ડેનમાર્ક, સ્વિડને કઇ રીતે ઈકો ફ્રેન્ડલી દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું?

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
ડેનમાર્ક, સ્વિડને કઇ રીતે ઈકો ફ્રેન્ડલી દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું? 1 - image


- સેલિબ્રેશન-ચિંતન બુચ

- 5 જૂન

- વિશ્વ પર્યાવરણ દિવસ

- અત્યારના દરે ગ્રીન હાઉસ ગેસિસનું ઉત્સર્જન ચાલુ રહ્યું તો વર્ષ 2070થી પૃથ્વીનું સરેરાશ તાપમાન 4.4 ડિગ્રી સેલ્સિયસ વધી જશે 

ઘટના ૧ : અમદાવાદ ખાતે ૫૩૬ 'જીવ'ની જાહેરમાં હત્યા કરવામાં આવી. આ 'હત્યા' પાછળ જેમનો હાથ હતો તેમને રૂપિયા ૧ કરોડનો દંડ ફટકારીને સંતોષ માની લેવાયો. 

ઘટના  ૨ : ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ, મેરઠ, મુઝફ્ફરનગરમાં ૧.૧૦ લાખથી વધુ 'જીવ'ની હત્યા કરવા માટે સરકાર દ્વારા જ 'ગ્રીન સિગ્નલ' આપવામાં આવ્યું..!

વિતેલા સપ્તાહમાં જ સામે આવેલી આ બંને ઘટના છે. જેમાં 'હત્યા' કરવામાં આવી અને  'હત્યા' માટે મંજૂરી આપવામાં આવી તે 'જીવ' એટલે વૃક્ષ. પ્રથમ ઘટનામાં આ ૫૩૬ વૃક્ષના નિકંદન માટેનું કારણ માત્ર એટલું કે વૃક્ષને લીધે જાહેરાતના હોર્ડિંગ્સ જોઇ શકાતા નહોતા. જેના કારણે એડવર્ટાઇઝમેન્ટ એજન્સીએ આ અડચણરૂપ વૃક્ષને જ બરહેમીથી હટાવી દીધા. બીજી ઘટનામાં ૩૩ હજાર મોટા-૭૮ હજાર નાના વૃક્ષોને કાપવા માટે એટલે નિર્ણય લેવામાં આવ્યો જેથી કાવડ યાત્રા દરમિયાન ભીડની સમસ્યાનો સામનો કરવો પડે નહીં. વૃક્ષ નિકંદનની આ અનેક પૈકીની કેટલીક એવી ઘટનાઓ છે જે સામે આવી છે. માનવજાતિ એના અસ્તિત્વની શરૂઆતથી જ જે વાત જાણે છે એ શું ફરી શીખી ન શકે? આ વાત એટલે કે દુનિયાના તમામ જીવો પરસ્પર અત્યંત જટિલ તથા ગૂઢ સંબંધોના એવા તાણાવાણામાં જીવે છે કે માણસનું અસ્તિત્વ માત્ર ને માત્ર સ્વચ્છ હવા, શુદ્ધ પાણી, કસદાર માટી, પૂરતો સૂર્યપ્રકાશ અને વનસ્પતિ તથા પ્રાણીઓની જૈવિક વિવિધતા પર જ અવલંબે છે. ૫ જૂને 'વિશ્વ પર્યાવરણ દિવસ' છે ત્યારે ગ્લોબલ વોર્મિંગની વધતી સમસ્યા ડેન્માર્ક-સ્વિડન જેવા દેશોએ કઇ રીતે ઈકો-ફ્રેન્ડલી દેશમાં મોખરાનું સ્થાન જમાવ્યું જેવા વિવિધ પાસા પર વાત કરીશું.

શિયાળાની વહેલી વિદાય, આગ ઓકતો ઉનાળો, કોરું ચોમાસું અથવા તો અતિવૃષ્ટિની હેલી કે વિનાશક વાવાઝોડા સાથેનું અચોક્કસ હવામાન...આ બધું હવે અપવાદ નહીં, પણ નિયમિત ગણાય છે. ગ્લોબલ વૉર્મિંગ-ક્લાઈમેટ ચેન્જનો રાક્ષસ સમગ્ર વિશ્વને પજવી રહ્યો છે. ગ્લોબલ વૉર્મિંગ-ક્લાઇમેટ ચેન્જ શબ્દો અવાર- નવાર સાંભળવા મળે છે પણ તે છે કઇ બલાનું નામ તેના વિશે ઘણા અજાણ જ હોય છે. સાદી ભાષામાં કહીએ તો કાર્બન ડાયોક્સાઇડ સહિત અનેક વાયુ ગ્રીન હાઉસ ગેસિસ તરીકે ઓળખાય છે. સૂર્યનાં કિરણો પૃથ્વી પર પડે ત્યારે સપાટી સાથે ટકરાઇને પરાવર્તિત થાય છે અને વાતાવરણની બહાર જતાં રહેવાનું વલણ રાખે છે. જો એ ખરેખર તેમાંથી છટકી જાય તો પૃથ્વીનું સરેરાશ માઇનસ તાપમાન ૧૮ ડિગ્રી સેલ્સિયસ થઇ જાય. આ પરાવર્તિત કિરણોને બહાર જતાં રોકીને ગરમીને ફરી પૃથ્વીમાં ફંગોળવાનું કામ ગ્રીન હાઉસ ગેસિસ દ્વારા થાય છે, તે વાતાવરણના ઉપલા સ્તરે હોય છે. ગ્રીન હાઉસ ગેસિસનું પ્રમાણ હદની બહાર વધી જાય તો પૃથ્વીનું તાપમાન પણ વધવા લાગે છે. અનેક વસ્તુનાં ઉત્પાદન, વાહનવ્યવહાર, વીજનિર્માણ જેવી પ્રવૃત્તિ ટનબંધ ગ્રીન હાઉસ ગેસિસ પેદા કરે છે, ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડ (સીઓટુ). સમગ્ર વિશ્વમાં સીઓટુ ઉત્સર્જન વાર્ષિક ધોરણે અંદાજે ૩૬ અબજ ટન છે. વર્ષ ૧૭૫૦માં વાતાવરણમાં ગ્રીન હાઉસ ગેસિસનું પ્રમાણ દર ૧૦ લાખ એકમે ૨૮૦ હતું, જે આજે ૩૬૦ છે અને વર્ષ ૨૦૩૬ સુધીમાં ૬૦૦એ પહોંચવા ધારણા છે. ગ્ર્રીન હાઉસ ગેસિસ પૃથ્વીના ધખવાનું કારણ બને છે અને પછી એના ચેન રિએક્શન તરીકે વ્યાપક ઋતુપલટાનો અનુભવ થાય છે. ક્લાઇમેટ  ચેન્જને કારણે સમુદ્રની સપાટી વધે છે, વરસાદ અનિયમિત બને છે, અતિવૃષ્ટિ અને દુષ્કાળ વધુ ભીષણ બનીને ત્રાટકે છે, જેથી માટીની ઉપજાવ ક્ષમતા ઘટે છે. અત્યારના દરે ગ્રીન હાઉસ ગેસિસનું ઉત્સર્જન ચાલુ રહ્યું તો વર્ષ ૨૦૭૦થી પૃથ્વીનું સરેરાશ તાપમાન ૪.૪ ડિગ્રી સેલ્સિયસ વધી જશે  અને સૌથી ગરમ દિવસે તાપમાન ૫.૫ ડિગ્રી સેલ્સિયસ વધશે. વિજ્ઞાાનીઓના મતે આપણે ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન એકદમ ઓછું કરી નાખીશું તો પણ ઓલરેડી એટલું નુકસાન થઇ ચૂક્યું છે કે ૨૦૪૦થી ૨૦૪૯ સુધી પૃથ્વીના તાપમાનમાં સરેરાશ ૨ થી ૨.૫ ડિગ્રીનો વધારો થવાનો જ છે. 

માઇક્રોસોફ્ટ કંપનીના સહસ્થાપક બિલ ગેટ્સ ક્લાઇમેટ ચેન્જ પ્રત્યે ખૂબ જ ગંભીર છે અને તેમણે પોતાના પુસ્તક 'હાઉ ટુ એવોઇડ ક્લાઇમેટ ડિઝાસ્ટર'માં લખ્યું છે કે, 'માનવીની વિવિધ પ્રવૃત્તિને કારણે વાતાવરણમાં વર્ષે ૫૧ અબજ ટન ગ્રીન હાઉસ ગેસ ભળે છે, જે હજારો વર્ષ સુધી એમને એમ રહે છે. જેના કારણે પૃથ્વીનું તાપમાન વધે છે. આ ઉત્સર્જન ઘટાડવાથી કોઇ અર્થ હવે રહેવાનો નથી, તેને શૂન્ય પર લઇ જવાનું છે. 

હવે ડેનમાર્ક અને સ્વિડને કઇ રીતે વિશ્વના ઈકો ફ્રેન્ડલી દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યું તેની વાત કરીએ...આપણે ત્યાં લોકસભાની ચૂંટણીમાં પક્ષોના પ્રચારમાં જાતિ આધારીત વસતી ગણતરી, મંગળસૂત્ર જેવા મુદ્દા જોવા મળે છે. જેના સ્થાને ડેનમાર્કમાં સરકાર કોઇ પણ આવે તેની અગત્યતામાં પર્યાવરણનું સંરક્ષણ તો હોય જ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો લોકો મહત્તમ ઉપયોગ કરે, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ ઈલેક્ટ્રિક વાહનનો જ ઉપયોગ થાય, રિન્યૂએબલ એનર્જીનો મહત્તમ ઉપયોગ કઇ રીતે કરવો તેના ઉપર ખાસ ધ્યાન અપાય છે.  આ જ રીતે સ્વિડનમાં રિન્યૂએબલ એનર્જી ઉપર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. વર્ષ ૨૦૪૫ સુધીમાં તેઓ ૮૫ ટકાથી ૧૦૦ જેટલું કાર્બન ઉત્સર્જન ઘટાડવા લક્ષ્ય ધરાવે છે. જાપાને વિકાસ સાથે પર્યાવરણ સંરક્ષણનો તાલમેલ જાળવી રાખ્યો છે. આગામી ૧૦ વર્ષમાં ૫૦ ટકા નવી કાર શૂન્ય ઉત્સર્જન ધરાવતી બનાવવા જાપાનનો લક્ષ્યાંક છે.

પર્યાવરણ તજજ્ઞા ડો. ડેવિડ સુઝુકીની વાત યાદ રાખવા જેવી છે કે, 'આપણે માનવીઓ કૃત્રિમ નહીં, પણ પ્રાકૃતિક વિશ્વનો હિસ્સો છીએ. સમસ્યા ફક્ત એટલી છે કે અત્યારે આપણે ભૂલી ગયા છીએ કે વાતાવરણ અને અન્ય જીવો પ્રત્યેનો આપણો દરેક આઘાત, એ આપણા પગ પર કુહાડીરૂપે જ પડવાનો છે. '


Google NewsGoogle News