જ્યારે અમેરિકામાં ચ્યુઈંગ ગમ ચાવતી મહિલાઓને અસંસ્કારી ગણવામાં આવતી...!
- સેલિબ્રેશન-ચિંતન બુચ
- તમાકુંની અવેજીમાં પુરૂષોએ ચ્યુઈંગ ગમ ચાવવાનું વધુ શરૂ કર્યુ. જેના કારણે ચ્યુઈંગ ગમ પ્રત્યેની માનસિકતા પણ બદલાવવા લાગી.
વર્ષ ૨૦૦૯ : પેલેસ્ટાઇનના આતંકી સંગઠન હમાસે ઈઝરાયેલ સામે આક્ષેપ લગાવ્યો. હમાસના દાવા પ્રમાણે ઈઝરાયેલ દ્વારા એવી ચ્યુઈંગ ગમ મોકલવામાં આવી રહી છે કે જેનાથી યુવાનોમાં જાતિય આવેગો વધી રહ્યા છે અને જેના કારણે તેઓ પોતાના હેતુથી ભટકવા લાગ્યા છે.
વર્ષ ૨૦૨૨ : બ્રિટનના લોકો અને મીડિયાના દબાણને કારણે બ્રિટિશ સરકારને એક ટાસ્ક ફોર્સ બનાવવી પડી. ભ્રષ્ટાચાર કે બળાત્કાર જેવી ઘટનાને રોકવા નહીં પણ સમગ્ર બ્રિટનમાંથી ચ્યુઈંગ ગમથી એકત્ર થતા કચરાના નિકાલ માટે આ ટાસ્કફોર્સની રચના કરાઇ હતી.
***
ગળપણ ધરાવતો રબરનો નાનકડો ટુકડો એટલે કે ચ્યુઈંગ ગમ અવાર-નવાર ચર્ચામાં રહે છે.અલબત્ત, ચ્યુઈંગ ગમનો ઈતિહાસ આજ-કાલનો નહીં પણ સદીઓ પુરાણો છે. અંદાજે ૯ હજાર વર્ષ અગાઉ ઉત્તર યુરોપના લોકો ભોજના વૃક્ષની છાલ ચાવતા હતા. આ છાલ ચાવવાનો હેતુ દાંતનો દુ:ખાવો મટાડવા માટેનો હોવાનું મનાય છે. આ પછી વિવિધ સંસ્કૃતિમાં ચ્યુઈંગ ગમ જેવા પદાર્થને ખાવાનો ઉલ્લેખ જોવા મળે છે. માયા સંસ્કૃતિના લોકો ચિકલ વૃક્ષની છાલ ચાવતા હતા. પરંતુ તેઓ તેનો ઉપયોગ લાંબી મુસાફરી દરમિયાન ભૂખ-તરસ લાગે તો તેના માટે કરતા. એસ્ટલ સમાજના લોકો પણ ચિકલ વૃક્ષની છાલ ચાવતા. પરંતુ તેમણે આ છાલ ચાવવા માટે ખાસ નિયમ બનાવેલા. જેમકે, બાળકો અને મહિલાઓ જ જાહેરમાં તેને ચાવી શકતા, વિધવા માત્ર ખાનગી રીતે જ તેને ચાવી શકતી. તેનો ઉપયોગ ખાસ કરીને દાંતના દુ:ખાવામાંથી રાહત મેળવવા માટે થતો. હાલના સમયમાં આપણે જે ચ્યુઈંગ ગમ ચાવીએ છીએ તેના મૂળિયા અમેરિકામાં છે. વર્ષ ૧૮૪૮માં અમેરિકાના વેપારી જ્હોન કર્ટેસે સૌપ્રથમ મોર્ડન ચ્યુઈંગ ગમ બનાવી હતી.
તેમણે વૃક્ષમાંથી નીકળતા ગુંદને પાણીમાં બરાબરનું ઉકાળ્યું અને તેના નાના-નાના ટૂકડા કરી દીધા. તેને મકાઇની છાલમાં વીંટીને આપવામાં આવતી. કેમકે, કાગળમાં તે ચોંટી જતી હતી. જ્હોન કર્ટેસને એવો દ્રઢ વિશ્વાસ હતો કે તેની આ પ્રોડક્ટ સુપરહીટ જશે અને જેના કારણે તેણે આ કથિત ચ્યુઈંગ ગમ બનાવવા માટે ખાસ મોટી ફેક્ટરી પણ બનાવી હતી.પરંતુ આ ચ્યુઈંગ ગમમાં કોઇ જ સ્વાદ નહોતો અને મોંઢામાં પડતાં જ તે કડક થઇ જતી, જેનાથી તેને લાંબો સમયમાં ચાવવામાં મુશ્કેલી પડતી. આમ, આ પ્રોડક્ટ સંપૂર્ણ નિષ્ફળ રહી અને કર્ટેસનું ચ્યુઈંગ ગમના બિઝનેસથી ભરપૂર રૂપિયા કમાવવાનું સ્વપ્ન પણ પૂરું થઇ શક્યું નહીં. આ પછી ૧૮૫૫નું વર્ષ ચ્યુઈંગ ગમ માટે નિર્ણાયક બની રહ્યું. મેક્સિકોના એક દિગ્ગજ નેતા હતા એન્ટોનિયો લોપેઝ. તેમણે મેક્સિકોને સ્વતંત્રતા અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મેક્સિકોને ૨૭ સપ્ટેમ્બર ૧૮૨૧ના સ્વતંત્રતા મળી . તેમણે મેક્સિકોનું બંધારણ ઘડયું... રાષ્ટ્રપતિ બન્યા... આ પદેથી હાંકી કાઢીને તેમને દેશમાંથી તડીપાર પણ કરાયા..તેઓ ફરી મેક્સિકોમાં આવ્યા અને રાષ્ટ્રપતિ તરીકે આરૂઢ થયા, એટલું જ નહીં અમેરિકા સામે યુદ્ધ પણ લડયું હતું.
આ ઘટનાક્રમ ઓછો હતો કે મોર્ડન ચ્યુઈંગ ગમ બનાવવામાં પણ તેમણે ભૂમિકા ભજવી. વાત એમ છે કે, એ અરસામાં થોમસમાં એક સંશોધક હતા થોમસ એડમ્સ. એન્ટોનિયો લોપેઝને જાણ થઇ કે થોમસ એડમ્સ એક ખાસ પ્રકારની રબર બનાવવા પર સંશોધન કરી રહ્યા છે. જેના કારણે લોપેઝે થોમસ એડમ્સને મેક્સિકોમાં ભરપૂર મળી આવતા ચિકલ વૃક્ષની છાલ પૂરી પાડી સંશોધનમાં મદદ શરૂ કરી. પરંતુ લોપેઝનો રબર બનાવવાનો પ્રોજેક્ટ નિષ્ફળ રહ્યો. લોપેઝે નિરાશ થવાને બદલે વિચાર્યું કે આ ચિકલ વૃક્ષની છાલથી રબર ભલે બની શકી ના હોય પણ તેનાથી ચ્યુઈંગ ગમ બનાવાય તો કેવું રહેશે? એડમ્સનો આ વિચાર ચ્યુઈંગ ગમના ઈતિહાસ માટે 'યુરેકા' ક્ષણ હતો. માત્ર ૩૫ ડોલરના ખર્ચે એડમ્સે ચ્યુઈંગ ગમ બનાવવાની ફેક્ટરી સ્થાપી. મેક્સિકોથી તેઓ ચિકલ વૃક્ષની છાલ મગાવતા અને તેના પરથી તેઓ ચ્યુઈંગ ગમ બનાવતા. એડમ્સની ચ્યુઈંગ ગમની વિશિષ્ટતા એ હતી કે તે લાંબો સમય સોફ્ટ રહેતી. પરંતુ સમસ્યા એ હતી કે આ ચ્યુઈંગ ગમમાં આજના સમયમાં હોય છે તેવો કોઇ સ્વાદ નહોતો.
સ્વાદ નહીં હોવા છતાં એડમ્સના ફળદ્રૂપ ભેજાની ઉપજથી ચ્યુઈંગ ગમ ખૂબ જ લોકપ્રિય બનવા લાગી. એડમ્સે સૌપ્રથમ લોલીપોપનું વેચાણ શરૂ કર્યું. લોલીપોપ સાથે તે ચ્યુઈંગ ગમ પણ દુકાનોમાં મોકલતો. બાળકોને લોલીપોપ સાથે આ ચ્યુઈંગ ગમ મફત અપાતી. જેના કારણે બાળકોમાં આ પ્રોડક્ટ થોડા સમયમાં ખૂબ જ લોકપ્રિય થઇ ગઇ। થોમસ રહ્યો એક બિઝનેસમેન.તેણે ચ્યુઈંગ ગમમાં ફ્લેવર ઉમેરવાનું શરૂ કર્યું. આ સાથે જ તેનો ફ્લેવર ઉમેરવાનો પ્રયોગ એટલો લોકપ્રિય રહ્યો કે એડમ્સને જાણે જેકપોટ જ લાગી ગયો. તેણે એક પછી એક નવી ફ્લેવરની ચ્યુઈંગ ગમ લોંચ કરી અને અમેરિકામાં તેની પ્રોડક્ટનો ડંકો વાગ્યો. બાળકો જ નહીં મહિલાઓમાં પણ ચ્યુઈંગ ગમ લોક પ્રિય થવા લાગી. પરંતુ મહિલાઓ ચ્યુઈંગ ગમ ચાવે તે પુરૂષોને પચ્યુ નહિ. પુરૂષો રહ્યાં તમાકું ચાવવાના શોખીન. મહિલાઓ ચ્યુઈંગ ગમ ચાવતી તો તેમને એવું લાગતું કે એ તેમની બરાબરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકાના અખબારોએ પણ મહિલાના ચ્યુઈંગ ગમ ચાવવા સામે વિવિધ આર્ટિકલથી વિરોધ શરૂ કરી દીધો. તેઓ લખતા કે ચ્યુઈંગ ગમ ચાવવાથી મહિલાઓને લકવો થવાનું જોખમ રહે છે, ચ્યુઈંગ ગમ ચાવવાથી એપેન્ડીક્સ થઈ શકે છે. આમ ચ્યુઈંગ ગમ વિરૂદ્ધ નકારાત્મક સમાચારોનો મારો ચાલવા લાગ્યો. કોઈ ઉચ્ચ વર્ગની મહિલા ચ્યુઈંગ ગમ ચાવે તો તેની સામે ધૂ્રણાની નજરે જોવામાં આવતું.
આખરે વીસમી સદીના પ્રથમ દાયકામાં ચ્યુઈંગ ગમ પ્રત્યેની માન્યતામાં ફેરફાર થવાનું શરૂ થયું. તમાકુંથી થતા નુકશાન અંગે પુરૂષોને જાણ થઈ. અમેરિકન આર્મીમાં તમાકું ચાવવા પર પ્રતિબંધ મુકાયો. તમાકુંની અવેજીમાં પુરૂષોએ ચ્યુઈંગ ગમ ચાવવાનું વધુ શરૂ કર્યુ. જેના કારણે ચ્યુઈંગ ગમ પ્રત્યેની માનસિકતા પણ બદલાવવા લાગી. અમેરિકાના અખબારોએ યુટર્ન લેતાં ચ્યુઈંગ ગમના વખાણ શરૂ કર્યા. તેઓ લખતા કે ચ્યુઈંગ ગમ ચાવવાથી મોઢાની કસરત થાય છે, મોઢામાંથી દુર્ગંધ ઘટે છે. આમ, ચ્યુઈંગ ગમની સફળતા સતત વધવા લાગી. અમેરિકામાં અનેક કંપનીઓએ ચ્યુઈંગ ગમ બનાવવાની શરૂઆત કરી. અધુરામાં પુરૂ અભિનેત્રી ટિંચર તેની ફિલ્મોમાં ચ્યુઈંગ ગમ ચાવતી. લોકોને લાગતું કે ટિંચર ચ્યુઈંગ ગમ ચાવે છે એટલે જ આટલી સુંદર લાગે છે. ૧૯૧૬માં ચ્યુઈંગ ગમને ચિંતાનો દુશ્મન ગણાવવા લાગી. મનોચિકિત્સકો ડિપ્રેશનના દર્દીઓને દવામાં ચ્યુઈંગ ગમ લખી આપતાં. ચ્યુઈંગ ગમ વિવાદના કારણે પણ ચર્ચામાં રહી છે. સિંગાપોરમાં ૧૯૯૦ના દાયકામાં ચ્યુઈંગ ગમ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો. આ પાછળ કારણ એવું હતું કે ચ્યુઈંગ ગમથી ખુબ જ કચરો ફેલાતો હતો અને તેનો નિકાલ પણ મુશ્કેલ હતો. બ્રિટને પણ ચ્યુઈંગ ગમથી ફેલાતા કચરા સામે ચિંતા વ્યક્ત કરી હતી. ચ્યુઈંગ ગમથી ફેલાતા કચરાના નિકાલ માટે વર્ષ ૧૭ કરોડ રૂપિયા ખર્ચાતા હોવાનો દાવો કર્યો હતો.