોકલાતા...! 1 - image


- સેલિબ્રેશન-ચિંતન બુચ

- ઓક્ટોબર

- વર્લ્ડ પોસ્ટ ડે 

- અમેરિકામાં બાળકને દૂરના અંતરે મોકલવાનું હોય તો તેને રેલવે મેઇલથી પેસેન્જર ટ્રેનમાં મોકલાતું

'હેલ્લો, ગૂડ મોર્નિંગ...મારું નામ જ્હોન છે...'

પોસ્ટલ વિભાગનો કર્મચારી : 'જી, હું આપની સહાયતા કરી શકું...'

જ્હોન : મારે પોસ્ટથી મારા બાળકને પાર્સલ કરીને મોકલવું છે...'

કર્ર્મચારી : ઓકે, બાળકના નામ, વજનની વિગત અને જ્યાં મોકલવાનું છે ત્યાંનું સરનામું આપો...'

આ સંવાદ વાંચતા જ '..વ્હોટ...બાળકને પોસ્ટમાં પાર્સલથી મોકલવાનું...!!! ના હોય...' જેવા  પ્રકારની પ્રતિક્રિયા આવવી સ્વાભાવિક જ છે. પરંતુ આ સંવાદ ભલે કાલ્પનિક છે પણ ઘટના વાસ્તવિક છે. બન્યું એમ કે, ૧૯૧૦ના દાયકામાં અમેરિકામાં પોસ્ટલ સર્વિસમાં પાર્સલ સર્વિસનો પણ નવો-નવો પ્રારંભ થયેલો. આ પાર્સલ સર્વિસ અંગે જાણ થતાં જ ઓહાયોનું દંપતી પોતાના નવજાત બાળકને લઇને પોસ્ટ ઓફિસ પહોંચી ગયું.  તેમણે પોસ્ટ વિભાગના કર્મચારીને બાળકને પાર્સલથી થોડા કિલોમીટરના અંતરે આવેલા તેની નાનીના ઘરે મોકલી દેવા કહ્યું. જાણે કોઇ ચીજ વસ્તુ મોકલાતી હોય તેમ બાળકનું વજન કરાયું અને તેને પોસ્ટમેનની બેગમાં મૂકવામાં આવ્યું. આ બેગમાં ૧૫ સેન્ટની સ્ટેમ્પ લગાવાઇ અને પોસ્ટમેન તે બાળકને નાનીના ઘરે મૂકી આવ્યો. બસ, પછી તો પોસ્ટમાં પાર્સલથી આ રીતે કંઇ પણ મોકલી શકાય તેવી વાત વાયુવેગે પ્રસરી ગઇ. આ એ સમય હતો જ્યારે પોસ્ટ ડિપાર્ટમેન્ટે પાર્સલ સેવા તો શરૂ કરેલી પણ પાર્સલથી શું મોકલવું અને શું ના મોકલવું તેના કોઇ ધારા-ધોરણ નક્કી કર્યા નહોતા. જેના કારણે નાના બાળકો જ નહીં ઈડા, ઈંટ, નાસ્તો જેવી વિવિધ ચીજવસ્તુ પાર્સલથી મોકલવા લાગ્યા. અમેરિકાના ઓહાયોથી જ ૧૯૧૩થી ૧૯૧૫માં બાળકને પાર્સલથી એક સ્થળેથી બીજા સ્થળે મોકલવાની ઓછામાં ઓછી સાત ઘટના નોંધાઇ હતી. એટલું જ નહીં બાળકને દૂરના અંતરે મોકલવાનું હોય તો તેને રેલવે મેઇલથી પેસેન્જર ટ્રેનમાં મોકલાતું. ફ્લોરિડાની એક મહિલાએ તો તેની ૬ વર્ષની પુત્રીને ૭૨૦ માઇલના અંતરે વર્જિનયા ખાતે પોસ્ટથી માત્ર ૧૫ સેન્ટના ખર્ચે મોકલી હતી. આ જ રીતે ૧૯૧૪માં પાંચ વર્ષની અને ૨૨ વર્ષની શેરલોટ મે પિયરસ્ટ્રોફને ગ્રેંગવિલેથી પોસ્ટ પાર્સલથી મોકલાઇ હતી. એટલું જ નહીં તેણે જે કોટ પહેર્યો હતો તેના પર અત્યારની કિંમત પ્રમાણે કુલ રૂપિયા ૮૦૦ જેવી કિંમતની વિવિધ સ્ટેમ્પ પણ લગાવાઇ. આ ઘટના પરથી ૧૯૯૭માં મિશેલ ટનેલે 'મેઇલિંગ મે' નામનું બાળકોનું પુસ્તક પણ લખ્યું હતું.  પોસ્ટથી બાળકને મોકલવાની છેલ્લી ઘટના ૧૯૧૫માં બની. આ પછી રેલવે મેઇલ સર્વિસના અધિકારીઓને પોસ્ટથી બાળકોને મોકલાતા હોવાની જાણ થઇ અને તાકીદે તેમણે તેના પર પ્રતિબંધ લાદી દીધો.

આજે દેશ-વિદેશના કોઇપણ ખૂણે બેઠેલી વ્યક્તિ વાત કરવા માટે માત્ર ફોન ઉપાડવાની જરૂર છે. પરંતુ આ રીતે વિશ્વના કોઇપણ ખૂણે ફોન કે વિડીયોકોલથી વાત થઇ શકે તેવો વિચાર પણ નહોતો જન્મ્યો ત્યારે પોસ્ટલ સર્વિસ એક આશીર્વાદ સમાન હતી. 

વન્સ અપોન એ ટાઇમ, ખાસ એક માણસને રૂબરૂ એક ગામથી બીજા ગામ મોકલી સમાચાર કે વાવડ મોકલવામાં આવતા અને મોઢા મોઢ સમચારની આપ-લે થતી. રાજા રજવાડાના સમયમાં ખાસ પૈગામી માણસો રાખવામાં આવતા જે માત્ર સંદેશા પહોંચાડવાનું જ કામ કરતા. આ દરમિયાન જ અત્યંત દૂરના વિસ્તારમાં ઝડપથી સંદેશા પહોંચાડવા માટે કબૂતરને ખાસ તાલીમ આપવાની પણ શરૂ થઇ.

કાળક્રમે સંદેશા મોકલવાની પદ્ધતિમાં ફેરફાર થતો ગયો અને મોરપીછમાંથી બનાવવામાં આવેલી કલમને કાળા કે લાલ રંગના પ્રવાહીમાં જબોળીને કાગળ-કાપડમાં પત્ર લખવાની પદ્ધતિ વિકસી હતી. ૧ ઓક્ટોબર ૧૮૫૪માં ભારતમાં પદ્ધતિસરના ટપાલવ્યવહારની શરૂઆત થઇ હતી. જેની સાથે જ લગભગ ૧૬૫ વર્ષ સુધી ટપાલ સેવાનો દબદબો રહ્યો હતો. ટપાલ લખવાની પણ કળા -એક આગવી ઢબ હતી.ટપાલના ઉપરના ભાગમાં 'ઓમ' કે 'જય શ્રી કૃષ્ણ' લખવામાં આવતું. આ પછી 'એતાન ગામ સાવરકુંડલા મધ્યેથી કાનજીભાઇના રામ-રામ વાંચશો...' એ પ્રકારે મથાળું બાંધવામાં આવતું અને પછી જે કંઇ વિગત જણાવવાની હોય તે વિગતવાર લખવામાં આવતું.  આ ઉપરાંત શુભ પ્રસંગે લખાતી ટપાલ હંમેશા લાલ શાહી દ્વારા લખાતી અને તેને 'શુકનિયો' કહેવામાં આવતી. અશુભ પ્રસંગે લખાતી ટપાલો હંમેશાં કાળી શાહી દ્વારા લખવામાં આવતી અને તે 'કાળોતરી' કહેવામાં આવતી જે ટપાલ વાંચીને તુરંત જ ફાડી દેવાતી. ઇમરજન્સીમાં કોઇ સંદેશો પહોંચાડવો હોય તો ટેલિગ્રામની સેવાનો ઉપયોગ થતો.  પત્ર જો લાંબોલચક હોય તો ઇનલેન્ડ લેટરનો ઉપયોગ થતો. દિવાળી આવવાની હોય તેના દોઢ મહિના અગાઉ ગ્રીટિંગ કાર્ડની ખાસ ખરીદી કરવામાં આવતી.

એ જમાનામાં  ટપાલી પણ જાણે સુખ-દુ:ખનો સાથી બની જતો.આ ટપાલી નિરક્ષર કે પ્રજ્ઞાાાચક્ષુને પત્ર વાંચીને પણ સંભળાવતો.  હવે આપણા ઘરે ટપાલી કોણ આવે છે તે પણ દિવાળી વખતે બોણી લેવા આવે ત્યારે જ માલૂમ પડે છે.

વર્તમાન સમયે આંખના પલકારામાં હજારો કિલોમીટર દૂર સંદેશા તો પહોંચી જાય છે પણ તેની સાથે ધીરજનો ગુણ પણ ગાયબ થતો જાય છે. ટપાલનો ઈંતેજાર શું કહેવાય તેની વેદના નવલિકા 'પોસ્ટમેન'માં કોચમેન અલી ડોસા દ્વારા હૃદય સોંસરવી ઉતરી જાય તેમ વર્ણવાઇ છે.  હવે દિવાળી નજીક છે તો દૂર રહેતા અંગત સ્વજન કે ખાસ દોસ્તને ગ્ર્રીટિંગ કાર્ડ અને સાથે નાનો પત્ર લખીને મોકલશો તો એના ચહેરા પર ચોક્કસ સ્મિત આવી જશે....


Google NewsGoogle News