સ્વામી વિવેકાનંદ અને ટેસ્લા : એક સંન્યાસી અને વૈજ્ઞાનિક વચ્ચેની મુલાકાત
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- સત્યની કસોટી માત્ર એક જ છે કે એ તમને શક્તિશાળી અને વહેમથી પર બનાવે.
- 12 જાન્યુઆરી
- રાષ્ટ્રીય યુવા દિવસ
આ પૃથ્વી પરના દિવ્ય આત્માઓ! તમને પાપી કેમ કહી શકાય? માનવને પાપી કહેવો એ પાપ છે-માનવસ્વભાવ ઉપર કાયમી એ આક્ષેપ છે. ઓ સિંહો ! તમે ઘેટાંઓ છો એ ભ્રમજાળ ખંખેરીને ઊભા થાઓ. તમે અમર આત્મા છો, તમારા ઉપર આશિષ ઉતરેલા છે, તમે અનંત છો, તમે ભૌતિક પદાર્થો નથી, તમે માત્ર દેહ નથી, ભૌતિક પદાર્થો તો તમારા ગુલામો છે, ભૌતિક પદાર્થોના તમે ગુલામ નથી.
***
જો કોઇ માણસ બીજાને પૈસા માટે છેતરે તો તમે કહો છો કે એ મૂર્ખ અને ધુતારો છે. તો જે માણસ બીજાને આધ્યાત્મિકતાને નામે છેતરવા ઈચ્છે તો, તેની દુષ્ટતા કેટલી વધારે મોટી છે? એ તો હદ ઉપરાંત દુષ્ટ છે. સત્યની કસોટી માત્ર એક જ છે કે એ તમને શક્તિશાળી અને વહેમથી પર બનાવે. સબળ બનો, સર્વ વહેમોથી પર જાઓ અને મુક્ત બનો!
***
જે અનિષ્ટ આવવાનું છે તેમાં તમારી દુર્બળતાનો ઉમેરો કરો નહીં. જગતને મારે આટલું જ કહેવાનું છે. 'સબળ' બનો. તમે પ્રેતો અને ભૂતોની વાતો કરો છો. આપણે જ જીવતાં જાગતાં ભૂતો છીએ. બળ અને વિકાસ એ જીવંતપણાની નિશાની છે. નિર્બળતા મૃત્યનું ચિહ્ન છે. જો મૃત્યુ અનિવાર્ય છે, તો લાકડાં કે પથ્થરની માફક જીવવા કરતાં વીરની માફક મરવું શું વધારે સારું નથી? પડયા પડયા કટાઇ જવા કરતાં, ખાસ કરીને બીજાનું જે થોડું પણ ભલું થઇ શકે તે કરતાં કરતાં ઘસાઇ મરવું વધુ સારું!
***
આજે જ નહીં હરહંમેશ પ્રાસંગિક જ લાગે તેવી સ્વામી વિવેકાનંદની અમૃતવાણીના આ અંશ છે. ૧૨ જાન્યુઆરીના સ્વામી વિવેકાનંદની જયંતિને આપણે 'રાષ્ટ્રીય યુવા દિવસ' તરીકે ઉજવીએ છીએ. આજે સ્વામી વિવેકાનંદની જમશેદજી તાતા તેમજ નિકોલા ટેસ્લા વચ્ચે થયેલી મુલાકાતની વાત કરીએ....
ઈ.સ. ૧૮૯૩માં સ્વામી વિવેકાનંદ સ્ટીમર દ્વારા અમેરિકા જઇ રહ્યા હતા અને તેમના સહપ્રવાસીમાં જમશેદજી તાતાનો પણ સમાવેશ થતો હતો. ૩૦ વર્ષીય સ્વામી વિવેકાનંદ અને ૫૪ વર્ષીય જમશેદજી તાતા આ યાત્રા દરમિયાન ૨૦ દિવસ એકબીજા સાથે રહ્યા હતા. આ યાત્રા દરમિયાન જમશેદજીએ વિવેકાનંદને કહ્યું કે તેઓ ભારતમાં સ્ટીલ ઈન્ડસ્ટ્રી શરૂ કરવા માગે છે. એ વખતે સ્વામી વિવેકાનંદ જમશેદજીને ટકોર કરી કે, રૉ મટેરિયલના વ્યવસાયમાં તે નાણા તો કમાઇ લેશે પણ તેનાથી દેશનું હિત નહીં થાય. દેશના હિત માટે જરૂરી છે કે ભારતમાં જ ઉત્પાદનની ટેક્નોલોજી આવે, જેનાથી આપણા દેશે બીજા પર આધાર રાખવાની જરૂર પડે નહીં. આ દરમિયાન બંને વચ્ચે રિસર્ચ ઈન્સ્ટિટયુટ શરૂ કરવા અંગે પણ ચર્ચા થયેલી. આ મુલાકાતના પાંચ વર્ષ બાદ જમશેદજીએ તાતાએ સ્વામી વિવેકાનંદને પત્ર લખીને રિસર્ચ સેન્ટર શરૂ કરવા માટે સમર્થન માગ્યું. ૨૩ નવેમ્બર, ૧૮૯૮ના જમશેદજીએ વિવેકાનંદને પત્રમાં લખ્યું કે, 'આશા છે કે આપને જાપાનથી શિકાગો સુધીનો તમારો આ સહમુસાફર યાદ હશે જ. ભારતમાં ત્યાગ અને તપસ્યાની ભાવના જાગૃત થઇ રહી છે એમ તમે જણાવ્યું હતું. આપણો હેતુ તેને રચનાત્મક કામ કરીને વધુ આગળ વધારવાનો છે. વૈજ્ઞાાનિક સંશોધન તો થવાં જ જોઇએ એવું તમે કહ્યું તે પણ મને બરાબર યાદ છે. મારી ધારણા પ્રમાણે જો એવા આશ્રમો અથવા આવાસગૃહોની સ્થાપના કરવામાં આવે, જ્યાં ત્યાગભાવનાથી જોડાયેલા લોકો સાદું જીવન વિતાવીને ભારતમાં ભૌતિક તેમજ માનવીય વિજ્ઞાાનની ચર્ચા પણ કરે, તો તેનું કેવું સારૃં પરિણામ આવે? મારો વિચાર છે કે આવાં ચેતનાના સંઘર્ષની જવાબદારી કોઇ યોગ્ય નેતા ઉપાડી લે તો તેમાં ધર્મ અને વિજ્ઞાાન બંનેની ઉન્નતિ થશે અને આપણો દેશ જગજાણીતો બનશે. આવું અભિયાન સ્વામી વિવેકાનંદ સિવાય કોણ કરી શકે? આપણી રાષ્ટ્રીય પરંપરાઓને નવી જિંદગી આપવા આપે જ સક્રિય બનવું પડશે. તેની શરૂઆત જો આપની ઓજસ્વી વાણીમાં એક પુસ્તક લખવાથી થાય તો તેનો તમામ ખર્ચ ઉઠાવતાં મને ખૂબ આનંદ થશે.'
એ વખતે સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશનની કામગીરીમાં વ્યસ્ત હતા. જેના કારણે તેમણે પોતાની શિષ્યા સિસ્ટર નિવેદિતાને જમશેદજીને રિસર્ચ ઈન્સ્ટિટયુટ સંદર્ભમાં મળવાં માટે મોકલ્યાં હતાં. આ ઉપરાંત સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનના અંગ્રેજી અખબાર 'પ્રબુદ્ધ ભારત' ના માધ્યમથી આ રિસર્ચ ઈન્સ્ટિટયુટનો પ્રસાર કરાવ્યો હતો. સ્વામી વિવેકાનંદ અને જમશેદજી તાતાના વિચારબીજથી ૧૯૦૯માં બેંગાલુરુ ખાતે ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ સાયન્સ અસ્તિત્વમાં આવેલી. પરંતુ આ વિખ્યાત શિક્ષણ સંસ્થા અસ્તિત્વમાં આવી તેના સાત વર્ષ અગાઉ જ સ્વામી વિવેકાનંદનું અને પાંચ વર્ષ અગાઉ જમશેદજીનું અવસાન થયું હતું.
ઈ.સ. ૧૮૯૬માં ગૌતમ બુદ્ધના જીવન પર આધારિત એક નાટક 'ઈઝિએલ' અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય હતું. સ્વામી વિવેકાનંદ એ વખતે અમેરિકાના પ્રવાસે હતા અને તેઓ જ્યારે આ નાટક જોવા માટે પહોંચ્યા ત્યારે તેમની મુલાકાત ખ્યાતનામ વૈજ્ઞાાનિક-ઈનોવેટર નિકોલા ટૈસ્લા સાથે થઇ. ૩૯ વર્ષના ટેસ્લા એ વખતે એરકન્ડિશન મોટરની શોધ કરી ચૂક્યા હતા. યોગાનુયોગ, થોડા દિવસ અગાઉ જ સ્વામી વિવેકાનંદે લખેલા એક પત્રમાં
ટેસ્લાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે લખ્યું હતું કે, 'શ્રીમાન ટેસ્લા વિચારે છે કે ગણિતના સમીકરણથી બળ અને પદાર્થનું ઉર્જામાં ટ્રાન્સફોર્મેશન સાબિત કરી શકે છે. હું તેમને મળીને તેમનો આ નવો ગાણિતિક પ્રયોગ જોવા માગું છું. ટેસ્લાનો આ પ્રયોગ વેદાંતની સાયન્ટિફિક રૂટ્સને સાબિત કરી દેશે. જેના અનુસાર આ સમગ્ર વિશ્વ અનંત ઉર્જાનું રૂપાંતરણ છે. ' અલબત્ત, ટેસ્લાને પદાર્થ અને ઉર્જાનો સંબંધ સ્થાપિત કરવામાં સફળતા મળી નહોતી. ૧૮૯૭માં સ્વામી વિવેકાનંદે તેમના પ્રવચનમાં પણ ટેસ્લાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, 'વર્તમાન સમયના કેટલાક બુદ્ધિશાળી વૈજ્ઞાાનિરોએ વેદાંતના વિજ્ઞાાનનો સ્વીકાર કર્યો છે. આ પૈકી એક વૈજ્ઞાાનિકને હું અંગત રીતે ઓળખું પણ છું. તે વ્યક્તિ દિવસ-રાત માત્ર લેબમાં હોય છે અને તેમની પાસે ભોજન માટે પણ ફૂરસદ હોતી નથી. પરંતુ મારા દ્વારા અપાયેલા વેદાંતના પ્રવચન સાંભળવા કલાકો ફાળવી શકે છે. '